મેહુલો ગાજે ને માધવ નાચે
મેહુલો ગાજે ને માધવ નાચે
મને નાનપણથી વરસાદમાં ભીંજાઈ જવાનું ગમતું. વરસાદ પડે અને વીજળી થાય એ જોવું તો મને ઘણું જ ગમે. ખાસ કરીને વરસાદમાં તો હું કયારેય રેઈનકોટ કે છત્રી લઈને કોલેજ જવું જ ન નહીં. એમાં ય વરસાદ પછી મેઘધનુષ્ય દેખાય એટલે મને તો સ્વર્ગીય આનંદ થતો.
તે દિવસે પણ વરસાદ બંધ રહેતાં મેઘધનુષ્ય દેખાયું એ જોવામાં હું મશગૂલ બની ગઈ હતી. બધી બહેનપણીઓએ કહ્યું, "વરસાદ બંધ થઈ ગયો છે જલદીથી ઘેર પહોંચી જઈએ". મારી કોલેજ પણ નદીથી નજીક. હું પુલ પર ઊભી રહી. બધી બહેનપણીઓ જતી રહી. ખળખળ વહેતી નદીનું સૌંદર્ય અદભૂત હતું. આ બધું જોવામાં સમય કયાં પસાર થતો ગયો એની ખબર જ ના રહી. મેઘધનુષ્ય તો દેખાતું બંધ થયું અને વરસાદનાં છાંટા ચાલુ થઈ ગયા. મારા આનંદમાં તો ઉત્તરોત્તર વૃદ્ધિ થતી રહી. વરસાદ અને વહેતી નદી જોવામાં મને એ પણ ખ્યાલ ના રહ્યો કે આજુબાજુ કોલાહલ વધી રહ્યો છે. થોડીવારમાં પોલીસની જીપનો અવાજ સાંભળી હું ચમકી. જે કહી રહી હતી કે પૂર આવવાની તૈયારી છે માટે કોઈ એ પૂલ પર ઊભાં રહેવું નહીં. પૂલ પસાર કરીને દસેક મિનિટ ચાલુ ત્યારે મારું ઘર આવે. પરંતુ પોલીસે પૂલ પસાર કરવાની પણ ના કહી. હવે મને ચિંતા થઈ કે હું ઘરે કઈ રીતે જઈશ ? મારી આંખોમાં આંસુ આવી ગયા અને મારાથી ધ્રસકું મૂકાઈ ગયું. થોડીવાર માટે તો મને થયું કે બધી બહેનપણી ના કહેવા મુજબ હું પણ ઘેર જતી રહી હોત તો સારું થાત. મારૂ રડવાનું વધે જ જતું હતું એવામાં જ એક કાર મારી પાસે આવીને ઊભી રહી. જયારે મને પૂછયું કે, "કંઈ મદદ જોઈએ છે ? " આ સાંભળતાં જ હું ખૂબ રડવા લાગી. એ યુવાન મારી વેદના સમજી ગયો હોય એમ બોલ્યો," હવે તમે પૂલ પસાર કરીને ઘરે નહીં જઈ શકો. આવા વાતાવરણમાં કયાં સુધી ઊભાં રહેશો ? મારી કારમાં બેસી જાવ" કહેતાં એણે કારનો દરવાજો ખોલ્યો. હું પલળી ગઈ હતી એટલે મને સંકોચ થતો હતો. ત્યાં જ એ યુવાન બોલ્યો, "હું પણ તમારી જેમ વરસાદમાં પલળવા જ આવેલો. કાર ભીની થયેલી જ છે. તમે સંકોચ રાખ્યા વગર બેસી જાવ. મારૂ ઘર નજીક જ છે. પૂલ પર પાણી આવવાની તૈયારી જ છે. શહેરમાં પાણી પ્રવેશવા માંડ્યા છે. જલદી કરો. "
મારી પાસે વિચારવાનો સમય પણ ન હતો કે ન કોઈ વિકલ્પ. હું કારમાં બેસી ગઈ. એ યુવાન મારી સાથે વાતો કરતો રહ્યો. પણ હું એટલી ચિંતામાં હતી કે મને કંઈ સંભળાતું જ ન હતું.
