મમતા
મમતા
રાધાને હોસ્ટેલમાં મુકવાની બધી તૈયારી થઈ ચૂકી હતી. દાદા- દાદીની કાકલૂદી પણ કારગત ના નીવડી. રાધા ચોધાર આંસુએ રડીને જમ્યા વગર જ સૂઈ ગઈ હતી.
નલિની અને નયન બંને નોકરિયાત હતાં. વળી નલિનીના સાસુ- સસરા પણ બધા ભાઈઓને ત્યાં થોડાં-થોડાં દિવસ રોકાતા હોવાથી રાધાનું ધ્યાન કોણ રાખે? રાધા દિવસે ને દિવસે તોફાની થતી જતી હતી એવી પણ નલિનીની ફરિયાદ હતી.
આ કારણોસર તેનો નયન સાથે ઝઘડો પણ વધ્યો હતો. અંતે નયને રાધાને હોસ્ટેલ મુકવાની હા પાડી.
સવારે 6 વાગે ઉઠીને બે કામ કામ કરવાના હતાં. રાધાને તૈયાર કરી તેને મુકવા પોતાને જવાનું હતું અને 10 તારીખ થઈ જતી હોવાથી અને તેમનો વારો પૂ
રો થતો હોવાથી તેના સાસુ- સસરાને અંકલેશ્વર રહેતા તેના જેઠને ત્યાં જવા માટે વહેલી બસમાં મુકવા નયને જવાનું હતું. 4 વાગ્યાનો એલાર્મ મૂકી તે સુવાની કોશિષ કરી રહી હતી પણ નીંદર આવતી નહોતી.
નલિની રાધાના ચહેરા સામે જોઈ રહી હતી. તે ઉભી થઈ. બારી પાસે આવી ને ઉભી રહી. તેનું ધ્યાન ઘરથી થોડે દુર આવેલ એક ઝોંક પર ગયું. બધા ગાડર- બકરાં તેની માના પડખામાં ઠંડીના કારણે એકદમ લપાઈને સુતા હતાં. તે તેના સાસુ- સસરાના રૂમમાં ગઈ. બંને ઘસઘસાટ સુતા હતાં. બાજુમાં તેમની બેગ તૈયાર પડી હતી.
વિચારો ને વિચારોમાં 4 વાગી ગયાં. એલાર્મ વાગ્યો. નયનને ઉઠાડવાને બદલે નલિની એલાર્મ બંધ કરીને રાધા પાસે સૂઈ ગઈ.