મોટી તો થવા દો !
મોટી તો થવા દો !
પવનનાં જોર જોરથી સુસવાટાનો અવાજ ઓરડાની અંદર સુધી સંભળાતો હતો. રાજવીર ડર હતો કે ક્યાંક બાળકો એ ડરથી પણ ન ઊઠી જાય. ઊઠશે ને તો તેમની મા વિશે પૂછી ઊઠશે. જેનો જવાબ હજુ તો બા, મધુબેન કે રામુ પાસે પણ નહોતો. રાગી આમ આટલી ટૂંકી માંદગીમાં જ જતી રહેશે એવી કલ્પના પણ નહોતી.
થોડા દિવસ તો બહાના કાઢીશું પણ પછી તો જે સત્ય છે તે જણાવવું જ રહ્યું. બંને બાળકો સમજું હતા એ તો થોડા દિવસમાંજ ખબર પડી ગઈ હતી. બા ની પાસે બધુ જ પરવારી જતા કોઈ ફરિયાદ બાની પણ નહોતી. પણ રાજવીરે નક્કી કર્યુ કે કાલે તે બંને બાળકને બહાર લઈ જશે ને બા નહિ હોય તો એ કહી શકશે તેમની મમ્મી નથી રહી, નિર્ણય કરી તે સૂઈ ગયો કે તેને તરત જ ઊંઘ આવી ગઈ.
સવારે ઊઠી તેણે બાને કહ્યું ,” છોકરાઓને આજે બહાર લઈ જવા છે તમે પણ આવી શકો તો આવજો. બા એ જોયું કે તે બોલવા ખાતર જ બોલે છે ને તેથી એમણે ન જવાનો નિર્ધાર કર્યો. તેઓની ના આવ્યા પછી તે બંને બાળકોને તૈયાર કરી જુહુ બીચ તરફ નીકળ્યો. ત્યા પહોંચ્યા પછી હવે વાત શું કરવી તે સમજી શક્યો નહિ. બંનેને બરફનો ગોળો ખવડાવ્યો ને તે મોટી ઋજા સાથે કંઈ બોલવા જાય ત્યાં તે બોલી ઊઠી ,”પપ્પા ! મોમ હોત તો બરફનો ગોળો ન જ ખાવા દેત ને ?”
તે ચમક્યો ,”હોત તો,એટલે ?”
ઋજા બોલી ઊઠી,” પપ્પા ! તમે ચિંતા ન કરો ભગવાનને ત્યાં મોમ જરૂર ખુશ અને શાંતિમાં હશે. ”
તે ન સમજી શક્યો કે આશ્વાસન મારે આપવાનું હતું કે મોમ નથી રહી તો હું છું ને.. તેની જગ્યાએ તો દીકરી ઋજા તો બધું જાણે છે, કેવી રીતે ? તેને કોણે કહ્યું ? એ આશ્ચર્યથી જોતો રહ્યો. નાના દિકરા સેજની સામે જોયું તો તે પણ જાણે “હા મા હા કરી રહ્યો હોય તેવો ભાસ થયો. તે ઉદાસ નજરે બંને ને જોતો રહ્યો. તેની આંખમાંથી આંસુના બે બૂંદ ટપકી પડ્યા. તેની આંખો લૂછતી ઋજા બોલી ,” પપ્પા મમ્મી મને કહીને જ દવાખાને ગઈ હતી કે તે પાછી નહિ આવે. ”
ઋજાએ પંદર દિવસ પહેલાની વાત માંડી ,” મમ્મી એક દિવસ બપોરે અમારી શાળામાં લેવા મોડી આવી, ત્યારે મે પૂછ્યું હતું તો એટલું જ બોલી હતી કે અચાનક તેની તબિયત બગડી હતી તેથી ડોક્ટર માસીને મળવા ગઈ હતી. એ પછી તે રોજ રાત્રે અમારી પાસે આવતી ને અમને સમજાવતી કે એને ભગવાન તેડી જાય તો અમે તમને બાને કે મધુબેનને કે રામુને હેરાન ન કરીએ અમે તેને વચન આપ્યું છે કે અમે જરા પણ તમને હેરાન નહિ જ કરીએ. ”
સાંભળતા જ રાજવીર આજ સુધી રોકી રાખેલા રૂદનને ન રોકી શક્યો ને ઋજા તો જાણે તેની ઉંમર કરતા પાંચ વર્ષ મોટી થઈ ગઈ. તેણે પપ્પાના મસ્તકને પોતાના ખોળામાં મૂકી રડવા દીધાં. એક હાથે તેણીએ ભાઈ સેજનો હાથ પકડ્યો હતો ને બીજા હાથે પપ્પાના માથામાં હાથ ફેરવી રહી હતી. મન હળવું થતા સમુદ્રના ખારા પાણી જેવાએ ટપકતા બૂંદને લૂછી તે ઊભો થયોને બંને બાળકોને ગળે વળગાડી ઘર તરફ ગાડી હંકારી ગયો.
ઘરમાં ત્રણેય ને આવેલા જોઈ બા કંઈ કહે તે પહેલા જ રાજવીર બોલ્યો ,”આજથી ઘરમાં બધુ જ ઋજાને પૂછીને થશે. ”
તે દિવસથી રાગીની જગ્યા ઋજાએ લઈ લીધી તેને પણ આજે બાર વર્ષ વીતી ગયા. બા ભગવાનને ધામ ગયા. મધુબેન પણ ઘરડાં થયા હતા તેમની જગ્યા હવે કોઈ બીજાએ લીધી હતી. બાની જગ્યા વડીલ મધુબેન હતા, તેઓ રાજવીરને કહેતા ,”બેટા! હવે ઋજાને પરણાવી દો. ”અને રાજવીર કહેતો ,”મોટી તો થવાદો. ”
તો ઋજા કહેતી ,” મધુબા હજુ તો સેજની વહુ આવે પછી જ હું મમ્મીના વચનમાંથી મુક્ત થઈશ. ”
આજ સેજના લગ્ન છે.. ધૂંધળી આંખે મઘુબા ઋજાને જોતા રહ્યા.. ને રામુને જોતો જોઈ બોલી ઉઠ્યા,” “રામુ જે હું જોઈ રહી છું કે વિચારી રહી છું, તે તું પણ એજ વિચારે છે ને?”
રામુ બોલ્યો,” હોવે બૂન તે ઋજાબૂન શેઠની નજરે ક્યારે મોટા થશે ?”
થોડે દૂર ઊભેલો રાજવીર વિચારી રહ્યો મનમાં ને મનમાં કે મારા સ્વાર્થને કારણે તો હું ઋજાને મોટી નથી થવા દેતો કે શું?
ત્રણેમાંથી કોઈની પાસે આનો જવાબ જ ક્યાં હતો, પણ રાગી આકાશે બેઠી વિચારતી હતી મારી દીકરી તો મારા મૃત્યુને દિવસે જ મોટી થઈ ગઈ હતી.