માનસી
માનસી
સ્થળ - ડિસ્ટ્રીક સિવિલ કોર્ટ.
સમય - સવારનાં 11 કલાક.
"મિ. પરેશ જાની, તમામ સબૂતો પુરાવા, આધાર અને સાક્ષીઓની બાતમીના આધારે, આ કોર્ટ એ નતિજા પર પહોંચી છે કે તમને આજીવન કેદની સજા ફટકારવામાં આવે છે, તમે તમારા બચાવ માટે કંઈ કહેવા માંગો છો, અથવા તમારા વકીલ આ બાબતે કોઈ રજુઆત કરવા માંગો છો…..?" - સિવિલ કોર્ટના ન્યાયાધીશ વિનયસિંહ જાડેજા ન્યાયધીશની ખુરશી પર બેસેલા હતાં, તેઓ બોલ્યાં.
"ના ! સાહેબ તમને અને તમારાં કાનૂનને જેમ ઠીક લાગે, તે પ્રમાણે મને સજા આપી દો મને કોઈ વાંધો નથી..!" - પરેશની આંખોમાં જાણે દુનિયા હારી ગયાં હોવાછતાં પણ દુનિયા જીતી લીધી હોય તેવી ખુમારી સાથે બોલ્યાં.
"તો ! તમારે તમારા બચાવ માટે કંઈ કહેવું જ નથી ને?" - વિનયસિંહે ખાતરી કરતાં પૂછ્યું.
"સાહેબ ! તમે અગાવથી જ નક્કી કરી લીધું છે કે હું ગુનેગાર છું, તો પછી હવે હું મારી જાતનો ગમે તેટલો બચાવ કરૂં એનો કોઈ મતલબ નથી, અને મને મારી જાતનો એવો ખોટો બચાવ કરવાની કોઈ જ ઈચ્છા નથી…!"
"તમે ! શું કહેવા માંગો છો અમે બધાં જ ખોટા છીએ? શું અમને કાંઈ ખબર નથી પડતી? શું સરકારે અમને અહીં એમ જ બેસાડી દીધાં છે? તો શું તમારા વિરુદ્ધના આ બધાં પુરાવા ખોટા છે? શું તમને તમારા કરેલા કૃત્ય પ્રેત્યે જરાય ઘૃણા કે ઘીન નહીં અનુભવતા?" - ન્યાયાધીશ વિનયસિંહ થોડાંક ઉગ્ર થઈને બોલ્યાં.
"સાહેબ ! તમે કે તમારું કાનૂન ખોટું કે અંધ છે, એવું મેં નહીં કહ્યું તમને પરંતુ મને હાલ એવું લાગી રહ્યું કે છે તમારું આ કાનૂન, સુરક્ષા, કાયદાઓ માત્ર સમાજનાં કહેવાતાં મોટા માણસો માટે જ ફાયદાકારક છે, જ્યારે આ બધું અમારા માટે તો છાપામાં છપાયેલા પેલા કાળા અક્ષરો અને આ બધા કાયદાઓ અમારા માટે માત્ર દેખાવ પૂરતા હોય એવું લાગી રહ્યું છે, હાલમાં જો મારી જગ્યાએ કોઈ સમાજનો મોટો વ્યક્તિ ઉભો હોત તો તેને બચાવવા માટે જાણે કાનૂનમાં હજારો કાયદા હોય એમ તેનો બચાવ થઈ ગયો હોત…!" - જાણે કાનૂન અને કાયદા પ્રત્યે એકદમ નફરત થઈ ગઈ હોય તેવી રીતે પરેશ બોલ્યો.
" પરેશભાઈ ! તમે કદાચ જણાતાં નહીં હોવ કે તમે હાલ કોર્ટ અને કાયદાનું ખુલ્લેઆમ અપમાન કરી રહ્યા છો..!" - વિનયસિંહે પરેશને ચેતવતા બોલ્યાં.
"સાહેબ ! હું બધું જાણું જ છું, હું અહી કાયદા અને કોર્ટનું જરાપણ અપમાન કરવા નહીં માંગતો પરંતુ હું મારો જાત અનુભવ જણાવી રહ્યો છું." - એક નિસાસો નાખતા પરેશ બોલ્યો.
"એવું નથી પરેશભાઈ ! કાયદો અને કાનૂન બધા માટે એકસમાન જ છે, પછી હું હોવ તો પણ ભલે અને તમે હોવ તો પણ ભલે જો તમને એવું લાગે છે કે તમારી સાથે અન્યાય થયો તો મને જણાવો હું તમારી ચોક્કસ મદદ કરીશ…!" - વિનયસિંહે એક સાચા ન્યાયધીશની ફરજ બજાવતા બોલ્યાં.
