STORYMIRROR

Dina Vachharajani

Tragedy Thriller

4  

Dina Vachharajani

Tragedy Thriller

મુખવટો

મુખવટો

2 mins
255

સામે છેડે ફોનની રીંગ જ વાગ્યા કરતી હતી. સવારથી આ ચોથીવાર રસિકલાલ લંડન દીકરા રાજીવને ફોન લગાડી રહ્યાં હતાં. આ છેલ્લીવાર કોશિશ કરું ......ને લો દીકરો બોલતો હતો " હેલ્લો બાપુજી ...તમને કહ્યું તો હતું અમે હેલોવીન ફેસ્ટીવલની રજામાં ક્રૂઝ પર ફરવા આવ્યાં છીએ. અમને ડિસ્ટર્બ ન કરતાં ! આ તો હું કેબીનમાં મારું ઘોસ્ટ- માસ્ક (ભૂતિયું-માસ્ક ) લેવા આવ્યો તે ફોન સાંભળ્યો, બાકી અત્યારે એનસેસ્ટર્રલ ફીસ્ટ ( પિત્રુઓને ધરાતો ભોગ ) એન્ડ ફન પાર્ટી ચાલી રહી છે. તમે નવરા બેઠાં છો પણ અમને વેકેશનની મજા લેવા દો ! "

અરે પણ સાંભળ......રસિકલાલના શબ્દો સામે છેડે પહોંચે એ પહેલાં ફોન કટ.

હવે હેલોવીન ઉજવવાનો વારો રસિકલાલનો હતો. એમણે પત્નીને ભાવતી સૂંઠવાળી પાતળી રાબ બનાવી થરમોસમાં ભરી અને ચહેરા પર હાસ્યનો મુખવટો પહેરી હોસ્પિટલમાં પત્નીનાં બીછાને પહોંચી બોલ્યાં "લે, આ રાબ પી મોઢું મીઠું કર. ક્યારની રટ લઈ બેઠી હતી એ તારો દીકરો એના આખા કુટુંબને લઈ ચાર દિવસમાં અહીં પહોંચે છે..હવે તો ખુશ ! " અશક્ત પત્નીનાં ચહેરા પર ફેલાયેલા આનંદને ખૂબ સંતોષ અને પ્રેમથી નિહાળતાં એમણે મોઢું પરસેવો લૂછવાને બહાને રૂમાલમાં છૂપાવી દીધું....જેથી પેલા સરકી રહેલા હાસ્યના મુખવટાને પાછું સજ્જડ ...ઓછામાં ઓછું ચોવીસ કલાક માટે પહેરી શકાય. આજે સવારના જ ડોક્ટરે જણાવેલું આ વખતનાં એટેકમાં તમારી પત્નીના હૃદયને ખૂબ જ નુકશાન થયું છે....એની નાડી પણ મંદ પડી રહી છે. હવે એ ફક્ત ચોવીસ કલાકની મહેમાન છે.

અને પછી કોઈને ન સંભળાય એમ એ બબડ્યાં " હેલોવીનમાં તો સામેવાળાને આનંદ પમાડે એવી મજાક કરવાની તો છૂટ હોય ને ?! "


Rate this content
Log in

Similar gujarati story from Tragedy