મિલાપ
મિલાપ


આજે રણજીત તેના માતાપિતા સાથે વડોદરા તેના જુના નિવાસસ્થાને આવવાનો હતો. લગભગ ત્રણ વર્ષ પહેલા વડોદરા છોડ્યા બાદ તે છેક આજે પાછો આવવાનો હતો. રણજીતને મળવા આતુર બનેલી સુપ્રિયાએ ઉતાવળે કારને હાઈવે પર હંકારી મૂકી. રણજીતને મળીને સુપ્રિયાને કંઈ કેટલાય સવાલો પૂછવાના હતા. ત્રણ વર્ષથી જે પ્રશ્નો તેના મનને કોરી ખાતા હતા તે સઘળાનું આજે સમાધાન કરી લેવાનું હતું. પ્રથમ પ્રેમ એવા રણજીતને ન પામી શકવાનો વસવસો સુપ્રિયાને થતો હતો. બંને એકબીજાને દિલોજાનથી ચાહતા હતા.
રણજીતના કે સુપ્રિયાના પરિવારજનોને પ્રેમલગ્ન સામે કોઈ વિરોધ નહોતો. ઉલટાના તેઓ પ્રેમલગ્નના હિમાયતી હતા. રણજીતના પિતાજી કહેતા કે આપણે નાનામાં નાની વસ્તુ આપણી પસંદગીની ખરીદતા હોઈએ છીએ ત્યારે લગ્ન જેવા જીંદગીના મહત્વના નિર્ણયમાં આપણી પસંદને કેમ પ્રાથમિકતા ન આપવી જોઈએ! જે દિવસે સુપ્રિયાએ રણજીત સામે પોતાના પ્રેમનો એકરાર કર્યો હતો ત્યારે તે ખૂબ ખુશ થયો હતો. જાણે દુનિયા જીતી લીધી હોય તેવા ભાવ રણજીતના ચહેરા પર દેખાતા હતા પછી અચાનક ખબર નહીં શું થઇ ગયું કે બીજા દિવસે કોલેજમાં રણજીતે સુપ્રિયાને જોઇને મોઢું ફેરવી લીધું હતું. સુપ્રિયાને આ જોઇને ખૂબ આશ્ચર્યનો ઝાટકો લાગ્યો હતો પરંતુ તે કંઈ પૂછવા જાય એ પહેલા તો રણજીતે પોતાની બાઈક હંકારી મૂકી હતી. એ દિવસે તે કોલેજમાંથી જે ગયો તે ગયો ત્યારબાદ છેક આજે લગભગ ત્રણ વર્ષ બાદ એ વડોદરાના તેના જુના ઘરે આવી રહ્યા હોવાના સમાચાર સાંભળવા મળ્યા હતા.
આ ત્રણ વર્ષમાં સુપ્રિયાની જીંદગીમાં કેટલો બદલાવ આવી ગયો હતો. સુપ્રિયાના માતાપિતાએ તેના લગ્ન બ્રિજેશ સાથે ગોઠવી દીધા હતા. રણજીતની કોઈ ખબર મળતી ન હોવાથી સુપ્રિયા પણ શું કરે? ન છૂટકે તેણે પણ બ્રિજેશ સાથે લગ્ન કરવાની સહમતિ આપી દીધી હતી. જોકે બ્રિજેશ સાથે તેનું લગ્નજીવન ખૂબ સુખમય હતું. બ્રિજેશ તેને દિલોજાનથી ચાહતો હતો. પરંતુ જાણે ઈશ્વરથી પણ તેની આ ખુશી જોવાતી ન હોય તેમ તેઓના લગ્નને માંડ છ મહિના પણ વીત્યા નહોતા ત્યાં એક અમંગળ ઘટના ઘટી ગઈ. હાઈવે પર બેફામ બની દોડતી એક ટ્રક તેના સુહાગને ભરખી ગઈ! હાથની મહેંદી હજુ ઉતરી પણ નહોતી ત્યાં સુપ્રિયા વિધવા બની ગઈ હતી. બ્રિજેશના અવસાન બાદ સુપ્રિયા દુઃખી રહેવા લાગી હતી.
