એક રાત
એક રાત
મનહરકાકા દરરોજ સવારે ઘરના ઓટલા પર બેસે. તેમને સવાર સવારમાં અખબાર વાંચવાની ટેવ. ઓટલે બેસી તે અખબાર આવવાની રાહ જોતા. મનહરકાકા અખબાર નાખવા આવતા છોકરા સાથે દરરોજ પાંચ મિનિટ વાત કરે, પછી જ ઘરના બીજા કામમાં તેમનું મન પરોવાતુ. સવારમાં વહેલા અખબાર નાખવા આવતા છોકરા સાથે પાંચ મિનિટ વાત કરવી, અખબાર વાંચવુ. પછી જ ઘરમાં જવું. એ તેમનો નિત્યક્રમ બની ગયો હતો.
અખબાર આપવા આવતા છોકરાનું નામ મોહન હતું. તેને પણ આ મનહરકાકા સાથે વાત કર્યા વગર ચેન પડતું નહિ. કોઈવાર તહેવાર હોય ને અખબાર નાખવાનું ના હોય તો પણ મોહન મનહરકાકા સાથે વાત કરવા માટે સાયકલ લઈ લટાર મારવા આવતો. માેહન અને મનહરકાકા વચ્ચે ખૂબ જ લાગણીના સંબધો બંધાઈ ગયા હતા.
મનહરકાકાની સાથે ઘરમાં તેમનો દીકરો અને દીકરાની વહુ પણ હતા. નાનકડા પરિવાર સાથે મનહરકાકાનું રિટાયર જીવન ખુબજ શાંતિથી પસાર થઈ રહ્યું હતું. મનહરકાકાને કોઈ તકલીફ નહોતી. તેમનો દીકરો અને દીકરાની વહુ તેમનું ખૂબ જ ધ્યાન રાખતા હતા. તેમના દીકરાને શહેરમાં કાપડ બનાવવાની ફેકટરી હતી. પૈસે ટકે મનહરકાકાનું ઘર ધનવાન માણસોની યાદીમાં આવતું. મનહરકાકાનું જીવન ખૂબ જ સુંદર રીતે વ્યતિત થઈ રહ્યું હતું. પણ બધાના બધાજ દિવસ ક્યાં એક સરખા રહે છે ? અચાનક તેમના ઘરમાં કોરોના નામની મહાબીમારીએ પ્રવેશ કર્યો. એક સાથે તેમના દીકરા અને દીકરાની વહુને કોરોના થયો. શહેરની મોટામાં મોટી હોસ્પિટલમાં એમને દાખલ કરવામાં આવ્યાં. તેમની સેવાચાકરી અને દેખરેખ રાખવા માટે મનહરકાકાને વારેઘડીએ હોસ્પિટલથી ઘરે અને ઘરેથી હોસ્પિટલમાં દોટ મુકવી પડતી. મનહરકાકાની ઉંમર પણ વધારે હતી. એમના પર આખા ઘરની જવાબદારી આવી પડી. જમવાનું બનાવવું. ઘરના બીજા કામ તેમજ દવાખાને ટિફિન આપવા જવું. ડોકટર કહે એ દવા લાવવી તે ઉપરાંત પુત્ર અને પુત્રવધુની કાળજી રાખવી. મનહરકાકાની ઉપર આટલી બધી જવાબદારીઓ એકાએક આવી પડી. આટલી ઉંમરે આટલી બધી દોડાદોડ સ્વાભાવિક પણે ના થાય. બધા કોરોનાથી એટલા ગભરાતા હતા કે તેમને મદદ કરવા કોઈ આવતું નહોતું. મનહરકાકા ખૂબ જ અસહાય અને લાચાર બની ગયા. બીજા દિવસે મોહન પેપર નાખવા આવ્યો. મનહરકાકાને ઓટલા પર બેઠેલા ના જોયા તો તે અંદર ગયો અને મનહરકાકાને પૂછ્યું. શું થયું ?
