માંત્રિક - ભાગ - 13
માંત્રિક - ભાગ - 13


"બેટા,શાંત થઇ જા. તારી મમ્મી હવે સુરક્ષિત છે."
આ તો એજ મંદિરના મહારાજ હતા.
"મહારાજ, તમે ? " મેં આશ્ચર્યથી પૂછ્યું.
"હા,જયારે તું મંદિરના પ્રાગણમાં આવી ત્યારે તારી પાછળ આવતા એ કાળા ઓળાને મેં જોયો હતો અને હું સમજી ગયો કે નક્કી કંઈક મુસીબત છે. તેથી તારો પીછો કરતા-કરતા હું અહીં આવ્યો."
મહારાજ ખૂબ જ સારા હતા. હું ઘણીવાર મારી હોસ્ટલ પાસે આવેલા મંદિરે જતી તેથી તેઓ મને બહુ સારી રીતે ઓળખી ગયા હતા. હું ખૂબ જ રડી પડી, આટલા દિવસો દરમ્યાન બનેલી તમામ ઘટના મેં મહારાજને જણાવી.
"પહેલા તું રાજને જઈને આ દોરો બાંધી આવ, જેથી તે એ પિશાચીનીના પ્રભાવથી દૂર રહે. હું મંદિરના પ્રાગણમાં રાહ જોઇશ તારી. જલ્દી જા એક ક્ષણનો પણ વિલંબ રાજની જાન ખતરામાં મૂકી દેશે."
હું ઝડપથી રાજના રૂમમાં પોંહચી ગઈ અને રાજને કોઈ જુવે નહિ એ રીતે તે દોરો બાંધી દીધો. મેં જોયું તો રાજના શરીરમાં હજી પણ લોહીની કમી લાગતી હતી, હજી પણ તેનું શરીર ફિક્કું લાગતું હતું. હું ફટાફટ રીક્ષા કરી મંદિરના પ્રાગણમાં પોંહચી ગઈ.
"મહારાજ, રાજને કઈ થાય તો નહિ ને ?"
"ના હવે એ સુરક્ષિત છે."
"પણ.મહારાજ મેં તો યક્ષિણી સાધના કરી હતી અને એ દેવી મારી સમક્ષ પ્રગટ પણ થયા હતા તો પછી અચાનક પિશાચીની ?"
"તારી સઘળાના વખતે કંઈક અજીબ થયું હતું મતલબ કે મંત્રજાપ વખતે ? "
"આમ તો કઈ ખાસ નહિ. શરુઆતના દિવસોમાં તો મને લાગ્યું કે કઈ અસરજ નથી. પણ..પણ હા છઠ્ઠી રાતે પવન બહુ વધારે હતો મારા ઓરડાની બારી ખુલી ગઈ હતી અને પૂજાની સામગ્રી વિખરાઈ ગઈ હતી, યંત્ર પણ પડી ગયું હતું. વેદીની આગને પણ મેં માંડ હોલવાતા બચાવી હતી."
"યંત્ર તે ફરીથી બરાબર ગોઠવ્યું હતું તે ઊંધું તો ન હતું ને ?"
"મહારાજ એ વાતનો તો મને ખ્યાલ જ નથી કેમ ?"
"યક્ષિણીનું યંત્ર જો ઉભું બરાબર હોય તો તે યક્ષિણીનું પ્રતીક બને છે જયારે તે ઊંધું પિશાચીનીનું."
"તો હવે ?”
“ હવે કઈ નહિ, એની સાધના મુજબ એ એનો ભોગ માંગે છે. દૈવી શક્તિને આપણે નૈવેદ્ય કે ભોગ તરીકે સાત્વિક આહાર ચડાવીએ છે, જયારે પિશાચીની જેવી તામસિક શક્તિઓ તામસિક ભોગ માંગે છે."
"પણ હું આ માંગણીઓ નહિ પૂરી કરી શકું તો એ ક્યારે જશે ?"
"એ એમ જ નહિ જાય. પિશાચીનીને નરબલિ અપાતી હોય છે."
"અને નહિ આપું તો ?"
"તો એ તારી પ્રિય વ્યક્તિઓનો ભોગ લેશે."
"તો એને મારી નહિ શકાય?"
"ના, કારણ કે આ કોઈ દુષ્ટ શક્તિ નથી તથા એ લોકોને વરદાન પ્રાપ્ત છે. ના તો આ શક્તિ ખરાબ છે ના તો સારી."
"તો મહારાજ એને રોકવાનો કોઈ ઉપાય નથી."
મને લાગી રહ્યું હતું કે હું એક ચક્રવ્યૂહમાં ફસાઈ ગઈ છું અને એમાંથી બહાર આવવાનો હવે કોઈ રસ્તો દેખાતો નથી.
"એક જ છે. પુરાણોમાં એવું કહેવાય છે આ શક્તિઓ મા કાલીના પડછાયામાંથી ઉતપન્ન થઇ છે ,તેથી એનાથી રક્ષણ મા કાલીજ આપી શકશે. મા કાલીનો એક હવન કરવો પડશે તારે. કલાક પછીનું મુહૂર્ત સારું છે. હું મંદિરમાં જઈ પ્રાથમિક તૈયારીઓ કરી લવ છું. પણ હા એટલું યાદ રાખજે પિશાચીની આ હવન રોકવાની પૂરી કોશિષ કરશે, ઘણાં ભ્રમજાળ રચશે, પણ તારે નીડરપણે અને સંયમ બનાવી આ હવન પૂરો કરવાનો છે. અને હા તું પહેલા તારા માતા-પિતા, રાજ અને માનસીને સાવચેત કરી દેજે, અને ભગવાનનું નામ લેવાનું કહી દેજે."
મેં બધાને ફોન કરવા કોશિષ કરી પણ મંદિરમાં નેટવર્ક પકડાતું ન હતું તેથી મારે બહાર જવું પડયું, મેં ફોન કરીને એ સુનિશ્ચિત કરી લીધું કે બધા બરાબર છે.