સરકતો સમય
સરકતો સમય
ઘરના ઉંબરે રિસાઈને ભેકડો તાણીને પાંચ વર્ષનો છોકરો ઉભો હતો.
તેની મા તેને ખિજાઈને હાથ પકડીને ખેંચી રહી હતી..
"ચાલ કવ છું...! ચાલ હવે, બહુ થયા લાડ, હવે માર ખાઈશ..!"
બાળક વધુ ડર્યો અને જોરથી રડતા રડતા ભાગવા લાગ્યો.
તેની મા નો ગુસ્સો વધ્યો. તેણે તેના છોકરાને જબરદસ્તી પકડીને જોરથી તમાચો મારી દીધો!.
ત્યાંજ તે છોકરાના પપ્પા દોડતા દોડતા આવ્યા.
તમાચો તો તેના છોકરાના ગાલ પર પડ્યો હતો. અને તે પણ તેની સગી મા એજ માર્યો હતો. પણ તે છોકરાંના પપ્પાનું હ્ર્દય કંપી ઉઠ્યું હતું..
"રેખા...!આ શું કરે છે..?
તને ભાન પડે છે કે નહીં..?
આમ કઈ મરાતું હશે..?
આ આપડો એકનો એકજ દીકરો છે..!
આપણા નસીબમાં હવે બીજું સંતાન નથી ભૂલી ગઈ તું..?"
ત્રીસ વર્ષનો એ પુરુષ મહેશ અને તેની પત્ની રેખા અને તેનો એકનો એક દીકરો રાજા.
મહેશ શિક્ષક હતો. તેની પત્ની ઓછું ભણેલી હતી. એક કાર અકસ્માતમાં તેની ટ્યુબ ફાટી જવાથી તે હવે ક્યારેય મા બની શકે એમ નહોતી.
પણ સવાર સવારમાં તે તેના દીકરાને મારતી, ગુસ્સો કરતી હતી.
આખરે તમાચો મારતા મહેશથી સહન ન થયું અને તે ગુસ્સે થઈ ગયો. કેમકે મહેશને તેનો દીકરો રાજા ખુબજ વ્હાલો હતો.
મહેશના આટલા સવાલથી રેખા વધુ ગુસ્સે થઈ અને બોલી..
"તો મારું નહિ તો શું કરું..?
છ વરસનો થયો!. બાલમંદિરે પણ નથી જતો.!
હવે તો તેને પેલા ધોરણમાં બેસાડ્યો છે. કોને ખબર કેમ નિશાળથી આટલો બધો દૂર ભાગે છે..?
એકનો એક છે, લાડકો છે,બીજું સંતાન નથી થવાનું..! એટલે તો મહેશ તેને હું મારું છું, ગુસ્સો કરું છું, મારે તેને ભણાવવો છે, તેને પગભર કરવો છે, કાલસવારે આપણા બન્નેની ગેરહાજરીમાં તે દુઃખી ના થવો જોઈએ.!
ભણેલો ગણેલો નોકરિયાત હોવો જોઈએ.!"
"પણ, આ છે તો નિશાળે જવાનું થાય તો રોવા બેસે છે.! શુ વાંધો આવતો હશે..?
આજે તો હું પણ જોવ છું કેમ નથી જતો નિશાળે..!" એમ કહેતા રેખાયે રાજાનો હાથ પકડીને તેને ખેંચ્યો.
ત્યાંજ મહેશ આડો પડ્યો અને બોલ્યો..
"રેખા મહેરબાની કરીને તું આમ તેને પરાણે ના લઈ જા, ગુસ્સો કરીને મારપીટ કરીને, તે આમ દુઃખી થાય છે તે મારાથી નથી જોવાતું!
તું એક કામ કરને..?
તું દુકાને જઈને સવથી મોંઘાંમાં મોંઘો દફતર, પાટી પેન, તેને જે પણ ગમે તે લઈ આવી દે. એટલે આ બધું જોઈ તેનું મન ફરે અને તે નિશાળે જવા માટે ખુશી ખુશી તૈયાર થઈ જાય.!"
