Leena Patgir

Thriller

4.7  

Leena Patgir

Thriller

મોતનો કૂવો

મોતનો કૂવો

5 mins
197


     સ્વીટીએ આંખો ખોલી તો તે એક બંધ ઓરડામાં કેદ થયેલી હતી. તેણે બચાવો બચાવોની ખૂબજ બૂમો મારી પણ તેનો અવાજ ગળામાં જ રૂંધાઇ જતો અને પાછો વળી જતો. તેણે આસપાસ નજર કરી તો તે ઓરડામાંથી રસોડાનાં મસાલાની તીવ્ર સુગંધ આવી રહી હતી. પોતાને કોઈ કોઠીમાં પૂરવામાં આવી છે એવો ખ્યાલ તેને આવી ગયો. તે ફરી ધ્રુસકે ને ધ્રુસકે રોવા લાગી. ફરી ડરના માર્યા પોતાની આંખો બંધ કરી દીધી. તેની આંખોના અમીપટમા તેનો ભૂતકાળ તરવરવા લાગ્યો. 

    સ્વીટી, એક અલ્લડ અને બિન્દાસ કહી શકો એવી 21 વર્ષની છોકરી. ઘરમાં એકમાત્ર સંતાન હોવાથી સૌની લાડકી. તેનું સપનું મુંબઈમાં આવીને બૉલીવુડની હિરોઈન બનવાનું હતું. તેના પપ્પાને આ બાબતે વાંધો હતો. ઘરનાં લોકોની ના હોવા છતાં પોતે એકલી સાહસિક બનીને પોતાના અધૂરા સપના પૂરા કરવા કોઈને કહ્યા વગર નીકળી ગઈ હતી પોતાની મંઝિલે. જે તેની સૌથી મોટી ભૂલ સાબિત થઇ. મુંબઈમાં આવીને એક છોકરા સાથે ભેટો થયો જે તેને સારુ મકાન આપવાના બહાને અહીં આ અંધારી ઓરડીમાં પૂરી ગયો. 

    અચાનક કાંઈક અવાજ થતા સ્વીટીનું ધ્યાનભંગ થયું. રૂમમાં લાઈટો આવતા તે ઓરડીનું નિરીક્ષણ તે કરવા લાગી. નાનકડી ઓરડીમાં એક પીળો બલ્બ પોતાનું અસ્તિત્વ ટકાવવા માટે મથી રહ્યો હતો. અચાનક ઓરડીના ખૂણે તેને એક છોકરી દેખાઈ. તેનો વેષ ખૂબજ ડરામણો હતો. તેના વાળ કેટલાય વર્ષોના ગૂંચવાયા હોય એવું લાગતું હતું. તેના કપડાં પણ મેલાદાટ હતા. 

   સ્વીટી ઉભી થઈને તેની પાસે આવી. તે છોકરી ટગર ટગર સ્વીટી અને તેના શરીર પર નજર ફેરવી રહી હતી. સ્વીટીએ અંદાજે નોંધ્યું કે તેની ઉંમર કદાચ તેનાથી તો વધારે જ લાગતી હતી. તેની આંખો બ્લુ કલરની હતી. સ્વીટીને તેની બ્લુ આંખોમાં દરિયો દેખાઈ ગયો અને તેણે વધુ કાંઈ બોલ્યા વગર તેને ગળે વળગાડી દીધી. સ્વીટીને લાગ્યું કે આવું કરવાથી તે તેની પીડા કદાચ ઓછી કરી દે પણ તે છોકરીએ તેને પોતાનાથી હડસેલી દીધી. તેની આંખો કાંઈક ઈશારા કરતી હતી પણ સ્વીટીને કાંઈ ખબર નહોતી પડતી કે તે શું સમજે. અચાનક વારે વારે જતી તે છોકરીની ડાબી તરફની કિકીનો ઈશારો સમજીને સ્વીટીએ એ તરફ ઉપર નજર કરી તો ત્યાં કેમેરા ગોઠવેલા હતા. સ્વીટી સમજી ગઈ કે તે શું કહેવા માંગતી હતી. 