મનહરકાકાએ બધી વાત વિગતે કહી. મોહને કહ્યું તમે ચિંતા કરશો નહિ. હું પાંચ મિનિટમાં આવું છું. મોહન ગયો અને થોડીવારમાં જ એ એની નાની બહેનને લઈને મનહરકાકાને ઘરે આવ્યો. તેણે તેની બહેનને ઘરનું બધું જ કામ સમજાવ્યું. ઘરની સફાઈ કરવી, જમવાનું બનાવવાનું, જમવાનું બની જાય પછી મનહરકાકાને જમાડવા. મોહન ટિફિન લઈ હોસ્પિટલ જતો. આખો દિવસ હોસ્પિટલમાં કાકાના દીકરા અને વહુનું ધ્યાન રાખતો. કોરોના મહામારીમાં પોતાના જ સ્વજનો હાથ છોડી રહ્યા હતા ત્યારે આ છોકરો દેવદૂત બનીને મનહરકાકાના પરિવારની ખુબ સેવા ચાકરી કરતો.
મોહનને પણ મનહરકાકાનું ઋણ ચૂકવવાનું હતું. કારણકે મનહરકાકાએ પણ તેના ઘરની જવાબદારી પોતાના માથે લીધી હતી. તેને હજુ યાદ હતું. નાનો હતો ત્યારે અકસ્માતમાં મારા પપ્પા મરી ગયા. ત્યારે મારા જીવનમાં પણ મનહરકાકા દેવદૂત બનીને આવ્યા હતા. પપ્પાના અકસ્માતના કાગળો ભેગા કરી તેમણે પપ્પાનો કેસ સારા વકીલને આપ્યો હતો. વિમાના પૈસા અપાવ્યા હતા. અમને તકલીફ ના પડે એટલે તે દર મહિને રાશન તેમજ મારી સ્કૂલની ફી પણ આપી જતા. બધું જ સારું ચાલતું હતું અને એક દિવસ મારી મમ્મીનું પણ અવસાન થયું. મનહરકાકા એ વખતે પણ ખડે પગે હાજર હતા. અમારા ઘરની બધીજ જવાબદારી તેઓએ ઉપાડી હતી. ઘરમાં હું અને મારી બેહેન જ રહ્યા. એટલે મામા મામી આવી અમને લઈ ગયા. મનહરકાકા સાથેના સંબંધ અહીં પૂરો થયો. મામા અને મામીએ મારું અને બહેનનું ભણવાનું છોડાવી દીધું. મને કંપનીમાં મજૂરી કામ કરવા મોકલી આપ્યો. અને બેનને ઘરના કામકાજમાં પરોવી દીધી એટલે અમારું ભણવાનું બાકી રહી ગયું. ઘણા વર્ષો પછી મામાનું ઘર છોડીને અમે અમારા ઘરે પાછા રહેવા આવી ગયા. અને ઘરે ઘરે અખબાર આપવા જવાનું કામ ચાલુ કર્યું. અને મારી બેનનું અધૂરું શિક્ષણ પૂરું કરવાનો સંકલ્પ કર્યો. અમે ભાઈ-બહેન ખુબ જ શાંતિથી રહેવા લાગ્યા. મને મનહરકાકાનું ઘર યાદ હતું. હું મનહરકાકાના ઘરે ગયો પણ દાદા મને ઓળખી શક્યા નહોતા. હું ઓળખાણ આપું તો પાછા મનહરકાકા અમારી મદદ કરશે અને હું એમના ઉપકારના બોજ નીચે હજુ દબાઈ જઈશ. એવું વિચારી હું ઓળખાણ આપતો નહી. અખબાર નાખવા આવતો ત્યારે પાંચ મિનિટ દાદા સાથે વાતો કરતો. મનહરકાકાને પણ મોહન પ્રત્યે મનમાં ખુબ જ લાગણી હતી. મોહન સાથે વાત કરે ત્યારે જ તેમને ચેન પડતું. તેની સાથે વાત કરવાનો નિત્યક્રમ બની ગયો હતો. જો કોઈ દિવસ મોહન ના આવે તો આખો દિવસ મનહરકાકાનું મન વ્યથિત જતું. બીજા દિવસે મોહન આવે ત્યારે રજેરજની ખબર લઈ લેતા અને મીઠો ઠપકો પણ આપતા.
