કોરોનાભાઈની હૈયાવરાળ
કોરોનાભાઈની હૈયાવરાળ
"અરે ! કોરોનાભાઇ કેમ છો? મઝા માં ને? જય બીમારી વ્હાલા. . જય બીમારી. .. આજકાલ તમે બઉ ચર્ચા માં છો ને કંઈ !" એચ વન એન વન ભાઈ એ કૉરોનાભાઈ ને મળતા ખબરઅંતર પૂછ્યા.
" હા, ભાઈ.. જય બીમારી વ્હાલા. ."
" આવો આવો. . ક્યાંથી ભૂલા પડ્યા આ ફેફસામાં. ..
આમ તો મઝામાં.. પણ કઈ ખાસ મઝા છે નઈ. તમે તો જૂના વાયરસ છો એટલે તમને ખબર જ હશે કે નવાનવા વાઇરસો ની શું હાલત હશે અત્યારે ! આ બોસે તો અમારી પથારી ફેરવી દીધી છે યાર. એટલું કામ આપી દીધું છે કે વાત જવા દો. અને પાછા ટાર્ગેટ પણ આપેલા છે બોલો. ખબર નઈ આ કેવો પ્રોજેક્ટ હાથમાં લીધો છે બોસ એ. " કોરોના ભાઈ એ પોતાની હૈયાવરાળ ઠાલવતા કહ્યું.
" કેમ લા બોસ એ શું કર્યું?" એચ વન એન વન એ પૂછ્યું.
" હમણાં જ મીટીંગમાંથી આવું છું અને એવા ટાર્ગેટ આપ્યા છે કે રોજ એક ક્લાયન્ટ નું ફેફસું ૨૦ થી ૨૫% જેટલું બગાડવાનું અને મારી ટીમ ને એવો ટાર્ગેટ આપ્યો કે રોજના ૪૦૦૦ થી ૫૦૦૦ લોકોના શરીરમાં સંક્રમણ ફેલાવવાનું. . બોલ યાર. હવે તું જ કહે કે આ બોસ અમારી ઉપર જુલમ નથી ગુજારતા. . " કોરોના ભાઈ પોતાનામાંથી થોડું ઝેર ફેલાવતા ફેલાવતા બોલ્યા.
" હા યાર.. જુલમ તો છે. અમારો સ્વાઇન ફ્લૂ નો પ્રોજેક્ટ ચાલતો ત્યારે અમારે આટલો વર્ક લોડ નહોતો.. અમારે કદાચ એક પરિવાર કા તો કોઈ એક ફળિયામાં કામ કરવાના ઓર્ડર આવતા.. પણ તમે તો આખી દુનિયામાં ઓફિસ ખોલી કાઢી છે. બઉ શાખાઓ ખોલી છે યાર તમે લોકો એ. . એટલે વર્ક લોડ પણ રહે અને ટાર્ગેટ પણ અઘરા આવે જ. ." એચ વન એન વન ભાઈ એ ફેફસાની દીવાલ પર હીંચકો ખાતા ખાતા કહ્યું.
" બે પણ હું શું કહું છું. આપણે રહ્યા નાના માણસ. નાનો જીવ. અને પાછું આપણું જીવન પણ ટૂંકુ. માંડ ૧૫-૨૦ દિવસ જીવીએ અને એમાં પણ બસ કામ કામ ને કામ. . સાલું જિંદગીમાં આરામ લખાયેલો જ નથી. અને પાછું આપણે આપણો વંશવેલો પણ આગળ વધારવાનો. એટલા ટૂંકા ગાળામાં કેટકેટલું સાંભળવાનું યાર. હું તો થાકી ગયો યાર. . હવે આ ટાર્ગેટ નું કંઇક કરવું પડશે. " કોરોના ભાઈ એ પોતાના દાંત ફેફસાની દીવાલ પર ખોતરતાં ખોતરતા બોલ્યા.
" મારો અનુભવ છે ભાઈ. તમારો ટાર્ગેટ પૂરો થઈ જશે.. તમે ચિંતા નાં કરો. " એચ વન એન વન ભાઈ એ સાંત્વના આપતા કહ્યું..
