Drankit Patel

Others

0.8  

Drankit Patel

Others

આંખો

આંખો

2 mins
7.6K


હવાની સાથે વાતો કરતી હોય તેમ, પોતાના સૌંદર્યની ખૂશ્બુ વિખેરતી, ખૂલ્લા કેશને લહેરાવતી કાજલ એ દિવસે ઉતાવળમાં ઘરેથી નીકળી. સાંગોપાંગ ઢંકાયેલુ શરીર, મોં પર બુકાની, હાથમાં પહેરેલ મેચીંગ ગ્લવ્ઝ અને આ સંગેમરમરની નજર ઉતારતા બ્લેક ગોગલ્સ... એક્ટીવાને ઉડાડતી હોય એમ ક્ષણભરમાં તો કાજલ ક્યાં ઓઝલ થઈ ગઈ એ કોઈને ખબર પણ ન પડી અને એના ગયા પછી જ જનજીવન થાળે પડ્યું કેમ કે એની હાજરી હંમેશા એક પ્રકારની સ્થિરતા લાવી દેતી.

મેઈન રોડ પર સર્પાકાર રીતે ચાલતું એક્ટિવા જાણે ક્યાંક સમયસર પહોંચવા થનગની રહ્યું હતું. બ્રેકનો ઉપયોગ ઓછો અને હોર્નનો ઉપયોગ વધારે વર્તાતો હતો. કોઈ સિગ્નલ કે રાહદારી કાજલને દેખાતા જ નહોતા અને અચાનક આ વાવાઝોડું થંભ્યુ અને એ પણ ધડાકાભેર અવાજ સાથે. એક્ટિવા એક સિડાન કાર સાથે અથડાયું. એક્ટિવા એકબાજુ અને કાજલ એકબાજુ. કુદરત પણ કાજલ પર મહેરબાન લાગતી હતી કેમ કે અથડામણમાં આ સંગેમરમરને નાનકડો લિસોટો પણ ન પડ્યો. વરુણ ગાડીમાંથી નીકળી પોતાનો બળાપો નીકાળવા જ જતો હતો ત્યાં જ કાજલ અને વરુણની આંખો એક થઈ અને ફરીથી એ આંખોનો જાદુ છવાયો અને બધું જ શાંત થઈ ગયું. આંખો આંખોમાં વાત થઈ ગઈ, માફી મંગાઈ ગઈ અને માફી અપાઈ પણ ગઈ. ગુસ્સો નરમાશમાં ફેરવાયો અને ઠપકો સંભાળમાં. કોઈ જ શબ્દની આપ-લે વગર સમાધાન પણ ગયું. બંન્ને પોતપોતાના રસ્તે નીકળી પણ ગયા.

કાજલ, કેમ આટલી બધી વાર લાગી? શું થયું, કેમ ગભરાયેલી લાગે છે? અને તારા કપડા કેમ ધૂળવાળા થયા છે? એક્ટિવા લઈને પડી કે શું? કાજલે જવાબમાં મોં હલાવી હા ભણી. મારા ઠાકોરજીનો ખુબ ખુબ આભાર કે તને કંઈ થયું નહી, નહી તો આજે તને છોકરાવાળા જોવા આવવાના છે એમને હું શું જવાબ આપત. એક કામ કર અંદર જઈને રીનાના નવા કપડા પહેરી લે અને તૈયાર થઈ જા, છોકરાવાળા આવતા જ હશે. રીનાબેટા, કાજલને કહો કે મહેમાન માટે ચા-નાસ્તો લઈ આવે. કાજલ ચા-નાસ્તા સાથે રૂમમાં પ્રવેશી અને ફરીથી વરૂણ અને કાજલની આંખો એક થઈ. વડિલોની વાતોનો કોલાહલ આ આંખોના સંવાદને જરાપણ ડિસ્ટર્બ નહોતો કરતો. બંન્નેની બોલકી આખો જાણે પ્રેમનો એકરાર કરી રહી હતી. કાજલની માસીએ કાજલને તેનો અભિપ્રાય પુછ્યો અને કાજલની આંખો શરમાઈ ગઈ અને પોતાનો જવાબ આપી દીધો. અને વરુણની મમ્મીએ વરુણ તરફ નજર કરી અને વરુણની આંખો એ પણ હા ભણી.

બહાર ગાર્ડનમાં હિંચકા પર કાજલ અને વરુણ ચુપચાપ બેઠા હતા અને રૂમમાં વરુણની મમ્મી અને કાજલની માસી વાતો કરી રહ્યા હતા. ભગવાન જોડીઓ ઉપરથી બનાવીને મોકલે છે એ વાત આજે સમજાઈ, કાજલની માસી બોલ્યા. મારી કાજલ અને તમારો વરુણ જન્મથી બોલી નથી શકતા પણ બંન્નેની આખો અત્યારે કેટકેટલી વાતો કરી રહી હોય એમ લાગે છે. બસ તે દિવસથી કાજલ અને વરુણના જીવનમાં ઈશારાની ભાષાની જગ્યા આંખોની અભિવ્યક્તિએ લઈ લીધી. 


Rate this content
Log in