અચાનક ડોક્ટરે બૂમ પાડતા મોહન જુની યાદોમાંથી પાછો આવ્યો અને ડોક્ટરને પૂછવા લાગ્યો. શું થયું ? શું લાવવાનું છે ? દવા લાવવાની છે ? હું લઈ આવું, ડોક્ટરે કીધું કઈ લાવવાનું નથી પણ પેશન્ટની હાલત ખરાબ છે. એ એમના પિતાજી સાથે વાત કરવા માગે છે. તેમને લઈ આવો. તે મનહરકાકાને હોસ્પિટલમાં લઈ આવ્યો. મનહરકાકા તેમના દીકરાને દૂરથી મળ્યા ને થોડી જ વારમાં દીકરાને શ્વાસ લેવામાં વધારે તકલીફ પડવા લાગી. ડોક્ટરના ઘણા પ્રયત્નો પછી પણ તેમના દીકરાનું અવસાન થયું. દીકરાના અવસાનની વિધિ પૂરી કરીને ઘરે આવ્યા. બીજા થોડા કલાકોમાં દીકરાની વહુનું પણ અવસાન થઈ ગયું. મનહરકાકાનો પરિવારનો માળો એક જ રાતમાં વેરવિખેર થઈ ગયો. મનહર કાકા નિરાશ અને અસહાય બની ગયા. જે ઘરમાં સ્વર્ગ જેવી સુખ શાંતિ હતી તે ઘર વેરાન અને ખાવા દોડતું હોય તેવું લાગવા માંડ્યું. મનહરકાકા હવે એકલા પડ્યા તેમણે મોહન અને એની બેહેનને ઘરે મોકલી દીધા. મનહરકાકા એકલા બેઠા અને વિચારોમાં ખોવાયા ગયા. હવે આ બધી જાહોજલાલી આ સંપત્તિનું હું શું કરું ? મારું તો અહીં કોઈ નથી. એમણે એમના પૌત્રને ફોન કરી બધી વાત કરી હતી. તારા મમ્મી-પપ્પાનું અવસાન થયું છે. જલ્દી આવી જા પણ કોરોનાને લીધે એક પણ ફલાઈટ મળી નહીં. એને આવતા બીજા દસ દિવસ લાગી જશે. એટલે મનહરકાકાએ બધી વિધિ તો પતાવી દીધી હતી.
પણ મનહરકાકા આખો દિવસ એકલા બેચેન અને નિરાશ રહેતા. મોહન આવતો અખબાર નાખવા ત્યારે ટીફીન લઈ આવતો. ઘરનું કામકાજ પણ પતાવી દેતો. તે મનહરકાકાની ખૂબ જ કાળજી રાખતો. કોરોના ઓછો થતાં કોરોના નિયંત્રણોમાં થોડી છૂટછાટ મળતાં તેમનો પૌત્ર અમેરિકાથી ઘરે આવ્યો. તે મનહરકાકાને અમેરિકા લઈ જવાની તૈયારી કરવા લાગ્યો. મનહરકાકાને આ ઘરમાં હવે ફાવતું નહોતું. તેઓ અમેરિકા જવા તૈયાર થયા. તેમણે તેમના પૌત્રને કહ્યું આપણી અહીંની બધીજ મિલકત હું મારા કપરા સમયમાં મારી મદદ કરી એ મોહન અને તેની બહેનને આપવા માંગું છું. મનહરકાકાના પૌત્ર પાસે અમેરિકામાં અઢળક સંપત્તિ હતી. અહીની સંપત્તિ એણે પણ મોહનને આપવાની સંમતિ આપી.
વકીલને બોલાવીને મનહરકાકાએ પ્રોપર્ટીના કાગળ મોહન અને તેની બહેનોના નામે તૈયાર કરાવ્યા. જે રાતે તેમને અમેરિકા જવાનું હતું. તે રાતે જ મોહન અને એની બહેનને ઘરે બોલાવી પ્રોપર્ટીના કાગળ આપ્યા. કાગળ જોઈને મોહનની આંખમાં આંસુ આવ્યા. તેણે મનહરકાકાની પ્રોપર્ટીના કાગળ લેવાનો ઈનકાર કર્યો. મનહરકાકા એ ઘણું સમજાવ્યો ત્યારે તેણે પ્રોપર્ટીના કાગળ લીધા. મોહનની આંખમાં આંસુની ધાર વહેવા લાગી તે બોલ્યો તમે અમેરિકા ના જાવ હું તમારા દીકરાની જેમ હું અહીં રહીને જ તમારી સેવા કરીશ. અને મનહરકાકાને મોહનના રૂપ માં એક દીકરો અને મોહનની બહેન દીકરી રૂપે મળ્યા. આ એકજ રાતમાં મનહરકાકાને નવો પરિવાર અને મોહન પણ ગરીબીમાંથી ઘણી બધી મિલકતનાો માલિક બની ગયો એક જ રાતમાં મનહરકાકા અને મોહનની જિદંગી બદલાઈ ગઈ.
