STORYMIRROR

RATILAL VAYEDA

Tragedy Inspirational Children

4  

RATILAL VAYEDA

Tragedy Inspirational Children

મિલન

મિલન

6 mins
408

આજથી લગભગ ત્રીસ વર્ષ પહેલાની બનેલી આ સત્યઘટના ને આધારે હું આપની સમક્ષ એક કહાની રજૂ કરી રહ્યો છું.

હું ધોરણ બારના વર્ગમાં અંગ્રેજી શીખવી રહ્યો હતો એ દરમિયાન મારું ધ્યાન વર્ગમાં પડ્યું, મેં જોયું તો મોહન ત્રણ ચાર દિવસથી ક્લાસમાં આવતો નથી આથી મેં વિદ્યાર્થીઓને પૂછ્યું કે કેમ મોહન કેમ દેખાતો નથી તો તેના એક ભાઈબંધે જણાવ્યું કે "સાહેબ મોહન ત્રણ-ચાર દિવસથી આ ઘરમાં પણ આવતો નથી ઘરના બધા લોકો તેને ચારે તરફ શોધે છે પરંતુ ક્યાંય તેનો પત્તો લાગતો નથી". મેં વિદ્યાર્થીઓને કહ્યું કે, "જો મોહન મળે તો કે'જો કે તને સાહેબ બોલાવે છે".

ત્રીજે દિવસે બપોરે મોહન મને મળવા આવ્યો, આવી અને ભેટી પડ્યો. તેનો ચહેરો સાવ ઉદાસ હતો અને શરીર નંખાઈ ગયેલું હતું. તેણે કહ્યું કે સાહેબ મને બહુ ભૂખ લાગી છે. મેં સ્કૂલમાંથી પટાવાળાના બોલાવ્યો અને સો રૂપિયા આપી અને કહ્યું કે મોહનને બજારમાંથી સારું ખવડાવી અને પછી મારી પાસે લાવો.

એકાદ કલાક પછી તે મારી પાસે આવ્યો મેં તેને એકાંત વર્ગમાં જઈ અને બેસાડ્યો અને ઘરેથી ચાલ્યા જવાનું કારણ પૂછ્યું, તેણે જણાવ્યું કે, "સાહેબ હું તો ટ્રેન આવવાની રાહ જોતો હતો હજી એકાદ કલાકની વાર હતી અને મારા ભાઈબંધે મને કહ્યું કે, તને સાહેબ બોલાવે છે મને એમ થયું કે મરતા પહેલા સાહેબને મળી લઉં તો મનમાં કોઈ અફસોસ ન રહે ગાડી આવે તેની જ રાહ જોતો હતો અને તેમાં પડી ને મારી જિંદગીનો હું અંત કરવા માગતો હતો પણ તમારી યાદ આવી અને ગાડીને પણ વાર હતી, એટલે તમને મળવા આવ્યો છું".

