મંગી અને હરિસીંગ
મંગી અને હરિસીંગ
માનસીંગ પ્રથમ સ્તબ્ધ બની ઊભો રહ્યો. સૂર્યમાંથી અગ્નિ વરસી જગતને બાળી દે ! કૂવામાંથી જવાળામુખી જાગી માનવજાતને ભસ્મ કરે ! પવનની લહરીમાં ઝંઝાવાત ઊપડી દૃશ્ય સમસ્તને અદૃશ્ય કરે ! આવા ભાવ અનુભવી રહેલા માનસીંગના વિચારો જ શૂન્ય બની ગયા.
બેમાંથી કોઈ હાલતું ચાલતું ન હતું ! જગત જાગતું હતું પરંતુ આ બે માનવીને તેનું ભાન ન હતું. બેભાનીમાં જ બન્નેને ઝટકાવી નાખ્યાં હોય તો? બસ ! કોઈને ખબરેય ન પડે, અને અભાનમાં જ જિંદગીનો અંત આવે.
પરંતુ ખારીલો માનવી બેભાનને મારવામાં મઝા જોતો નથી. એને સામાનો જીવ લેવો છે પરંતુ જીવ આપનારને ખબર પડે કે તેનો જીવ લેવાય છે, ત્યારે એ જલ્લાદને ઔર મોજ આવે છે !
વળી ઊંઘતાને મારવામાં પાપ રહેલું છે ! ખૂન કરવું છે પણ એને જગાડીને. અને ખારીલાપણાનો બચાવ કરવા માટે પાપપુણ્યની ભાવનાને સહાયમાં લેવી છે. પાપ ! જગતભરમાં કોઈ પુણ્ય કરે છે ખરું ?'
માનસીંગે ધાબળાને લાત મારી ! નિદ્રિત હરિસીંગે સહજ પાસું બદલ્યું. માનસીંગે બીજી લાત મારી. હરિસીંગે ધાબળો ખસેડ્યો, આંખો ચોળી અને બેસીને જરા આળસ મરડ્યું. એકાએક તેણે માનસીંગને ધારિયું લેઈ સામે ઊભેલો જોયો. એની આંખમાંથી ખૂન વરસતું હતું. હરિસીંગને લાગ્યું કે માનસીંગ તેને ધારિયાનો ઝટકો મારશે. ઝટકો કેમ ઝીલવો તેનો ઝપડભર્યો વિચાર કરતા હરિસીંગને માનસીંગે કહ્યું :
'હાલીશ ચાલીશ નહિ. બેઠો છે ત્યાં જ બેસી રહે.'
‘તારું રાજ ચાલે છે, નહિ?' હરિસીંગે હસીને પૂછ્યું.
મંગી ઝબકીને જાગી. ધાબળો ખસી જતો હતો. અને બોલાચાલ એને જલદી જગાડી દેતી હતી. જાગૃત થતાં જ તેણે સ્થિતિ પારખી. તે બેઠી થઈ અને તેણે કહ્યું :
'માનિયા ! જા વેગળો !....'
‘તને બોલતાં શરમ નથી આવતી ?' માનસસીંગે પૂછ્યું.
'મને ? શરમ? ના, ના. જા નથી આવતી !' મંગીએ કહ્યું.
હરિસીંગને લાગ્યું કે મંગી જાણી જોઈને પોતાના ઉપર આફત નોતરે
છે - હરિસીંગને બચાવવા.
‘આજ તમારે બન્નેને મરવાનું છે ! પહેલું કોણ મરે એ જ હું વિચારું છું.' માનસીંગે કહ્યું.
'લોહીની જ તરસ લાગી હોય તો મને પહેલી માર.’ મંગીએ કહ્યું.
‘તને ? તારી નજર આગળ પહેલો હરિસીંગને મારીશ; પછી તારો વારો.' માનસીંગે કહ્યું.
