મોબાઈલની માથાકૂટ
મોબાઈલની માથાકૂટ


શકરાભાઈ સસલાનાં પરિવારમાં ત્રણ. એક પોતે, તેના પાપા અને તેના મમ્મી. બધાં ગાજર ખાય અને લ્હેર કરે. એવામાં એક દિવસ શકરાભાઈ નો જન્મદિવસ આવ્યો. તેના પપ્પા તેના માટે સરસ મઝાના ગાજર લાવ્યાં, તેના મમ્મીતેના માટે કુણુંકુણું ઘાસ લાવ્યાં. આનાથી વધુ સારું બીજું જન્મદિવસ મા હોય પણ શું? શકરાભાઈતો મિત્રો સાથે રમીને સાંજે ઘેર આવ્યાં. મમ્મીએ ખોળામાં બેસાડી ને ઘાસ ખવડાવ્યું. પપ્પાએ ગાજર આપ્યાં, પણ શકરાભાઈ તો હસે જ નહી. એ તો મોઢું ફુલાવીને બેઠાં. રિસાઈને કહે, “ખાઉં નાહીને ગાજર લઉં નહી, મોબાઈલ ન લાવી દ્યો તો મમ્મી પપ્પા કહું નહી.”
તેના મમ્મી પપ્પા તો ભારે મુંઝાય. શકરાભાઈ નાં મમ્મી બોલ્યા ,” લઈને દો ને . તેના બધાં ભાઈબંધ આગળ મોબાઈલ છે. છેવટે, શકરાભાઈ નાં પપ્પા તો તેના માટે નાનકડો મોબાઈલલઇ આવ્યાં. શકરાભાઈ ને તો જલસો પડી ગયો. આખો દિવસ મોબાઈલ મા ગીતો સાંભળે, ગેમ રમે , મમ્મી પપ્પા સાથે વાત ન કરે, બહાર રમવા જાય નહી, ગાજર ખાય નહી.મોબાઈલ મા ધ્યાન હોય તો ગાજર નાં બદલે પાંદડા ખાઈ જાય તો ય ખબર નાં પડે. નહી હરવાનું, નહી ફરવાનું, બસ એક જ જગ્યાએ પડ્યા રહેવાનું. તેના મમ્મી પપ્પા તો ભારે ચિંતામાં પડી ગયા. ગાજરના પાંદડા ખાઈને પેટ ખરાબ થઇ ગયું. સતત મોબાઈલ જોવાના કારણે ચશ્માના નંબર આવી ગયા.અને આખો દિવસ ઘરમાં રહેવાને લીધે શરીર પણ જાડિયું થઇ ગયું.
છેવટે મમ્મી પપ્પા એ એક યુક્તિ વિચારી. રાત્રે શકરાભાઈ સુઈ ગયા પછી તેના મમ્મીએ મોબાઈલ સંતાડી દીધો. સવારે ઉઠીને શકરાભાઈ તો બુમ બરાડા પાડવા લાગ્યા. તેના મમ્મી પપ્પા તો તેને રીંછભાઈ ડોક્ટર પાસે લઇ ગયા. રીંછભાઈ એ પેટ જોયું, માથું જ
ોયું, જીભ જોઈ, પછી ઠવકું મો કરી બોલ્યા, “ ઓપરેશન કરવું પડશે.” શકરાભાઈ બીક નાં માર્યા રડવા લાગ્યાં. તેના મમ્મી એ ડોક્ટર ને પુછુયું “ પણ શાનું ઓપરેશન? આને થયું છે શું? “ ડોક્ટર સાહેબ સાવ રોતલ મોઢું કરી બોલ્યાં “આના મગજમાં મોબાઈલ ઘુસી ગયો છે.” શકરાભાઈ નાં મમ્મી કહે ,” સાચી વાત છે. આજે સવારનો મોબાઈલ જડતો નથી. ઝડપથી ઓપરેશન કરીને કાઢી દો. મારાં શકરાને તેમાં ગેમ રમવી હશે. હે ને બેટા? શકરાભાઈ તો રડમસ ચેહરે બોલ્યા, “ નાં મમ્મી , મારે ગેમ નથી રમવી. મને તો ખુબ ભૂખ લાગી છે.મારે તો ગાજર ખાવા છે.શકરાભાઈ નાં પપ્પાએ ડોક્ટર ને ઈશારો કર્યો એટલે ડોક્ટર બોલ્યા, “ અચ્છા તો એક કામ કરો ધબ્બો મારો એટલે હમણાં મોબાઈલ નીકળી જશે.” તેના પપ્પા એ ધબ્બો માર્યો, બરાબર ત્યારે તેના મમ્મીએ હળવેથી ઉપરથી મોબાઈલ નીચેની તરફ છોડ્યો. “ લ્યો ! આ મોબાઈલ નીકળી ગયો. હવે ઉપાધી ગઈ.” હસતા હસતા રીછભાઈ બોલ્યા. મોબાઈલ હાથમાં લઇ તેના પપ્પાએ શકારાને આપતા કહ્યું, “ લે બેટા, હજુ રમવી છે ને ગેમ? શકરો કહે, “ નાં પપ્પા, મારે હે એનાથી નથી રમવું, પાછો મગજમાં ઘુસી જાય તો? હું તો મારાં મિત્રો સાથે રમીશ, ઘાસ ખાઇશ, ગાજર ખાઈશ અને જંગલ મા કુદાકુદ કરીશ.” શકરાભાઈ નાં મમ્મી પપ્પા તો ખુબ રાજી રાજી થઇ ગયા. તેમણે ડોક્ટર નો ખુબ ખુબ આભાર માન્યો. રીંછભાઈ ડોક્ટર શકરાંનાં માથે હાથ ફેરવતા ફેરવતા બોલ્યા, “ માતા પિતા નો પ્રેમ, મિત્રો, ગાજર ને ખુલ્લું મેદાન, આનાથી મોટું એકેય સ્વર્ગ નથી. તેનું ધ્યાન રાખજો. “
બધાં રાજી રાજી થતા ઘરે ગયા. શકરાભાઈ ઘરે પહોંચી ગાજર ખાતા ખાતા ગીત ગાવા માંડ્યા. મમ્મી પપ્પા પણ રાજી થઇ ગયા.