મોકળાશ
મોકળાશ


બારી પાસે ઉભીને સિગારેટનાં કસ લઇ રહેલી સોનમની આસપાસ કોલાહલ પથરાયેલો હતો. હોલમાં ટીવી પર કોઇ રોમેન્ટિક ફિલ્મ જોઇ રહેલી છોકરીઓ ની ઠઠ્ઠા -મશ્કરીના અવાજ, બહાર ઓટલા પર ઉભેલી છોકરીઓ મોટે મોટેથી ઘરાક સાથે ભાવતાલ કરતી હતી, તેના અવાજ, બાજુની ખોલીમાં કંઇક ઝઘડો ચાલતો હતો તે અવાજ. સારું હતું સોનમ આ કોલાહલમાંજ ડૂબેલી હતી એટલે એની અંદર ચાલતો કોલાહલ એને સંભળાતો જ નહોતો. ત્યાંજ કોઠાની મૌસીનો અવાજ ઘસી આવ્યો.
"સોનમ...બહાર આજા તેરે લીએ કોઇ આયા હૈ."હોઠ પર લિપસ્ટિક ફેરવી, પહેરેલા કમીઝનું ઉપલું બટન ખોલી, બારીની ફ્રેમમાં જડાય ગયેલી લાગતી. દૂર રહેલી ગંગા નદી પર નજર નાંખતા, એ ખોલીની બહાર નીકળી.
આમ તો આ ગંગા કિનારે આવેલ જાત્રાની જગ્યા હતી. લોકો ઉપવાસ કરી - પવિત્ર થઇ મંદિરમાં જતાં. ને પછી બધાં પાપોથી મુક્તિ મેળવી, પવિત્રતા એ મંદિરનાં કાંગરે ટીંગાડી, બહાર નીકળતાં. ઓર તરસ્યાં ને ભૂખ્યાં થઇ ! એમાં બધાજ પ્રકારની ભૂખ આવી જતી. ને એટલેજ આ કોઠો ધમધોકાર ચાલતો. સોનમ તો આ કોઠાની સૌથી ખૂબસૂરત છોકરી હતી એટલે સાત વર્ષમાં તો એને ચાહનારાની લાઇન લાગતી. હા ! સાત વર્ષ પહેલા ચૌદ વરસની વયે-અહીં લવાયેલી અનાથ એવી સોનમ, અનેક આદતો-મોજશોખને અય્યાશીનાં પડળોથી ઘેરાતાં-ઘેરાતાં આજે એકવીસ વરસની થઇ હતી. હવે આ કોઠાની જીંદગી એને કોઠે પડી ગઇ હતી.
એમ તો એકાદશી - નવરાત્રી જેવા વ્રતના દિવસે ઘરાકી ન હોય તો આ છોકરીઓ બહાર પણ નીકળતી. ગંગાકિનારે કે મંદિર દર્શને પણ જતી. પણ સોનમ તો ફકત કોઇ ખરીદી કે ચાટ ખાવાજ નીકળતી. ગંગાનદી તો એને પોતાની બારીની ફ્રેમમાં જડાયેલીજ જોવી ગમતી. ને મંદિરનું નામ પડતાંજ એને-- નાની, સાત-આઠ વરસની 'મા'નો હાથ પકડી દૂરનાં ગામનાં નાનાં મંદિરનાં પગથિયાં ચડતી નાની સોનમ યાદ આવતી. સાથે જ સંભળાતા' મા'ના શબ્દો..." બેટા, મંદિરમાં તો નાહી-ધોઇને પવિત્ર શરીરેજ જવાય." ને એ કદીયે અંદર ન જતી.
હમણાં બે-ચાર દિવસથી ધરાકી ઓછી હતી તે બધી છોકરીઓ ગપ્પાં મારતી બેઠી હતી. થોડું ઘણું ભણેલી પાયલ છાપામાં નજર નાંખતા બોલી 'એંઇ ! યે તો બોલતે હૈં કી કોઈ નયા' કોવીડ 'નામકા રોગ ફૈલા હૈ. શાયદ ઇસ લીએ ઘરાકી નહીં હૈ..."
ત્યાં કોઇ બટકબોલી બોલી "અરે ! પહેલે ભી તો મલેરિયા -ડેન્ગૂ ફૈલા હૈ...પર મચ્છર જો ખૂન ચૂસતે હૈં વો કમી પૂરી કરને, યે મર્દ લોગ સાલે હમારા ખૂન ચૂસને આ જાતે હૈં ----જયાદા હી આતે હૈં...."
પણ આ વખતે કંઇક જુદું જ થઇ રહ્યું હતું. આ કોવીડ-કોરોના મહામારી તો ફેલાતી જ ગઇ. કોઇને અડવાથી પણ એ ફેલાતી હતી ને માણસો મરતાં હતાં. એવામાં કોઠા પર તો કોણ આવે ? મ્યુનિસિપાલિટી એ પણ મના કરી હતી. આઠ-દસ -વીસ દિવસ વીતી ગયાં ને હજુ તો આમજ મહીનાઓ નીકળશે એવું લાગતું હતું. આ છોકરીઓ ગ્રાહક અને પૈસાના અભાવે અકળાતી પણ છૂટકોજ નહોતો તે નવી -સાદી જીંદગી જીવવા કોશિષ કરતી.
શહેરમાં કરફ્યુ થોડો હળવો થતાં આજે ચાર-પાંચ છોકરીઓ બહાર નીકળી. શહેરની ગલીઓ શાંત હતી. ચાલતાં -ચાલતાં ગંગાકિનારે આવ્યાં.
આજે પહેલી વાર સોનમને આ વહેતી ગંગા ગમી. થોડીવાર એ એનાં પાણીને તાકતી ઉભી રહી ને પછી મંત્રમુગ્ધ શી એનાં વહેતાં પાણીમાં ઉતરી. હાથ-પગ ને આખાએ શરીર પર પાણી એ છાલક મારી. એનાં મનમાં કોઇ અજાણ્યાજ ભાવ ઊભરાયાં. પોતાના હાથ ને, પગ ને, તાકતાં....એણે જાણે રોમાંચ અનુભવ્યો. ઓહ ! આ મારું શરીર છે. ફક્ત મારુંજ. એના પર મારી મારી એકલીની મરજી પણ ચાલી શકે છે !
ગંગાના વહેતાં જળમાં એ અંગો ઝબોળી-ઝબોળીને નાહી. બહાર નીકળી ન જાણે કેમ એને મંદિરમાં જવાની ઇચ્છા થઇ ! મંદિર તો બંધ હતું. પણ એને ઓટલે માથું ટેકવતાં એને લાગ્યું જાણે એણે માના ખોળે માથું ટેકવ્યું ! ઉભી થઇ ત્યારે જાણે એણે એના બાળપણની મોકળાશ અનુભવી ! સામે પથરાયેલા ખુલ્લાં -સુંદર રસ્તા પર હાથ પસારતાં મુક્ત મને એ દોડી પડી !
સોનમને તો ખબર જ નથી કે આ રસ્તો એને હંમેશની મોકળાશ ને માર્ગે લઇ જશે ? કે પછી ફક્ત થોડી પળોની મોકળાશના અહેસાસ તરફ ?......તમને ખબર છે ?