‘પણ કાંઈ કારણ ? કે એમ ને એમ...' મંગી બોલી. એ વાક્ય પૂરું કરે તે પહેલાં તો માનસીંગે ધારિયું ઊંચક્યું અને હરિસીંગ ઉપર જબરજસ્ત ઝટકો માર્યો. મંગીએ ભયાનક ચીસ પાડી પોતાની આંખો મીંચી દીધી. મંગીને લાગ્યું કે બીજો ઝટકો તેના ઉપર જ પડવાનો છે. મૃત્યુ આવતું જ હોય તો તેણે વાર ન કરવી જોઈએ; મૃત્યુ કરતાં પણ મૃત્યુનો ઝઝૂમી રહેલો ઓળો વધારે ભયંકર છે !
મંગીની ચીસનો પડઘો હજી સમ્યો ન હતો. હરિસીંગ જમીન ઉપર ઢળી પડ્યો. ખભાથી ગરદન સુધી તેને ઘા પડ્યો અને લોહી ધગધગ વહેવા લાગ્યું, છતાં જમીન ઉપર ઢળી પડેલા હરિસીંગના મુખ ઉપર સ્મિત હતું. માનસીંગ ઝટકો મારી અટકી ગયો. બીજો ઝટકો મારવાની તેની ઇચ્છા એકાએક અદૃશ્ય થઈ ગઈ. ફાટી આંખે તે બન્નેને જોઈ રહ્યો.
‘મંગીનું... નાક કાપ ! પછી એને... ઝટકો માર.’ હરિસીંગ ધીમેથી બોલ્યો. મંગીએ આંખો ઉઘાડી અને માનસીંગ તરફ તેણે જોયું.
'માર ઝટકો ! શાની વાર કરે છે ?..’ મંગી ચીસ પાડી ઊઠી.
માનસીંગે ધારિયું વેગળું ફેંકી દીધું અને બાવરો બની ઊભો. હરિસીંગ આંખને ઈશારે તેને પાસે બોલાવ્યો. માનસીંગ નીચે બેસી ગયો. મંગીએ ઊછળી તેનું ગળું દાળ્યું, તેના વાળ પીંખ્યા, અને તેના મુખ ઉપર નખ માર્યો.
'મૂઆ ! છેવટે આ કર્યું તેં !' માનસીંગ ઉપર નિષ્ફળ પ્રહારો કરી થાકેલી મંગીએ કહ્યું.
'મંગી ! છોડ એને. જો... માનસીંગ !... તને મારવો હોત... તો ક્યારનો માર્યો હોત.. ઊજળી... પણ રડે છે ?... હટ્ બાયલા !... રડતાં પ્રાણી બે... માનવી અને કૂતરું...' હરિસીંગે પાસે બેઠેલા માનસીંગને કહ્યું.
માનસીંગે પોંચાવડે આંખ લૂછી નાખી. તેના કંઠમાં ઉચ્ચાર આવ્યો એટલે તેણે કહ્યું:
'મને સમજ નથી પડતી કે મેં શું કર્યું !'
'હવે ગભરા નહિ. અડધા... કલાકમાં... મારો જીવ જશે. ઝૂંપડી સાથે મને.. સળગાવી દેજો.'હરિસીંગે કહ્યું અને તેની જીભ લથડી.
મંગીએ લૂગડા વડે તેનું રુધિર લૂછવા માંડ્યું. સૂર્યનું પ્રથમ કિરણ આકાશમાં ચમકી રહ્યું.
‘મંગી ! જરા ઘાબાજરિયું લાવ; ખેતરમાં જ છે.' માનસીંગે કહ્યું.
‘મૂઆ રાક્ષસ ! તું બોલીશ જ નહિ. હું જો જીવતી રહી તો તને જ ખાવાની છું.’ મંગીએ કહ્યું - છતાં તે ઊભી થઈને ઘાબાજરિયું લેવા ગઈ.
માનસીંગ હરિસીંગ તરફ જોઈ રહ્યો. હરિસીંગ તરફડતો હતો, અર્ધ બેભાન હતો. તેનાથી બોલાતું ન હતું. ક્વચિત્ તે આંખો ખોલતો હતો ત્યારે માનસીંગ તરફ જોઈ હસતો હતો. જાણે સર્વ અપરાધની તે ક્ષમા ન આપતો હોય !