" કેમ ભાઈ? એવું તને કેમ લાગે છે? તમારે તો એક એરિયા સાંભળવાનો હતો અને અમારે તો શાખાઓ જ એટલી ખોલી છે કે આખી દુનિયામાં કામ કરવા જવું પડે છે. બે દિવસ પહેલાં જ ભાઈ ને ન્યૂયોર્કની ઓફીસથી મેઈલ આવેલો કે તાબડતોબ અહીંયા હાજર થઈ જાઓ. એ હોશિયાર છે એટલે ધોળિયા લોકોએ એને ત્યાં બોલાવી લીધો.. પી. એચ. ડી. થયેલો છે મારો ભાઈ. હવે એ ડોલર માં કમાશે અને અમે અહી મજૂરી કરીએ છીએ અને એમાં પણ ઘર ના બધા લોકો કામ લાગેલા છે બોલો. વાત કરવાનો પણ સમય નથી અમારે. હમણાં અડધો કલાક પહેલાં મમ્મી ને ફોન કરેલો, એની તબિયત પૂછવા પણ ઉપાડ્યો જ નઈ ને અને પાછો મેસેજ મોકલ્યો કે હમણાં કામ બઉ છે પછી કોલ કર. . બોલો, માણસ ને પરિવારની ચિંતા તો થાય ને. . પણ ખબરઅંતર પૂછવાનો અને જવાબ આપવાનો પણ સમય નથી. . અને પાછા આ માણસો કેટલા ચાલાક છે એ જોયું તે. પેલું નવું ઇન્જેક્શન લાવ્યા છે ટોસિલીઝૂમેબ. અમારા દૂર ના કાકા નો સમગ્ર પરિવાર એ ઇન્જેક્શન ના લીધે મૃતપ્રાય અવસ્થામાં આવી ગયો છે. કોઈ કામ કરવા લાયક નથી રહ્યા. ઘર કેમનું ચાલે એમનું. ખાવાપીવા નાં સાસા પડી ગયા છે. મે કાલે જ ૫ ગ્રામ લોહી અને ૧૦ લિટર ઓક્સિજન મોકલ્યો એમને." કોરોના ભાઈ ની આંખમાં આંસુ આવી ગયા પોતાની હૈયાવરાળ ઠાલવતા.
" હખે ને સૌ સારા વાના થશે કોરોનાભાઈ. તમે આમ ઢીલા ના પડો.. તમારા પરિવાર અને તમારા બધા નાતિભાઈઓનું સારું જ થશે. તમે ચિંતા ના કરતાં.. અમે બેઠા છીએ ને હજુ અને પાછા ડેન્ગ્યુ ભાઈઓને પણ સમાચાર પહોંચાડી દઈશું.. બધા તમારી વહારે આવશે. અને રહી વાત તમારા ટાર્ગેટની તો એની તો ચિંતા જ ના કર વ્હાલા. એ તો તમતમારે રમતા રમતા પાર પડી જશે." એચ વન એન
વન ભાઈ એ કોરોનાભઇ ના ખભે હાથ મૂકતા કહ્યું.
" કેમ કરી ને પાર પડશે? " નિસાસો નાખતા કોરોના ભાઈ બબડ્યા.
"કેમ કે તમે લોકો તો અંદર કામ માં વ્યસ્ત છો, ટાર્ગેટ પૂરા કરવામાં પડ્યા છો. બહાર શું ચાલે છે એ તમને ક્યાં ખબર.. હું આજે આવ્યો અહી એટલે મને ખબર છે કે બહાર ના શું હાલ છે. " , એચ વન એન વન ભાઈ એ કહ્યું.
" શું હાલ છે કહે તો ખરા. .", કોરોના ભાઈ ઘડીક ફેફસાની દીવાલ પર એક હાથ અને બીજો પોતાની કમર પર રાખીને આગવી અદામાં ઊભા રહી પૂછવા લાગ્યા.
" અરે ભાઈ, બહાર બધા બિન્દાસ્ત ફરે છે. લોક ડાઉન હતું ત્યારે લોકો થોડા ગભરાતા અને નિયમોનું પાલન પણ થતું પણ અત્યારે એમને એમ લાગે છે કે તમારું એટલે કોરોના નું કોઈ અસ્તિત્વ જ રહ્યું નથી. .
લોકો એ કાળજી લેવાનું ઓછું કરી દીધું અને ચાલશે એમ ચાલવાનું ચાલુ કરી દીધું. માસ્ક પહેરવાનું પણ બંધ કરી દીધું. સેનેટાઈઝર નો પણ ઉપયોગ ઘટાડી દીધો છે.. આમેય માણસજાત છે ને એટલે કંજૂસ સ્વભાવ હોય જ. જે પહેલાં હાથમાં સનેટાઇઝર ના લપેડા કરતાં હતાં એ હવે ઓછા કરી દીધા છે.
બજારમાં તો ભીડ ભીડ ના ભડાકા છે.. ખબર નહિ આ માણસો ને રોજ એવી તે કઈ વસ્તુ ખરીદવાની હોય છે !