"સાહેબ ! હું મારી સાથે બનેલ આખી ઘટનાં, અત્યારે કોર્ટ સમક્ષ જણાવવા માંગુ છું, જો તમારી પરમિશન હોય તો, હું આ ઘટના મને મળેલ સજા ઓછી કરાવવા માટે નથી જણાવી રહ્યો, પરંતુ આ સમાજ કે દુનિયામાં મારી જેવા હજારો લાચાર પિતા રહેલા છે, એમની દીકરી સાથે ક્યારેય આવું ન બને તે માટે હું આ આખી ઘટના જણાવી રહ્યો છું."
"સાહેબ ! હું આ સમાજમાં એક સારો નાગરીક ના બની શક્યો એનું મને હાલમાં પણ દુઃખ છે જ તે પરંતુ એના કરતાં પણ વધુ આનંદ એ બાબતનો છે કે ભલે હું એક સારો નાગરિક બનાવમાં નિષ્ફળ ગયો, પરંતુ એક પિતા તરીકેની ફરજ બજાવવામાં હું સો ટકા સફળ થયો છું….!" - પોતાની સાથે બનેલ ઘટના જણાવવાનું શરૂ કરતાં પહેલાં પરેશ બોલ્યો.
કોર્ટમાં એકદમ સન્નાટો છવાઈ ગયો, જાણે બધાં લોકો પરેશ સાથે વાસ્તવમાં શું બન્યું હશે? તેનાં પર શું વિત્યું હશે? એ જાણવા માટે આતુર હોય તેમ બધાં પરેશની સામે જોઈ રહ્યાં હતાં.
***
સ્થળ - પરેશનું ઘર
સમય - સાંજના 9 કલાક.
પરેશ પોતાની દુકાન બંધ કરીને લગભગ રાત્રીના 9 વાગ્યાની આસપાસ ઘરે આવ્યો ઘરે આવીને ઘરની બહાર રહેલો ડોરબેલ દબાવ્યો, એવામાં પરેશના પત્ની ઊર્મિલાએ દરવાજો ખોલ્યો.
ઊર્મિલા થોડીક ચિંતિત હોય, થોડીક ગભરાયેલ હોય તેવી લાગી રહી હતી, જાણે થોડાક જ સમય પહેલા તે રડી હોય તેવું લાગી રહ્યું હતું, અને બેધ્યાનપણે તેણે પાણીનો ખાલી ગ્લાસ પરેશને પીવા માટે આપ્યો.
પરેશે પરિસ્થિતિનો તાગ મેળવી લીધો હોય,તેમ ઊર્મિલાનો હાથ પકડીને સોફા પર બેસાડતાં બોલ્યો.
"ઉર્મિલા ! શું થયું ? શાં માટે તું આટલી ચિંતા કરે છો?"
"ખબર નહીં ! પરંતુ મારૂં હૃદય અત્યારે ગભરામણ અનુભવે છે કારણ કે આપણી પુત્રી માનસી રાતના 9 વાગ્યાં હોવા છતાંપણ હજુ આવી નથી, નહી તો દરરોજ સાંજે 7 કે 7: 30 તો આવી જ જાય છે, વધીને 8 વાગે, એનાથી મોડી એ કદી આવી નથી એની સાથે કંઈ અજુગતું કે અણબનાવ તો નહીં બન્યો હશે ને?" - પોતાની મૂંઝવણ પરેશને જણાવતાં ઊર્મિલા બોલી.
"સારું! તું ચિંતા ના કરીશ..એ આવી જશે કદાચ તેને ટ્યુશમમાં વધારે રોકાવવું પડ્યું હોય એવું બની શકે એ આવી જશે માટે ચિંતા ના કરીશ..!"
"પણ ! પરેશ મારો જીવ અત્યારે ખુબજ ગભરાય છે, અને મને એવું લાગે છે કે જરૂર ને જરૂર આપણી માનસી કોઈ મુસીબત કે આફતમાં ફસાય હશે…! તો તમે એકવાર એમના ટ્યુશનવાળા મહેતા સાહેબને પૂછી લો ને..!"