    સ્વીટી અને તે છોકરી ઘણી વાર સુધી મૌન રહ્યા. તે છોકરી પોતાના સ્થાનેથી ઉભી થઇ અને કાંઈક શોધવા લાગી. તેને કંઈજ ના મળતા તે મેકઅપ કરવાનો સામાન લઈને સ્વીટી પાસે બેસી. હાથમાં કાજલ લઈને તેણે પોતાની હથેળીમાં પોતાનું નામ 'રાજવી ' લખ્યું. સ્વીટી સમજી ગઈ અને તેણે પણ રાજવીને પોતાનું નામ તે જ પ્રકારે જણાવ્યું. તેના ચહેરા ઉપર સ્માઈલ આવી ગઈ. અચાનક બાજુનાં રૂમમાંથી કોઈક સ્ત્રીની 'આહ... આહ ' ની ચીસો સંભળાઈ રહી હતી. સ્વીટી કાન માંડીને બાજુની દીવાલમાં ચાલી રહેલ વાર્તાલાપ સાંભળી રહી હતી. 

"પેલી રાજુડીને કાલે ક્યાંક વેચી આવ. અહીંયા હવે એના ઘરાકો ઓછા થઇ ગયા છે. મફતના રોટલા તોડી રહી છે.એમ પણ કાંઈ ખાતી પીતી નથી. જલ્દી મરી જવું લાગે છે એને....મસાલાની કોઠીમાં પૂરી દીધી છે.ત્યાં જઈને તેના આખા શરીરે મરચું લગાવી દીધું. દર્દની મારી ચીસો પાડતી રહી ને હું તારી હારે આવી ગઈ."

"એને મરવું હોય....ત્યાં મરે, તું મને મારવા દે ને શાંતિથી, કીધું છે કે કામ કરતી વખતે આ બધી ખિટપીટ સાંભળવામાં મને રસ નથી. એમ પણ તેના અંતિમ શ્વાસો જ ચાલતા હશે હવે....એટલે મરતા પહેલા મને કાંઈક આનંદ દેતી જાય એવું કરું હમણાં... હાહાહા... "

ફરી "આહ.. આહ"ની ચીસો જોરજોરથી આવવા લાગી. સ્વીટી સમજી ગઈ કે પોતે બીજે ક્યાંય નહીં પણ મુંબઈના કોઠાબજારમાં આવી ગઈ છે.

    રાજવી તેની સામું એકધારું જોઈ રહી હતી. કદાચ તે સ્વીટીમાં પોતાનો ભૂતકાળ જોઈ રહી હતી. 

રાજવીએ પાઉડરનો ડબ્બો હાથમાં લીધો અને જમીન ઉપર પાઉડર નાખીને આંગળી વડે કાંઈક લખવાં લાગી. 

સ્વીટી તે મનમાં જ વાંચવા લાગી. 

મારી ચિંતા છોડી દે. હું તો એમ પણ મૃતપ્રાય અવસ્થાએ જ છું. તું અહીંથી ભાગી જા. હમણાં પેલો હરામખોર મને લેવા આવશે ત્યારે હું તેને ગમે તેમ કરીને ધ્યાનચૂક કરી દઈશ. હું નથી ઇચ્છતી કે એક બીજી રાજવી અહીંયા જન્મ લે. 

આટલું વાંચીને સ્વીટીએ તે લખાણ લૂછી કાઢ્યું. તેની આંખોમાંથી અશ્રુધારા વહી રહી હતી. તેને રાજવીની આંખોમાં એક અજાણ્યો ચહેરો હોવા છતાં એક જાણીતા પ્રેમની અનુભૂતિ થઇ. તેણે આ વાંચીને રાજવી તરફ નકારમાં ડોકું હલાવ્યું. રાજવીની આંખો પણ ભીની થઇ ગઈ હતી. તેણે ફરી પાઉડરને વેર્યો અને એમાં કાંઈક લખવાં લાગી. 

મારી જિંદગી પતવા આવી છે. તું હજુ શરુ કરે છે પ્લીઝ માની જા. આ મોકો જવા દઈશ તો તું કયારેય પોતાની જાતને માફ નહીં કરી શકે. બસ કયારેક મારી યાદ આવે તો.... 

