મહુવા
મહુવા
"ઓ..મા ..બચાવો !" કરતી એક તીણી ચીસ આવી. લાંબા-લાંબા વાંસના વૃક્ષોથી ખીચોખીચ જંગલમાં તે ખોવાઈ ગઈ.
**
વાંસના અડાબીડ જંગલમાં સૂર્યપ્રકાશને પણ આગમન કરવાની મનાઈ હતી. ક્યાંક ક્યાંક વૃક્ષોના પર્ણોમાંથી ચળાઈને આવતો સોનેરી પ્રકાશ, ધરતી ચીરીને ઊગેલા ફૂલ છોડ પર પડી, કઇક અનોખી શોભા આપતો હતો. ક્યાંક પિહૂડાં ચીસ પાડતા, ટોળામાં ઉતરી આવતા હતાં. તો ક્યાંક કોયલ છુપાઈને ટહુકો કરી દેતી હતી. વાંસના લીલાછમ જંગલમાં ક્યાંક બાવળ, ક્યાંક પીપળો, તો સાગવૃક્ષ પણ દેખાઈ જતા હતાં. વડલો તો એ..ય..! પોતાની વડવાળી ફેલાવીને અડીખમ ઊભો હતો, આ જંગલની એક એક વાત પોતાનામાં છૂપાવીને ! થોડેક દૂર ગીરા વહેતી હતી. ખળખળ.. ખળખળ.. મુસ્કુરાતી, સમયના વહેણને પોતાનામાં સમાવી, સરર્.. સરર્.. કરતી આગળ વહેતી હતી. ન જાણે કેટલીય મૂંગી વાર્તાઓના મડદાં ગીરામાં વહી જતા હતાં.
આજે પણ ગીરા, તેનું નારી હૃદય જાણે, એક નવી વાર્તા સાંભળવા થંભી ગયું હતું.
વાત જાણે કે એમ હતી કે..
"સોનેરી પણ શ્યામવર્ણી,તીખી તીખી આંખો,પીળી સાડીમાં લપેટેલુ યૌવન, માથામાં, વાંસની સળીમાં પોરવેલા છીપલાં અને ફૂલડાંની વેણી, લીસા ચળકતાં પગમાં પહેરેલા ઝાંઝર અને મીઠા મીઠા મધ જેવા અવાજે ગાતી મહુવા પર મન્નનું દિલ આવી ગયું. બેઉ એકબીજાને દિલ દઈ બેઠા. સાથ નિભાવવાના કોલ આપી બેઠા. લગ્ન પણ થઈ ગયું. ભગવાને દેવ જેવા બે દીકરા દીધા. મન્નુનું નાનું અમથું ઝૂંપડું, જાણે સ્વર્ગ બની ગયું. પણ કોણ જાણે કેમ દેવ રૂઠ્યા ! મન્નુના મોટા બાળકને માતા પધારતા, તે ગયે વરસે જ ગામતરે થયો. નાનો બાળક સર્પદંશથી કાલે જ મૃત્યુ પામ્યો. મુખ્યાની સભા ભરાઈ.મહુવા, તેના બે બાળકોને ખાઈ ગઈ (?)હોવાથી તેને "ડાકણ" ઘોષિત કરી, તેને જીવતી સળગાવી દેવાનો આદેશ થયો. કેદમાં રાખેલી મહૂવા જંગલમાં ભાગી ગઈ."
**
ખરરર્..ખરરર્.. સૂકા પાન કચડાવાનો અવાજ આવ્યો." બચાવો.. બચાવો.." કરતી ચીસ સાથે રૂદન અને ડૂસકાંઓ ભરવાનો અવાજ આવ્યો. હાથમાં પહેરેલા મોટા મોટા સફેદ ચુડલાં અને માથા પરની વાંસની સળીમાં પરોવેલા છીપલાં તૂટવાનો અવાજ આવ્યો. વાંસનું અડાબીડ જંગલ,ઊંડા ઊંડાં, ગરમ ગરમ, શ્વાસ લઇ રુદન કરતું હોય તેવો અવાજ આવ્યો.
