માંત્રિક - ભાગ -9
માંત્રિક - ભાગ -9


માનસી એક બિલાડી સાથે રમી રહી હતી.
"ઓહ માય ગોડ, માનસી આ તને ક્યાં મળી? " તે બિલાડીના નખમાં માણસોની ચામડી અને માંસ ચોંટેલા હતા અને તેના દાંતોમાંથી પણ લોહી ટપકતું હતું.
"શું થયું કેશા?આટલી ક્યુટ બિલાડીને જોઈને કેમ ચીસો પાડે છે."
"માનસી તને આ બિલાડી ક્યુટ લાગે છે? એના નખ તો જો."
માનસી અચાનક લાલઘૂમ આંખો વડે મને જોવા લાગી અને ખૂબ જ કર્કશ અવાજે કહેવા લાગી "શું કહેવા જઈ રહી છે તું મારી બિલાડી વિશે? "
બિલાડી પણ મને જ ઘૂરી રહી હતી. અમારાં ઓરડાની દીવાલો પર લોહીથી પાછી પિશાચીનીની એ જ માંગણી કોતરાઈ જાણે નખથી કોઈ તે લખી રહ્યું હોય તેમ કર્કશ અવાજ આવવા માંડયો. ખૂબ જ ભયાનક વાતાવરણ બની ગયું હતું ઓરડામાં.
હું ફટાફટ ઓરડાની બહાર નીકળી, માનસી તે બિલાડીના વશમાં હતી અને બાનમાં પણ. મને ઘરનો વિચાર આવ્યો મમ્મી, રિદ્ધિ અને પપ્પા. મમ્મીને ફોન કર્યો. હજી તો "હેલ્લો " કહ્યું ત્યાં જ મમ્મીના જવાબ કરતા પહેલા બિલાડીનો અવાજ આવ્યો. મમ્મીને પણ બિલાડીએ બાનમાં લઇ લીધી હતી માત્ર પપ્પા અને રિદ્ધિનો વર્તાવ સામાન્ય લાગ્યો, પણ એવું કેમ થયું? હું મમ્મી,માનસી, રિદ્ધિ અને પપ્પા બધાને મનોમન નિહાળી રહી હતી, ત્યારે અચાનક મારા મગજમાં ઝબકારો થયો એ લોકોના હાથમાં ગયા અઠવાડિયે કથા કરાવેલી તેનો દોરો મહારાજે બાંધ્યો હતો. મને હાશકારો થયો.પણ મમ્મી, માનસીને મારે હવે મુક્ત કરાવાના હતા એ બિલાડીઓથી. પણ રાજ હા એને તો હું ભૂલી જ ગઈ હતી મેં ફોન કર્યો રાજને. ફોન રાજની મમ્મીએ ઉપાડયો એમના કહેવા મુજબ રાજ એના મિત્ર સાથે બહાર ગયો હતો.
પાછી વાતાવરણમાં દુર્ગંધ પ્રસરવા લાગી અને એ જ અંધકાર હું કઈ પણ સમજુ એ પહેલા મારી આસપાસ એક વંટોળ ઉભું થયું ધૂળનું અને હું જમીનથી લગભગ બે ફુટ જેટલી ઊંચકાઈ ગઈ. મારી સામે એ યક્ષિણીનું મોઢું આવ્યું તેને પોતાના લોહી નીતરતા વાળની લટો વડે મને બાંધી દીધી. તેનું મોઢું ખૂબ જ વિકરાળ હતું તેના ડોળા ફાટી ગયા હતા તે એટલા જ કર્કશ અવાજે બોલી " મારી માંગણી પૂરી કર નહીંતર તારા બધા પ્રિયજનને હું ભરખી જઈશ. આ ગાર્ડનમાં માંસ મૂકી જા અને પાછળ વળીને જોતી નહિં."
મારી વિચારવાની શક્તિ હરાઈ ગઈ હતી. તે મને જમીન પર પટકીને ફરી ગાયબ થઇ ગઈ. મારી પાસે કોઈ રસ્તો ન હતો હું ખૂબ જ ઝડપે ભાગી અને કસાઇવાડમાં જઈ માંસ લાવી ત્યાં મૂકી દીધું અને ફરી પાછી ભાગતી-ભાગતી મારા ઓરડામાં ગઈ, ત્યાં જતાં જ હું ફસડાઈ પડી, મારામાં શક્તિ રહી ન હતી, મારા શરીરમાંથી પણ લોહી ચુસાઈ રહ્યું હોય તેવું સતત લાગતું હતું.ત્યાં જ અચાનક માનસી આવી સામે.
માનસી અત્યારે બરાબર દેખાય રહી હતી તથા બિલાડી પણ ત્યાં હાજર ન હતી. મેં વિચાર્યું માનસીને કહી જોવ પણ જો માનસી એ બિલાડીના વશમાં ન હોય તો એ મારી આ વાત માનશે જ નહિ મને તેની ખાતરી હતી. તેને માટે મંત્ર-તંત્ર અપ્રભાવી હતા તો આ હકીકત અનુભવ્યા વગર તે ન જ માનતે અને જો માની પણ જાય તો એ પિશાચીની કેમ આવી આ સવાલનો જવાબ હું તેને આપવા માંગતી ન હતી તેથી મેં ચુપચાપ સૂઈ જવાનું પસંદ કર્યું.
(ક્રમશ :)