સહારો
સહારો
"તું ધાર હે નદીયાં કી..'
મેં તેરા કિનારા હું..
તું મેરા સહારા હે..
મેં તેરા સહારા હું..
જિંદગી ઓર કુછ ભી નહિ..
તેરી મેરી કહાની હે..!
રેલવે સ્ટેશન પરથી ટ્રેનનો થર થર અવાજ આવી રહ્યો હતો. ચા ની લારીએ જૂનું હિન્દી ગીત વાગી રહ્યું હતું.
વૃદ્ધ દંપતી એક બાંકડે બેસીને ગીત સાંભળી રહ્યા હતા.ઉંમરે તો ભારે વિતાવેલો સમય. એવી સિત્તેર વર્ષની જિંદગી ખેડેલી હોય એવું તે દંપતીની લબડતી ચામડી ને ધ્રૂજતી કાયા કહી રહી હતી. બંનેના હાથમાં લાકડીનો ટેકો. વાળ તો એકેય કાળો રહ્યો નહતો. છતાં પણ બન્ને ઘરડા ડોશા ડોશી એક બીજાને ટેકો આપી રહ્યા હતા. પંપાળી રહ્યા હતા. અંતે આંખોમાં આસું સાથે એ વૃદ્ધ પુરુષ તેની બાજુમાં બેઠેલી પત્નીનો હાથ છોડાવતા ચાની લારીએ લથડતા લથડતા ગયા.
ચાની લારીએ હિન્દી ગીતો રેલાવી ખુદ પણ ધુણતો ભૂરો તે વૃદ્ધ પુરુષ ને દેખીને બોલ્યો.." એ બોલો દાદા..! કેટલી ચા? લઈ જવી છે કે અહીં પીવી છે."
ભૂરા ની વાત સાંભળીને તે વૃદ્ધ બોલ્યા.." નહિ..! ચા નહિ..!"
"તો??
શુ જોઈએ છે?"
ભૂરાયે આશ્ચર્યજનક નજરથી પૂછ્યું..!
દાદા એ ઉંચી નજર કરી અને ફરી પાછી ટ્રેનનાં પાટા પર નજર કરતા બોલ્યા..
"ભાઈ આ હિન્દી ગીત બન્ધ કરી દેને ભાઈસાબ..!
આ ઉંમરે અમારે ક્યાં બીજે ફરવા જાવું કંટાળીને ગીતના અવાજ થી..?
હમણાંજ અમારી ટ્રેન આવશે એટલે અમે જતા રહેશું પછી તમતારે તું ગીત વગાડ્યા કરજેને..!"
"પણ, દાદા આમ વાંધો ક્યાં આવ્યો? હિન્દી ગીતો છે અને પાછા જુના અને કર્ણપ્રિય છે.! સાંભળવામાં મજા આવે એવા છે. સાચું કવ તો તમે યુવાન હશો ત્યારના આ ગીતો છે..!" કહેતા ભૂરો ખડખડાટ હસવા લાગ્યો..!
વૃદ્ધ દાદા સમજી ગયા કે ભૂરો નહિ માને અને આમ પણ તેની ચા ની લારી છે. તે સ્વતંત્ર છે. તેને ના પણ પાડી ના શકાય..!
પછી ઊંડો નિસાસો નાખતા દાદાએ કહ્યું. "સારું.!! તું તારે વગાડ ગીતો પણ આ ગીત બદલી નાખ..,"
ભૂરાને નવાઈ લાગી તે બોલ્યો "આ ગીતમાં શુ વાંધો છે.? દાદા તમે સાંભળતા નથી? આના શબ્દો કેવું સરસ બોલે છે? જિંદગી બીજું કઈ નથી.! તારી અને મારી હકીકત છે. અને ખાસ તો તમારી જેવા પતિપત્નીને સંબોધીને કહ્યું છે કે "જિંદગીમાં ગમે તેવી આકરી પરિસ્થિતિ આવે આપણે બને એકબીજાનો સહારો બનીને રહેશું પણ સાથે જીવશું જિંદગીથી હારી નહિ જઈએ..!"
ભૂરાની આ વાત સાંભળીને ડોશા ડોશી બને સ્તબ્ધ થઈ ગયા. અને આંખોમાં આસું પણ વહેવા લાગ્યા.
પછી તે વૃદ્ધ બોલ્યા." સાચું કહ્યું ભાઈ તમે!
પણ ખરી હકીકત એ નથી!
હું અને આ મારી પત્ની બન્ને અમારું વતન તરછોડીને જઈએ છીએ. અમારા બન્નેનું કોઈ નથી!
મારો એક જુવાન જોધ દીકરો હતો. તેની પત્ની હતી. અને તેનો એક રમકડાં જેવો દીકરો હતો. પણ હ્ર્દયની તકલીફ હોવાથી લાખોનો ખર્ચો આવે એમ હતો.! માટે મારા દીકરાએ અને તેની પત્નીને, અમારા ઘડપણની લાકડી સમાન લાડકા દીકરા સાથે જિંદગીથી હારીને અહીજ ટ્રેન નીચે શરીર પડતું મૂકી દીધું. અને, અમે પતિપત્ની રહ્યા છીએ..!
ભૂરા ની આખો ફાટી રહી. ગીત બન્ધ થઈ ગયું. અને ફરી થર થર કરતી ટ્રેન નીકળી!!!