પછી સન્નાટો છવાઈ ગયો.
હો.. હો.. હો.. આવાજ કરતા, હાથમાં ભાલા અને તીર કામઠા લઈ, કેટલાક આદિવાસી યુવાનો, દોડતા દોડતા, તે અવાજ પાછળ જંગલમાં દાખલ થયા. આંખમાં ઝૂનુન હતું. હાથમાં ભાલાની પકડ સખત હતી. પગ મજબૂતાઇથી મૂકતાં,એક એક વૃક્ષ ને પૂછીને આગળ વધતા હોય, તેવું લાગતું હતું.
"પકડો.. પકડો, જીવતી નહિ જવી જોઈએ એ ડાકણ." એક ભરાવદાર,ઘોઘરો અવાજ, આદિવાસી મુખિયાનો આવ્યો.
"ક્યાં છૂપાઈ હશે ? અહીં આટલામાં જ હશે ! જીવતી નહીં મૂકીએ." એક યુવક બોલ્યો અને સનનન્ કરતું તીર, ઝાડમાં બેઠેલા પિહૂડાં પર માર્યું.
કાળી ચિચિયારીઓ કરતો પિહૂડો તરફડીને નીચે પડ્યો. મૃત્યુ પામ્યો.
ધીમુ હાસ્ય કર્યું આ યુવાનોએ અને આગળ વધ્યા. પણ,
"મહુવા.. ઓય.. મહુવા.." એક બૂમ આવી. મહુવાનો પતિ, મહુવાને બચાવવા, હાંફળોફાંફળો દોડતો દોડતો આવતો હતો. તેની બારીકાઈથી જોતી ઝીણી આંખોએ, મહુવાના તૂટેલાં દાગીના શોધી કાઢ્યા હતાં.
"મહુવા.. ઓય.. મહુવા.." તેણે ફરી બૂમ પાડી. આખું જંગલ મહુવાના નામથી ગુંજી ઊઠ્યું.
"મહુવા.. મહુવા.." તે ધીમેથી બોલ્યો. વડલાના અતિ વિશાળ થડ પાસે આવીને ઊભો રહ્યો. તે ચમક્યો. મહુવાનો તૂટેલો ચુડલો પણ ત્યાં પડ્યો હતો.
કેટલીય શંકા આશંકાથી ઘેરાઈ તે બેસી પડ્યો. રડી ઊઠયો. જમીન પર પોતાના હાથ ઘસવા માંડ્યો. માથું નીચું કરી, ધૂળ માથે લીધી અને રડવા માંડ્યો .છાતીફાટ રુદન ! આક્રંદ ! હાથ છાતી પર મારવા લાગ્યો. પોતાના હાથ જોઈને ફરી રડ્યો." આ હાથે..આ હાથે, હમણાં જ મારા બાળકને દફનાવીને આવ્યો અને હવે બીજું કશું અમંગળ તો નહીં થાય ને !"
પાગલ જેવો મન્નો જોરજોરથી રડવા માંડ્યો." હજી ગયા વર્ષે મોટા બાળકને માતા પધાર્યા અને ગામતરે થયો. આ વર્ષે નાનો બાળક ગામતરે થયો. બેઉ બાળકો ગામતરે થયા, તેમાં મારી મહુવાનો શું વાંક ? એ કઈ રીતે ડાકણ થઈ ગઈ ? શું એક માં પોતાના બાળકને ખાઈ જતી હશે ? ના..ના.. મહુવા ડાકણ નથી." માથુ પછાડતો મન્નો વધુ રડે,ત્યાં જ આદિવાસી યુવાનો તેના મુખ્યા સાથે આવી પહોંચ્યા.
