જીવનભરનો સાથ
જીવનભરનો સાથ
"છું કર, મેરે મનકો કિયા તુને ક્યાં ઈશારા !"
"બદલા એ મોસમ લગે પ્યારા જગ સારા..!"
શાંતનુ ગીત ગાઈ રહ્યો હતો !.તેની પત્ની સાક્ષીની આંખો લાલચોળ થઈ ગઈ હતી. તેની આંખમાં શરમ, સંકોચ, ઉદાસી ને ગમગીનતા સાફ સાફ રજૂ થઈ રહી હતી.
ઘરની બાર સાક્ષી ત્યાં હાજર હતી. તેના ખભા પર હાથ રાખી પ્રેમથી શાંતનુ તેને પંપાળી રહ્યો હતો. પણ, સાક્ષી રડતી આંખે શાંતનુથી દુર જવાનો પ્રયાસ કરતી હતી. પણ શાંતનુ કઈ હિંમત હારે એમ નહતો. તેણે ગીત તો ગાવાનું ચાલુ જ રાખ્યું. મૌન બનીને વલખા મારતી સાક્ષીને તે ઘરમાં લઈ ગયો. અને લાઈટ દ્વારા પ્રકાશ પાથર્યો. ઘર અલગ લાગી રહ્યું હતું. કેમકે સાક્ષી મહિના પછી તેના ઘરે આવી હતી. શાંતનુએ તેના મિત્રોની મદદથી ઘર શણગારી નાખ્યું હતું.
સાક્ષી શાંતનુથી દૂર થવાના પ્રયાસથી ઉભી થઈ બાર જવા લાગી. પણ, તેનાથી નીચે પડી જવાયું !. ત્યાંજ બન્ને હાથ વડે શાંતનુએ સાક્ષીને પકડી લીધી વળી પાછી તેને ખુરશી પર બેસાડી દીધી. તે પણ ગોઠણભેર સાક્ષીના પગ પાસે બેસી ગયો. તેના ખોળામાં માથું મૂકી દીધું. ઉંચી નજર કરીને સાક્ષીના હાથને ચુમતા ચુમતા તેણે ફરી પાછી એ કડી ગાઈ નાખી..
"તું જો કહે, જીવનભર..,,
તેરે લિયે મેં ગાઉ.. તેરે લિયે મેં ગાઉ...!"
"ગીત તેરે બોલપે લીખતા ચલા જાઉં..લીખતા ચલા જાઉં..!!"
સાક્ષી ચોધાર આંસુ સારી રડવા લાગી. અને શાંતનુ સામે નિર્દોષ ચહેરો કરી જોવા લાગી !
શાંતનુ સાક્ષીને રસોડામાં લઈ ગયો. જ્યાં સાક્ષી વહેલી સવારે છ વાગ્યાની ઉઠી જતી. અને સુંદર સ્વરે ભીંજાયેલા વાળે આરતી ગાતી. અને શાંતનુને ઉઠાડતી. સવારે સરસ ચાને નાસ્તો બનાવતી. શાંતનુ માટે નાહવાનું પાણીથી માંડી તેના કપડાંને બ્રશ પણ તૈયાર કરી દેતી. ઓફીસ માટે શાંતનુનો બેગ, પર્સ, મોજા, અનેક જીણી મોટી વસ્તુની કાળજી રાખતી. આખો દિવસ ઘર કામમાં વ્યસ્ત રહેતી.
આજે આજ સાક્ષી તે રસોડામાં જતા અચકાઈ રહી હતી. શાંતનુ તેને સ
હારો આપીને તેને કહી રહ્યો હતો,
"સાક્ષી..! તારો ખૂબ ખૂબ આભાર.! તું મારી પત્ની બનીને આવી મારા ઘરમાં. તું રાણી છો! આ લે.. તારું ઘર આ જો તારું રસોડું તું પાછું સંભાળી લે.! તે હંમેશા કામવાળી બનીને ખુબજ મહેનત કરી છે અને મારા ઘરને સ્વર્ગ બનાવી દીધું છે. આ ઘર તારું છે. તું મારી પત્ની છે. તારો પૂરેપૂરો હક છે !"
પણ સાક્ષી માનવા તૈયાર નહતી. તે વારંવાર ઉભી થવાની ત્યાંથી દૂર જવાની કોશિશ કરી રહી હતી. પણ તેનાથી ઉભું થઈ શકાતું નહતું. તે માત્ર રડતી હતી. અને તેના પતિ શાંતનુ તરફ જોઈ રહી હતી. શાંતનુ તેને વારાફરતી રૂમ, રસોડું, બગીચો એમ કરતાં કરતાં આખા ઘરમાં ફેરવી રહ્યો હતો. એ ઘર જ્યાં સાક્ષીને, શાંતનુએ લગ્ન જીવનના પુરા સાત વર્ષ વિતાવ્યા હતા. એ ઘર જ્યાં સાક્ષી પાઇપાઇનો હિસાબ રાખી પતિ શાંતનુની મદદ કરતી. એ ઘર જ્યાં વિસ રૂપિયાની શાકભાજીમાં પણ શાંતનુને રજવાડી વાનગીઓ બનાવીને ખવરાવતી. એ ઘર જ્યાં સાક્ષી સવારથી માંડી રાત સુધી ઘર કામમાં પરોવાયેલી રહેતી. જ્યાં પતિ શાંતનુની એક એક વાત, વસ્તુ હાજર કરી દેતી. તેના પડ્યા બોલ ઝીલી લેતી.
સાક્ષીથી રહેવાયું નહિ તે રડતી આંખે શાંતનુને ગળે વળગીને ભેટી પડી અને ધ્રુસકે ધ્રુસકે રડવા લાગી.
"હવે હું કઈ કામની નથી.! હવે હું આ ઘર કેવી રીતે સંભાળીશ ? તમે પણ હેરાન થશો !"
સાક્ષીની વાત સાંભળીને શાંતનુએ તેના આંખમાં આવતા આંસુ ને લુછયા અને કહ્યું !
"સાક્ષી કદાચ મારી સાથે પણ આવું થયું હોત તો ? તું મને એકલો મૂકીને ચાલી જાય ? તો પછી હું કેમ તારો સાથ છોડું ? બન્ને મળીને ઘર કામ કરશું ! સાથે જીવશું ! તે મારી પત્ની બનીને મારી દરેક વાતની કાળજી રાખી છે. હવે મારે આ ફરજ નિભાવવાની છે !"
કહેતા કહેતા અકસ્માતમાં બન્ને પગ ગુમાવી ચુકેલી સાક્ષીને શાંતનુ વ્હીલચેર માંથી તેડીને તેને સોફા પર સુવરાવી તેના માથા પર પ્રેમથી હાથ ફેરવવા લાગ્યો. અને ફરી પાછો ગીત ગાવા લાગ્યો..!