મારી આપવીતી....
મારી આપવીતી....
એકવાર અમારા દોસ્તો વિષે ચર્ચા થઇ. વિષય હતો શું આ દુનિયામાં ભૂતનું અસ્તિત્વ છે ?
બધા મિત્રોએ તેમના અલગ અલગ જવાબો આપ્યા તેમની સાથે બનેલી ઘટનાઓ અને આપવીતીઓ કહી સંભળાવી. હવે બન્યું એવું કે ઓરડામાં અમારા બાળકો પણ હાજર હતા. હવે ભૂતની આવી વાતો સાંભળી તેમના બાળમાનસ પર નકારાત્મક અસર થશે આમ વિચારી મેં કહ્યું,
“આજે હું તમને વર્ષો પહેલાં મારી સાથે બનેલી એક સત્યઘટનાથી વાકેફ કરાવું છું. પરંતુ એ પહેલાં વિનંતી કે મારો જવાબ સંપૂર્ણ વાંચ્યા બાદ જ તમે તમારો યોગ્ય પ્રતિભાવ આપજો.
દોસ્તો, એકવાર મોડી રાત્રે હું એક ચલચિત્ર જોઇને મારા દોસ્તો સાથે ઘરે પાછો આવી રહ્યો હતો. યોગાનુયોગ એ રાત અમાસની હતી. ઘરે જવાની ઉતાવળમાં અમે ટૂંકા રસ્તેથી ઘરે જવાનું પસંદ કર્યું. એ ટૂંકો રસ્તો કાચો હોવાથી દિવસ દરમ્યાન પણ ત્યાં લોકોની અવર જવર ઓછી રહેતી હતી ત્યારે રાત્રિના સાડા બાર વાગે એ માર્ગ પર કોણ ભટકવાનું હતું ! સ્વાભાવિકપણે કોઈની અવરજવર ન હોવાને કારણે અમે પસંદ કરેલો ટુંકો માર્ગ એકદમ સૂમસામ હતો. રાતની એ નિરવ શાંતિને દૂરથી આવી રહેલ કૂતરાઓનો ભસવાનો અવાજ ચિરી રહ્યો હતો. કિટકો નો તીક્ષ્ણ સ્વર અમને ધ્રુજાવી રહ્યો હતો. અંધારી એ રાતમાં સુમસામ સડક પરથી અમે ધબકતે હૈયે સાયકલને પેન્ડલ મારી રહ્યા હતાં. ત્યાં એક ઝાડ પર કશાક ફડફડાટનો સ્વર સાંભળી અમારા શરીરમાંથી ભયનું એક લખલખું પસાર થઈ ગયું. મારા એક દોસ્તે ઝાડ તરફ જોયું તો ત્યાં સફેદ વસ્ત્ર જેવું કશુંક હલતું દેખાયું. અમે તે જોઈ ખૂબ ડરી ગયાં. ઝાડ પર જરૂર ચુડેલ હશે એમ માની અમે સાયકલને જોરથી ભગાવી અને સીધા ઘરે આવી રોકાયા."
મારા મિત્રો મારી વાતને ધ્યાનથી સાંભળી રહ્યા હતા.
મેં ખોખારો ખાતા આગળ કહ્યું, “તમે બધા કેવી ઉત્સુકતાથી સાંભળી રહ્યા છો નહીં ! કેમ મારી આપવીતી સાંભળવાની મજા આવીને ? દોસ્તો ફિલ્મો કે નવલકથાને રોમાંચક બનાવવા પુરતા આ હોરર વિષય સારો છે. તે વિષે મેં ઘણી વાર્તાઓ પણ લખી છે પણ હકીકત એ છે કે હું ભૂત-પ્રેતના અસ્તિત્વમાં જરાયે માનતો નથી અને મને ક્યારેય એવી હોરર ઘટનાનો અનુભવ પણ થયો નથી. મારા મતે ભૂત પ્રેત એ મનના વહેમ સિવાય બીજું કશું નથી. જો ભૂતપ્રેત હોય તોપણ આપણા માનવજાતની નિષ્ઠુરતા અને ક્રુરતા જોઇને તેઓ ગભરાઈને ક્યાંક લપાઈ છુપાઈને જ રહેતા હશે.
બીજી એક વાત કે તમે ઈશ્વરના અસ્તિત્વ ને માનો છો ? ઈશ્વર અત્ર તત્ર સર્વત્ર છે એ વાત સ્વીકારો છો ? હા ? તો પછી હવે તમે જ મને કહો કે જો ઈશ્વર સર્વત્ર રહેતો હોય તેવી પરિસ્થિતિમા ભૂત ક્યાં વસતા હશે ! જવાબ છે... એ તેવા જ હ્રદયમાં વસે છે જેમાં ઈશ્વરનો વાસ નથી. એટલે મનમાં કોઈ વહેમ રાખ્યા વગર મૌજથી રહો. મનમાં ડર રાખશો તો અમારી જેમ જ ઝાડ પર કપાઈને લટકતી કોઈક સફેદ પતંગ તમને પણ ચુડેલનો આભાસ કરાવશે. બાકી જેનો તેનો વિચાર.