હું આ સાંભળીને સ્તબ્ધ બની ગયો મોહન જેવો હોશિયાર છોકરો મારો એનસીસીનો કેડેટ, રમત-ગમતમાં અનેક ઈનામો લઈ આવનારો સ્કૂલમાં પણ ભણવામાં હોંશિયાર, ખડતલ, બહાદુર આવો વિદ્યાર્થી આવો નબળો વિચાર કેમ કરી શકે તેવું મને મનમાં થવા લાગ્યું, મેં તેને પૂછ્યું કે મોહન શું થયું હતું ? ત્યારે તે ચોધાર આંસુએ રડી પડ્યો અને તેણે કહ્યું કે, "સાહેબ આજથી પાંચેક દિવસ પહેલા મારે ગાંધીનગર રાજ્ય કક્ષાની રમત ગમત માટે જવાનું હતું સ્કૂલ તરફથી મને મોકલવામાં આવેલો હતો, મેં ઘરે જઈને વાત કરી તો મારા પિતાજી ખૂબ ગુસ્સે થયા અને કહેવા લાગ્યા કે, "તું તો હાલી મળ્યો છો જ્યારે જોઈએ ત્યારે રમત ગમત સિવાય તને કોઈ બીજો ધંધો નથી તારું ભણવામાં ધ્યાન નથી, તને કોઈ મરચા ખાંડવા નહીં રાખે અને તને દર વખતે હું પૈસા કેવી રીતે આપી શકું ? અત્યાર સુધી તું રમતગમતમાં કેટલી બધી વાર બહાર ગયો છે ભલે તને એ ઈનામ મળ્યા હશે પરંતુ મારી પણ ક્ષમતા જોઈએ ને તને જાણ તો છે ને ઘરમાં બે બહેનો અને એક ભાઈ કોલેજમાં ભણે છે મારા ટૂંકા પગારમાંથી હું તને વારંવાર કેમ આપી શકું ? વળી તું બહાર જાય એટલે તારા બુટ, કપડા અને વધારાનો ખર્ચો પણ મારે દેવો પડે આ ક્ષમતા મારી નથી, માટે મહેરબાની કરી અને હવે ક્યાંય જાવું નથી ઘરમાં છાનોમાનો બેઠો રે ભણવામાં ધ્યાન રાખ." મે જીદ કરીને ગાંધીનગર જવાની વાત ચાલુ રાખી ત્યારે પપ્પાએ મને ચોખ્ખું કહ્યું કે, "હું તને એક પણ રૂપિયો આપવાનો નથી તારે જ્યાં જવું હોય ત્યાં જા. તારું મોઢું જોવા નથી માગતો આવા તારા જેવા દીકરા શું કામના, કે જેવો વારે ઘડીએ પૈસાની માંગણી કરી અને મા-બાપને સતાવે મારી કોઈ ત્રેવડ નથી, તારે જે કરવું હોય તે કર ક્યાં જવાની જરૂરત નથી છાનોમાનો ઘરમાં બેઠો રે અને ભણવામાં ધ્યાન આપ", મારાપિતાએ આમ કહ્યું એટલે મને ખૂબ લાગી આવ્યું અને ત્યારથી મેં ઘર છોડી દીધું. જાઉં પણ ક્યાં ? રેલવેના સ્ટેશને બાંકડે બેઠો સાંજ સુધી તો ભારે ભૂખ લાગી, મારી સામે એક બેન પોતાના નાનકડા બાળકને ગાંઠિયા જલેબી ખવડાવી રહી હતી, મને થયું કે તેના હાથમાંથીઝૂંટવીને હું ખાઈ લઉં પરંતુ ડર લાગ્યો કે કોઈ પકડી લેશે તો મારી આબરુ જાશે. મારાથી આવું ન થાય કેમ કરી અને હું ત્યાંથી દૂર ચાલી અને દૂરના બાંકડે બેઠો. ભૂખ પીછો છોડતી ન હતી, રાત પડવા આવી મારી પાસે આવી અને બે બાવા બેઠા અને તેઓએ મને ખાવા માટે થોડો નાસ્તો આપ્યો, ભૂખના માર્યા મેં પણ આનાકાની કર્યા વિના લઈ લીધો અને ખાવા લાગ્યો અને ત્યાર પછી તેઓએ મને ચ્હા પીવડાવી, આ ચ્હા પીવાની સાથે જ થોડા વખત પછી મને ઊંઘ આવવા લાગી અને હું બાંકડે સૂઈ ગયો થોડો સભાન હતો શું વાત થાય તે થોડું થોડું સંભળાતું હતું. બાવા હિન્દીમાં વાત કરતા હતા કે 50,000 રૂપિયા તો ઓછામાં ઓછા મળી જશે, આપણું કામ થઈ ગયું. બસ આટલું સમજી શક્યો ત્યાર પછી તો મને ખુબ ઊંઘ આવી ગઈ અને એવો આભાસ થયો કે મને કોઈ ઉપાડી અને લઈ જાય છે અને ત્યાર પછી ટ્રેન આગળ-આગળ જવા લાગી અને ત્યાર પછી ટ્રેનની અંદર પોલીસ આવ્યા તેને કારણે આ બે બાવા તેને જોઈ અને ડરીને ચાલ્યા ગયા હું હવે થોડું ભાનમાં આવ્યો મને એમ થયું કે હું ટ્રેનમાં કેવી રીતે આવી ગયો ? જામનગર સ્ટેશન ઉતરી ગયો અને વળતી ટ્રેન પાછી આવતી હતી તેમાં ફરી પાછો મીઠાપુર આવી ગયો. સ્ટેશનથી ઉતર્યા પછી ઘરે મા-બાપને મોઢું બતાવવાનું મન થતું ન હતું શરીરે ખૂબ નંખાઈ ગયેલું હતો, દવાઓના કારણે મને ખૂબ અશક્તિ લાગતી હતી આવી પરિસ્થિતીમાં મેં નક્કી કર્યું કે જીવું તો છે જ નહી હવે જીવવાનો શું અર્થ છે જ્યાં આપણું માન ન રહેતું હોય જ્યાં જિંદગીના કોઈ અરમાન પુરા ન થતા હોય હવે તેવા જીવવાનો કોઈ અર્થ નથી અને મેં નક્કી કર્યું કે આવતી ટ્રેન નીચે ઝંપલાવી અને મારે મારી જાત નો અંત લાવી દેવો છે આ સમય દરમિયાન મને મારો મિત્ર રમેશ મળ્યો અને તેણે કહ્યું કે, "ચાલ તને સાહેબ બોલાવે છે" મને એમ થયું કે મરતા પહેલા સાહેબને મળી લઉં" એટલે સાહેબ હું આપને મળવા આવ્યો છું હવે તમે મને કહો.

