Ishita Raithatha

Romance

4.7  

Ishita Raithatha

Romance

મારા જીવનમાં પણ વાવાઝોડું આવશે

મારા જીવનમાં પણ વાવાઝોડું આવશે

5 mins
367


"આજે મારા જીવનમાં પણ વાવાઝોડું આવવાનું છે."

"અંકિતા, અંકિતા, ક્યાં ખોવાઈ ગઈ ?" ઋત્વિકે પૂછ્યું.

"અરે ! તમે ? ક્યારે આવ્યા ?"

"તું જ્યારે તારા ફોનમાં કોઈનો ફોટો જોતા જોતા બોલતી હતી કે, આજે મારા જીવનમાં વાવાઝોડું આવવાનું છે. ત્યારે જ આવ્યો, પહેલા મને થયું કે, તારું ધ્યાન હમણાં મારી ઉપર પડશે, પણ થોડીવાર થઈ ગઈ તો મને થયું કે, એવી તે શું વાત છે કે મારી પ્રિયતમાને મારા ઉપર ધ્યાન પણ ન પડ્યું ? માટે તારું ધ્યાન ભંગ કર્યું. તો શું તું તારા ભરથારને વાત કરીશ કે તું આટલી બધી કઈ વાત માં મગ્ન હતી ?"

"અને હા, તને યાદ છે ને આજે હોળી છે, અને કાલે ધૂળેટી છે માટે મારા મિત્રો બધા અહીં આવશે, એ પહેલાં તારે જો કંઈ કહેવું હોય તો તું કહી શકે છે."

"અરે ઋત્વિક તમે પણ, શું મસ્તી કરો છો ? પણ તમારી વાત તો સાચી છે, હું આજે સાંજે ચોપાટી ગઈ હતી, ત્યારે પ્રિયેશને મળી હતી."

" પ્રિયેશ ! તો શું આ પ્રિયેશ, પતિ - પત્ની ઔર વો માં વો છે ?"

" ઋત્વિક ! " અંકિતા થોડું ગુસ્સા અને આશ્ચર્યમાં બોલી.

"અરે, અંકિતા, મસ્તી કરું છું ! હા, તો પછી શું થયું ?"

   આજે સાંજે સાત વાગ્યા આસપાસની વાત છે, હું દરિયાની સામે બેઠી હતી, સૂર્ય એના કિરણો ચારેય દિશામાં વરસાવી રહ્યો હતો, દરિયાના મોજાં જાણે ખૂબ જોરથી ફૂંકાતા પવનની સાથે હરીફાઈ કરતા હોય એવી રીતે ઉછળી-ઉછળીને આગળ વધતા હતા. આકાશમાં વાદળો પણ જાણે સૂર્ય સાથે રમતરમતા હોય આવું લાગતું હતું, ઘડીક થાય તો સૂર્ય વાદળોમાં છૂપાતો તો ઘડીક થાય તો દરિયામાં સમાવાની કોશિશ કરતો હોય તેવું લાગતું હતું. આજની સંધ્યા કંઇક અલગ જ હતી, જાણે દરિયામાં ડૂબતા સૂર્યની સાથે-સાથે કંઇક બીજું પણ ગંભીર થવાનું હોઈ તેવું લાગતું હતું, વાતાવરણ શાંત નહોતું, જાણે કઈંક સંદેશો આપતો હોય તેવું લાગતું હતું. એટલામાં મને કોઈ બે લોકોનો આવાજ સાંભળવા મળ્યો, પણ મેં તેમાં ધ્યાન ન આપ્યું. મારું ધ્યાન તો એ ઢળતા સૂર્યમાં હતું. થોડીવારમાં પાછો જોરજોરથી આવાજ આવ્યો, અને મારૂ ડૂબતા સૂર્ય સાથેનું ધ્યાન ભંગ થયું.

   મેં પાછળ ફરીને જોયું તો ત્યાં એક જુવાન છોકરો અને એક જુવાન છોકરી ઝગડી રહ્યા હતા. બંનેની વાતો પરથી મને બંનેના નામ તો ખબર પડ્યા, પ્રિયા અને શ્રેયસ. પ્રિયા રડતા રડતા કહેતી હતી કે, તે મારી સાથે વિશ્વાસઘાત કર્યો છે. તારો ફોન મને બતાવ, તેમાં કોનાં આટલા બધા ફોટા છે ? કોનાં વિચારોમાં હોય છે તું ?

   શ્રેયસ પણ ખૂબ જોરજોરથી પ્રિયાને કહેતો હતો કે, વિશ્વાસઘાત મેં નહી, તે કર્યો છે. તને મારા પર જરા પણ વિશ્વાસ નથી, અને મેં તારી સાથે શું વિશ્વાસઘાત કર્યો ? હું ક્યારે તારી સાથે ખોટું બોલ્યો ? મેં તારો ક્યારે ફાયદો ઉઠાવ્યો ? મેં તારી સાથે ક્યારે ખરાબ વર્તન કર્યું ?

   પ્રિયા ખૂબ ગુસ્સામાં હતી, માટે શું બોલતી હતી તેને પોતાને પણ ભાન નહોતું. તેને શ્રેયસને ન કહેવાના શબ્દો પણ કહ્યા, કે તું રોજ ફરતો મારી સાથે અને જીવનભરના વચન કોઈ બીજાં સાથે ? તું આટલો સ્વાર્થી હોઈશ એની મને આજે ખબર પડી. હવે મને ખબર પડી કે, તારો સવારે મને મેસેજ આવ્યો હતો, આજે મારા જીવનમાં પણ વાવાઝોડું આવવાનું છે. એનો મતલબ એ હતો કે, મને તારા કોઈ બીજા સાથેના પ્રેમની ખબર પડવાની છે.

