મૃત્યુનો સ્વીકાર
મૃત્યુનો સ્વીકાર


એ મૃત્યુશૈયા પર હતો. પોતાના આખરી શ્વાસ ગણી રહ્યો હતો. કોઈક આશાએ એનો જીવ શરીર છોડવા માંગતો નહોતો. એ કંઇક પૂછવા માંગતો હતો. એની નજર ચોફેર ભેગા થયેલા ટોળામાં કો’કને શોધી રહી હતી. આખરે એની નજર પોતાના એક ખાસ મિત્ર પર આવી અટકી. ઇશારાથી એણે પોતાના મિત્રને નજીક બોલાવ્યો. સમયની ગંભીરતાને પારખી એનો મિત્ર ઝડપથી એની પાસે ગયો. મિત્રને નજીક આવેલો જોઈ એણે પોતાનું માથું સહેજ ઉઠાવ્યું. એનો મિત્ર વાતને સાંભળવા પોતાના કાન એના ચહેરાની નજદીક લઈ ગયો. ક્ષીણ અને અસ્પષ્ટ સ્વરે એણે પૂછ્યું, "એ આવી?"
મિત્રે નકારમાં માથું હલાવી કહ્યું, "ના"
એણે સહેજ વિચારીને પૂછ્યું, “આવવાની છે?”
મિત્રે આંખમાં આવેલા અશ્રુને લૂછતા લૂછતા કહ્યું, “ના..”
આ સાંભળતા જ એણે પોતાના પહેલા પ્રેમને એકવાર જોઈ લેવાની અદમ્ય ઇચ્છાથી રોકી રાખેલા શ્વાસને હતાશાથી છોડી કરી લીધો મૃત્યુનો સ્વીકાર.
(સમાપ્ત)