માંત્રિક -ભાગ-૬
માંત્રિક -ભાગ-૬


એક વિચિત્ર અનુભવ
ખૂબ જ ઝડપથી પવન ફૂંકાઈ રહ્યો હતો. મારા ઓરડામાં હવે સંપૂર્ણપણે અંધકાર જ હતો અને મારા હવનન વેદીની આગ પણ બુઝાઈ ગઈ હતી. અતિ તીવ્ર ભૂકંપ આવ્યો હોય એમ જમીન હાલી રહી હતી. કોઈ ખૂબ જ શક્તિશાળી શક્તિનો કમરામાં હાજર હોવાનો મને એહસાસ થયો. ખૂબ ઝડપી પગલાંઓનો અવાજ આવી રહ્યો હતો, મને ધ્રુજારી ચઢી રહી હતી. મારા રુંવાડા ઉભા થઇ ગયા હતાં. નક્કી સાધનામાં મારાથી કોઈ ભૂલ થઇ હોઈ એવું મને લાગ્યું પણ આ તો દૈવી સાધના હતી તો પછી મને એવો ભયાવહ અનુભવ કેમ થઇ રહ્યો હતો ? મને તે સમજ પડતી ન હતી. મેં બોલવા જીભ ઉપાડી પણ શબ્દ નીકળતાંજ ન હતાં, દસ મિનિટ જેવો સમય આમ જ પસાર થયો. કૂતરાઓનો રડવાનો અવાજ તીવ્ર થઇ રહ્યો હતો. અંધારામાં કઈ જ દેખાતું ન હતું.
હું ખૂબ જ હિંમત કરી પ્રાર્થના કરવા માંડી,"હે યક્ષિણી દેવી મારી કોઈ ભૂલ થઇ હોઈ તો માફ કરી દો. થોડી વાર તો કઈ જ ન થયું, સમય જાણે અટકી ગયો હોય તેવું લાગ્યું. પરંતુ ધીમે-ધીમે આ અંધારમાંથી ખૂબ જ તેજસ્વી સપ્તરંગી પ્રકાશ આખા ઓરડામાં રેલાયો. તે પ્રકાશ એટલો તેજ હતો કે મારી આંખો અંજાઈ ગઈ અને બંધ થઇ ગઈ અને મારા કાને ખુબ જ મૃદુ હાસ્યનો અને બંગડીઓનો રણકાર અથડાયો.
મેં માંડ આંખો ખોલી તો સામે સોનેરી પ્રકાશનો એક ગોળો દેખાયો, મારી આંખો એ ગોળ પાર સ્થિર થઇ, ધીરે ધીરે તેમાં એક દૈવી આકૃતિ ઉપસી આવી, ખૂબ જ મોહક, સોનાનાં અનેક ઘરેણાંઓથી લદાયેલ અને ત્વચા એવી તો ઝગાર મારતી સોનેરી કે સોનાનાં આભૂષણ અને ત્વચા વચ્ચે કોઈ ભેદ જ ન રહે. મારા જેવી યુવાન કન્યા પણ સુંદરતા એટલી અદભુત કે દુનિયાના તમામ વિશેષણ ખૂટી પડે. મેં માથું નમાવી વંદન કર્યું.
"તારી સાધના સફળ રહી. બોલ તારે શી મદદની જરૂર છે ." મેં ધ્યાનથી જોયું તો શબ્દો તો મને સંભળાઈ રહ્યા હતા પરંતુ તે દેવીના હોઠો કોઈ હલનચલન ન કરી રહ્યા હતાં. ચેહરા પર ખૂબ જ શાંતિ અને આનંદ આપનાર સ્મિત રેલાતું હતું. બે ક્ષણ તો હું રાજને પણ અરે દુનિયાને પણ ભૂલી ગઈ હતી, પરંતુ ફરી રાજ યાદ આવતા મેં કહ્યું,
"હું મારી સાથે કોલેજમાં ભણતા એક છોકરાને ખૂબ જ ચાહું છું. મારે તેની સાથે લગ્ન કરવા છે મારી આ ઈચ્છા પૂરી કરો . "
એ દેવી ફરી હોઠ ફાફડાવ્યા વગર જ બોલ્યા "સારું, હું તારી ઈચ્છા પૂરી કરીશ પણ તારે પણ મને કઈ આપવું પડશે બોલ હું જે માંગીશ તે આપશે મને."
મેં પાસે રહેલ મીઠાઈ અને ફળો ધર્યા જેવું વિડીયોમાં કહેવાયું હતું. પણ તેમણે એ ભોગ સ્વીકારવાની ના પાડી અને કહ્યું" હું જાતે માંગીશ ત્યારે આપજે . "
"હા,જરૂર." મેં આશીર્વાદ મળવાની ખુશીમાં હા કહી દીધી તેથી તે દેવી પણ અદ્રશ્ય થઈ ગયાં . હું પણ ખુબ જ ઉત્સાહ સાથે સૂઈ ગઈ . અને ભવિષ્યના સોનેરી સપનાઓમાં ખોવાઈ ગઈ. રાજ, હું અને અમારા લગ્ન બસ આ જ વિચારો મારા મગજમાં રમતા હતાં.