માંત્રિક-ભાગ - 5
માંત્રિક-ભાગ - 5


બાકીના દિવસો
હકીકતમાં જમીન ઠંડી ન હતી પણ મારુ આખું શરીર તાવમાં ધગી રહ્યું હતું. પહેલા તો થયું કે આ સાધનાને લીધે હશે પણ પછી લાગ્યું કે ભરશિયાળે જમીન પર ગાદલાં-ગોદડાં વગર સુઈ રહું તો એવું જ થાય ને ! ઘડિયાળ 7 વાગ્યાનો સમય બતાવી રહી હતી, મેં ફટાફટ નાહી લીધું અને મમ્મી, રાજ અને માનસીને ફોન કરી "હેપ્પી ન્યૂ યર" કહી દીધું. મમ્મી ખુશ ન હતી કારણ કે હું સૂરત ગઈ ન હતી. દિવસ તો જેમતેમ પસાર થઇ ગયો હતો, રાતના બાર વાગ્યે મારે ફરીથી મંત્ર જાપ શરુ કરવાના હતા, એમ તો કાલે કઈ ખાસ અનુભવ થયો ન હતો તેથી મારી શ્રધ્ધા થોડી ડગી ગઈ હતી પણ પછી થયું મારી સાધના પૂરી પણ ક્યાં થઈ હતી કે કોઈ અનુભવ થાય. પણ હા હું મારા સ્વભાવમાં બદલાવ મેહસૂસ કરી શકતી હતી અમારું ચીડિયાપણું વધ્યું હતું પણ કદાચ એ તો અપૂરતી ઊંઘ મળવાને કારણે હોઈ શકે મેં બધા વિચારો ત્યાગી ફરી મંત્રજાપમાં ધ્યાન પરોવ્યું.
આજે વાતાવરણ શાંત હતું બસ ખાલી પવનના સુસવાટા અને કૂતરાઓનો ભસવાનો અવાજ સંભળાઈ રહ્યો હતો. મેં બેસતા પહેલાં બારીના પડદા ખોલી દીધા હતા માત્ર ખુબ જ ઓછા ઓરડાઓમાં લાઈટ સળગી રહી હતી, હોઈ શકે ત્યાં સ્ટુડન્ટ્સ વાંચતા હોય મને પણ મારુ વાંચવાનું 2 સેકન્ડ માટે તો યાદ આવ્યું. પણ હું ફરીથી ઉપાંશુ જાપ કરવા લાગી. આમ જ ચાર દિવસ પસાર થઈ ગયા.
આજે પાંચમી રાત હતી, વિધિવત રીતે હું ગોઠવાઈ ગઈ હતી, પરંતુ આજે પવનના સુસવાટા ખુબ જ વધ્યા હતા. લગભગ એક કે સવા એક થયા હશે ફરી એક શીતલહેર બારી ખોલી ઓરડામાં દાખલ થઇ, હું મંત્રજાપમાં લીન હતી પણ આ વખતે આ ખખડાટને લીધે હું એક ક્ષણ તો ધબકારા જ ચુકી ગઈ હતી.
એ પવનની લહેરના પ્રતાપે મારી બધી સામગ્રી અસ્તવ્યસ્ત થઇ ગઈ હતી, મારુ યંત્ર પણ પડી ગયું હતું. મેં તેને ઉતાવળે જેમતેમ ગોઠવી દીધું. બારી પણ ખૂબ જ ઝડપથી બંધ કરી દીધી તેથી હું મારી વેદીની આગને હોલવાતા બચાવી શકી.
આશરે 700 વાર મંત્રજાપ હું કરી ચુકી હતી અને હવે સાધનાના અંતિમ 2 દિવસ બાકી હતાં, તેથી મેં તે રાતે થોડી વધુ વાર 3 વાગ્યા સુધી જાપ કર્યા અને ત્યાં જ સૂઈ ગઈ. આમ જ છઠ્ઠો દિવસ પણ પસાર થઇ ગયો હતો. હું રોજ રાજને ફોન કરી ચેક કરતી કે એના વર્તનમાં કોઈ બદલાવ આવ્યો છે એ મને કઈ કહે છે, પણ એના વ્યવહારમાં કોઈ બદલાવ ન હતો. બસ એક જ વસ્તુ બદલાઈ હતી છેલ્લા બે દિવસ કુતરાઓ રાતે ખૂબ જ રડી રહ્યા હતા, જેથી મને સાધનકાળે આજુબાજુનું વાતાવરણ ખૂબ જ ભયાવહ લાગતું હતું.
આજે અંતિમ દિવસ હતો, માત્ર 108 મંત્રજાપ જ બાકી રહ્યા હતા, ફરી બેસીને હું મંત્ર જાપ ઉચ્ચારવાં લાગી. બસ હવે, માત્ર મંત્રજાપ બાદના દશાંશ હોમ જ બાકી હતા એટલે વધુ 18 વાર મંત્ર જાપ પણ 3 વાગવામાં માત્ર 5 મિનિટ જ બાકી હતી અને 3 વાગ્યા પછી આ સાધના નિષેધ હતી, મેં સમય જોયા વગર જ ખૂબ જ ઝડપથી મંત્રજાપ કરવા મંડયા, હજી તો મારા અંતિમ મંત્રનું ઉચ્ચારણ પત્યું જ હશે અને મારા ઓરડાની બારી ફરી ખુલી ગઈ.
(ક્રમશ:)