મરઘટ
મરઘટ
"મરઘટ" (સ્મશાન)
ગામની દૂર, ગામની બહાર એક ફકીર ઝૂંપડી બાંધી ને રહેતા હતા. ગામના લોકો તેને સંત, તો કોઈ ફકીર, સાધુ સમજી તેને માન આપતા હતા.
ફકીર ભાગ્યે ક્યારેક જોવા મળતા એ પણ ક્યારે? જ્યારે ગામની બહાર મરઘટ તરફ નીકળ્યા હોય ત્યારે ફકીરના દર્શન થાય.
ફકીર ઝોળી સાથે જ રાખતાં.
એક વાર ફકીર વડ ના છાંયડે બેસી આરામ કરતા હતા ત્યાં એક ગાડું આવ્યું. ગાડામાં ઘણા બધા લોકો અને સામાન પણ ભર્યો હતો.
ગાડું ચલાવનાર વ્યક્તિએ ત્યાં ગામની બહાર એકાંતમાં આરામ ફરમાવતા ફકીરને જોયા અને કહ્યું..
"ગામ તરફ જવાનો રસ્તો કયો છે?"
ફકીર જ્યારે જવાબ દેવા જઈ રહ્યા હતા ત્યારે ગાડામાં બેસેલા તમામ વ્યક્તિઓ તેને જોઈ રહ્યા હતા.
ફકીર હસ્યાં અને બોલ્યા..!
"ગામ તરફ કેમ જવું છે?
અને આટલા બધા લોકો અને સામાન સાથે કેમ ગામ તરફ જઈ રહ્યા છો?"
ત્યારે ગાડામાં બેઠેલા એક વ્યક્તિએ કહ્યું..
"સંત અમે વખતના મારેલા છીએ! ગામમાં દુકાળ આવ્યું હતું. કામ ધંધો કંઈ નહિ પેટ કેમ ઠરે? માટે આ બીજા ગામે વસવાટ કરવા માટે આવ્યા છીએ..!"
ફકીરે શાંતિથી તેની વાત સાંભળી પછી મનમાં ખડખડાટ હસ્યાં અને બહાર આછું સ્મિત કરીને બોલ્યા..!
"તમે યોગ્ય જગ્યાએ અંદર પ્રવેશી જ ગયા છો. આગળ થોડા વધો એટલે તમે તમારી મંજિલ સુધી પહોંચી ગયા સમજો.!"
ફકીરની વાત સાંભળી તેનો આભાર માની ગાડું આગળ વધ્યું..
થોડી વાર પછી ગાડું પાછું તે ફકીર જ્યાં આરામ ફરમાવતા હતા ત્યાંજ આવ્યું.
બધેજ નજર કરી પણ તે ફકીર ત્યાં ન હતા.
ગાડાં પર સવાર લોકો બોલ્યા..
"કોઈ ગાંડો માણસ હશે! ચાલો ચાલો આપણે આગળ વધો.." કહેતા આગળ ચાલવા લાગ્યા.
બીજે દિવસે ફકીર લાકડા કાપીને ભેગા કરી રહ્યા હતા ત્યાં બે ઘોડે સવાર નીકળ્યા. તેણે આસપાસ નજર ફેરવી સુમસામ જગ્યા હતી કોઈ હતું નહીં.
એક ફકીર લાકડા ભેગા કરી રહ્યા હતા તેને જોઈને ઘોડે સવાર તેની નજીક ગયા અને પૂછ્યું..
"સંત ગામ તરફ જવું છે ભુલા પડ્યા તમે રસ્તો બતાવશો?"
ફકીર મનમાં હસ્યાં અને બોલ્યા..
"તમે ભુલા નથી પડ્યા! તમે તમારી મંજિલની નજીક જ છો. થોડા આગળ વધો એટલે તમારી મંજિલ."
વળી પાછું થોડીવાર રહીને તે બન્ને ઘોડે સવાર તે ફકીર જ્યાં લાકડા કાપી રહ્યા હતા ત્યાં આવ્યા.તેણે ચારેકોર નજર ફેરવી પણ ત્યાં કોઈ ફકીર હતા નહિ.
તે ચિડાઈ ને બોલ્યા.."કોઈ ગાંડો માણસ હતો! ચાલો ચાલો આગળ વધો.."
ત્રીજા દિવસે ફકીર દૂધ વગરનો કાવો બનાવી રહ્યા હતા. ઠંડી ભયંકર હતી તેની પાસે સાવ ફાટેલી તૂટેલી છાલ હતી. તે ઓઢીને તાપણું કરતા કરતા કાવો પણ બનાવી રહ્યા હતા.
ત્યાંજ એક દંપતી નીકળ્યું.
