Rahul Makwana

Romance Thriller

3  

Rahul Makwana

Romance Thriller

મિસકોલ

મિસકોલ

8 mins
317


જીવન પણ ખૂબ જ નાનું છે, ક્યારે ? કઈ જગ્યાએ ? અને કેવી રીતે આપણને જાણતાં કે અજાણતાં પ્રેમ મળી જશે ? તેનાં વિશે હાલ કંઈ કહેવું ખૂબ જ મુશ્કેલ છે. અમુક વ્યક્તિઓ આખી જિંદગી સાચો પ્રેમ મેળવવા માટે આમતેમ ભટકતાં રહે છે. જ્યારે અમુક વ્યક્તિઓને તો આ પ્રેમ કોઈ આકસ્મિક સંજોગોમાં મળી જતો હોય છે, જેનાં વિશે તેઓએ સપનામાં પણ ક્યારેય નથી વિચારેલ હોતું.

સમય : રાતનાં 10 કલાક.

સ્થળ : સચિનનું ઘર.

આવતાં મહિને સચિનની જી.પી.એસ.સી કલાસ 1 એન્ડ કલાસ 2 ની પ્રિલીમીનરી પરીક્ષા હોવાથી તે પોતાનાં રૂમમાં બેસીને વાંચી રહ્યો હતો. આમ જોવાં જઈએ તો સચિન છેલ્લાં બે વર્ષથી જી.પી.એસ.સી પરીક્ષાની તૈયારી કરી રહ્યો હતો. ગયાં વર્ષે સચિન માત્ર બે માર્કસથી જી.પી.એસ.સી પ્રિલીમીનરી પરીક્ષામાં ડિસ્ક્વોલિફાઈ થયેલ હતો. એટલે આ વર્ષે તે ખૂબ જ ખંત અને ઉત્સાહ સાથે પુરા મનથી તૈયારી કરવામાં લાગી ગયેલ હતો.

 સચિન જ્યારે વાંચી રહ્યો હતો, બરાબર તે જ સમયે તેનાં મોબાઈલ ફોનની રિંગ રણકીને બંધ થઈ જાય છે, આથી "કોઈનાં દ્વારા ભૂલથી મિસ્કોલ થઈ ગયો હશે." એવો વિચારી સચિન ફરી પાછો વાંચવામાં વ્યસ્ત બની જાય છે. લગભગ 10 મિનિટ બાદ ફરી પાછો એ જ નંબર પરથી ફરી પાછો મિસ્કોલ આવે છે. આથી સચિન મોબાઈલ ઉઠાવી તેની ડિસ્પ્લે પર નજર નાખે છે..તો આ બંને મિસ્કોલ એક જ નંબર પરથી આવેલાં હતાં. આથી સચિન ટ્રુ - કોલરમાં આ નંબર ચેક કરે છે, તેમાં "યુગમી" એવું લખેલ આવે છે. આથી સચિન વિચારોની વમળોમાં ચડી જાય છે "કોણ હશે આ યુગમી ? શાં માટે એ મને મિસ્કોલ કરી રહી હશે ? શું આ કોલ તેનાં દ્વારા મને કરેલ હશે કે ભૂલથી થઈ ગયાં હશે ? શું યુગમી મને ઓળખતી હશે ? આ યુગમી જે કોઈ હોય તેની પાસે મારો નંબર ક્યાંથી આવ્યો હશે ? યુગમીને મારો નંબર કોણે આપ્યો હશે ?" આવા અનેક પ્રશ્નો સચિનને ઘેરી રહ્યાં હતાં. ગુજરાતનાં કે ભારતનાં ઇતિહાસ, ગુજરાતની ભૂગોળ, ગુજરાતનો સાંસ્કૃતિક વારસો, અર્થતંત્ર અને પોલિટિક્સ વગેરે વિષયો જાણે હાલ સચિનનાં મનમાં ઉદભવી રહેલાં પ્રશ્નોની હેઠળ દબાઈ ગયાં હોય તેવું લાગી રહ્યું હતું.