આજે રણજીતના વડોદરા પાછા આવવાના સમાચારે તેના હૈયામાં એક આશાની કિરણ જન્માવી હતી. તેના જીવનમાં એક નવો વળાંક આવી રહ્યો હતો. શું રણજીતે લગ્ન કર્યા હશે? આ પ્રશ્ન મસ્તિષ્કમાં આવતાં જ સુપ્રિયાએ કારને બ્રેક લગાવી. એક નવા જ વિચારોનું વંટોળ તેના મન મસ્તિષ્કમાં નિર્માણ થયું. “આજે એ રણજીતને મળશે તો શું કહેશે? શું હજુપણ એ મને ચાહતો હશે? રણજીતના આવવાના સમાચાર સાંભળી એ આમ દોડતી આવી એ શું યોગ્ય છે? ધારોકે બ્રિજેશ હયાત હોત તો પણ તે આમ, રણજીત તેને કેમ છોડીને જતો રહ્યો હતો, માત્ર એ કારણ જાણવા આવી જ રીતે પોતે દોડતી આવી હોત? શું રણજીત કે તેના ઘરવાળાઓને તેનું આમ અચાનક આવી પહોંચવું ગમશે? શું રણજીતે લગ્ન કરી લીધા હશે અને ધારોકે લગ્ન કર્યા નહીં હોય તો પણ એ એક વિધવાને સ્વીકારશે ?”
બીજી જ ક્ષણે પોતે બ્રિજેશની વિધવા છે આ વાત યાદ આવતા સુપ્રિયાએ વિચારોને ખંખેરીને કાર ફરીથી હાઈવે પર દોડાવી મૂકી. વિચારોના ઉઠેલા ઝંઝાવાતમાં ક્યારે વડોદરા આવી ગયું તેનું તેને ભાન જ ન રહ્યું. સુપ્રિયાએ કારને રણજીતના જુના ઘરે લીધી. સુપ્રિયા કારમાંથી ઉતરી અને ધબકતા હૈયે રણજીતના ઘર તરફ પગ ઉપાડ્યા પરંતુ ઘર પર વાસેલું તાળું જોઇને તેના ચહેરા પર નિરાશા ફરી વળી. અડોશપડોશમાં તપાસ કરતા તેઓ રસ્તામાં જ છે અને થોડીવારમાં આવી પહોંચશે. આ માહિતી સાથે એક ચોંકાવનારી બાબત સુપ્રિયાને જાણવા મળી, “રણજીતને કેન્સરની બીમારી હતી.”
આ સાંભળી સુપ્રિયા ત્યાંજ ફસડાઈ પડી. હવે તેને ત્રણ વર્ષ પૂર્વે રણજીતનું આમ અચાનક ચાલ્યા જવાનું કારણ સમજાઈ ગયું હતું. રણજીત નહોતો ચાહતો કે સુપ્રિયા તેની સાથે લગ્ન કરીને એક વિધવાની જીંદગી પસાર કરે. પરંતુ... પરંતુ... કુદરતે આખરે એ જ કર્યું જે એને મંજુર હતું! કદાચ રણજીત જીવનની અંતિમ પળો તેના વતનના નિવાસસ્થાને વિતાવવાની ઈચ્છાએ જ વડોદરા પાછો આવતો હશે.
રણજીતના ઘરના બારણા પાસે આવીને ઊભી રહેલી કારના અવાજે સુપ્રિયાની તંદ્રા તોડી. સુપ્રિયાએ નજર ઉઠાવીને જોયું તો કારની અંદર બેઠેલા રણજીતના માતાપિતાને જોઇને એ ખુશ થઇ ગઈ. સુપ્રિયાની નજર રણજીતને શોધવા લાગી. ત્યાં કારમાંથી રણજીત બહાર ઉતર્યો. સામે સુપ્રિયાને ઉભેલી જોઈ તે પહેલાં તો ડઘાઈ ગયો પરંતુ બીજી જ ક્ષણે તેના ચહેરા પર ફિક્કું સ્મિત ઉભરી આવ્યું.
સુપ્રિયાએ દોડતા જઈ રણજીતના માતાના હાથમાંથી બેગ લઇ લીધી. સુપ્રિયાને જોઇને રણજીતના પિતાજી બોલ્યા, “રહેવા દે બેટા, તું આટલા વર્ષો બાદ રણજીતને મળી છે તો શાંતિથી તેની સાથે વાતો કર” ત્યારબાદ તેઓએ સાથે આવેલા નોકરને કહ્યું, “રામુ, ચાલ ઘરમાં જઈને સાફસફાઈ કરવા માંડ.”
રામુ એ બેગ ઉઠાવી અને રણજીતના માતાપિતાની પાછળ પાછળ ચાલવા માંડ્યો.
સુપ્રિયા રણજીત સામે જોઈને બોલી, “એકવાર મને કહી તો જોવું હતું કે તને કેન્સર છે.”