મન્નો ઊભો થઇ ગયો. થરથર ધ્રુજવા લાગ્યો." માઈબાપ મહુવા ડાકણ નથી."
"ચૂપ" ભાલાના તિક્ષ્ણ ભાગથી મન્નાને ઈજા પહોંચાડતો બોલ્યો." મહુવા ડાકણ છે. તેને જીવતી સળગાવી જ પડશે. મહુવાને શોધીને હાજર કર અથવા તું મરવા તૈયાર થા."
પોતાના માસૂમ બાળકોને અને પત્નીને ગુમાવનાર મન્નો ધ્રૂજી ઊઠ્યો ."હાજર કરું. માઈબાપ ! હું શોધું છું. આખી રાત શોધીશ. કાલે સવાર સુધીમાં મહુવાને હાજર કરી દઈશ." મન્નાએ બે હાથ ઊંચા કરી, હોઠથી કંઈક ઉચ્ચારણ કર્યું.
સામે આ યુવાનોએ પણ બે હાથ ઊંચા કરી ઉચ્ચારણ કર્યું. આદિવાસી યુવાનો સહિત મુખ્યા પાછા ફર્યા.
મન્નો ઉભો થયો."મહુવા..ઓય ..મહુવા.." બૂમ પાડતો, જંગલમાં ઊંધી દિશામાં ચાલવા લાગ્યો.
પર્વતો સૂરજને ખાઈ જવા આતુર બની ગયા. જેમ બને તેમ ઝડપથી પોતાનો કોળિયો પેટમાં ઉતારવા માંગતા હોય તેમ, પર્વતો વચ્ચે સૂરજ અદ્રશ્ય થવા લાગ્યો.
આછા આછા સાંજના કિરણો કંઈક અનેરો ઉજાસ આપતા હતાં. મન્નાએ દૂરથી જોયું. જંગલમાંથી એક તપખિરિયા સોનેરી રંગની કેડી, પોતાના વાસ તરફ, પોતાના ઝૂંપડા તરફ જતી હતી. તેણે જોયું. ટોળે વળેલા આદિવાસી યુવાનો હવે દારૂ પીને મસ્ત બન્યા હતાં.
તેણે આંખ બંધ કરી." ચારે બાજુ લાકડા અને ઘાસથી ઢંકાયેલી મહુવા, એક સળગતી દીવાસળી, ઊંચી ઊંચી ઉઠતી આગની અગનજ્વાળા અને તેમાં જ છૂપાઈ જતી મહુવાની ચીસ !"
"ના.. ના.. હું આવું નહીં થવા દઉ મહુવા!"
મન્નાએ આજુબાજુ જોયું. કોઈ હતું નહીં.
ફરી એક બૂમ પાડી.
સબ સલામત હતું.
દોડયો. દોડયો મન્નો. પાછું વળીને દોડ્યો. ઊભો રહ્યો. વિશાળ વડલા નજીક.
"મહુવા.. ઓય.. મહુવા..! બહાર આવ જલ્દી."
લોહીલુહાણ મહુવા, વિશાળ વડલાના ઝાડની બખોલમાંથી બહાર નીકળી, મન્નાને ભેટી પડી. રડી ઊઠી.
વડલાની વડવાઇઓ પણ હર્ષથી ઝૂમી ઉઠી, આ પતિ પત્નીનું પ્રેમભર્યું આલિંગન જોઇને ! પક્ષીઓએ થોડો કલબલાટ કર્યો. પછી ઝંપીને સૂઈ ગયા.
"ચાલ મહુવા. દોડ !"
મન્નો અને મહુવા, એકબીજાનો હાથ પકડી શહેર તરફની જતી કેડી પર દોટ મૂકી.
દૂર દૂર ટ્રાન્ઝિસ્ટર પર ગીત વાગી રહ્યું હતું.
" હમ દોનો દો પ્રેમી દુનિયા છોડ ચલે.. જીવન કી હમ સારી રસ્મે તોડ ચલે.."

