JHANVI KANABAR

Tragedy Thriller

4.3  

JHANVI KANABAR

Tragedy Thriller

મનતરંગ

મનતરંગ

7 mins
23.4K


રેવા જોરથી ઘરનો દરવાજો ખોલી પોતાના રૂમમાં જઈ પલંગ પર ફસડાઈ પડી... ધ્રૂસકે ધ્રૂસકે રડી પડી.. કલાકો સુધીનું તેનું આક્રંદ ઓશીકું ભીંજવી રહ્યું હતું. શાંત નદીમાં જાણે કોઈએ કાકરીચાળો કરી વમળો ઊભા કરી દીધા હતાં. પોતાના જીવનનો એ કાળમુખો દિવસ જાણે ફરી યાદો બની આંખો સામે તાદ્રશ્ય થતો હતો. થોડીવારે રેવા ઊભી થઈ, આંસુથી ઓઘરાળાવાળો ચહેરો, લાલ આંખોને ઠંડા પાણીથી ધોઈ સ્વસ્થ થઈ. ઘડિયાળમાં જોયું તો સાત વાગી ગયા હતાં. રોજની જેમ આજે કોફીશોપમાં જવાનો સમય નીકળી ગયો હતો. એમપણ આજે જે કંઈ બન્યુ એનાથી એને કંઈ જ કરવાનો મૂડ નહોતો. ઘરમાં જ કોફી બનાવી, ટીવી ઓન કરી સમય પસાર કર્યો. ડિનર પણ કેન્સલ કર્યું અને દસ વાગતા, માથાના દુઃખાવાની ગોળી લઈ સૂઈ ગઈ.

સૂરજની પહેલી કિરણ પડી, રાબેતા મુજબ રેવાએ ઊઠીને તૈયાર થઈ, ચા-નાસ્તો કર્યાં, એટલામાં કામવાળી આવીને ઘરકામ પતાવી ગઈ. રેવા ઓફિસે જવા કાર સ્ટાર્ટ કરી નીકળી પડી. આજે તેને ઓફિસ જતા થોડું અજુગતુ લાગતું હતું. મનમાં ને મનમાં સાગરનો સામનો કેમ કરવો એ ડર હતો.

બન્યું એવું હતું કે, રેવાની ઓફિસના બોસના દિકરા સાગરએ છેલ્લા છ મહિનાથી ઓફિસ સંભાળી હતી. રેવાનું કામ, તેનો સ્વભાવ અને રૂપ જોઈ સાગર તેના પ્રત્યે આકર્ષાયો હતો. સતત રેવાની કંપનીમાં આ આકર્ષણ પ્રેમમાં પરિણમ્યું, પણ એકતરફી પ્રેમ કહી શકાય. રેવાને પ્રેમ જેવા શબ્દથી ભારોભાર નફરત હતી. તેને સાગરની પોતાના પ્રત્યે આ લાગણીની ક્યારેય ખબર નહોતી. સાગર પણ પ્રેમનો એકરાર સમય અને પરિસ્થિતિ જોઈને કરવા માંગતો હતો, પણ બન્યું ઊંધુ. કાલે જ સાગરએ રેવાને એક ફાઈલ લેવા પોતાની કેબિનમાં મોકલી... રેવાએ ડ્રોઅર ખોલ્યું, ફાઈલ ઉપાડી અને જોયું તો ફાઈલની નીચે કેટલાક ફોટોગ્રાફ હતાં. રેવાના પોતાના ફોટોગ્રાફ, જે તેની જાણ બહાર જ લીધા હોય એવા ફોટોગ્રાફ. ફોટોગ્રાફ હાથમાં લઈ જોયું તો પાછળ`લવ યુ રેવા’ પણ લખ્યું હતું. રેવાને ફાઈલ લાવતા વાર લાગી એટલે સાગર પોતાની કેબિનમાં જોવા આવ્યો. જોયું તો પોતાની ચોરી પકડાઈ ગઈ હતી. રેવાના હાથમાં ફોટોગ્રાફ જોઈ સાગરને કંઈ જ સૂઝ્યું નહિ. રેવાએ સાગરની સામે ગુસ્સાથી જોઈ, ફોટા ત્યાં જ ફેંકી ઓફિસની બહાર નીકળી ગઈ. સાગરને એ તો સમજાઈ ગયું કે, રેવા હવે પ્રેમ તો દૂર પણ મૈત્રી પણ નહિ રાખે. સાગરને ખબર નહોતી કે રેવાનો એક દર્દનાક ભૂતકાળ હતો, જેને કારણે તે આજે છંછેડાઈ ગઈ અને ઘરે આવીને ખૂબ રડી.

