Drankit Patel

Tragedy

2  

Drankit Patel

Tragedy

શરૂઆતનો અંત

શરૂઆતનો અંત

4 mins
7.4K


ખૂબ અંધારી રાત હતી એ. એના સ્વરૂપથી અને મિજાજથી. સ્વરૂપ એટલા માટે કે તે અમાસની રાત હતી. આકાશે જેમ કાળી ભમ્મર ચાદર ઓઢી રાખી હતી તેમ ઉદાસીનતા રૂપી કાળોતરાએ નિધિના મન પર ભરડો લીધો હતો.

“નિધિબેટા ચાલ જમી લે, જમવાનું તૈયાર છે.” તેની મમ્મીએ બૂમ પાડીને બોલાવી પણ નિધિ આ દુનિયામાં હોય તો તેનો ઉત્તર આપત. તે એક એવી કાલ્પનીક દુનિયામાં વિહરી રહી હતી કે જેમાં તે અને તેની કલ્પનાઓ જ જીવંત હતી. આજુબાજુનું બધું જ જાણે મૃતપ્રાય થઈ ગયું હતું. એના ઉપર આ દુનિયાની એવી તે છાપ હતી કે એને એની મમ્મીનો સાદ પણ નહોતો સંભળાતો. 

"નિધિબેટા, છેલ્લાં ઘણાં સમયથી મેં નોધ્યું છે કે તું ઉદાસ રહે છે, ગુમસુમ રહે છે, એકલી એકલી રહે છે, કોઈ વાતમાં તારું ધ્યાન નથી, કોઈ વાતનો જવાબ નથી આપતી, સાચું કહે બેટા તને કંઈ તકલીફ છે? તું બોલીશ તો

જ તેનો નીવેડો આવશે, આમ મનમાં ને મનમાં રાખીશ તો તને જ તકલીફ પડશે."

મમ્મીની આટલી વાતોની પણ નિધિ પર કંઈ જ અસર ન થઈ. જાણે કોઈ પૂતળું ઊભું હોય તેમ બેજાન મુદ્રામાં ચહેરા પર જાણે ઉદાસીનું મહોરું પહેર્યું હોય તેમ જ ઊભી રહી. મમ્મીના વારંવાર કરવામાં આવેલા સવાલોનો માત્ર એક જ જવાબ હતો અને એ ઉદાસીથી તરબોળ મૌન.

"હવે, તમે જ એને સમજાવો." નિધિની મમ્મીએ હથિયાર હેઠા મુકતા નિધિના પપ્પાને કહ્યું. નિધિના પપ્પા હકારમાં મોં હલાવી નિધિ તરફ આગળ વધ્યા. "નિધિબેટા, ચાલ આજે તારી પસંદની એ જગ્યાએ જઈએ કે ત્યાં જઈને તારું આ મૌન શબ્દોના વહેણમાં વહી જશે." અને એ સાથે આ ત્રિપુટી ગાડીમાં બેસીને નીકળી પડી રાહતને ભેંટવા માટે. 

રિવરફ્રન્ટના વાતાવરણની ભીનાશ અને હવાની ઠંડી લહેરોની ગોદમાં આ પરિવાર હજુ પણ મૌન હતો. મમ્મીની વ્યથિત આંખોને પપ્પાની વિશ્વાસસભર આંખો શાંત રહેવા માટે વિનવી રહી હતી અને નિધિ હજુ પણ મૌનને છાતીસરસો ચાંપીને બેઠી હતી. અંતે પપ્પાએ મૌન તોડતાં બોલવાનું શરૂ કર્યુ, "બેટા, નાનપણથી અમે તને બહુ લાડકોડથી ઉછેરી છે. બહુ ધ્યાન રાખ્યું છે તારું, નાનામાં નાની જરૂરિયાત પૂરી કરી છે તારી. તને કોઈ દિ' ઉદાસ નથી થવા દીધી. છેલ્લા કેટલાય દિવસથી તું ગુમસુમ રહે

છે. બેટા, તારા મનને આ પાણીના પ્રવાહની જેમ છૂટું મૂકી દે. અમે તારા મા-બાપ છીએ, અમારા પર

વિશ્વાસ રાખ, જે વાત હોય ઈ બેજીજક કહી દે."