રણજીત હતાશ સ્વરે બોલ્યો, “સુપ્રિયા, જે દિવસે તેં મારી પાસે પ્રેમનો એકરાર કર્યો તેના બીજે જ દિવસે મને કેન્સર હોવાની જાણ થઇ. તારી સાથે લગ્ન કરીને હું તને એક વિધવાનું જીવન આપવા માંગતો નહોતો અને તેથી મેં તારી સાથે સબંધો કાપી નાખ્યા. મને ખબર હતી કે તું પ્રેમમાં એટલી આંધળી થઇ ગઈ હતી કે મને કેન્સર હોવાની જાણ થવા છતાં પણ તું મારી સાથે લગ્ન કરવા રાજી થઇ ગઈ હોત. જોકે આજે મનમાં એ વાતનો વસવસો છે કે તને એકવાર પૂછીને ગયો હોત તો સારું થાત.”
સુપ્રિયા, “કેમ, આજે ત્રણ વર્ષ પછી તને આ વાત સમજાઈ?”
રણજીત, “કારણ... આજે ત્રણ વર્ષથી ચાલી રહેલા અત્યાધુનિક ઈલાજોથી મારું કેન્સર મટી ગયું છે. આજે એક તરફ કેન્સર મટવાનો આનંદ છે તો બીજી તરફ તને ગુમાવ્યાનો અફસોસ. બાય ધી વે... મેં સાંભળ્યું છે કે તારા લગ્ન થઇ ગયા છે. કેવા છે તારા પતિદેવ?”
સુપ્રિયા, “મારા લગ્નના છઠ્ઠે મહીને જ તેઓનું અવસાન થઇ ગયું.”
રણજીતના હાથમાંથી બેગ છટકી ગઈ, “મતલબ?”
સુપ્રિયા, “મતલબ હું બ્રિજેશની વિધવા છું...”
બંને જણા ચુપચાપ ઊભા રહ્યા. જીંદગીએ બેઉને કેવા અજબ વળાંક પર લાવીને ઊભા રાખ્યા હતા!
મૌનને તોડતા રણજીત બોલ્યો, “સુપ્રિયા, ખોટું ન લાગે તો એક વાત કહું?”
સુપ્રિયા, “શું?”
રણજીતે પ્રેમથી તેનો હાથ પોતાના હાથમાં લેતા કહ્યું, “મારી સાથે લગ્ન કરીશ?”
સુપ્રિયા બોલી, “રણજીત, હું વિધવા છું.”
રણજીત, “સુપ્રિયા, હું તને વિધવાનું જીવન આપવા માંગતો નહોતો એટલે જ તો તને છોડી ગયો હતો અને આજે એ જ કારણથી તારી સાથે લગ્ન કરવા માંગું છું.” બીજી જ ક્ષણે તેણે સુપ્રિયાનો હાથ છોડી દેતા હતાશાથી કહ્યું, “સમજી ગયો... મારું કેન્સર ભલે મટી ગયું પરંતુ આગળ ઉપર એ ફરીથી થાય નહીં એ માટે મારી સેવાચાકરી કરવી પડશે, એની તો તને બીક નથી ને?”
સુપ્રિયાએ રણજીતના મોઢા પર હાથ મૂકતા કહ્યું, “આ શું બોલ્યો રણજીત? ત્રણ વર્ષ પહેલાં જ જો તેં આ વાત મને કહી હોત તો મારા પ્રેમની તાકાતથી મેં તારા કેન્સરને જડમૂળથી મટાડી દીધું હોત. મને ડર તો એ વાતનો છે કે સમાજ શું કહેશે? શું સમાજ આપણા લગ્નને સહમતિ આપશે?”
રણજીતે કહ્યું, “તારી સાથે લગ્ન કરવા માટે મારે સમાજની નહીં પણ તારી સહમતિ જોઈએ. કેન્સર જેવી ભયાનક બીમારી સામે લડી લીધું છે ત્યારે સમાજની સંકુચિત માનસિકતાના કેન્સર સામે પણ લડી લઈશ. બસ એ માટે મને તારો સાથ જોઈએ. બોલ આપીશ?”
સુપ્રિયા રણજીતને ધ્રુસકે ધ્રુસકે રડતાં ભેટી પડી, “આઈ લવ યુ... રણજીત.”
રણજીત સુપ્રિયાની પીઠ પર સાંત્વનાભર્યો હાથ ફેરવી રહ્યો.
કુદરતે આખરે કરાવી જ દીધો હતો બે પ્રેમી પંખીડાઓનો મિલાપ.