આટલું લખીને રાજવીએ પોતાના ફાટેલા ડ્રેસના ટુકડાને ડ્રેસથી અલગ કર્યો અને પોતાના ફાટેલા હોઠો પર લાલ લિપસ્ટિક કરી લીધી અને તેને પેલા ટુકડા ઉપર નિશાન બનાવીને પાછું દઈ દીધું. સ્વીટીનો હાથ તે ટુકડો લેતા ધ્રુજી રહ્યો હતો. રાજવીનો સ્વીટી પ્રત્યેનો આશાભર્યો ચહેરો જોઈને સ્વીટીએ માત્ર હકારમાં ડોકું હલાવ્યું. 

    અચાનક બારણું ઊઘડ્યું. સામે હેવાન જેવો વ્યક્તિ ઉભો હતો. તેને જોઈને રાજવી ઉભી થઇ ગઈ અને પાછળથી પોતાના હાથમાં લાલ મરચાંનો મૂઠો તે માણસની આંખોમાં નાખી દીધો. સ્વીટીને પણ હાથમાં આ જ વસ્તુ આપી ભાગી જવા સૂચવ્યું. સ્વીટી પણ ઊંધુ ઘાલીને ભાગતી રહી અને તેની સામે આવતા લોકો પર મરચું નાખતી પોતાનો રસ્તો ચીરતી રહી. છેલ્લી નજર પાછળ નાખીને તેણે જોયું તો રાજવી તેની સામું જોઈને રહસ્યમયી સ્મિત રેલાવી રહી હતી. તેના મુખ ઉપર એક બીજી રાજવીને બચાવવાનો ભાવ છલકી રહ્યો હતો. સ્વીટી ત્યાંથી નીકળીને ફટાફટ ઓટો પકડીને ટ્રેન તરફ દોડી. તેની પાછળ 2-3 માણસો પણ પીછો કરવા લાગ્યા. 

    રેલવે સ્ટેશને ઓટો ઉભી રહી અને સ્વીટી ભાગતી ભાગતી ચાલતી ટ્રેનમાં ચઢી ગઈ. ત્યાં જઈને તે શાંતિથી ડબ્બામાં જઈને બેસી ગઈ. ભાગવાના લીધે તેને હાંફ ચઢી રહી હતી. તેની સામે બેસેલ માજીએ પાણીનો બાટલો સ્વીટીને આપ્યો અને સ્વીટીએ પાણી પીને તે માજીને બાટલો પાછો આપ્યો. તે માજીએ સ્વીટી સામું તેની હાલત જોઈને પૂછ્યું. 

"તારું નામ શું છે બેટા??... "

સ્વીટી બોલવા જતી જ હતી ત્યાં ફરી તેનો અવાજ ગળામાંથી પાછો ફરી ગયો... તેની નજર સમક્ષ આખી ઘટના તરવરવા લાગી. તેને સમજ નહોતી પડી રહી. તે ત્યાંથી ઉતરીને પોલીસ સ્ટેશન ગઈ અને પોલીસને લઈને તે કોઠે. ત્યાંનું સીસીટીવી ચેક કર્યા બાદ સ્વીટીને ભાન આવ્યું કે રૂમમાં તેની સિવાય રાજવી નહીં પણ તેની આત્મા હતી... રાજવીનો મૃતદેહ કબાટમાંથી મળી આવ્યો. ત્યારે તેને ધ્યાન આવ્યું કે ઓટો પણ કેમ કીધા વગર સીધી રેલવે સ્ટેશન પર ઉભી રહી.... તેની જીભ ત્યાં આવતા જ કાપી દેવામાં આવી હતી પણ રાજવીના લીધે પોતે બચી ગઈ. તે વ્યક્તિ પર મરચું પોતે તો નાખીને ભાગી હતી. અચાનક પોતાના જીન્સમાં હાથ જતા પેલો ટુકડો આવી ગયો જેમાં રાજવીની અંતિમ યાદ હતી...!


Rate this content
Log in

Similar gujarati story from Thriller