જોતજોતામાં રેવા ઓફિસ પહોંચી ગઈ. તેણે નક્કી જ કર્યું હતું કે, આજે રાજીનામું જ આપી દેવું. ઓફિસમાં પગ મૂકતા જ પટાવાળાએ આવીને રેવાના હાથમાં ફાઈલ્સ મુકી. વાતાવરણ તદ્દન હળવું હતું, કંઈ જ અજુગતું નહોતું લાગતું. એટલામાં સાગરે પણ આવીને રેવાને જાણે કંઈ જ બન્યું ન હોય એમ આજની મીટીંગ વિશે માહિતી આપી, પોતાની કેબિનમાં જતો રહ્યો. રેવાને થોડી હાશ થઈ. તે કામ પર લાગી ગઈ. બીજા દિવસે પણ આમ જ બન્યું. એમ કરતાં અઠવાડિયું નીકળી ગયું. બધું જ નિયમિત, હળવું અને નોર્મલ હતું. રેવાએ રાજીનામાનો નિર્ણય બદલી નાખ્યો, પણ હવે રેવાના હૈયાએ તેની જોડે ચેડા ચાલુ કરી દીધા હતાં. સાગરની સજ્જનતા અને તેની નમ્રતા માટે રેવાને માન થયું. રોજરોજ સાગરનું પોતાના પ્રત્યેનું વર્તન તેને ઘરે આવીને પણ તેના જ વિચારોમાં ઓતપ્રોત રાખતું.

એક દિવસ સાગર ઓફિસે ન આવ્યો. રેવાની નજર વારેવારે તેની કેબિન તરફ જતી. રેવાને પોતાને જ સમજાતું નહોતું કે તે આમ કેમ કરે છે ? થોડીવાર પછી સાગરના પિતા પોતે ઓફિસમાં આવ્યાં હતાં. પાંચ વાગતા બધા ઘરે જવા લાગ્યા એટલે સાગરના પિતા શ્રીકાંત રાયે રેવાને પોતાની કેબિનમાં બોલાવી. `મે આઈ કમ ઈન’ રેવાએ પૂછ્યું, એટલે શ્રીકાંત રાયે હકારમાં માથુ ધુણાવ્યું. રેવા સામેની ખુરશી પર બેઠી.

`બેટા એક પર્સનલ કામ હતું તારું એટલે જ ઓફિસ અવર્સ પછી તને બોલાવી. તને બેટા કહી શકુ ને ?’ શ્રીકાંત રાયે વાતાવરણ હળવું કરતાં કહ્યું.

`યસ સર, બિલકુલ કહી શકો !’ રેવાએ સ્મિત કરતાં કહ્યું.

`સાગરે મને તારા વિશે કહ્યું હતું, અને તારી અનિચ્છા વિશે પણ કહ્યું. એ તો મને ના પાડતો હતો આ વાત છેડવાની જ, પણ હું તેનો મા અને બાપ બેય છું. તેની તકલીફ સમજી શકું છું. તારા પર હું કોઈ દબાણ નથી કરતો, પણ જો તારી `ના’ નું કારણ જાણી શકું તો.....’ શ્રીકાંત રાયે રેવાની આંખમાં આંસુ જોયા એટલે વાક્ય ત્યાં જ અડધુ મુકી દીધું.

`સોરી બેટા...’

`ના.. ના સર.. તમે બેટા કહ્યું છે. તો જરૂર જણાવીશ.’ રેવાએ પોતાના આંસુ ખાળતા કહ્યું.

`કાલે રવિવાર છે, તો કાલે તું મારા ઘરે આવ. આપણે શાંતિથી વાત કરીએ.’ રેવાએ હકારમાં ડોકું હલાવ્યુ, અને ઘરે જવા નીકળી ગઈ.

આખી રાત રેવાને ઊંઘ ન આવી. સવારે જોયું પોતાની આંખો સૂઝી ગઈ હતી.. તેણે નક્કી કર્યું કે, સાગરને અને તેના પિતાને બધી જ વાત જણાવી દેવી, એ પછી તો તેઓ જ આ સંબંધની ના પાડી દેશે.

