Mariyam Dhupli

Tragedy Thriller

1.2  

Mariyam Dhupli

Tragedy Thriller

મહત્વ

મહત્વ

2 mins
817


આજે સવારે દરરોજ કરતા એ ખુબજ વહેલી જાગી ગઈ હતી. ઉત્સાહસભર સરસ તૈયાર પણ થઇ ગઈ હતી. આજે તો....

" જીજ્ઞા મારી ચા ....."


પતિનો કડક અવાજ ઘરમાં ગુંજી ઉઠ્યો કે તરતજ દોડતી ભાગતી પતિના સ્વભાવ જેવીજ કડક ચા પહોંચાડવા એ પતિ પાસે પહોંચી ગઈ. 

ચાની ચુસ્કી લઇ રહેલ પતિનો ચ્હેરો ટેવ પ્રમાણે આજે પણ અતિ ગંભીર હતો. અચકાતા શબ્દો અને ખચકાટ જોડે પોતાનો અભિપ્રાય પતિ સુધી પહોંચાડવાનો એણે સાહસ ખેડી જોયો.


" હું શું કહેતી હતી કે સવારે ઓછી ભીડ હશે. બપોર પછી રસોડામાં ઘણું કામ હશે તો આપણે અત્યારેજ ....."


પત્નીના વાક્યોમાં જરૂરથી વધુ શબ્દો ગોઠવાયા હતા એવા હાવભાવો જોડે પતિની આંખોનો કદ વધુ વિસ્તૃત થઇ એની ઉપર આવી ગોઠવાયો. એ આંખોમાં વ્યાપેલી લાલાશ નિહાળી એના શબ્દો થીજી ગયા. આગળ એક પણ શબ્દ ઉચ્ચાર્યા વિના, આંખો ઢાળી મૌનપૂર્વક ચાનો ખાલી કપ લઇ એ રસોડા તરફ વળી.


અચાનક નજર પ્રાંગણમાં પડી અને જીવ ફરી ઉંચકાયો . " એ જીગર આ સમયે ક્યાં જાય છે બેટા ? અરે,સાંભળ તો ખરો ....કેટલી વાર કહ્યું છે કાનમાં આમ મશીન ભેરવી બાઈક ન ચલાવાય. સંગીત તો ઘરે પરત થઇ પણ સાંભળી શકાય, આ રીતે તો અકસ્માતને નોતરું ......"


દીકરાના કાન ઉપર ભેરવેલ ઈયર પ્લગમાં જોરશોરથી પડઘા પાડી રહેલ સંગીતની ધમાલે આજે પણ એનો એક પણ શબ્દ ન સાંભળ્યો, ન સ્વીકાર્યો. આંખો સામેથી બાઈક નફ્ફટાઈ પૂર્વક આંગણું ઓળંગી નીકળી ગઈ. હતાશાયુક્ત નિસાસા જોડે એના પગ રસોડા તરફ આગળ વધ્યા. ખાલી કપ ટેબલ ઉપર મૂકયુ જ કે આગળથી આદેશ છૂટ્યો.

" જીજ્ઞા, ઝડપથી શાકભાજી સમારી લે અને પછી પુરી માટેનો લોટ તૈયાર કરી મૂકી દે. એક કલાકમાં નીકળવાનું છે. પરત થઇ બાકીની રસોઈ થઇ રહેશે. "

સાસુએ આપેલ આદેશ અનુસાર એના હાથ ઉતાવળ સભર કામે તો વળગ્યા. પણ પોતાના મનની વાત એણે ધીમે રહી આગળ વધારી જોઈ .


" બા, સાંજની દાવત માટે થાળ તો સરસ છે. નણંદ બા અને મોટાભાઈને ખુબજ ગમશે. પણ મને લાગે છે કે બાળકો માટે કોઈ એમને ગમતી વાનગી પણ બનાવીએ તો. તમે કહેતા હોવ તો થોડા પિઝા અને પાસ્તા ...."


સાસુની નજર કામ ઉપરથી હટી એના ચ્હેરા ઉપર આવી થંભી. એ નજરમાં કોઈ પણ પ્રકારની સહમતી કે મંજૂરી નો પુરાવો ન જ હતો. કદાચ પોતે વધુ પડતું ઉચ્ચારણ કર્યું હતું , એ અપરાધભાવયુક્ત હાવભાવો જોડે એની નજર ડરથી લપાતી હંમેશ માફક નીચે ઢળી પડી. 


" આ ઘરમાં જે પ્રથા વર્ષોથી ચાલી રહી છે એજ આગળ ચાલશે. આટલું સમજી લેવામાંજ હિત છે. " 

આટલો જવાબ પૂરતો હતો. 

પોતાના મહત્વવિહીન અભિપ્રાયોને સાડીના છેડા જોડે ટેવ પ્રમાણે બાંધી લઇ એક કલાકની અંદર એણે સોંપેલી બધીજ જવાબદારીઓ સમયસર પૂર્ણ કરી લીધી.

આખરે એક કલાક પછી એ ઘડી આવી પહોંચી જેની એ આતુરતાથી રાહ જોઈ રહી હતી.

ઘર બંધ કરી બધા નીકળ્યા.


થોડાજ સમય પછી ગર્વસભર એક હાથમાં આધારકાર્ડ જોડે એ મતદાન બૂથમાંથી બહાર નીકળી. બીજા હાથની આંગળી ઉપર બાઝેલું શાહીનું ટપકું નિહાળી આંખોમાં ભીનું સ્વમાન ઉભરાઈ આવ્યું.

આખરે એના 'મત'નું કશે તો મહત્વ હતું ....


Rate this content
Log in

Similar gujarati story from Tragedy