"પણ આજે રહેવા દે આજે તે કેટલો બધો રડે છે!"
મહેશની વાત સાંભળી રેખા બોલી..
"સારું તમેજ બગાડ્યો છે લાડ કરાવી કરાવીને..!કાલે મોકલીશ બધી વસ્તુ આજે જ ખરીદી લઈશ..!"
કહેતા રેખાયે તેના એકના એક દીકરાને તેડી લીધો અને લાડ કરવા લાગી.
સાથે ગામમાં લઈ ગઈ. સરસ મજાનું દફતર, પાણીની બોટલ, પાટી પેન લઈ દીધા. અને હસતા હસતા બન્ને ઘરે આવ્યા.
સવાર પડી ફરી પાછું રાજા એ રડવાનું અને ભાગવાનું ચાલુ કરી દીધું.
રેખાયે બહુજ મનાવ્યો,બહુજ સમજાવ્યો, નવી નવી બધી વસ્તુઓ આપી પણ, રાજા ટસથી મસ ના થયો. આખરે રેખાનો ગુસ્સો સાતમે પારે ચડી ગયો. તેણે રાજાને મનાવવાનું સમજાવવાનું છોડીને મારવા વાળી કરી..!
ફરી રાજા રાડા રાડી કરવા લાગ્યો. તેની માએ તેને પરાણે તેડીને નિશાળે લઈ જવા પ્રયાસ કર્યો. ત્યાંજ મહેશ આડો પડ્યો. પણ આજે મહેશ પણ કઈ કરી શકે એમ નહતો.
કેમકે રેખા તેની કોઈ વાત માને એમ નહતી.
આખરે મહેશ બહુજ નિર્દોષતાથી કહ્યું..
"રેખા તું ઘરે રહે. લાવ મને દફતરને, બધી વસ્તુ આપી દે હું રાજાને નિશાળે મુકતો આવું. તારી પાસે એ વધુ રડશે. અને તું મારીશ હું તેને પ્રેમથી નિશાળે મુકતો આવું..!"
રેખાને તેના પતિ મહેશની વાત ગમી. તેણે તેના ખભા પર ટીંગાડેલું દફતર ને, રાજાને મહેશને સોંપી દીધો અને બોલી..
"મને પણ મારો દીકરો બોવજ વ્હાલો છે! જેમ તમને છે એમ પણ, ક્યારેક તેના ફાયદા માટે કઠોર બનવું પડે. તમે તો સાવ હૈયા દુબળા છો. રાજાને જરીકેય દુઃખી નથી જોઈ શકતા.
નિશાળે મુકીનેજ આવજો હો...!"
કહેતા રેખા કામે લાગી
અને મહેશ દીકરા રાજાને લઈને ચાલવા લાગ્યો. રાજાએ તેના પપ્પા પાસે આવતાની સાથે જ રડવાનું બંધ કરી દીધું. પણ તે હજી હીબકાં ભરી રહ્યો હતો.
મહેશ તેના લાડકા દીકરાને રડતો જોઈ બોલ્યો..!
"બસ હવે મારા દીકરા બંધ થઈ જા.! આટલું બધું રડાતું હશે કઈ??
તું તો મારો બહાદુર દીકરો છેને.??"
મહેશના લાડથી રાજા ઘડીભર શાંત રહી ગયો.
પણ તેને ખબર પડી કે તેના પપ્પા તેને નિશાળ તરફ લઈ જાય છે તે જાણી વધુ રડવા લાગ્યો.
અને 'નથી જાવું..! નથી જાવું..!' કહેવા લાગ્યો.
મહેશને ગમ્યું નહિ તે નજીકની એક ભાગની દુકાને ગયો.
અને બોલ્યો...
"ભાઈ ચોકલેટ આપોને.?"
દુકાનવાળાએ એક ચોકલેટ આપી.
"અરે..! એક નહિ સવથી મોંઘી ને આખો ડબ્બો ચોકલેટનો આપો.."