મનોમન પોતાની જાતને મજબૂત બનાવતી, રેવા શ્રીકાંત રાયના ઘરે પહોંચી. ત્યાં તો જાણે રેવાની જ રાહ જોવાતી હતી. રેવા ઘરમાં પ્રવેશી કે શ્રીકાંત રાયે `આવ બેટા, બેસ બેસ...’ કહી મીઠો આવકાર આપ્યો. નોકર આવી પાણી આપી ગયો. પાંચેક મિનિટમાં સાગર પણ તૈયાર થઈ, પોતાના રૂમમાંથી નીચે આવતો દેખાયો. સાગર આવીને ખચકાતા પગલે રેવાની સામેના સોફા પર બેઠો, રેવાને `હલ્લો’ કર્યું. રેવાએ પણ જવાબમાં `હાય’ કીધું.

`હા બેટા શું લઈશ તું ?’ શ્રીકાંત રાયે રેવાને પૂછ્યું,

`કંઈ નહિ સર..’ રેવાએ જવાબ આપ્યો.

`હવે અહિં સર નહિ અંકલ...’ કહી, શ્રીકાંત રાયે નોકરને ઠંડુ લાવવાનો હુકમ કર્યો.

`સર.. સોરી અંકલ.. હું હું એટલા માટે ના કહેતી હતી, કારણ કે મારી જાન લગ્નમંડપથી પાછી વળી ગઈ હતી.’ રેવા બોલતાં બોલતાં ગળગળી થઈ ગઈ.

`હમમ.. તો બોલ... એથી શું ?’ જાણે કોઈ નજીવી વાત હોય એમ શ્રીકાંત રાયે પૂછ્યું.

રેવા આશ્ચર્યથી શ્રીકાંત રાય સામે અને સાગર સામે જોવા લાગી. પછી પોતાની જાતને સંભાળતા કહ્યું, `આ વાત તમારા માટે ભલે મહત્ત્વની ન હોય પણ મારે તમને પૂરી વાત જણાવવી જોઈએ, એમ મને લાગે છે.’

`ઠીક છે, જો એથી તારું મન હળવું થતું હોય તો બોલ બેટા... શું થયું હતું ?’ શ્રીકાંત રાયે પ્રેમથી પૂછ્યું.

રેવાએ વાત આગળ વધારતા કહ્યું, `મારા પપ્પા કોલેજમાં પ્રોફેસર હતાં. મમ્મી તો હું ચૌદ વર્ષની હતી ત્યારે જ કેન્સરથી અવસાન પામેલી. પપ્પાએ જ મને બેયનો પ્રેમ આપ્યો. હું બાવીસ વર્ષની થઈ એટલે પપ્પાએ જ્ઞાતિમાં વર શોધવાની શરૂઆત કરી. મને જોવા આવવાવાળા મારો ભારે મંગળ જોઈ ના પાડી દેતા. પપ્પાની ચિંતા વધતી ગઈ. એકવાર મોહિત તેના મા-બાપ સાથે મને જોવા આવ્યો, તેઓ જન્માક્ષરમાં માનતા નહોતા અને હું તેમને ગમી ગઈ. મને પણ મોહિત ગમી ગયો હતો. અમે એક-બે વાર મળ્યા, પછી વિચારીને લગ્નની હા પાડી. મારા પપ્પાએ ધામેધૂમે સગાઈ કરી, અને લગ્નની તૈયારી ચાલુ કરી દીધી. હું જોઈ રહી હતી કે, મને આણામાં આપવા માટે પપ્પા ટી.વી, ફ્રીજ, વોશિંગમશીન વગેરેની શોપિંગ કરતાં. મને નવાઈ લાગી કે, દાગીના કપડા તો ઠીક પણ આવી વસ્તુઓ કેમ આપવાની ? મેં પપ્પાને પૂછ્યું તો, પપ્પાએ `તું મારું એક જ સંતાન છે. મને હરખ હોય ને બેટા !’ કહી વાત ટાળી. એમ કરતાં કરતાં લગ્નનો દિવસ આવી પહોંચ્યો. જાન આવી ગઈ, પપ્પા બહુ ખુશ હતાં. લગ્નની વિધિ શરૂ થઈ પણ પપ્પા અને ગામડેથી આવેલા મારા ફઈ દેખાતા નહોતા. થોડીવારમાં મારા ફઈ હાથમાં કોઈ કાગળિયા લઈ ઝડપભેર મારી તરફ આવ્યા. મને એ કાગળિયા દેખાડતાં કહ્યું, `આ આપણા ઘરના કાગળિયા છે. તારા સસરાની ગાડીની માંગ પૂરી કરવા, ઘર વેચી રહ્યા છે તારા પપ્પા...’ મને ધ્રાસકો પડ્યો. જોયું તો મારા પપ્પા અને મોહિતના પપ્પા ફઈને રોકવા તેમની પાછળ દોડી આવેલા. હું ઊભી થઈ ગઈ. મોહિતને આશ્ચર્ય થયું. મેં પંડિતને વિધિ કરાવતા રોક્યા અને મોહિતને સાઈડમાં લઈ જઈ સમગ્ર વાત જણાવી. મને એમ કે મોહિત તેના પપ્પાને આમ કરતાં રોકશે, પણ મારા આશ્ચર્ય વચ્ચે મોહિતે ઉલ્ટાને મને કહ્યું કે, `આપણે બાળકો કહેવાય, મોટાઓ વચ્ચે ન પડાય.’ હું ફાટી આંખે મોહિત સામું જોઈ રહી. થોડીવારે મને જાણે ભાન આવ્યું હોય એમ જાતને સાચવી, અને મારા સસરાને આમ ન કરવા આજીજી કરી, પણ તેઓ એક ના બે ન થયા. હવે હું દીકરી થઈને મારા પપ્પાને માથેથી છત કેવીરીતે છીનવી લઉં ? મેં મારા પપ્પાને આમ કરતાં રોક્યા. ગાડીની ઈચ્છા પૂરી ન થઈ એટલે મારા સસરાએ લગ્ન અટકાવી દીધા અને જાન પાછી ચાલી ગઈ. એ જ રાતે મારા પપ્પાને એટેક આવી ગયો અને હું એકલી રહી ગઈ.’

