માતૃપ્રેમ
માતૃપ્રેમ


આ વાત કોઈને માનવામાં આવે એવી નહોતી.....
વાત શરૂઆતથી કરીએ.
માનસી અમદાવાદમાં રહીને ભણીને મોટી થયેલી યુવતી. લગ્નની ઉંમર થતાં એના લગ્ન વડોદરાના યુવક માનસ સાથે કરવામાં આવ્યા. બંને ના બત્રીસ લક્ષણો મળતા હતા. બધી રીતે બરાબર હતું. માનસ અને માનસી બંને ખૂબ ખુશ હતા.
એમના પ્રેમ રૂપે બે બાળકોનો જન્મ થયો. દીકરી મોટી નામ એનું પૂજા અને દિકરો નાનો નામ એનું નીલ. ખૂબ સુખરૂપ જીવન વીતી રહ્યું હતું.
માનસી એના બાળકોમાં જ રચી પચી રહેતી. માનસ શું કરે છે એનું કઈ ધ્યાન ન્હોતું એને. બંને બાળકોને ભણાવવા મોટા કરવા. બસ આજ ધ્યેય હતું એનું. દરેક મા ને એના બાળકો પ્રત્યે વિશેષ લાગણી જ હોય પણ ખબર નહિ માનસી ખૂબ કાળજી લેતી એના બાળકોની. એના બાળકોને જરાય તકલીફ ન પડે એ રીતે સતત ખડે પગે રહેતી.
માનસ ખબર નહિ કોની સંગતમાં આવ્યો, એની ચાલ ચલગત બગડી ગઇ હતી. એને માનસી માં રસ ન્હોતો રહ્યો. બીજી બધું યુવતી સાથે મોજ કરી લેતો.
માનસીને આ વાત ખબર પડી છતાં એને એમ કે બાળકો મોટા થશે તો માનસ સુધરી જશે. પણ એવું ન બન્યું. હવે માનસ ખૂબ જ ગુસ્સો કરતો. આજે પણ એવું જ થયું. માનસ નો ખૂબ અવાજ આવી રહ્યો હતો. કોઈને ખબર નથી કે શું થયું? પણ માનસી મૃત્યુ પામી હતી. કા એને માનસે મારી નાખી કે માનસી પોતે મારી ગઈ એતો પ્રભુને જ ખબર...
હવે માનસ માં પરિવર્તન આવ્યું હતું. પણ એનો શું મતલબ? બંને બાળકોની જવાબદારી એના પર આવી. એણે જોયું કે પૂજા જાણે કે બબડતી હોય એવું લાગ્યું. એને નવાઈ લાગી..
પૂજા હજુ એટલી મોટી નહોતી પણ કંઇક બબડતી ને એના કામ જાતે કરી લેતી. અરે માથું પણ જાતે ઓળવી લેતી. માનસ ને ખરેખર ખૂબ નવાઈ લાગી રહી હતી....
એક દિવસ એણે પૂજા ને રોકી અને પૂછ્યું," બેટા, તું એકલી એકલી શું વાતો કરે છે? બધું કામ તને કેવી રીતે આવડે છે? તારી મમ્મી વિશે પણ કંઈ પૂછતી નથી?"
પૂજા બોલી," શું પપ્પા તમે પણ!! મને કઈ નથી આવડતું. બધું મમ્મી જ કરી આપે છે. અને હું વાતો પણ મમ્મી સાથે જ કરું છું."
માનસ ને વાત માન્યા માં ન આવી.. એને પૂજા ને કીધું," ક્યાં છે તારી મમ્મી બતાવ!"
પૂજા એ કહ્યું," પપ્પા, મમ્મી હંમેશા મારી અને નીલ આગળ પાછળ જ ફરતી હોય છે !!"
( કહે છે કે જનની ની જોડ સખી નહિ જડે રે લોલ.. આ સાચી વાત છે. માતા ને જરાય ચેન ન પડે જો એના બાળકો મજામાં ન હોય તો. એ મૃત્યુ પછી પણ પાછી આવે છે પોતાના બાળકો માટે. માતા જેટલો નિ:સ્વાર્થ પ્રેમ કરવાની કોઈની તાકાત નથી. ગર્ભધારણના પ્રથમ દિવસથી માંડીને સુવાવડ થાય ત્યાં સુધી અને તે પછી પણ એ કેટકેટલું સહન કરતી હોય છે એ પણ હસતા હસતાં. દરેક માતાઓને મારા હૃદયપૂર્વક ના વંદન)