પરંતુ માનસીંગ ખરેખર અપરાધી હતો ખરો ? મંગી અને હરિસીંગને જે સ્થિતિમાં સૂતેલા તેણે જોયાં એ સ્થિતિ કોઈ પણ સ્વમાનવાળા યુવાનને શું ખૂન કરવા ન પ્રેરે ? તેના પિતાએ આજ્ઞા આપી હતી કે મંગીનું નાક આવા સંજોગોમાં કાપી લેવું.
પણ એ તો એનાથી બન્યું નહિ ! ઊજળીનું મુખ જોયા પછી એને લાગ્યું કે સ્ત્રીનું નાક કાપવા કરતાં સ્ત્રીની ગરદન કાપવી એ વધારે સારું ! અને મંગીને તો તે મારી પણ શક્યો નહિ! ગુનેગાર હતી તોય !
પણ... કોની ગુનેગાર ? મંગી તેની કશી જ સગી ન હતી. સગી થાત જો તેનો પિતા જીવતો હોત તો, પિતા ન જીવ્યો. શું આખી જિંદગીભર એ મંગીની નીતિનો રખવાળ બનવાનો હતો? મંગી ઉપર શું એટલો બધો હક્ક તે કરી શકે ?
અને..અને..હરિસીંગ કે મંગી બેમાંથી કોઈ ગુનેગાર ન હોય તો? સ્ત્રીપુરુષ સાથે સૂવું એ શું સદાય ગુનો ગણાય ? મંગીએ માનસીંગનું માથું ખોળામાં ઘણીયે વાર લીધું હતું ! કદાચ આજના જેવી ટાઢમાં હરિસીંગને બદલે માનસીંગ પહેલો આવ્યો હોત તો? મંગી જેવી ભલી અને હસમુખી સ્ત્રીએ માનસીંગને પણ સાથે જ સુવાડ્યો હોત !
માનસીંગ થરથર્યો. હરિસીંગને વાચા આવી:
'મરવાનો મને ડર નથી.. આજ નહિ તો.. કાલ... આપણે આમ જ મરવાનું... ઠીક... તારે હાથે.... પણ....' હરિસીંગના ભાન અને વાચા બન્ને અટકી ગયાં.
મંગી ઘાબાજરિયું લઈ આવી. ઘા ઉપર કપડા વડે તેલ નાખ્યું અને
ઘાબાજરિયું પણ ઘા ઉપર મૂક્યું. માનસીંગે પણ એનો ઘા સાફ કરવામાં મદદ કરવા માંડી. હરિસીંગ જીવે તો કેવું સારું, એમ એને તીવ્ર ઈચ્છા થઈ. પણ એ જિવાડવા માટેના ઉપચાર આ જંગલમાં ક્યાંથી થાય? મોટાં મોટાં દવાખાનામાં આવા ઘા કદાચ રૂઝી શકે. પણ હરિસીંગ માટે કયું દવાખાનું ખુલ્લું હોય ? સાચા ચોરને સંતાવાનું; છુટ્ટા ફરે ઊજળા ચોર; એમને માટે દવાખાનાં ખુલ્લાં. વળી ડૉક્ટરો પણ તેમની પાસે લાવી શકાય. અત્યારે આ સીમ અને જંગલમાં ડૉક્ટરને ક્યાંથી બોલાવાય ? એ ડૉક્ટરો શહેરમાં શોભે; ગામડામાં એ મહાશહેરી જાત આવે પણ શાની ?
અને તે એક ગુનેગાર માટે?
પણ ગુનેગાર કોણ ? માનસીંગ પોતે જ ને ? ડૉક્ટર પાસે જઈને શું કહેવાનું ? કહેવા આવનારે ધારિયું માર્યું અને એ માર મટાડવા ડૉક્ટરને નોતરું પણ તે જ કરે ! હરિસીંગનો જીવ જવાનો એ ચોક્કસ. ખૂની તરીકે માનસીંગ નહિ પકડાય એમ કેમ કહેવાય ? અને પકડાય તો ફાંસી સિવાય બીજી શી શિક્ષા થાય ?