આખરે જોરથી બ્રેક વાગવા ના અવાજે હું ચમકી. યુવાન બોલ્યો, "મારૂ ઘર આવી ગયું." મને હવે થતું હતું કે આ અજાણી જગ્યાએ મારૂ શું થશે ? ફરીથી મારૂ રડવાનું ચાલુ થઈ ગયું. ત્યાં જ એક પ્રેમાળ સ્વર સંભળાયો, "બેટા, રડીશ નહીં. આ ઘર તારૂ જ છે એવું સમજ. તારા માપના કપડાં તો નથી પણ મારો એક ગાઉન છે. તું કપડાં બદલી કાઢ. ત્યાં સુધી હું તમારા માટે મસાલાવાળી ચ્હા મૂકું છું. "
મને આ શબ્દો સાંભળીને રાહત થઈ. બીજી જ પળે મને લાગ્યું કે મારી મમ્મી બોલી રહી છે. જયારે હું કપડાં બદલીને આવી ત્યારે એ યુવાનના પપ્પા ગુસ્સે થઈ ને કહી રહ્યા હતા, "ક્યાં સુધી આવું ગાંડપણ કરીશ ? વરસાદ આવે એટલે પલળવા જતું રહેવાનું ? નદીમાં પૂર આવ્યું એટલે જોવા જતો રહ્યો ? માધવ, તું કયાં સુધી આવી છોકરમત કરતો રહીશ ? હવે તું કમાતો થયો હવે વરસાદમાં પલળવા નીકળી પડે એ સારૂ કહેવાય ?"
હું ગભરાઈ ગઈ. હું પણ પલળવા માટે જ ઊભી રહી હતી.
ગરમાગરમ ચ્હા પીવાથી સારૂ લાગ્યું. હવે મને થયું કે ઘેર મમ્મી પપ્પા ચિંતા કરતાં હશે. મેં મારી ચિંતા કહી કે તરત માધવના પપ્પા બોલી ઉઠયા," તું અહીં આવી ત્યારે મેં તારું સરનામું પૂછયું હતું. તેં કહ્યું હતું કે તારે ત્યાં ફોન નથી. એટલે તમારી બાજુની પોળમાં રહેતાં મારા મિત્ર મારફતે તારે ત્યાં સંદેશો મોકલાવ્યો દીધો છે. હવે તું ચિંતા ના કરીશ
એ રાત્રિ હું ભૂલી શકું એમ જ નથી. કારણ માધવના મમ્મી પપ્પા મારી સાથે એટલું તો પ્રેમાળ વર્તન કરતાં હતાં જાણે હું એ ઘરની દીકરી ના હોઉ ! ચ્હા સાથે ગરમાગરમ ભજીયાં તો હતાં જ પરંતુ જયારે જમવા બેઠા ત્યારે તો થાળીમાં જાણે પ૬ ભોગ પિરસ્યા હતાં. મેં કહ્યું, "તમે ખૂબ તકલીફ લીધી." તો જવાબમાં કહે, "ઘરમાં દીકરીનું આગમન થયું હોય તો આટલું તો બનાવવું જ પડે".
એ રાત્રે અમે મોડે સુધી વાતો કરી. એક અજાણી વ્યક્તિ માટે આટલો બધો પ્રેમ !
બે દિવસ બાદ પૂરના પાણી ઓસરી ગયા હતાં પરંતુ મારા અને માધવના પ્રેમમાં પૂર આવેલું. અમે બંને ખૂબ નજીક આવી ગયા હતાં.
હું ઘેર ગઈ પણ મને માધવના જ વિચાર આવતાં હતાં. મારી કોલેજથી એનું ઘર નજીક હતું. હું અવારનવાર માધવને ત્યાં જવા લાગી.
એવામાં જ એક દિવસ વરસાદ પડવા માંડ્યો હું કોલેજનો છેલ્લો પિરીયડ છોડી પૂલ પર પલળવા ઊભી રહી હતી. ત્યાં જ પાછળથી અવાજ આવ્યો, "આજે પણ પલળીને મારે ઘેર આવવાનો વિચાર છે ?"
મેં પણ હસતાં હસતાં ડોકું હલાવ્યું. માધવે વરસતાં વરસાદમાં મારો હાથ પકડતાં કહ્યું, " હું તો કાયમ માટે મારે ત્યાં લઈ જવાનું વિચારૂ છું. "
એ સમયે જ વીજળીનો ચમકારો થયો અને સ્થળકાળનું ભાન ભૂલી હું મારા માધવને વળગી પડી. આજે પણ વરસાદ પડે ત્યારે અમે પલળવા નીકળી પડીએ છીએ. લગ્નના પચાસ વર્ષ પછી પણ અમારો વરસાદ પ્રત્યેનો પ્રેમ કે અમારો એકબીજા પ્રત્યેનો પ્રેમ ઓછો નથી થયો.