`સાગર બહુ સારા વ્યક્તિ છે. તેમને તો કોઈપણ સારી છોકરી મળી જાય... મારા જેવી લગ્નમંડપમાં તરછોડાયેલી છોકરી, તમારા જેવા મોટા કુટુંબમાં ન શોભે, અંકલ...’ કહેતા રેવા પોતાના આંસુ છૂપાવવાનો નિરર્થક પ્રયાસ કરવા લાગી.

`જો બેટા ! મારા મતે તો આ કંઈ કારણ નથી, તારે એકલતામાં જીવવાનું. સાગરનું મન શું કહે છે, એ હવે તું અને સાગર જાણો. મારા માટે તો રેવા જ સાગરને મળવી જોઈએ.’ શ્રીકાંત રાયે રેવાના માથે હાથ મૂકી કહ્યું.

શ્રીકાંત રાય રેવા અને સાગરને એકલા રહેવા દઈ ત્યાંથી નીકળી ગયા.

સાગર રેવાની પાસે જઈ બેઠો. તેના અશ્રુ લૂછતા કહ્યું, `જે લોકોની દાનત આવી હલકી હોય, જેમના કારણે તારા પપ્પાનો જીવ ગયો, એવી વ્યક્તિઓને સજા મળવી જોઈએ એની જગ્યાએ એ લોકો આનંદથી જીવન વીતાવે... અને તું, જેનો કોઈ વાંક નથી, એ શું કામ એકલતામાં ઝૂરીઝૂરીને રહે ? શું તને આવીરીતે જોઈને તારા પિતાના આત્માને દુઃખ નહિ થતું હોય ? મારા માટે તો તું જ મારી જીવનસંગિની થવાને લાયક છે. હવે તારે જોવાનું કે હું તારે લાયક છું કે નહિ ?’

સાગરે હવે નિર્ણય તેના પર છોડ્યો. સાંજનાં છ વાગ્યા હતાં, સાગર રેવાને તેના ઘરે ડ્રોપ કરીને નીકળતો હતો ત્યાં રેવાએ સાગરને રોકીને પૂછ્યું, `કોફી પીવા આવશો મારી સાથે ?’ રેવાના સવાલથી સાગરના મોં પર ખુશી છલકાઈ ગઈ. કોફીના ટેબલ પર બે કપ કોફી અને એક હાથ પર બીજો હાથ... જાણે નવજીવનના વચન આપી રહ્યા હતાં. આજે શાંત નદીમાં વમળો નહિ પણ તરંગો ઊઠી રહ્યાં હતાં.


Rate this content
Log in

Similar gujarati story from Tragedy