જો પ્રિયા, તારે જે કંઇપણ કહેવું હોય તે શાંતિથી બોલ, નહીંતર ચૂપ થઈ જજે. અને ઘડીઘડી તે મને છેતરી છે, એવું કહેવાનું મૂકી દે. હું મારા મનનો માલિક છું, મને મન થાય એમ હું રહીશ, તું કોણ છે મને સલાહ આપવા વાળી.

તો શ્રેયસ, રોજરોજ મને શું કામ તેડવા આવતો હતો ? મને શું કામ ભવિષ્યના સપના દેખાડ્યા ? મારા મનમાં તારા માટે શું કામ લાગણી કરાવી ? મારા બધાય સપના આ દરિયાના ઉછળતા મોજાં માં વહી ગયા, હવે મારે પણ નથી જીવવું, જેમ સામેની બાજુ સૂર્ય દરિયામાં સમાઇ ગયો, એવીરીતે આ બાજુ હું દરિયામાં સમાય જઈશ.આટલું બોલતાં ની સાથેજ,,,,

સાથેજ શું ? અંકિતા બોલ, પછી શું થયું ? શું પ્રિયા સાચે દરિયામાં સમાઇ ગઈ ? શ્રેયસ આટલો નિર્દય કેવી રીતે થાય ? તે એને કેમ ન બચાવી ? અંકિતા કંઇક તો બોલ.

  હા, ઋત્વિક કહું છું, ધ્યાનથી સાંભળજો પરિસ્થિતિ ગંભીર હતી. પછી પ્રિયા તો દરિયાની સામે દોડી પરંતુ, શ્રેયસે તેને દોડીને પકડી લીધી અને ગળે વળગાડી દીધી, એ મિનિટ જાણે દરિયો પણ શાંત થઈ ગયો હતો, તે બન્નેને જોવા માટે, પવન પણ ફૂંકાતો બંધ થઈ ગયો, સૂર્યએ પણ જાણે દરિયામાંથી ડોકું કાઢ્યું બનેને જોવા માટે. આકાશમાં ઉડતા પક્ષીઓ જે પોતાના માળામાં પાછા ફરતા હતા, તેને પણ પોતાની ગતિ ધીમી કરી નાખી અને આ સુંદર દૃશ્ય જોતાંજોતાં આગળ વધ્યા.

 શ્રેયસ એ પ્રિયાના આંસુ લૂછતાં લૂછતાં કહ્યું કે, અરે, ગાંડી, હું તને જ પ્રેમ કરું છું, હું તો તારી સાથે મસ્તી કરતો હતો, હું જોતો હતો કે તું પણ મને એટલો જ પ્રેમ કરે છે કે નહીં ? જો આ મારો ફોન, આખી ગેલેરી તારાજ ફોટોથી ભરેલી છે, તું આવી ત્યારે હું તારો ફોટો જ જોતો હતો, અને તું કંઇક અલગ સમજી બેઠી, માટે મને પણ થોડો ગુસ્સો આવ્યો કે, આટલા વખતથી આપણે સાથે છીએ, છતાં પણ તને મારા પર વિશ્વાસ નથી. અને સવારે મે તને મેસેજ કર્યો હતો કે, આજે મારા જીવનમાં પણ વાવાઝોડું આવવાનું છે. એટલે કે મારા જીવનમાં પણ સાસુમા આવવાના છે. મારા બધા મિત્રો તેના સાસુને વાવાઝોડું કહે, માટે મેં પણ તારી સાથે મસ્તી કરી, કે કદાચ તું સમજી જઈશ કે હું આજે તને પ્રપોઝ કરવાનો છું.

 અને કાલે ધૂળેટી છે, તો આપણે બંને પણ જીવનભર એકબીજાના પ્રેમમાં રંગાઈ જઈએ. આપણાં જીવનમાં હંમેશા પ્રેમનો ગુલાલ જળવાય રહે. તો શું તું મારા પ્રેમના ગુલાલમાં જિંદગી ભર રંગાવા માંગે છે ? 

આ સાંભળતાની સાથે જ જાણે પ્રિયા ના મોઢા પર લાલિમા છલકવા લાગી, એના ગાલ જાણે ગુલાલ ના રંગથી રંગાના હોઈ તેવા લાલ થઈ ગયા, અને બંને એકબીજાના રંગમાં રંગાઈ ગયા.

  આ સાંભળતાની સાથેજ ઋત્વિક, મારાથી રહેવાયું નહી અને હું જોરજોરથી હસવા લાગી. એ બંને જણા પણ મારી સામે જોઇને હસવા લાગ્યા, હું તેમની નજીક ગઈ અને મેં કહ્યું કે, મને માફ કરજો કે, મેં તમારી વાત સાંભળી, પણ તમે બંને એકસાથે ખુબજ સરસ લાગો છો. ક્યારેય ઝગડતા નહી, હંમેશા આવી રીતે ખુશ રહેજો, પછી મેં એ બંને સાથે સેલ્ફી લીધી અને નીચે લખ્યું કે, પ્રિયેસ( પ્રિયા અને શ્રેયસ). એ બંને પણ આ નામ જોઈને ખુશ થઈ ગયા.

  હવે તમને સમજાણું કે હું ચોપાટી ક્યા પ્રિયેષને મળી હતી ? અંકિતા અને ઋત્વિક બંને હસવા લાગ્યા. હવે ચાલ આપણે પણ દર્શન કરવા જઈએ, અને કાલની ધૂળેટીની તૈયારી કરીએ.

(કાલ્પનિક સંવાદ સમાપ્ત)


Rate this content
Log in

Similar gujarati story from Romance