બરાબર એ જ સમયે ફરી પાછો એ જ નંબર પરથી કોલ આવે છે, આથી પોતાનાં મનમાં ઉદભવી રહેલાં પ્રશ્નોનું સમાધાન કરવાનાં હેતુ સાથે કોલ રિસીવ કરવાં જાય છે, જેવો સચિન કોલ રિસીવ કરવાં જાય છે એ પહેલાં ફરી પાછો મિસ્કોલ થઈ જાય છે. આ જોઈ હવે સચિનને થોડો ગુસ્સો આવી રહ્યો હતો. આથી હવે પોતાનાં મનના ઉદ્દભવેલ પ્રશ્નોનું નિરાકરણ કરીને જ આગળ વાંચવાનું સચિન મનોમન નક્કી કરે છે. આથી સચિન ગુસ્સામાંને ગુસ્સામાં તે જ નંબર પર કોલ કરે છે.

"હેલ્લો ! કોણ..?" સચિન થોડાં ગુસ્સા સાથે ભારે અવાજમાં પૂછે છે.

"જી મારું નામ યુગમી છે." સામેની તરફથી યુગમી પોતાનાં મધ જેવાં મીઠા અવાજે બોલે છે.

યુગમીનો આવો મીઠો અને મધુર અવાજે જાણે પળભરમાં જ સચિનનો ગુસ્સો પીગાળી દીધેલ હોય તેવું હાલ અનુભવી રહ્યો હતો.

"હા ! તો કંઈ કામ હતું ? શાં માટે તમે મારા નંબર પર મિસ્કોલ મારી રહ્યાં હતાં ?" સચિન પોતાની મૂળ વાત પર આવતાં આવતાં હળવા અવાજે પૂછે છે.

"મારે કાંઈ ખાસ કામ તો નહોતું પણ હું તમારી સાથે એ જ વાત કરવા માંગતી હતી, ખબર નહીં પણ તમારી સાથે વાત કરવાની મને ઘણાં સમયથી ઈચ્છા હતી, પરંતુ ફોન કરવાની ક્યારેય હિંમત ના થઇ, આજે કોલ કરવાની તો હિંમત આવી પરંતુ દર વખતે કોલ કર્યા બાદ તરત જ ડરને લીધે કોલ ફરી પાછો ડિસ્કનેટક કરી નાખતી હતી." સચિને પૂછેલાં પ્રશ્નોનાં ઉત્તર આપતાં યુગમી જણાવે છે.

"હા તો હવે તો મે તમને કોલબેક કર્યો છે તો હવે બોલો શું જણાવવા માંગો છો ?" વાતની શરૂઆત કરતાં સચિન બોલે છે.

"હું તમને છેલ્લા 6 મહિનાથી ફોલો કરી રહી છું, અને મનોમન તમને પસંદ કરવા લાગી છું." યુગમી પોતાની મૂળ વાત પર આવતાં આવતાં સચિનને જણાવતાં બોલે છે.

"એક મિનિટ… પહેલાં તો તમે મને ઓળખો છો ? મને યાદ નથી કે યુગમી કરીને કોઈ છોકરી મારા પરિચયમાં હોય, શું આપણે એકબીજાને ક્યારેય મળેલાં છીએ..? આમ એકબીજાને મળ્યાં વગર તો ક્યાંથી ? અને કેવી રીતે ? પ્રેમની શરૂઆત શક્ય હોય..? તે મને નથી સમજાય રહ્યું !" સચિન પોતાની મનોદશા કે મૂંઝવણ યુગમીને જણાવતાં જણાવતાં બોલે છે.

