મિત્રતા
મિત્રતા
દોસ્તી,મિત્રતા કે ભાઈબંધી. આ શબ્દ જ એક અહેસાસ છે. એવો અહેસાસ કે જેમાં હૂંફ, ઉષ્મા, સંવાદ, નોકઝોક, હક્ક અને અરસપરસ શ્રદ્ધાની સરવાણી અવિરત વહેતી હોય. કોઈક એવા પ્રકારનો પોતિકો સંબંધ કે જેમાં લોહીની સગાઈ ના હોય છતાંય જબરજસ્ત લાગણીઓનો સેતુ રચાયેલો હોય. દર્દ એકને થતું હોય અને કણસે પોતે એટલે દોસ્ત. રમત એકે જીતી હોય પણ એની જીતને ઉજવે પોતે એટલે દોસ્ત. ભુખ એકને લાગી હોય અને એને પોતાનાં ભાગનો રોટલો ધરે તે દોસ્ત. એકને વગર માંગે કે વગર કહે બધુંજ આપી દે તે દોસ્ત. એકબીજાનાં ચહેરાનાં હાવભાવ કળવાની આખેઆખી ઓટો સિસ્ટમ એટલે દોસ્ત. જીવનની દોડતી સુપરફાસ્ટ ટ્રેઈનની સંકટ સમયની સાંકળ એટલે દોસ્ત. મુશળધાર વરસાદમાં પલળતાં દોસ્તની આંખનું એક આંસુનું ટીપું પણ તરત જ ભાળી જાય તે દોસ્ત. ક્યારેક અસલામતીની કેડી પર કદાચ મંડાઈ જાય ડગ તો અચાનક સલામતીની ગતી બને તે દોસ્ત.
ઓહો ! જોયું, આવા અઢળક લાભ સાથેની અરસપરસ પ્રિમીયમનાં હપ્તા ચૂકવતી જીવન વીમાની પૉલિસી એટલે દોસ્તી.
એકલતામાં ભીડનો અહેસાસ કરાવતો, ખભે હાથ મુકી, ફક્ત એક જ શબ્દ, 'હું છું ને' બોલી આખાય અસ્તિત્વને ટકાવી રાખતો સંબંધ એટલે દોસ્તી.
આપણે જીવનમાં ઘણીવખત જોયું છે કે લોહીનાં સંબંધો તમારો સાથ છોડી દેતાં હોય છે પણ તમારો સાચો મિત્ર તમારી પડખે હંમેશા ઢાલ કે રક્ષાકવચ બની આપણી પડખે ઉભો રહે છે.એટલે તો કહેવાય છે ને કે, "મિત્ર એવો શોધવો જે ઢાલ સરીખો હોય,સુખમાં પાછળ ચાલતો ને દુઃખમાં સાથે હોય." સુખ હોય કે દુઃખ. ચાહે ગમે તેવી પરિસ્થિતિ આવી જાય તો પણ ભલે આખી દુનિયા સાથ છોડી દે પણ તે તો હંમેશા પડછાયાની માફક સાથે જ રહેવો જોઈએ. અરે. એક સમયે પડછાયો પણ અંધારામાં સાથ છોડી દે છે, પરંતુ જો સાચો મિત્ર હાથ પકડી લે ને, તો તે આખી જીંદગીભર સાથ નથી છોડતો. સાચો મિત્ર એટલે માટે લખ્યું કે મિત્રો પણ ઘણાં બધાં પ્રકારનાં હોય છે.આપણી ગુજરાતીમાં એક સુભાષિત ખૂબ પ્રચલિત છે, "શેરી મિત્રો સો મળે, તાળી મિત્રો અનેક, જેને સુખ- દુ:ખ વહેંચીએ તે લાખોમાં એક."
