મિલન એપાર્ટમેન્ટ
મિલન એપાર્ટમેન્ટ
પબ્લિક ટ્રાન્સપોર્ટની એ બસ મુખ્ય સ્ટેશનથી નિયત સમયે ઉપડી. જર્જરિત હાલતને લીધે એન્જિનનો અને સવારે ચા બરાબર નહી બની હોય એટલે ડ્રાઈવરનો મુડ બંન્ને ખરાબ હાલતમા.... ધરનો બધો જ ગુસ્સો ગેયરના ડંડા પર કાઢતો હોય એ રીતે પછાડીને એક્સીલરેટર દબાવી ધુરધુરાટી બોલાવતા બોલાવતા ડ્રાઈવરે બસને હાકલવા માડી. મોડા પડેલા બે -ત્રણ જણાએ બસ ઊભી રાખવા વિનંતી કરી પણ સમજણ અણગમાના ભાર નીચે દબાઈ ગઈ હોય એમ લાગ્યુ અને બસ કાળા ધુમાડાના ઓછાયામા અલોપ થઈ ગઈ. રોજિંદા નોકરિયાતો અને કોલેજીયનોથી ભરેલી બસ. બધા પોતપોતાની ચર્ચાઓમા મગ્ન. આ ઘોંઘાટીયા વાતાવરણમા એક જ એવુ વ્યક્તિત્વ જે શાંત મુદ્રામા બારી બાજુ બેઠુ હતુ. દ્રષ્ટિ એનુ નામ. નીલી મનમોહક આખો, મોહક પાંપણોના ઓછાયામા રહેતી ધારદાર નજર અને એમા પણ આંખમા આં જેલુ કાજલ એના વ્યક્તિત્વને ચાર ચાંદ લગાવતુ હતુ. ઓછુ બોલવુ , ચુપ રહેવુ અને છતા મનની બધી વાત આખો દ્વારા કરવી એ એની વિશેષતા હતી. ઘોંધાટ કરતી બસ જયારે " મિલન એપાર્ટમેન્ટ " નામના સ્ટેન્ડ આગળ ઊભી રહી કે ત્યારે બધુ થંભી ગયુ. નીચે ઝુકેલી પાપણો જયારે કોઈકના દિદાર માટે ઉપર ઉઠી તો જાણે અપૂર્ણતાનો અહેસાસ થયો. રોજ જેટલો રોમાંચ રહેતો તેટલી જ ગમગીની છવાઈ ગઈ. આટલા સમયથી જોવાતી રાહ જાણે પુરી જ ના થતી હોય એમ લંબાઈ ગઇ. બસ જેમ ચાલવા લાગી તેમ શ્વાસની ગતિ પણ વધવા લાગી.જાણે એ જગ્યા એ કંઈક ખોવાઇ ગયુ હોય એમ એની નજર આગળપાછળ બધુ ફંફોસવા લાગી પણ દ્રષ્ટિની, દ્રષ્ટિને કાઇ જ હાસલ ન થયુ. ત્યા જ એક યુવાન દોડતા દોડતા બસ પકડી એટલે કંન્કક્ટરે મોટા અવાજે ધમકાવવાનુ શરૂ કર્યુ પણ બસમા ચઢવાની સાથે જ સંયમની નજર રોજની જેમ એક ચોક્કસ જગ્યાએ ગઈ. કન્કડક્ટરની બુમાબુમ સાભરતા જ દ્રષ્ટિ થોડી સ્વસ્થ થઇ અને પાછળ જોયુ.આંખોથી આંખો મળી અને બાકી બીજો બધો કલબલાટ ક્યાય દુર રહી ગયો. દ્રષ્ટિની આખોએ જાણે ફરિયાદ કરી અને સંયમના હાવભાવે જાણે ફરિયાદનુ સમાધાન પણ કરી દીધુ. આ રોજનો ક્રમ... છ મહિનાથી રોજ એમની આખો જ વાતો કરે , ફરિયાદ કરે, રિસામણા-મનામણા પણ આંખો મારફતે જ થાય, શબ્દોને ક્યાય સ્થાન નહી. સંયમ એના સંયમ અને દ્રષ્ટિ એની દ્રષ્ટિના વર્તુળમાથી બહાર આવીને એકરાર કરતા ખચકાટ અનુભવતા. આમ તો દ્રષ્ટિને આંખોની મુલાકાત વધારે રોમાચક લાગતી. ક્યારેય એવો અફસોસ નહતો કે સંબંધને વાચા ક્યારે મળશે પણ આજે એ અફસોસ થયો કે જયારે એના મમ્મીએ એને જાણ કરી કે દ્રષ્ટિના વૈવિશાળ એના નાનપણમા જ નક્કી કરી દેવામા આવ્યા હતા. દ્રષ્ટિના પગ નીચેથી જમીન ખસકી ગઈ. આજે એની આંખોમા ચમક તો હતી પણ આંસુઓની. બોલકી આંખોમા ફરિયાદના સુર હતા જે તેની મમ્મી પામી ગઈ પણ સંજોગવશાત ચુપ રહેવાનુ વધારે મુનાસીફ સમજ્યા. મને એકવાર તો પુછવુ હતુ એવા ઈશારાના સવાલ સામે બધુ સારૂ જ થશે તેવો વ્યવહારૂ જવાબ મળ્યો. રાતના અંધકારની જેમ ભવિષ્ય પણ અંધારામા ગરકાવ થતુ હોય એમ લાગ્યુ. સવારનો સુરજ એક અજંપાભરી શાંતિ લઈને ઉગ્યો. સ્ફુર્તિની જગ્યા મનના ભારેપણાએ છીનવી લીધી. ભારે હ્દયે અણગમતા ભવિષ્યને સ્વીકારવા દ્રષ્ટિ માતાપિતા સાથે રિક્ષામા નીકળી. એક ચોક્કસ સ્થળે રિક્ષા ઉભી રહી. જાણીતી લાગી એ જગ્યા દ્રષ્ટિને. એ મિલન એપાર્ટમેન્ટ નામનું બસ સ્ટેન્ડ હતુ. કુદરત ફરી ફરી ને રોમાંચક ભૂતકાળની યાદ અપાવતો જે દ્રષ્ટિ માટે હવે સ્વપ્ન સમાન હતુ. પરંતુ દ્રષ્ટિ થોડા સમય માટે આ સ્વપ્નને જીવવા માગતી હતી કેમકે ભવિષ્યના ગર્ભમા શુ હતુ એને ખબર ન હતી. આજુબાજુ શું ચાલી રહ્યુ છે, કોણ કોણ છે એનાથી બિલકુલ અજાણ દ્રષ્ટિ જાજંવાના જળ સમાન પોતાના સ્વપ્નમા રાચી રહી હતી. મમ્મીના હળવા સ્પર્શથી દ્રષ્ટિનુ વાસ્તવિક દુનિયામા સરી પડી અને કહ્યુ કે એનુ ભવિષ્ય એની સાથે વાત કરવા માગે છે તો બાજુના રૂમમા જાઓ બંન્ને જણા. દ્રષ્ટિ ખુબ જ ભારે હ્દયે ભાવિ ભરથારની સામે જોયુ અને જોતા જ બધાની સંભળાય તેમ બોલી, મારે આમની સાથે રૂમમા વાત નથી કરવી પણ સોસાયટી બહાર આવેલ "મિલન એપાર્ટમેન્ટ" નુ બસ સ્ટેન્ડ કેવુ રહેશે મિ. સંયમ. સંયમ અને દ્રષ્ટિ સિવાયના તમામ લોકો અચરજ પામ્યા અને સંયમ અને દ્રષ્ટિ એકમેકનો હાથ પકડીને ધરની બહાર નીકળી ગયા. હાથમા હાથ પરોવીને મલકતા ચહેરે બહાર જતા જોઈ દ્રષ્ટિની મમ્મીના મન નો ભાર પણ હળવો થઈ ગયો. "મિલન એપાર્ટમેન્ટ" એ બંન્નેના હ્દયમા અંકિત થઈ ગયુ.