"કદાચ ! તમારા માટે યુગમી આ શબ્દ નવો કે અજાણ્યો હશે..પણ મારા માટે સચિન શબ્દ તો જાણે મારા જીવનનો જ એક અવિભાજ્ય અંગ કે ભાગ બની ગયો હોય તેવું હાલ હું અનુભવી રહી છું. તમે મને નથી જોઈ...કે આપણે એકબીજાને નથી મળ્યાં એ વાત સો ટકા સાચી છે...પણ મેં તમને મળવા માટે કે પછી તમારી સાથે વાતચીત કરવાં માટે ઘણાંબધાં પ્રયત્નો કર્યા પરંતુ એ બધાં જ પ્રયત્નો વ્યર્થ ગયાં. મે તમને સીટી બસ સ્ટેશન પાસે મળવા માટે ઘણાં પ્રયત્નો કર્યા પરંતુ આપણે મળી શકયા નહીં...અને ક્યારેક મારી ખુદની હિંમત ના ચાલી. પણ મને તમારી પ્રત્યે જેને "લવ એટ ફર્સ્ટ સાઈટ" કહી શકાય તે પ્રકારનો પ્રેમ થઈ ગયો છે...હવે તમે મારા આ પ્રેમને "લવ એટ ફર્સ્ટ સાઈટ" સમજો તો "લવ એટ ફર્સ્ટ સાઈટ" અને "વન સાઇડેડ લવ" સમજો તો "વન સાઈડેડ લવ" - સચિને પૂછેલાં પ્રશ્નોનાં ઉતરો જણાવતાં યુગમી બોલે છે.

  હાલ યુગમી પોતાને જે કાંઈ જણાવી રહી હતી તે સાંભળીને સચિનનું હૃદય જોર જોરથી ધડકવા લાગ્યું હતું, મનમાં કોઈ મોટી સુનામી ઉદ્દભવેલ હતી. તેના શ્વાસોશ્વાસ જાણે એકપળ માટે ક્યાંક અટકી ગયાં હોય તેવું લાગી રહ્યું હતું, એસીનાં કારણે ઠંડાગાર રૂમમાં પણ સચિનનાં કપાળ પર પરસેવાનાં ટીપાઓ બાઝી ગયેલાં હતાં. યુગમીની વાત સાંભળીને હાલ પોતાની સાથે હકીકતમાં શું બની રહ્યું હતું તે સચિનની સમજમાં નહોતું આવી રહ્યું. હાલ સચિનનાં મનમાં એટલું તીવ્ર ચક્રવાત ઉભેવલ હતું કે જેણે સચિનનાં મનમાં રહેલ "જનરલ સ્ટડીનાં બધાં જ વિષયો - જેવાં કે ઇતિહાસ, ભૂગોળ, સાંસ્કૃતિક વારસો, ગણિત અને રિજનિંગ, અર્થશાસ્ત્ર અને પોલીટિક્સ જેવાં બધાં જ વિષયોને જાણે ઉથલપાથલ કરી નાખ્યાં હોય તેવું હાલ સચિન અનુભવી રહ્યો હતો.

"પણ મને પે'લી જ નજરે પ્રેમી પાત્ર તરીકે પસંદ કરવા પાછળનું કોઈ ચોક્કસ કારણ ?" સચિન ખાતરી કરતાં કરતાં યુગમીને પૂછે છે.