મિત્રોના પ્રકારમાં તાળી મિત્રો, શેરી મિત્રો, ખયાલી મિત્રો, શાળા અને કોલેજના મિત્રો, કાર્યક્ષેત્રના મિત્રો, પડોશી મિત્રો, પ્રવાસના મિત્રો, શેરી મિત્રો, કોઇ ગ્રુપના મિત્રો, ધાર્મિક સંગઠનના મિત્રો, ફેસબુક અને વોટ્સઅપના મિત્રો, જીવનપર્યત ઘણાં બધાં મિત્રો બનતાં હોય છે.
આટલી લાંબી જિંદગીમાં માનવીને સારા અને સાચાં કહી શકાય એવા મિત્રો તો આંગળીનાં ટેરવે ગણી શકાય એટલાં જ હોય છે. આજના યુગમાં સાચા મિત્રો મળવાં અશક્ય નથી પણ મુશ્કેલ તો ખરાં જ. આજનો યુગ તો દેખાડાંનો યુગ થઈ ગયો છે એટલે જ તો મિત્રતાનો દિવસ ઉજવવો પડે છે અને એ દિવસે મોલ,શોપિંગ સેન્ટર,હોટલો,કોફી શોપ્સ અને રેસ્ટોરન્ટમાં હકડેઠેઠ ભીડ જામતી હોય છે.ફક્ત એક દિવસ પૂરતો દંભી મિત્રતાની દૂહાઈ દેવાતી હોય છે પછી બીજે દિવસે, "હું કોણ અને તું કોણ."
હવે તો પહેલાં જેવો સમય પણ ક્યાં છે અઢળક કમાણીની લાલસા, દેખાદેખી, હુંસાતુંસી, ચડસાચડસી, તેરી કમીઝ મેરી કમીઝ સે જ્યાદા સફેદ કૈસે ? એવો અદેખાઈનો ભાવ લોકોમાં વધ્યો છે. ત્યાંકૃષ્ણ અને સુદામા જેવી દોસ્તી જોવા મળવી એ નવાઈ પમાડે એવું લાગે. જોકે હજી માણસાઈ નથી મરી પરવારી.એટલે મિત્રતામાં પણ એ ગુણ સર્વોચ્ચ સ્થાને બિરાજે છે.
મારા ધ્યાનમાં એક સત્ય ઘટના છે જે તમારી સાથે શેર કરૂ છું.
ચાર મિત્રો હતાં. જેઓને બાળપણની ગાઢ દોસ્તી હતી. ચારેય પોતપોતાનાં કાર્યક્ષેત્રોમાં વ્યસ્ત રહેતાં પણ સમય મળે અવારનવાર સહપરિવાર એકબીજાને મળતાં આનંદ કરી છૂટાં પડતાં.આ એમનો રૂટીન હતો. છૂટાં પડવું ગમતું નહીં એટલે એમણે એક યોજના બનાવી. તેઓ બધાંજ સાથે રહી શકે એટલે મોટો પ્લોટ લઈ એક ચાર માળનો લીફ્ટવાળો ફ્લેટ બનાવવાનું નક્કી કરી લીધું અને જમીન લેવાઈ ગઈ, બધી જ ફોર્માલીટી પૂરી કરી ફ્લેટનું બાંધકામ શરૂ કરી દેવામાં આવ્યું. એકાદ વર્ષમાં ફ્લેટ્સ રેડી થઈ જશે એની બિલ્ડર દ્વારા ખાતરી આપવામાં આવી.