પિતાએ જ્યારે વ્હાલથી હાથ નિધિના માથે મૂકીને ફેરવ્યો એ ક્ષણે જાણે સઘળી અસમંજસતા ઓગળીને આંસુ બનીને વહેવા લાગી. ટપ.... ટપ...... ટપ... ટપ.... આંસુડાની ધાર થઈ અને મન હળવાશ અનુભવવા લાગ્યું અને મૌન હવે શબ્દો સ્વરૂપે આલાપ લેવા લાગ્યું. 

એનુ નામ અનિકેત. સાથે સ્કુલમાં અને હવે સાથે જ કોલેજમાં. કોઈ દિ' એની સાથે વાત નહોતી થઈ પણ અમારી આંખો હંમેશા ઈશારાઓની વાતો કર્યા કરતી. એના પ્રત્યે પહેલેથી જ ઝુકાવ હતો અને કદાચ એને પણ હતો જેનો ખુલાસો કોલેજની ફ્રેશર્સ

પાર્ટીમાં થયો. એ દિવસે એ ખૂબ જ ખુશ હતો અને હું પણ. આ વાતની જાણ અમને બંન્ને જ હતી. હજુ ગૃપમાં કોઈને જાણ નહોતી. પાર્ટી બાદ ઈસ્કોન બ્રીજ પર અમારું ગૃપ ઊભું હતું. ઉત્સાહી, ઉન્માદી અને બેફિકર સ્વભાવનો અનિકેત બ્રિજની રેલીંગ પર ઊભો થઈને બૂમો પાડવા લાગ્યો, "ડિયર ફ્રેન્ડ્સ, આજે હું ખૂબ ખૂબ ખૂબ ખુશ છું. આજે હું તમને બધાને એક ખૂશખબર

આપવા જઈ રહ્યો છું." અમુક લોકો તાળીઓ પાડવા લાગ્યા અને અમુક સમજાવવા કે જે ખૂશખબર આપવી હોય તે પણ તું નીચે ઉતરીને આપ.

આ બધા માહોલમાં હું એકબાજુ ખુશ હતી અને એકબાજુ ગભરાયેલી કે એની આ રીત ખતરનાક હતી પણ એ હતો પણ આ પ્રકારનો. જ્યારે જ્યારે ખુશ હોય ત્યારે ત્યારે એ આવા સ્ટંટ કરી બધાને હેરાન કરી મૂકતો. 

ત્યાં અચાનક એક ધડાકો થયો. એક ટ્રક અને કાર ધડાકાભેર અથડાયા હતા. એક ધ્રાસકો પડ્યો બધાને તે સમયે અને બધાનું ધ્યાન એ અવાજ બાજુ ખેંચાયુ અને તરત જ અમારું ધ્યાન અનિકેત બાજું ગયું તો એવો બીજો ધ્રાસકો પડ્યો.

ધડાકાનો અવાજ સાંભળીને કદાચ તેનું સમતોલન ખોરવાયું અને.......... એનું માથું જાણે શ્રીફળની જેમ... આટલું કહેતા કહેતા તો નિધિ આખી ધ્રુજી ઊઠી. હજુ તો થોડીવાર પહેલાં તો પ્રેમનું બીજારોપણ થયું હતું અને થોડા જ સમયમાં તો બધું જ વિખેરાઈ ગયું હતું. એ સપનાઓ કે જે બંન્ને જણાંએ એકલાં એકલાં જોયાં હતાં તે ક્યારેય બેકલા ન થઈ શક્યાં. એ રોમાંચની લહેરો કે જેની એમણે કલ્પના કરી હતી તે જાણે શુન્યાવકાશમાં પોતાનું અસ્તિત્વ ગુમાવી બેઠી.

કેટલાય દિ નો ડૂમો આજે આંસુઓના સ્વરૂપમાં વહી રહ્યો હતો. મનનો વિષાદ ઠલવાઈ ચુક્યો હતો. મનના ભારે હવે થાકનું

સ્વરૂપ લઈ લીધું હતું. મમ્મી પપ્પા નિધિને લઈને ઘર તરફ પ્રયાણ કર્યુ.


Rate this content
Log in

Similar gujarati story from Tragedy