માનસીંગને ફાંસીના વિચારે કમકમી આવી શું ? હરિસીંગની માફક માનસીંગને પણ મૃત્યુનો ભય તો હતો જ નહિ. ત્યારે કમકમી શાની ?
લાંબા સમયના સાથીને આમ મારવામાં તેણે કેટલી ભારે ભૂલ કરી હતી ! મંગીનું મન મંગી જાણે, શા માટે એ પારકી પંચાતમાં પડ્યો ? માનસીંગને પોતાની જાત ઉપર જ ગુસ્સો આવ્યો.
હરિસીંગ જરા હાલ્યો. મંગી પાણી લઈ આવી. માનસીંગે તેને પાણી પાયું. ઘામાં ખૂબ દુખાવો થઈ આવ્યો. હરિસીંગના મુખ ઉપર વેદનાની વિકૃતિ દેખાઈ. એ વેદનાએ તેને પાછું ભાન આવ્યું.
'માનસીંગ ! ભાગી જા અહીંથી.' હરિસીંગે કહ્યું. તેના મુખ ઉપર વિકળતા હતી.
'હું નહિ ભાગું.'
'મૂરખ ! ફાંસીએ ચઢીશ.. જા...જા...'
‘ભલે ! હું તારો ગુનેગાર છું. તને તરફડતો મૂકી...'
‘મંગી ! એને મારીને કાઢ અને મારા મર્યાની ખબર પડે તો માનસીંગનું નામ ન...'
‘હરિસીંગ ! તું મને ઘા કર એટલું જોર લાવ. આપણે બે સાથે મરીએ.’ માનસીંગ શિથિલ બની બોલ્યો.
‘હજી તેજલ...'
‘મારે કોઈ નહિ જોઈએ.’
'મારે ખાતર...'
'હું તને મૂકીને ડગલું ખસવાનો નથી !'
'મને સુખે મરવા દે. તેજલ.. મોતીજીને હાથ...જશે... તો હું ભૂત... થઈ તને વળગીશ.'
'એ બધી વાત ભૂલી જા.' મંગી બોલી.
‘ભૂલી જાઉં ?... માનસીંગ... વચન આપ. તેજલને મોતીજી પાસેથી... ઝૂંટવી લે... તો મને કરાર વળે. એ માટે હું જીવતો હતો...'
‘આપ, વચન આપ ! એનો તો જીવ તેં લીધો. હવે એને મરતી વખતે તો...' મંગીએ કહ્યું.
'હું વચન આપું છું.' માનસીંગે હરિસીંગના હાથમાં હાથ આપ્યો.
‘જીવતો હોત તો... હું તેજલ તને જ.. અપાવત... હવે તું... એકલો... પણ વચન પાળજે.'
'જરૂર.'
'મારે માટે ?'
'હા.'
'તો હવે અહીંથી ભાગ.'
'મંગીનું શું થશે ?'
'મારા વચનનો...વિચાર...કર...મંગીનો... નહિ... જા અહીંથી...' અશક્ત હરિસીંગથી હાથ પણ ખસેડી શકાયો નહિ; માનસીંગના મુખ ઉપર ઘેરા વિષાદની છાયા ફરી વળી. એણે મંગી સામે જોયું, હરિસીંગ સામે જોયું. મંગી એને ડાકણ સરખી દેખાઈ હરિસીંગ એને ભૂત સરખો દેખાયો.
'અને... બને તો... કાકાની મિલકત બાળી દેજે...' હરિસીંગે કહ્યું અને બળ કરી તેણે હાથ ખસેડ્યો. તેના ઘામાંથી ફરી રુધિર વહી રહ્યું. માનસીંગ ફાટી આંખે જોઈ રહ્યો. હરિસીંગે હસી આંખવડે જવાનો ઇશારો કરી આંખ મીંચી દીધી.
