મારો પહેલો કેસ
મારો પહેલો કેસ
અગિયાર બાર વર્ષનો એ છોકરો મારો પહેલો કેસ. અંબાદેવી હોસ્પિટલમાં વિઝીટિંગ સાઈક્રાએઈટીસ્ટ તરીકે નોકરીની શરૂઆત અને નિસર્ગ ગોસ્વામી નામનો એ છોકરો પહેલો દર્દી. શારીરિક રીતે સ્વસ્થ, મોજીલો પણ, રાત પડેને ઘાંટાઘાંટ કરી મૂકે. જરા સરખી ઊંઘ આવે ત્યાં જ ઝબકીને જાગી જાય અને નહીં... નહીં... દુઃખશે... કહેતા કહેતા બુમાબુમ, એને ઝાંઝરનો આવાજ સંભળાય અને એ જાગી જાય. એમ કેમ? કોઈના ઝાંઝરનો અવાજ આવે તો પણ એ બેકાબુ થઈ જાય. ઊંઘમાં પણ ઝાંઝર અને દિવસે પણ ઝાંઝર? કંઈક તો હતું જે હું ચૂકી જતી હતી.
સામાન્ય રીતે મારા ફિલ્ડમાં દર્દીઓ પાસેથી જ એમના પ્રોબ્લેમનું રિઝન ખબર પડી જતી અને એ ખબર પડે એટલે સોલ્યુશન. પણ, અહીં તો... ભૂતકાળમાં કંઇ જડ્યું નહીં અને વર્તમાનમાં કંઈ હતું નહીં, છતાં ભવિષ્ય મારે રચવાનું હતું. શરૂઆતમાં તો લાગ્યું કે ડરી ગયો હશે, ગામડાનું બાળક છે એટલે ભૂત, પ્રેત કે ઝાંઝર વાળી કોઈ ચૂડેલની વાતથી ગભરાયું હોય, કંઈ બનાવ બન્યો હોય... એવું કંઈ જડ્યું નહીં. હું પોતે જ એટલી ગૂંચવાય કે થોડા દિવસ પછી હું આ કેસ છોડી દેવાની તૈયારીમાં હતી. મારું ભણતર પડકાર હતું આ છોકરા સામે અને હારતું પણ...!
એક દિવસ એ છોકરાનું કાઉન્સેલિંગ કરતા કરતા હું જરા ગુસ્સે થઈ ગઈ અને ક્યારેક પ્રોટોકોલ વિરુદ્ધ જતા કંઈક તો સારું મળે જ છે. એ અચાનક જ બોલ્યો...
"મમ્મી, ઝાંઝર"
એટલું સમજાયું કે એની મમ્મી સાથે ઝાઝારનું કંઈક કનેક્શન છે. એની મમ્મી સાથે વાત કરતા ખબર પડી કે એ પહેલાં ઝાંઝર પહેરતા હતા પણ દીકરાને આવું થયું પછી બંધ કરી દીધું. મારી આતુરતા વધતી જતી હતી. ફરી કાઉન્સેલિંગ શરૂ કર્યા પણ નો રિઝલ્ટ, બસ મમ્મી એનવ ઝાંઝર... મારી અકળામણ હદ વટાવતી હતી. મેં કાઉન્સેલિંગ રૂમ છોડી દીધો અને બહાર આવી ગઈ. એ ત્યાં જ હતો રૂમમાં, બહાર નીકળતા મને યાદ આવ્યું કે મોબાઈલ રહી ગયો છે મારો, હું લેવા ફરી પાછી ગઇ, એ મોબાઈલ મચડતો હતો, મને આવતા જોઈ એકદમ અધીરાઈથી એને પૂછ્યું મને,
"વિડિઓ?"
"કોઈ વિડિઓ બીડીઓ નથી." કહી હું ચાલવા લાગી અને ત્યાં એ ફરી બોલ્યો,
"ઝાંઝર...?"
પછી કાઈ જ બોલ્યો નહીં.
આ બધી બાબતમાં ઝાંઝર કોમન હતું, મમ્મી અને વિડિઓ ને જોડતી કડી હતી ઝાંઝર. એની મમ્મીનું કાઉન્સેલિંગ કરવાનું શરૂ કર્યું, લાબું ચાલ્યું એ ત્રણ દિવસે એની મમ્મી બોલી કે આ બીમારી થઈ એ પહેલાં છોકરો એના પપ્પાના મોબાઈલમાં પોર્ન વિડિઓ જોતો પકડાયો હતો અને એના પપ્પા ખૂબ ખીજવાયા હતા. બસ, એ રાતથી જ એની આવી પરિસ્થિતિ થઈ ગઈ છે. એ વિડીઓમાં ઝાંઝર હતા, તો મમ્મી સાથે ઝાંઝરનો શું સંબંધ ? એગ્રેસીવ કાઉન્સેલિંગ ફરી શરૂ કર્યું એ છોકરા સાથે, અને બવ કલાકે મને એની માંદગીનું રિઝન મળ્યું,
"સવારે વિડિઓ...રાતે એવું જ એક સરખો મમ્મીના ઝાંઝરનો અવાજ... પપ્પા સાથે... ઓરડો બંધ... અને..."
એના તૂટક તૂટક વાક્યોએ મને સમજાવી દીધું કે માતા પિતાની અંગત પળો એણે ઝાંઝરમાં સાંભળી અને એક બીજા પોર્ન વિડીઓમાં જોઈને કલ્પી લીધી છે. આ ઝાંઝર એને જગાડે છે. હવે સોલ્યુશન મારે માટે ડાબા હાથનો ખેલ હતો.
આ મારો પહેલો કેસ...
આવું બોલતા નામાંકિત સિનિયર મોસ્ટ સાઈકિયાટ્રીસ્ટ ડો.મૃદુલતા દીવાને ભાષણ પૂર્ણ કર્યું.