માંત્રિક ભાગ 4
માંત્રિક ભાગ 4


પહેલો દિવસ -
દિવાળીની સવારે વ્હેલા ઉઠી મેં બાબાએ વિડીયોમાં કહ્યું હતું તે મુજબ ગુલાબી શર્ટ અને જીન્સ પહેરી લીધા. પાછો મંદિર જવાનો વિચાર આવ્યો, આમ તો દૈવી સાધના જ હતી પણ ખબર નહિ કેમ મારુ દિલ કોઈ અજ્ઞાત ડરથી ડરી રહ્યું હતું. વળી એક જ વાર જમવાનું હતું સાત દિવસ, ને મેં આજ સુધી સાધના તો શું કોઈ વ્રત પણ કર્યા ન હતા કે એકટાણું રાખવાનો અવસર આવે. એટલામાં મારો ફોન રણક્યો સતત વિચારોને કારણે હું ફોનની રિંગટોનથી પણ ડરી ગઈ. મેં ઉતાવળે ફોન ઉપાડયો.
"હેલ્લો કોણ ?"
"ઓ કેશા શું થયું હે તને? કેમ મારો નંબર ડીલીટ કરી દીધો કે તે?"
અરે હું ફોન ઉપાડતાં પહેલાં એ જ જોવાનું ભૂલી ગઈ હતી કે કોનો ફોન છે, પણ આ અવાજ તો સતત મારા કાનોમાં ગુંજનરો અવાજ હતો.
"હા રાજ બોલ."
"કઈ નહિ,તું એકલી રહેવાની એમ અહીં? તને ગલીના કૂતરાંથી પણ ડર લાગે છે ને એટલા દિવસ.હા.. હા..હા.. કેશા તું કોઈ વાર બહુ વિચિત્ર વાત કરે છે હે."
"હા તો, રહી જ શકું ને, હું કઈ બચ્ચી નથી રહી."
"ઓહ અચ્છા એવું, તો મોટાઓની જેમ તારા દિમાગની બત્તી કેમ જલ્દી જલતી નથી હે ?"
"તું શું બોલે છે ? કઈ સમજાતું નથી."
" ચાલ જવા દે, એમ પણ ઘણી વાતો એવી છે જે તને નથી સમજાતી. હું તો એમ કેહતો હતો કે સાંજે આવજે ઘરે દિવાળી છે મમ્મીને પણ ગમશે."
"હા.. પણ ના મારે આજે રાતે વાંચવું છે મારુ ઘણુંખરું વાંચવાનું બાકી છે. સોરી નહિ અવાય."
"ઓકે ઓકે ભણેશ્રી ચાલ વાંચ તું, બાય."
"બાય."
મારે જવું તો હતું પણ આજે તો સાધનાની પ્રથમ રાત્રી હતી.
દિવસ તો પસાર થઇ ગયો જેમતેમ,દિવાળીની રાત આવી એટલે અમાસ – ચારેકોર ફેલાયેલાં અંધકારમાં લોકોની ખુશી અને આશાના દીવા ઝળહળી રહ્યા હતા. મેં પણ આશાનો એક દીવો પ્રગટાવ્યો રાજ ને મેળવવા. ફટાકડાનો અવાજ ચારે બાજુથી આવી રહ્યો હતો જે મને પણ આનંદ આપી રહ્યો હતો આમ તો હું એકલી જ હતી મારા કમરામાં, પણ આજુબાજુથી આવતા લોકોના હાસ્ય અને અવાજ મહદ્દઅંશે મારા ડરને ઓછો કરી રહ્યા હતાં. મેં સવારે જમી લીધું હતું મેશમા તેથી હવે 12 વાગવાની રાહ જોવા લાગી.
ઘડિયાળમાં 12 ના ટકોરા પડયા અને મારી સાધનાનો સમય શરુ થયો. મેં એક નાની સ્ટીલની યજ્ઞવેદી વસાવી લીધી હતી તે ગોઠવી પાસે યક્ષિણી યંત્ર ગોઠવ્યું. મેં સાત દિવસમાં 1001 મંત્રના વેદીમાં ઘીના હોમ સાથે જાપ કરવાના હતા. બધી સામગ્રી પાસે ગોઠવી, મેં ઉપાંશુ મંત્ર જાપ (જેમાં મંત્ર ઉચ્ચારણ ખાલી મંત્ર જપનારને જ સંભળાઈ શકે) ચાલુ કર્યા.
લગભગ 2 વાગ્યા હતા, આજુબાજુથી લોકોના અવાજ પણ ઓછા થઇ ગયા હતા અને નીરવ શાંતિ પથરાઈ ગઈ હતી. પવનના સુસવાટા પણ વધ્યા હતા, મેં પણ લગભગ 151 વાર મંત્રજાપ કરી લીધા હતા, 7 દિવસની સાધના હતી તેથી મેં હવે સુવાનું નક્કી કર્યું, સાધનાના નિયમ મુજબ મારે નીચે જમીન પર જ સુવાનું હતું તેથી હું વેદી પાસે જ સૂઈ ગઈ. હવે થોડો ડર લાગી રહ્યો હતો પણ હું ભગવાનને યાદ કરતા-કરતા જ સૂઈ ગઈ.આમ, પહેલો દિવસ તો શાંતિથી પસાર થઇ ગયો.
સવારે ઉઠી તો જમીન એવી ઠંડી લાગી રહી હતી કે જાણે હું બરફ પર સૂતી હોવ !