પહેલાંની જેમ પાન મસાલાની દુકાનો પણ ચાલુ થઈ ગઈ છે અને દુકાને લોકોના ટોળેટોળા ઉમટી રહ્યા છે. અને પાછા જાણે બઉ મોટું કામ કરતા હોય એમ મસાલા અને પડીકી ખાઈ ને બિન્દાસ્ત રીતે જ્યાં ત્યાં થૂંકે પણ છે અને તમને ખબર જ છે કે આ થુંક આપણાં માટે કેટલું કિંમતી છે. એમના સોનાના ભાવ કરતા પણ આ થુંક આપણાં માટે કિંમતી છે ને. . બોલો. બોલો. " એચ વન એન વન ભાઈ કારોનાભાઈ ને તાળી આપતા હસતા હસતા કહ્યું.
" એ વાત સાચી હો, ભાઈ. એ થુંક તો બહુ કિંમતી યાર. બીજું કહો ને કે બીજું કેમનું છે બહાર?" કોરોના ભાઈ ને હવે જાણવાની તાલાવેલી લાગી.
" ખાણીપીણી બજાર માં કીડિયારું ઉભરાતું હોય એમ લોકો ઉમટી પડે છે.. હૈયાથી હૈયું દળાય એવી ભીડ હવે બજારમાં જોવા મળે છે. .
અને તમે જે ટાર્ગેટ પૂરા કરીને લોકો ને યમલોક પહોંચાડ્યા હોય એમના બેસણા ના પ્રસંગમાં માણસો ઉમટી પડે છે. એકબીજાને ભેટી ને અશ્રુ વહાવે છે અને પાછા મન માં એમ પણ બોલે હો કે સારું થયું કે ટાઢા પાણી એ ખસ ગઈ, આમેય આ ભાઈ બઉ હવામાં ઉડતા હતા. આપણે તો માણસની અંદર રહીએ એટલે એમની અંદરની વાતો આપણને ખબર પડી જાય ને. .
મરણ પ્રસંગ સિવાય બીજા ઘણા નાના પ્રસંગો યોજાતા રહે છે કે જેમાં લોકોની ભીડ ઉમટી પડે છે. " એચ વન એન વન ભાઈ એ વિસ્તારથી બધી માહિતી આપી.
" શું વાત કરો છો તમે ! આવું ચાલે છે બહાર.. તો તો અમારા ટાર્ગેટ જલ્દી પૂરા થશે એમ લાગે છે.. મઝા પડી જશે. . ટાર્ગેટ જલ્દી પૂરા થશે તો ઇન્સેંટિવ પણ સારું એવું મળશે અમને. " કોરોના ભાઈ એ લાલચ ભર્યું સ્મિત વેર્યું અને ફેફસા ને જોરદાર બચકું ભર્યું.
"હવે તું જ કહે જ્યારે લોકો આટલા બેદરકાર બની ગયા હોય ત્યારે તમારું કામ તો સરળ થઈ જવાનું ને. " એચ વન એન વન ભાઈ એ કોરોના ભાઈની હિંમત વધારતા કહ્યું.
" ખરેખર લોકો બેદરકાર થઈ ગયા છે અને અમને હવે બહુ મઝા પડવાની છે અને અમારા ટાર્ગેટ પણ ઝટ પૂરા થઈ જશે." કોરોના ભાઈ ને લાળ ટપકવતા અને હરખાતા હરખાતા એચ વન એન વન ભાઈ ને આંખ મારતાં કહ્યું.
" લોકો છીંક ખાય અને આપણને ખુબ મઝા પડે કેમ કે માસ્ક તો કોઈ પહેરેલું હોતું નથી એટલે એય ને આપણે હવા માં ટહેલતા ટહેલતા એક ઘર થી બીજા ઘરે લટાર મારતાં જ રહીએ છીએ અને આપણાં ટાર્ગેટ પૂરા કરતા રહીએ. ચાલો એચ વન એન વન ભાઈ ખુબ મઝા પડી તમારી સાથે વાત કરવાની.. સરસ માહિતી આપી તમે. . હવે કામે લાગી જઈએ ત્યારે. " કોરોના ભાઈ એ બીજું બચકું ભર્યું ફેફસાની દીવાલ પર અને એચ વન એન વન ભાઈ ને વિદાય કર્યા.
" તમતમારે શાંતિથી કામ કરો અને અમારી જરૂર પડે તો બિન્દાસ્ત કહેવડાવજો. અમે હાજર જ છીએ. . ચાલો ત્યારે જય બીમારી કોરોનાભાઈ.." એચ વન એન વન ભાઈ એ વિદાય લીધી.