માંત્રિક ભાગ- 10
માંત્રિક ભાગ- 10
સવારે અજવાળું થતા મારી આંખો ખૂલી, સામેના બેડ પર સૂતેલી માનસી પર ગઈ, એના ગળા પર લાલ નિશાન હતાં, હું ડરી ગઈ એ જોઈને. થોડે દૂર અરીસો હતો એમાં જોયું તો મારા ગળા પર પણ એ જ નિશાનો દેખાઈ રહ્યા હતા, એ પિશાચીનીનો ભરડો હવે વધી રહ્યો હતો, હજી તો હું વિચારી જ રહી હતી ત્યાં અરીસાનું પ્રતિબિંબ બદલાયું, અરીસામાં અંધારું થઇ ગયું, મેં ચીસ પાડી.
અરીસામાંથી એ જ ભયાનક બિલાડી કૂદી મારા પર મારા હાથ પર તેના તીક્ષણ નહોર માર્યા અને માનસીની બાજુમાં ગોઠવાઈ ગઈ. મેં માનસી તરફ ફરી તેને ઉઠાડવા માટે અવાજ લાગવ્યો પણ પાછળથી ખભા પર મને એક હાથનો સ્પર્શ થયો, હું પાછળ ફરી તો એ પિશાચીની અરીસામાંથી હાથ લાંબો કરી મને પકડી અને ફરી એ જ માંગણી કરી અને ફરી એ જ ધમકી આપી અને એના હાથના નહોર મારા હાથમાં ખુંપવા લાગ્યા મને લોહી નીકળવા લાગ્યું મેં આજીજી કરી પોતાને મુક્ત કરાવી.
મતલબ મારે રોજેરોજ હવે આ માંગણી પૂરી કરવાની હતી, જલ્દી નાહી મેં કબાટમાંથી પૈસા લેવા પર્સ કાઢયું જોયું તો પર્સમાં પાંચસો રૂપિયા અને તે દિવસે માતાજીને મંદીરમાં જે ચૂંદડી ચડાવી હતી તે હતા, મેં પર્સ બંધ કરી દીધું અને કસાઇવાડ તરફ જવા માટે ડગ માંડયા, થોડે સુધી ચાલી હોઇશ ત્યાં મને એક વિચાર આવ્યો તેથી હું કસાઇવાડથી વિપરીત દિશામાં ભાગવા માંડી, મેં એવો નિર્ધાર કર્યો કે મંદિરમાં જઈ મહારાજને મળી આ વાત કરું.
હું ખૂબ જ ભાગી રહી હતી, પરંતુ પાછું અંધારું મને ઘેરી વળ્યું અને મારો પીછો એક કાળો ભયાનક ઓળો કરવા મંડયો, મારા ધબકારા ખૂબ જ વધી ગયાં. હું આગળ જેટલી ઝડપથી ભાગી રહી હતી તેના કરતા બમણી ઝડપે એ ઓળો મારો પીછો કરી રહ્યો હતો. મંદિર હવે સામે જ દેખાતું હતું પણ હું ત્યાં પહોંચી શકતી ન હતી. ફરીથી એ જ છલાવો હતો, મને પેલી માતાજીની ચૂંદડી યાદ આવી, મેં ફટાફટ પર્સમાંથી તે કાઢી હાથે બાંધી લીધી, એ બાંધતા જ એ ઓળો મારાથી ખૂબ જ દૂર ફંગોળાયો અને બસ 20-30 ડગલામાં હું મંદિરના પ્રાંગણમાં પહોંચી ગઈ.
હજી તો હું માંડ પહોંચી હતી ત્યાં જ ફોન આવ્યો માનસીનો, એનો નંબર સ્ક્રીન પર જોતા જ મને ધ્રાસ્કો પડયો કારણ કે હું નીકળી ત્યારે એ બિલાડી માનસી પાસે ગોઠવાઈ ચુકી હતી.
"હેલ્લો માનસી, શું થયું ? તું બરાબર છે ને?"
"અરે યાર, ક્યાં છે તું? હું તો બરાબર છું પણ.."
"પણ.. શું ?"
"રાજની મમ્મીનો ફોન હતો રાજનો હમણાં જ 15 મિનિટ પહેલાં અકસ્માત થયો છે. એક અંકલે રાજની મમ્મીને અકસ્માતના સ્થળેથી ફોન કર્યો, એ લોકો રાજને નજીક આવેલી શાંતિનિકેતન હોસ્પીટલમાં લઇ જાય છે હું ત્યાં જાવ છું તું પણ જલ્દી આવ."હું તદ્દન શૂન્યમનસ્ક બની ગઈ.
બહાર આવી મેં રીક્ષા કરી લીધી,પણ આખાં રસ્તે મને એ જ અટ્ટહાસ્ય સંભળાઈ રહ્યું હતું, તે મને ઉદેશી કહી રહ્યું હતું” કોઈ ચાલાકી કરશે તો આવું જ થશે શાંતિથી મારી માંગણી પુરી કર્યા કર."
હું ઉતાવળે હોસ્પિટલ પહોંચી, રાજના મમ્મી ત્યાં જ હતા, માનસી પણ ત્યાં આવી ગઈ હતી.
"શું થયું, આંટી?"
"બેટા રાજનું બહુ લોહી વહી ગયું છે. અંકલ ગયા છે બ્લડબેંકમાં પણ ત્યાં પણ લોહી નથી. મને બહુ દર લાગે છે."- આંટી ખૂબ જ રડતા-રડતા બોલી રહ્યા હતા.
મેં રૂમના દરવાજામાંથી જોયું તો અંદરનું દ્રશ્ય જોઈ મારા હોશ જ ઉડી ગયા.
( ક્રમશ :)