મેરેજ બ્યૂરો
મેરેજ બ્યૂરો


"આલોક, બકઅપ! આલોક ર. . . ન. . ,ફાસ્ટ. . . . . ,આલોક યુ કેન ડુ ઇટ. . . !!" અપૂર્વા જોરજોરથી ચીયર્સ કરતાં ચિલ્લાઇ રહી હતી.
ઇન્ટરબેંક ક્રિકેટ કોમ્પીટીશનમાં આલોક રમતો હતો. કટોકટીની ઘડી હતી, પોતાની ટીમને જીતાડવાની જવાબદારી હવે બેટીંગ કરતાં આલોક પર હતી. ઓછા બોલમાં મુશ્કેલ એવો સ્કોર નોંધાવવો જરુરી હતો. પોતાની સમગ્ર શક્તિ કામે લગાડી આલોક રમ્યો. અને લો. . . ફાઇનલ માં એની ટીમ વિજયી થઇ. ચારેબાજુ થતાં હર્ષનાદની વચ્ચે અપૂર્વા દોડી આલોકને વળગી પડતાં બોલી" આલોક, મને ખબર હતી તું ટીમને જીતાડશે જ-- યૂ આર અ ફાઇટર હૂ નેવર ગીવ્સ અપ. "
આલોક-અપૂર્વા એક તરવરિયું,હસતું -ગાતું જોડું. બેંકમાં સાથે સર્વિસ કરતાં પ્રેમમાં પડ્યા અને પરણી ગયાં. હવે તો એક પુત્ર અનુજનાં માતા પિતા પણ બની ગયા હતાં. નાના પુત્ર ને પણ સાથે રાખી બંને ખૂબ પ્રવૃત્તિ કરતાં. ટ્રેકીંગ, જીમીંગ,સંગીત માં પ્રવૃત જીવન સભર, સમથળ ધસમસતું વહેતું હતું. અચાનક એના પ્રવાહ પર નિયતિ એ જાણે બંધ બાંધી દીધો. . . અપૂર્વા એક ટૂંકી માંદગીમાં અનુજ-આલોકને મૂકી પેલે પાર વહી ગઇ. એનું મૃત્યુ થયું. હતપ્રભ આલોક વગર મૃત્યુ એ જાણે જીવનથી દૂર ફેંકાઇ ગયો.
એની આ સ્થિતિ જોઈ એના કુટુંબીઓ એ એને માટે સારી કન્યાની શોધ શરૂ કરી દીધી. એના મિત્રો પણ એ જ ઇચ્છતા હતાં કારણ આલોકની આ લાગણીશૂન્ય અવસ્થા એમનાથી પણ નહોતી જોવાતી. એક દિવસ મિત્રો મેરેજબ્યૂરોસ ના ફોર્મ્સ લઇ એની ઘરે જ પહોંચી ગયાં પણ એમ માને તો આલોક શાનો? મિત્રો ના ગયા પછી એ બધા ફોર્મ્સ પોતાની જૂની ઓફિસબેગમાં મૂકી એણે તો ઘરનાં માળીએ જ ચડાવી દીધાં.
અનુજ-આલોક એક બીજા માટે અપૂર્વા ના પર્યાય બની ગયાં. પિતા-પુત્ર એ એકબીજાની હૂંફે થીજેલી લાગણીઓ પાછી વહેતી કરી. જીવન પાછું સમથળ બની વહેવા માંડ્યું. .
સમય વહેતો ગયો. અનુજ એન્જિનિયરીંગ કરી માસ્ટર્સ કરવા અમેરિકા પહોંચી ગયો. વિડિયો ચેટીંગ ને વોટ્સએપથી બંને કનેક્ટેડ રહેતા. આલોકને થોડી એકલતા લાગતી પણ મન સભર હતું. અમેરિકામાં જ એક ગુજરાતી છોકરી સાથે લગ્ન કરી અનુજ ત્યાં જ સેટ થઇ ગયો. પછી તો ઇન્ડિયા આવવું કે કોલ કરવા, બીઝી લાઇફમાં ભૂલાવા માંડ્યા. એક ખાલીપા એ આલોકને ઘેરી લીધો. . અનુજ લાંબા અંતરે તો હતો જ પણ હવે એના અંતરમાં પણ પોતાનું સ્થાન નથી એ સત્ય એને સમજાતું ગયું. એવામાં સમય આવ્યો નિવૃત્તિ નો. એને હતું પોતાના નિવૃત્ત થતાં જ દિકરો એકવાર તો પોતાની પાસે બોલાવશે. . આખરે તો એક જ લોહી. . . એ વિચારતો. . . પણ,એવું કશું જ થયું નહીં!!!
દિવસ તો કોઇ પાર્ક કે મોલમાં આંટો મારવામાં કે બીજી થોડીઘણી પ્રવૃત્તિમાં નીકળી જતો. સાંજ પડે સહમી જવાય એવો સન્નાટો ઘરમાં ને મનમાં વ્યાપી જતો. થોડા સમય પછી તો આલોકને બહાર જવાનો-કોઇ સાથે વાત કરવાનો પણ કંટાળો આવતો ગયો. એ જાણે ક્યાંક અંદર ને અંદર ખોવાતો ગયો. એવામાં એક દિવસ એની તબિયત બગડી. સખત તાવ ને આંખ તો ઉઘડે નહીં. . તંદ્રા માં એ સરકતો ગયો. . . . . આથમતી સાંજના આછા ઉજાસમાં એક વેરાન ટાપુ પર પોતે એકલો ઉભો છે. . . દૂ. . . ર. . દૂર ક્ષિતીજ સુધી કોઇજ સંચાર નથી . . સાથમાં છે એક એકલું -અટૂલું -ઉદાસ શું વૃક્ષ! ઓહ! હવે હું શું કરીશ? ક્યાં જઇશ. . . . આમ વિચારતો બેબાકળો એ આમથી તેમ દોડી રહ્યો છે. . . . ત્યાં તો ચારે દિશાએથી જાણે અપૂર્વા નો સાદ સંભળાય છે. . . . . . . . . .
"આલોક બક-અપ! યુ કેન ડુ ઇટ!! યુ આર અ ફાઇટર. . . . આલોક. . . આઇ લવ યુ. . . . . . . "
પરસેવે રેબઝેબ આલોક ઝબકીને જાગ્યો. થોડી વારે આંખ ખોલી તો સામે જ લટકાવેલો, લગ્નનાં પાનેતરમાં સજ્જ એવી અપૂર્વાનો મોટો ફોટો જાણે એની સામે હસતો હતો. . . . .
બીજી સવારે આલોક મોબાઈલ પર નંબરો લગાવવામાં વ્યસ્ત હતો,એના હાથમાં હતાં થોડા કાગળીયા ને સામે પડી હતી વર્ષો પહેલાં મેડાં પર ચડાવેલી પેલી જૂની ઓફિસ બેગ! ફોન લાગતા જ એ બોલ્યો,
" હેલ્લો -----મેરેજ બ્યૂરો?"