આમ એ લોકોએ સપરિવાર સુખ-દુઃખની આપ લે કરી શકાય એટલે, સાથે જ રહેવાનો નિર્ણય કર્યો. બધુંજ સરસ રીતે ગોઠવાઈ ગયું હતું. એક વખત એમાંથી એક મિત્ર એનાં માતા-પિતા,પત્નિ અને બાળકો સાથે સપરીવાર કાર લઈને બહારગામ જઈ રહ્યો હતો. અચાનક એમની કારનો હાઈવે પર ભીષણ અકસ્માત સર્જાયો અને એમાં મિત્રની પત્નિ અને નાની દીકરી સિવાય બધાંયનું સ્થળ પર જ મૃત્યુ થઈ ગયું. એ બંને પણ ગંભીર રીતે ઘાયલ થયાં હતાં. એમને નજીકની હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યાં. ફોનમાં પહેલાંજ ડાયલ થયેલ નંબર અને ઈમરજન્સી તરીકે સેવ કરેલ નંબર પર જાણ કરવામાં આવી. એ નંબર આ ત્રણ મિત્રોનાં નીકળ્યાં. ત્રણ મિત્રોને આ દુખઃદ અને અસહ્ય સમાચાર મળ્યાં.તેઓ તાબડતોબ હોસ્પિટલ પહોંચ્યાં. આવા કપરાં સમયે તેઓએ કમાન સંભાળી લીધી. બધી કાર્યવાહી પૂરી કરી.
થોડાંક દિવસો પછી મિત્ર પત્નિને આ વાતની જાણ કરવામાં આવી. મિત્ર પત્નિ પર તો આભ તૂટી પડ્યું. એ સાવ ભાંગી પડી. માથા પરથી પરિવારની છત ગુમાવ્યાનો આઘાત, ભરયુવાની અને નાનકડી દીકરીની જવાબદારી એકલી કેવી રીતે પહોંચી વળશે એ વાતે એને પેનિક એટેક્સ આવવા માંડ્યા.એ ડીપ ડિપ્રેશનમાં સરી પડી.
મિત્રોએ મિત્ર પત્નિને ખૂબ સાંત્વના આપી,એમની પત્નિઓએ નાનકડી દીકરીને સાચવવાની જવાબદારી પણ સૂપેરે નિભાવી લીધી.
કહેવાય છેને કે, "સમયથી ઉત્તમ મલમ કોઈ જ નથી." ધીરે ધીરે મનો ચિકિત્સકની સારવાર,મિત્રોની હૂંફ અને સહારાથી મિત્ર પત્નિ ઠીક થવાં માંડી. બાકીનાં ત્રણ મિત્રોએ એનાં ચોથા મિત્રને ભાવાંજલિ આપવા માટે મિત્ર પત્નિ અને નાનકડી દીકરીની ભરણપોષણ,ભણતર અને લગ્નની જવાબદારી વહેંચી લેવાનો મક્કમ નિર્ધાર કર્યો. પોતાના વહાલસોયા મૃત મિત્રની યાદમાં તૈયાર થયેલ ફ્લેટ્સનું નામ "દોસ્તી" રાખવામાં આવ્યું.
હાલમાં તો હવે ત્રણેય મિત્રોનો પરિવાર અને મૃત મિત્રની પત્નિ અને દીકરી નવા "દોસ્તી"ફ્લેટમાં સાથે રહે છે. દરેક પોતપોતાનાં ફ્લેટમાં આનંદમંગળ કરે છે. બિલ્ડીંગ એક, ફ્લોર દરેકનો અલાયદો ફાળવામાં આવેલો છે. જેમકે ચાર મિત્રોનાં હ્રદય એક અને શરીર જુદા જુદા. એ જ ભાવના હજી પણ ફ્લેટમાં પણ દેખાય છે. એટલે જ કહેવાય છે કે, "જીવનમાં જો સાચો મિત્ર મળી જાયને તો પછી શોભાનાં ગાંઠીયા જેવાં હજારો સગા-સંબંધીઓની જરૂર નથી પડતી. તેથી જ કહેવાય છે કે મિત્રતા એ દિલનો સંબંધ છે.
તેમાં બીજા બધાંજ સંબંધો કરતાં હ્રદય સમ્રાટ તો સાચો મિત્ર જ સર્વોપરી રહે છે. ભાગ્યશાળી હોય છે એવાં લોકો કે જેમને આવાં ઢાલ સરીખા મજબૂત, ખડતલ અને દ્રઢ મનોબળ વાળા સાચા મિત્રો મળે છે.ભાઈ જેવું બંધન નિભાવનાર જ ભાઈબંધ બને છે.