તેણે સુમસામ જગ્યાએ ફકીરને તાપણું કરતા જોયા અને તેની નજીક જઈને બોલ્યા..!
"સંત ગામ તરફ જવું છે રસ્તો જણાવશો અમને?"
સંત હસ્યાં અને બોલ્યા.." તમે આ અંધારી રાત્રે પતિપત્ની ગામ તરફ કેમ જવા માંગો છો??"
બહુજ વિનમ્રતા સાથે તે પતિ બોલ્યો.. "સંત હું શિક્ષક છું. મારે આ ગામની શાળામાં નોકરી કરવાની છે. માટે અમે આ ગામ તરફ જઈ રહ્યા છીએ પણ રસ્તો નથી વર્તાતો.!"
ત્યારે ફકીરે પણ નમ્રતાપૂર્વક કહ્યું.. "તમે ભુલા નથી પડ્યા. તમે તમારી મંજિલ તરફ જ ચાલી રહ્યા છો. થોડા જ આગળ વધો એટલે તમને તમારો સાચો રસ્તો, સાચી જગ્યા, અને સાચી મંજિલ મળી જશે."
ફકીરનો આભાર માનતા તે પતિપત્ની આગળ વધવા લાગ્યા.
થોડી વાર પછી ડરતા ડરતા, ગુસ્સો કરતા કરતા તે પતિપત્ની પાછા એજ જગ્યા એ આવ્યા જ્યાં તે ફકીર બેઠા હતા
પણ ત્યાં કોઈ દેખાયુ નહિ.
તે ગુસ્સેથી બોલ્યા.." કોઈ ગાંડો માણસ હશે.."
કહીને આગળ વધ્યા.
આ ઘટનાને મહિનો થઈ ગયો. ફકીર એકલા બેઠા બેઠા મનમાં હસતા હતા. કેમકે સવથી પેલા જે ગાડાંમાં લોકો આવ્યા હતા અને ભુલા પડ્યા હતા તેને ગામ તરફ જવું હતું. પણ ફકીર ગામની બારોબાર છેવાડે મરઘટમાં રહેતા હતા. ફકીર જે ઝાડ નીચે આરામ કરતા હતા તેની થોડેજ આગળ ગામની બારોબાર વિશાળ મરઘટ હતું. અને ગામનો રસ્તો તો ફકીર જે ઝાડ પાસે બેઠા હતા તેની વિરુદ્ધ દિશામાં હતું. પણ ફકીર તે લોકોને સીધે જવાનું અને આગળ વધવાનું કહ્યું! જ્યાં મરઘટ હતું.
એટલે ગાડાં વાળા ઘોડેસવાર અને તે પતિપત્ની પાછા વળીને ગુસ્સે થઈને ફકીરને 'ગાંડો' કહી રહ્યા હતા.
ફકીર તો આ બધી વાત વિચારીને બેઠા બેઠા હસતા.
આ વાતનો ઘણો સમય થયો.
ગામના સરપંચ ને ત્યાં યમરાજાનું આમંત્રણ આવ્યું.
ગામના લોકો તો દુઃખી દુઃખી થઈ ગયા. સરપંચની અર્થી તૈયાર કરવામાં આવી અને, તેને મરઘટ તરફ લઈ જવામાં આવ્યા. ગામના લોકો પણ તેમાં જોડાયા.
ઘણા સમયથી આ ગામમાં સરપંચ જીવ્યા, રહીયા, માટે આખું ગામ તેની અર્થી પાછળ તેના અંતિમયાત્રામાં જોડાયા હતા.
મરઘટ તો ગામની બારોબાર હતો ઘણો દૂર. થાક લાગે એટલો દૂર.....
અંતે મરઘટ આવી ગયું.
'રામ નામ સત્ય'નો નાદ સંભળાયો. લોકોની ભીડ દેખાણી. ફકીર ત્યાંજ બેઠા હતા.
ફકીર મરઘટમાં જ રહેતા હતા. મૃત્યુ પછીની વિધિ પણ તે જ કરતા હતા. તેણે નજર કરી તો આખું ગામ હતું ત્યાં હાજર. જેમાં તે ગાડવાળા લોકો, ઘોડેસવાર બે યુવક, તે પતિપત્ની અને આવા તો અનેક લોકોને ત્યાં ફકીરે જોયા. તે લોકો પણ ફકીર તરફ જોઈ રહ્યા હતા.
મરઘટ આવતા જ અર્થીને નીચે મુકતા લોકોને ફકીરે રોક્યા. કેંમકે મરઘટ તે ઝાડની થોડે આગળ હતું.
ફકીર બોલ્યા.." હજી આગળ વધો તમે તમારી મંજિલ સુધી પહોંચી ગયા છો.. હું લાકડા લઈને આવું...!!"