મીરાં
મીરાં
મિતેશે બૂમ પાડી, "મીરાં મારી કોફી લાવને બકા, ક્યારનો બૂમો પાડું છું. યાર મારે ઓફિસે જવાનો સમય થઈ ગયો છે." અને અચાનક મિતેશની આંખમાંથી આસુંઓનો દરિયો બહાર ધસી આવ્યો અને મિતેશ એના ભૂતકાળમાં સરી પડ્યો.
પલંગમાંથી ઊભાં થતાની સાથે મીરાં મિતેશના હાથમાં, બ્રશ પકડાવી દેતી. મિતેશનાં કપડા, રૂમાલ, પાકીટ, લેપટોપ, મોબાઈલ બધું જ મિતેશના હાથમાં થમાવી દેતી. મિતેશના તૈયાર થયા પછી મીરાં કોફી તૈયાર રાખતી પણ મિતેશને જલ્દી કોફી આપતી નહીં, જ્યારે મિતેશ બૂમ પાડે મીરાં મારી કોફી જલ્દી લાવને મારે મોડું થાય છે બકા. ત્યારે જ તે મિતેશને કોફી આપવા જતી. મિતેશના વહાલ ભર્યા શબ્દો સાંભળવા માટે તે દરરોજ બધી જ વસ્તુઓ સમયસર આપી દેતી. જ્યારે કોફી આપવાની થાય ત્યારે તે મિતેશ બૂમ પાડે પછી જ આપવા જતી. તે ગરમ ગરમ નાસ્તો, ન્યૂઝ પેપર અને કોફી લઈને આવતી. બંને ઝરૂખામાં બેસીને મીઠીમીઠી પ્રેમભરી વાતો કરતા દરરોજ ઝરૂખામાં બેસીને સવારની કોફી અને નાસ્તાનો સમય એમના માટે ખૂબ જ સારો રહેતો. સવારની દસ મિનિટ મિતેશ અને મીરાંને આખા દિવસની ઊર્જા મળી રહેતી. મિતેશ પણ મીરાંને આ દસ મિનિટમાં ભરપૂર પ્રેમ આપતો અને પ્રેમભરી મીઠી વાતો કરતો અને પછી ઓફિસ જવા નીકળતો. મીરાં ઝરૂખામાંથી જ મિતેશને બાય બાય કરતી.
પણ, કોરોના આવ્યોને મીરાંને કોરોના થયો. મિતેશે ઘણી બધી દવા કરાવવા છતાં મીરાં કોરોનાથી બચી શકી નહીં. મીરાંની મિતેશના જીવનમાંથી અણધારી વિદાય થઈ. મીરાં હવે એનાથી ઘણી દૂર બીજી દુનિયામાં ચાલી ગઈ હતી. મીરાંના ગયા પછી મિતેશના જીવનમાં શૂન્યાવકાશ છવાઈ ગયો.
હવે સવાર પડેને મિતેશથી અનાયાસે બૂમ પાડી જવાય છે. મીરાં મારી કોફી બકા.
પછી અચાનક યાદ આવી જાય છે કે મારી મીરાં હવે નથી અને આંખમાં આવેલા આસુંને લૂછીને ઝરુખા સામે જોઈ મિતેશ કોફી પીધા વગર ઓફિસે ચાલ્યો જાય છે.
હવે મિતેશનો નિત્યક્રમ બની ગયો છે મીરાં મારી કોફી બકા બૂમ પાડવી, ઝરૂખામાં જોવું અને કોફી પીધા વગર જ ઓફિસે ચાલ્યા જવું.