6 મહિના પહેલાં…

 સચિનને આજે જી.પી.એસ.સી "સમાજ કલ્યાણ અધિકારી" ની પરીક્ષા હોવાને લીધે પોતાનાં ઘરેથી બાઇક લઈને પરીક્ષા આપવાં માટે પોતાનું બાઇક લઈને એકઝામ સેન્ટર તરફ જવાં રવાનાં થયો હતો. છેલ્લાં બે મહિનાની અથાગ મહેનતને આજે કાગળનાં ટુકડા પર "રાઉન્ડ સ્વરૂપે" ચિતરીને પોતાનાં જ્ઞાનનો પરિચય કે પરચો આપવાનો આ એક સોનેરી મોક્કો હતો. આખા રસ્તે સચિન અત્યાર સુધી જે કાંઈ વાંચ્યું હતું તે મનોમન વાગોળી રહ્યો હતો, બરાબર એ જ સમયે તેનાં કાને કોઈ ધડાકાનો અવાજ આવે છે. તેથી તે પોતાની બાઇક ધીમી પાડે છે અને જે દિશામાંથી આ અવાજ આવ્યો હતો, તે દિશા તરફ પોતાનું બાઇક ભગાવે છે, ત્યાં જઈને સચિન જોવે છે કે એક વ્યક્તિ લોહીલુહાણ હાલતમાં જમીન પર પડેલ છે, તેનાં હાથ અને પગમાં ગંભીર ઇજાઓ પહોંચી હતી, આજુબાજુ લોકોનું મોટું ટોળું જામેલ હતું, પરંતુ તે વ્યક્તિની મદદ કરવાં માટે કોઈ હાથ નહોતું લંબાવી રહ્યું. બધાં વ્યક્તિઓ જાણે "ડિજિટલ ઇન્ડિયા" નાં જાણે "બ્રાન્ડ એમ્બેસેડર" હોય તેવી રીતે ફોટાઓ પાડવામાં અને વીડિયો ઉતારવામાં વ્યસ્ત હતાં. 

આથી સચિન પોતાનું બાઇક રોડનાં એક કિનારે પાર્ક કરીને પેલાં ઘાયલ વ્યક્તિની મદદ કરવાના હેતુથી 108 પર કોલ કરીને એમ્બ્યુલન્સ માટે કોલ કરે છે. અને એમ્બ્યુલન્સ ના આવે ત્યાં સુધી તે ત્યાં જ રહે છે, અને પેલાં ઘાયલ વ્યક્તિને એમ્બ્યુલન્સમાં બેસાડી દે છે, અને ફરી પાછો પોતાની બાઇક જે જગ્યાએ પાર્ક કરેલ હતી, તે તરફ આગળ ધપવાં માંડે છે. બરાબર એ જ સમયે તેની નજર પોતાનાં હાથમાં રહેલ કાંડા ઘડિયાળ પર પડે છે, ઘડિયાળ પર નજર ફેરવતાની સાથે જ સચિનનાં ચહેરા પર માયુસી, કે ઉદારી છવાઈ જાય છે. જેનું કારણ એ હતું કે પેલાં ઘાયલ વ્યક્તિની મદદ કરવામાં જ તે પરીક્ષા કેન્દ્રમાં પ્રવેશવાનો છેલ્લો સમય ચૂકી ગયો હતો. બરાબર એ જ સમયે રોહનની નજર સચિન પર પડે છે. આથી રોહન પોતાની બાઇકમાં ડિસ્કબ્રેક લગાવીને સચિનની પાસે ઊભાં રહીને પૂછે છે.

"હાય ! સચિન અહીં…? તારે તો આજે જી.પી.એસ.સી ની પરીક્ષા હતી ને ?" રોહન સચિનની નજીક આવતાં પૂછે છે.

"પરીક્ષા હતી...પણ હવે નથી…!" સચિન થોડી હતાશા સાથે બોલે છે.

"મતલબ…?" રોહન હેરાની સાથે સચિનની સામે જોઇને પૂછે છે.

"પરીક્ષા હતી પણ એ પરીક્ષા હું ચૂકી ગયો છું, કોઈની મદદ કરવામાં." સચિન રોહનને માંડીને વાત કરતાં જણાવે છે.