મોહનની વાત સાંભળીને મારું હૃદય દ્રવી ઉઠ્યું. તેને ભેટીને આશ્વાસન આપ્યું અને કહ્યું કે, "ગાંડા, આવા પગલા થોડા ભરાય તારા જેવા હોશિયાર વિદ્યાર્થી જો આવું કરે તો દુનિયા કેમ ચાલે ? સ્વસ્થ થઈ જા, કાંઈ કરવું નથી. ચાલ મારી સાથે પ્રિન્સીપાલ સાહેબની ઓફિસમાં" અને ત્યાર પછી અમે પ્રિન્સીપાલ સાહેબની ઓફિસમાં ગયા, ત્યાં તેમણે તેના મા-બાપ ને ઘરેથી બોલાવ્યા, તેઓને બધી ઘટના સમજાવી માતા-પિતાને મળીને મોહન ખૂબ જ ગદગદીત થઈ ગયો. બંને ને ભેટી પડ્યો ચોધાર આંસુએ રડવા લાગ્યો, પ્રિન્સિપલે પણ તેના મા-બાપ ને ઠપકો આપ્યો કે બાળકને આ રીતે નિરાશ ન કરાય તેને સમજાવવાની પણ અનેક રીતો હોય છે, આર્થિક પરિસ્થિતિ ભલે સારી ન હોય પરંતુ પોતાના બાળકને આ રીતે આવા શબ્દો દ્વારા નિરુત્સાહ કરવાથી આપણે કદાચ આપણું બાળક ગુમાવી દેવાનો વારો આવે.

તેના પિતાએ રોતા રોતા કહ્યું, "કે હા તમારી બધી વાત સાચી છે, મારી પરિસ્થિતિ ખરાબ હતી, એટલે મારાથી ઉશ્કેરાટમાં આ બધું બોલાઈ ગયું અને મારો દીકરો આટલું બધું મનમાં લેશે તેવી અમને કોઈ કલ્પના નથી. છેલ્લા પાંચ દિવસથી અમારા ઘરમાં અન્ન અને દાંતને વેર છે અમે માથા પછાડીએ છીએ તેને શોધવા માટે કોઈ ખૂણો બાકી નથી રાખ્યો, સગા સહિત તમામને મદદ માટે અમે માંગણી કરી છે, ત્યાંથી કોઈ જવાબ નથી અને આજે તો નક્કી કર્યું હતું કે હવે પોલીસ સ્ટેશને જઈ અને મોહનના ગુમ થવાની ફરિયાદ લખાવી દેવી પરંતુ સાહેબ સારું થયું આપે મને મારા દીકરા સાથે મિલન કરાવ્યું. હું આપનો ખૂબ ખૂબ આભાર માનું છુંં", આવું બોલી અને બંને મા બા મને અને પ્રિન્સીપાલ સાહેબને પગે પડ્યા - ભેટી પડ્યા, અમે પણ ગળગળા થઈ ગયા આમ એક દીકરાનું મા બાપની સાથે મિલન કરવાનો હું થોડો પણ નિમિત્ત માત્ર બની શક્યો તે બદલ મેં ભગવાનનો આભાર માન્યો. તેઓ રાજી થઈ અને પોતાને ઘરે ગયા અને મોહનની સારી કાળજી રાખશે તેવી ખાતરી આપી. અમને બધાને આનાથી ખૂબ ખૂબ આનંદ થયો અને એક કરુણ ઘટના બનવાની હતી તેનો સુખદ અંત આવ્યો, તે જાણીને હૃદયમાં ભારે શાંતિનો અનુભવ થયો અને ભગવાનનો ખુબ આભાર માન્યો.


Rate this content
Log in

Similar gujarati story from Tragedy