મમત
મમત
દીકરા અને વહુઓને મોઢે ગાયને વેચી નાખવાની વાત સાંભળીને ભોળદાદાનો જીવ અધ્ધરતાલ થઈ ગયો. તેને એ પણ ખબર હતી કે એનું કોઈ માનવાનું નથી. એનું માનવાવાળી તો જતી રહી. છતાં ગૌરી પ્રત્યેના વ્હાલના કારણે પોતે રહી ન શક્યા.
નાના દીકરા ધીરાનો રામુડો ગાયને પંપાળી રહ્યો હતો. લાકડીના ટેકે ઊભાં થઈ ભોળદાદા રામુડા પાસે જઈ તેની માથે હાથ ફેરવતાં- ફેરવતાં બોલ્યા," બટા, આટલી મમત રાખ્ય મા. હવે ગૌરી તો ઘડી બે ઘડીની મેમાન સે. આમેય દૂધ નો દેય ઈ પછી તો કોને પોહાણ પડે?" " હા હો, હવી સોકરાને સડાવો મા. અટલ્યુ કામ ઓસું સે તી ગાયનુંય કરવી. આખો દી તમારા હંધાયમાંથી ઉશીના નથ આવતા. અને અમી કાંઈ નવીનવાઈના નથ વેસતા. અડધા ગામે વેશી નાખ્યું સે. અને બોવ વાલી હોય એને વયુ જાવું હાર્યે." ધીરાની વહુ સવલીએ તો જાણે ભોળદાદાને તમાચો મારવાનો જ બાકી રાખ્યો. " ઈમ નઈ આ તો તેત્રી કરોડ દેવનો વાહ સે અને આ સોકરાને થોડી વાલી સે એટલે કવ સું", દાદાએ વળી વાતનો તંતુ તૂટ્યો હતો ત્યાંથી સાંધવાનો પ્રયત્ન કર્યો. " જીને ગમતી હોય
ઇ કાં તો સાકરી કરે અને કા જાય ભેગાં", મોઢું મચકોડી સવલી તો પોદળાનું તગારૂ લઈ મોઢું બગાડી જતી રહી. આખી રાત દાદા ગાયની ગમાણ પાસે બેઠા રહ્યા.
સવારે વહેલા ગાયને મુકવા માટે ધીરો ઉઠ્યો અને સુતેલી ગાય ને જ્યાં જગાડવા ગયો ત્યાં તો ખબર પડી કે ગાયે તો જીવ જ છોડી દીધો છે. તે બધાને સમાચાર આપે એ પહેલાં એની નજર ભોળાદાદા પર પડી પણ ભોળદાદા હવે કોઈનેય કયારેય ભાળવાના નહોતા. છોકરા મનમાં વિચારી રહ્યા કે ," આ તી કેવો સંબંધ!"