બરાબર એ જ સમયે યુગમી આ આખી ઘટનાં સચિનથી દૂર રહીને પોતાની સગી આંખે નિહાળી રહી હતી, કોઈ અજાણ્યા વ્યક્તિ માટે પોતાનાં જીવનની મહત્વની જી.પી.એસ.સી પરીક્ષા જતી કરીને માણસાઈને જીવિત રાખી હતી, અને સચિન જેવાં લોકોને જ લીધે આપણાં સમાજમાં આજે "માનવતા" ધબકી રહી છે. સચિનનો દેખાવ તો આકર્ષક હતો જ તે, પણ તેનાં આવા સદગુણો જાણે તેનાં વ્યક્તિત્વમાં ચાર ચાંદ લગાડી તેનાં વ્યક્તિને નિખારી રહ્યાં હોય તેવું યુગમી અનુભવી રહી હતી. બસ ત્યારથી જ માંડીને યુગમી સચિનને મનોમન પસંદ કરવા લાગી હતી, તેનાં મનમાં માત્રને માત્ર સચિનના જ વિચારો આવી રહ્યાં હતાં.

બરબરા એ જ સમયે યુગમીની ફ્રેન્ડ આરતી ત્યાં આવી પહોંચે છે, આરતી યુગમીની નજીક આવીને ઊભી રહે છે, ત્યારે તેની નજર "રોહિત" પર પડે છે...આથી આરતી "રોહિત…!" એવી એક બુમ પાડે છે. આ જોઈ જાણે યુગમીને "દોડવું હતું અને ઢાળ મળી ગયો" તેવી પરિસ્થિતનું નિર્માણ થયું હોય તેવો આભાસ થઈ રહ્યો હતો. ત્યારબાદ યુગમી આરતીને રોહિત વિશે પૂછપરછ કરતાં માલુમ પડે છે કે,"રોહિત કે જે સચિનનો મિત્ર હતો તે આરતીનો કઝીન ભાઈ હતો, આથી યુગમી આરતીની મદદ દ્વારા રોહિત પાસેથી સચિનનો નંબર મેળવે છે.

 સચિનનો નંબર મેળવ્યાં ના છ મહિના બાદ યુગમીને હિંમત આવતાં આજરોજ સચિનને કોલ કરીને પોતાની લાગણીઓ વ્યક્ત કરવાં માટે નક્કી કરેલું હતું, પણ કોઈ અજાણ્યા કારણો કે ડરને લીધે દર વખતે કોલ ડિસ્કનેટક કરી નાખતી હતી. અને અંતે સચિનનો સામેથી કોલ આવ્યાં બાદ યુગમી હિંમત કરીને સચિન પ્રત્યે રહેલ પોતાની લાગણીઓ જણાવવા માટેનું સાહસ કરી જ નાખે છે.

 ત્યારબાદ સચિન અને યુગમીનો પ્રેમ જે એકતરફી હતો, તે વાસ્તવિક દુનિયામાં પણ પરિણમે છે. ધીમે ધીમે તે બંને પ્રેમ સમય પસાર થતાની સાથે જ વધુને વધુ ગાઢ બનતો જાય છે.

કોઈ નિ:સહાય લોકોની આપણે ચોક્કસપણે મદદ કરવી જ જોઈએ. તેનું ફળ આપણને ઈશ્વર ચોક્કસપણે આપે જ છે, કદાચ એવું બને કે ઈશ્વર આપણને કોઈને નિ:સ્વાર્થ ભાવે કરેલ મંડળનું ફળ મોડું આપતાં હોય છે, પણ આપે તો છે જ તે એ સનાતન સત્ય છે. સચિને પોતાની જી.પી.એસ.સી પરીક્ષાના ભોગે અકસ્માતમાં ઘાયલ બનેલ પેલાં વ્યક્તિની મદદ કરે છે, જેનું આટલુ સારું ફળ "યુગમીનો પ્રેમ" સ્વરૂપે મળશે એવું સચિને સપનામાં પણ વિચારેલ નહીં હોય. માટે આપણે નિ:સહાય અને લાચાર લોકોની કોઈ અંગત સ્વાર્થ વગર નિ:સ્વાર્થભાવે ચોક્કસ મદદ કરવી જ જોઈએ.


Rate this content
Log in

Similar gujarati story from Romance