માનસીંગ ઊભો થયો અને ત્યાંથી દોડ્યો. થોડે દૂર તે ગયો અને મંગીની ફાટી ચીસ તેણે સાંભળી. માનસીંગના દેહમાં થરકાટ ઊપડ્યો. તે ઊભો ઊભો થરથર ધ્રુજવા લાગ્યો.
'માનસીંગ ! જા, જા ભાગ ! ઊભો ન રહીશ. દોડ મૂક !' મંગીનો
અકુદરતી ફાટેલો ઘાંટો તેણે સાંભળ્યો. આખું વાતાવરણ તેને આગળ ધકેલી રહ્યું. જોકે તેની પોતાની વૃત્તિ જોરથી તેને ઝૂંપડી તરફ ખેંચતી હતી. તે આગળ દોડ્યો ખરેખર, તેણે દોટ જ મૂકી ! એકે શ્વાસે દોડતાં દોડતાં તેણે કેટલીયે મજલ કાપી હશે તેનું તેને ભાન રહ્યું નહિ. રસ્તામાં કોઈ માણસ તેને મળ્યું નહિ.
પરંતુ પહેલું જ માણસ તેને દેખાયું અને તે અટક્યો. તેને શ્વાસ ચડ્યો હતો. જંગલ અને મેદાનના દ્રશ્યમાં માત્ર એક ગરનાળુ માનવીના સુધારાની સાક્ષી આપતું હતું. માનસીંગ એ ગરનાળા ઉપર બેઠો.
એકલવાયો એક માણસ દૂરથી ચાલતો ચાલતો તેની પાસે આવ્યો. તે પણ ગામડિયો હતો. તેણે માનસીંગને બેઠેલો જોઈ કહ્યું :
'રામ રામ !'
'રામ રામ, ભયા !' માનસીંગે પણ જવાબ આપ્યો.
‘અહીં શું કરો છો ?'
‘જરા થાક્યો છું તે બેઠો.'
'ક્યાં જવું?'
‘આમ... આગળ. તમારે ક્યાં જવું ?'
‘જરા શહેર ભણી જવું છે. વચમાં ચીમન નવાબને મળવું છે.'
‘સારો માણસ છે, મળો એને.'
‘જવાદો ને, ભાઈ ! દુનિયામાં કોઈ સારું જ નથી. એ તો શું કરીએ? કામ પડે એટલે કાંઈ ચાલે ?'
'શું કામ છે ?'
'થોડા તલ વેચવાના છે. હોટેલમાં તેલ તો જોઈએ ને !'
કહી પેલા માણસે આગળ રસ્તો લીધો. માનસીંગે બીતે બીતે તેના ભણી જોયું. સૂર્યનું તેજ જગતને સ્પષ્ટ કરતું હતું. દૂર દૂર મેદાન મૂકીને આવેલાં ઝાડનાં ઝુંડમાંથી ધૂણીનો એક સ્તંભ આકાશમાં ચડી ઓસરી જતો દેખાયો. માનસીંગની આંખ એના ઉપર ચોંટી રહી.
થોડી વાર સુધી ધૂમ્રસ્તંભને નિહાળી રહેલા માનસીંગે આંખો ફેરવી લીધી. તેની આંખમાં જાણે ધૂણી પ્રવેશી ન હોય એમ આંખો ચોળી અને મુખ ઉપર બન્ને હાથ ઢાંકી દીધા.
કદી આંસુ ન પાડનાર માનસીંગ ડૂસકે ભરાઈ ગયો.
અલબત્ત, એને નિહાળનાર કોઈ અહીં ન હતું.
અને એનું રુદન બતાવવા માટે ગોઠવેલું પ્રદર્શન ન હતું.
કદાચ કોઈએ તેને નિહાળ્યો હોત તો તેનું રુદન અટકી પણ જાત, અત્યારે તો તેની આંખમાં આંસુ સમાયાં નહિ.
ચોર, લૂંટારા, ડાકુ, ખૂની, ઠગ, ફાંસિયા, એ સહુને કોઈ વાર તો સાચું રડવું આવે છે. રડતી વખતે એ સર્વ મનુષ્ય બની જાય છે.