દુકાનવાળા ભાઈ હસ્યાં અને બોલ્યા.. "શુ વાત છે? દીકરાનો જન્મ દિવસ લાગે છે..? એટલે ચોકલેટ આટલી બધી લઈ જવી છે.?"
મહેશ તેના દીકરાની આંખોમાં આવતા આંસુ લૂછતાં બોલ્યો..
"ના.. ના..! આજે મારા દીકરાનો નિશાળનો પહેલો દિવસ છે. એટલે આજે તેના માટે એટલો મોટો ચોકલેટનો ડબ્બો લઈ જાવ છું. જન્મદિવસ હોઈ તો તો મોટી બધી કેક લઈ જાવ."
કહેતા ચોકલેટનો ડબ્બો આખો મહેશે તેના દીકરાના હાથમાં આપી દીધો.
રાજા શાંત પડી ગયો ચોકલેટ જોઈ હરખાઈ ગયો
નિશાળ આવી ગઈ. જેટલો દુઃખી રાજા થતો હતો તેનાથી વધારે તો મહેશ ચિંતામાં હતો.
'મારા દીકરાને નિશાળે નથી જવું. હમણાં રડશે.! અને ઘરે લઈ જઈશ તો તેની મા ગુસ્સો કરશે..!'
મહેશ ચિંતામાં હતો
પણ તે આગળ વધ્યો.
એક રૂમ આવ્યું.
તે રૂમમાં કેટલા બધા બાળકો હતા. આખો રૂમ ભરેલો હતો. બધાજ છોકરાઓનો પહેલો દિવસ હતો. કોઈ રમતા હતા, કોઈ જગડતા હતા, કોઈ જોરજોરથી રડતા હતા.
આગળ એક શિક્ષક બેઠા હતા. તેણે મહેશ અને રાજાને જોઈ ને હસતા કહ્યું.. "આવી જાવ અંદર..!"
જેવું રાજાએ રૂમમાં રડતા બાળક જોયા અને શિક્ષકને જોયા એવોજ તે ડુસકા ભરી ભરીને રડવા લાગ્યો અને તેના પપ્પાને કડકથી પકડી લીધા.
શિક્ષકે ઘણી કોશિશ કરી. રાજાને તેના પપ્પાથી છોડાવવાની પણ રાજા બહુજ રડ્યો.
આખરે શિક્ષક બોલ્યા..
"પહેલો દિવસ છે માટે એ તો ઘડીક રડશે હમણાં બધા બાળકો સાથે રમવા લાગશે તમે જાવ હું સંભાળી લઈશ.."
અને એમ કહેતા શિક્ષકે રાજાને તેના પપ્પાની પકડથી છોડાવીને તેડી લીધો રાજા વધુને વધુ રડ્યો! ધ્રુસકે ધ્રુસકે રડવા લાગ્યો.
શિક્ષકે મહેશને જવાનો ઈશારો કર્યો. મહેશ ફટાફટ ચાલવા લાગ્યો. પણ તેને તેના વહાલસોયા રાજાનો રડવાનો અવાજ આવી રહ્યો હતો.
તેનાથી આગળ ના વધાયું,
તે આવ્યો ફરી પાછો રૂમમાં અને તેણે રાજાને તેડી લીધો.
અને કહ્યું... "આ ચોકલેટનો ડબ્બો વહેંચી દેજો..!
મારા દીકરાને રડતો હું ના જોઈ શકું. તેને નથી ઈચ્છા તો અત્યારે નહિ તે જ્યારે કેશે ત્યારે મોકલીશ પણ આમ તેને દુઃખી કરી હું નથી જવા માંગતો કે ભણાવવા માંગતો..!"
કહેતા જ મહેશ તેના દીકરાને પંપાળતો, છાનો રાખતો, તેડીને ઘર તરફ લઈ ગયો. શિક્ષક જોતા રહ્યા..!
ઘરડી આંખે મહેશ વૃદ્ધાશ્રમમાં તેના દીકરાનો નિશાળનો પહેલો દિવસ યાદ કરી રડી રહ્યો હતો. કેમકે તેનો પણ વૃદ્ધાશ્રમમાં આજે પહેલો જ દિવસ હતો..!