Mariyam Dhupli

Romance Tragedy Inspirational

4  

Mariyam Dhupli

Romance Tragedy Inspirational

મોક્ષ

મોક્ષ

3 mins
584


હું પપ્પાની આરામ ખુરશી ઉપર બેઠો હતો. મારો મોબાઈલ સામેના ટેબલ ઉપર નિર્જીવ પડ્યો હતો. હું એના જીવિત થવાની રાહ જોઈ રહ્યો હતો. મારી નજર છત ઉપર ચક્કર કાપી રહેલ પંખાની ત્રણ પાંખોની ઝડપ ઉપર સ્થિર હતી. પરંતુ મારા વિચારો એટલાજ અસ્થિર હતા. આજે પપ્પાનું અવસાન થયું હતું. પણ ન તો હું સ્મશાન ભૂમિ ગયો. ન એમની ચિતાને આગ લગાવી. ન એકના એક દીકરા તરીકે એમના અગ્નિદાહની વિધિમાં ભાગ લીધો.

મારા અને પપ્પા વચ્ચે હમેશા 'જનરેશન ગેપ'ની સમસ્યા રહી હતી. પરંતુ એ પેઢી કરતા વિચારોનું અંતર વધુ હતું. અમારા વિચારો એકબીજા જોડે મેળ ખાતાજ ન હતા. દરેક વિષય ઉપર હમેશા અમારો મતભેદ રહ્યો. ખાસ કરીને ધર્મ બાબતે. એમના માટે ધર્મ એટલે ધાર્મિક ક્રિયાઓની ફરજ પૂરતી. જયારે મારા માટે ધર્મ એટલે જીવો અને જીવવા દો. અન્ય માનવીને નડ્યા વિના શાંતિથી પ્રેમપૂર્ણ, સમજદારીભર્યું જીવન જીવવું એજ સાચો ધર્મ.

પરંતુ આ વિચારભેદોને મેં કદી મારા અને એમના સંબંધ વચ્ચે આવવા દીધા ન હતા. તેઓ એક ફરજનિષ્ઠ પિતા હતા અને હું એક ફરજનિષ્ઠ પુત્ર. જયારે મારા અને શબાનાના સંબંધ અંગે એમને જાણ થઇ હતી ત્યારે પરિવારના અન્ય કોઈ પણ સભ્યને એની જાણ ન થાઈ એ રીતે એકાંતમાં તેઓએ મને બોલાવ્યો હતો. સ્પષ્ટ શબ્દોમાં જણાવી દીધું હતું. 

"એક દીકરો એના પિતાને મોક્ષ અપાવે છે. તું તારી ફરજ નિભાવીશ ?" 

મારા જીવનની કથા કોઈ ફિલ્મ કે પુસ્તક જેટલી રસપ્રદ ન હતી. મેં કોઈ બળવો ન પોકાર્યો. ન તો હું શબાનાને લઇ ભાગી છૂટ્યો , ન શબાનાએ પરિવાર વિરુદ્ધ જઈ મારી જોડે ફેરા ફર્યા. દરેક ધર્મ માતાપિતા જોડે સદવર્તનની જ શીખ આપે છે. માતાપિતાની ખુશી એજ સંતાનનો ધર્મ છે. એ ધર્મ શબાનાએ પણ નિભાવ્યો અને મેં પણ, સંપૂર્ણ હૃદયથી .

ન શબાના એના અબ્બુ અને એમની જન્નત વચ્ચે અવરોધ બની, ન હું મારા પિતા અને એમના સ્વર્ગ અને મોક્ષની વચ્ચે. એવું નથી કે હું અને શબાના આજે ખુશ નથી. માતાપિતાની ખુશી માટે અમે જે નિર્ણય લીધો હતો એનો અમને જરાયે પસ્તાવો નથી. શબાનાએ પોતાના અબ્બુની મરજીથી નિકાહ કર્યા. એનું પરિવાર ખુબજ સ્નેહાળ છે. એનો પતિ અબુ એને ખુબ પ્રેમ કરે છે. એને એના જેવાજ સુંદર બે બાળકો છે. એ ખુશ છે, બહુ ખુશ. ના, હું એની જોડે કોઈ પણ પ્રકારના સંપર્કમાં નથી. અમારા કેટલાક સામાન્ય મિત્રો, કોમન ફ્રેન્ડ્સ છે. જેમની પાસેથી મને એના સમાચાર મળતા રહે છે.

હું પણ મારા પરિવાર જોડે એટલોજ ખુશ છું. મારી પત્ની આરતી પપ્પાની જ પસંદગી હતી. આરતી પણ પપ્પાની જેમ ખુબજ ધાર્મિક વૃત્તિ વાળી છે. ઘરનો, બાનો , મારો, અમારા સૌનો એ કેટલો ખ્યાલ રાખે છે. એનો સ્વભાવ એના જેવોજ મીઠો, મધુરો છે. અમારો એક દીકરો પણ છે જે અમારા જીવનનો ઠંડો છાંયડો છે. મેં અને શબાના એ અમારા ધર્મ નિભાવ્યા. બે જુદા જુદા ધર્મના હોવા છતાં અમારા સંતાન ધર્મ એકમેકની આબેહૂબ નકલ કેમ લાગે છે ?

મારા ધર્મ અંગેના વિચારોના પ્રવાહને અવરોધતો મોબાઈલ સામેના ટેબલ ઉપર વાઈબ્રેટ થયો. વિચારો ખંખેરી હું આરામખુરશી ઉપર સતર્ક બેઠો. સામે છેડેથી મળેલી માહિતીથી મન નિરાંત થયું. શબ્દો થકી શક્ય હોય એટલો દરેક આભાર મેં હૃદયના ઊંડાણથી વ્યક્ત કર્યો. કોલ કપાયો અને હું આરામખુરશી ઉપર ફરી નિરાંતે લાંબો થયો. મારી આંખોના ઝળહળીયા સીમારેખાથી બહાર નીકળી મારા ચહેરા ઉપર સરી આવ્યા. જે મારો ધર્મ હતો એ ધર્મ તેમણે મારા વતી નિભાવી દીધો હતો. મારા કહ્યા પ્રમાણે ગંગાજળનો પણ ઉપયોગ કર્યો હતો. ફોન ઊપર સાંભળેલા રફીકભાઈના શબ્દોએ મને ખાતરી અને સાંત્વના બન્ને એકીસાથે પુરા પાડ્યા હતા. એમની સમાજ સેવા સંસ્થાએ દરેક ફરજ મારા વતી પુરી કરી હતી. કોરોના વાયરસથી સંક્રમિત પપ્પાના શરીરની અંતિમવિધિ પોતાના જીવના જોખમે એમણે જાતે કરી હતી. 

હું અને મારુ પરિવાર હોમ ક્વારન્ટાઇનના કાયદા હેઠળ ઘરે ગોંધાયેલું હતું. જો રફીકભાઇ ન હોત તો...

પપ્પાને મોક્ષ મળી ગયું હોય એ આશા જોડે મારી આંખો ફરી થી છત ઉપર ચક્કર કાપી રહેલ પંખાની ત્રણ પાંખો ઉપર સ્થિર થઇ ગઈ. 


Rate this content
Log in

Similar gujarati story from Romance