"ઓકે !" - આટલું બોલી પરેશે પોતાના ખિસ્સામાંથી મોબાઈલ બહાર કાઢી, મહેતા સાહેબને કોલ કર્યો, મહેતા સાહેબે જણાવ્યું કે માનસી તો મારા કલાસીસમાંથી 7 વાગ્યાની એની ફ્રેન્ડ રેણુકા જાડેજા સાથે નીકળી ગઈ છે, આ સાંભળી હવે પરેશના હૃદયના ધબકારા પણ વધવા લાગ્યાં હતાં, તેમ છતાં તે ઊર્મિલાને હિંમત આપતો રહ્યો.
ત્યારબાદ પરેશએ પોતાના નાના ભાઈ નીરવને કોલ કરીને તેની પત્ની સંગીતાને લઈને તાત્કાલિક પોતાના ઘરે આવવા માટે જણાવ્યું. થોડીવારમાં નીરવ અને સંગીતા પરેશના ઘરે આવી ગયાં. ત્યારબાદ પરેશે નીરવને આખી બાબત જણાવી, અને ત્યારબાદ પરેશ બોલ્યો કે
"ઉર્મિલા ! માનસી તો ટ્યુશન કલાસમાંથી 7 વાગ્યાની તેની ફ્રેન્ડ રેણુકા સાથે નીકળી ગઈ છે, માટે હું અને નિરવ અત્યારે માનસીને શોધવા માટે જઈ રહ્યાં છીએ, અને સંગીતા અહીં તારી સાથે રોકાશે, આટલું બોલી નીરવ અને પરેશ બાઇક લઈને માનસીને શોધવા માટે જાય છે.
માનસીને શોધતાં - શોધતાં લગભગ રાત્રીના 12 વાગી ગયાં, પરંતુ માનસીનો કોઈ જ પતો લાગ્યો નહીં, હવે પરેશ પણ મનથી તૂટી રહ્યો હતો, કારણ કે અંતે તો પોતે પણ એક પુત્રીના પિતા જ હતા, આથી અંતે બનેવે વિચાર્યું કે માનસી હજુસુધી ઘરે પાછી ફરી નથી, તો આ બાબતની ફરિયાદ આપણાં વિસ્તારનાં પોલિસ સ્ટેશનમાં કરી દઈએ.
ત્યારબાદ પરેશ અને નીરવ પોતાના વિસ્તારનાં પોલીસ સ્ટેશનમાં ફરિયાદ લખાવવા માટે પહોંચે છે, પરંતુ ત્યાં જઈને જોવે છે, તો તેને આશ્ચર્ય થાય છે, કારણ કે તે બનેવ પોલિસ સ્ટેશનમાં પ્રેવેશ્યા તેની પણ કોઈએ નોંધ લીધી નહીં, અને બધા જ કર્મચારીઓ ક્રિકેટની ફાઇનલ મેચ જોવામાં વ્યસ્ત હતાં, જેમાં ભારત અને ઓસ્ટ્રેલિયા રમી રહ્યું હતું.
આથી પરેશે ટેબલ પાસે જઈને એક વૃધ્ધ દેખાતા કોન્સ્ટેબલ પાસે ગયાં, અને મિસિંગ કંમ્પ્લેઇન લખાવવી છે તેવું જણાવ્યું, આથી પેલા વૃધ્ધ કોન્સ્ટેબલે પી.આઈ જયેશ નાયકને જાણ કરી, ચાલુ મેચે બહાર આવવાનું થયું હોવાથી પી.આઈનો ગુસ્સો સાતમા આસમાને પહોંચ્યો હતો.
"બોલો ! અત્યારે શું આવ્યા છો?" - તોછડા અવાજે પી.આઈ નાયક બોલ્યાં.
"સાહેબ ! મારી દીકરી માનસી દરરોજ સાત વાગ્યે ઘરે આવી જાય છે, વધીને 8 વાગ્યે એથી મોડી ક્યારેય આવી નથી, જે હજુસુધી ઘરે પરત ફરી નથી, ટ્યૂશન કલાસમાંથી મહેતા સાહેબે જણાવ્યું કે માનસી તો અહીંથી 7 વાગ્યાની તેની ફ્રેન્ડ રેણુકા જાડેજા સાથે નીકળી ગઈ છે…!"
"તો ! તમે શું ઈચ્છો છો કે અમે અત્યારે આખા ગામમાં તમારી માનસીને શોધવા નીકળીએ…!" - તોછડાટ ભર્યા અવાજે પી.આઈ નાયક બોલ્યો.
"ના ! સાહેબ ! એનો કોઈ મતલબ નથી, મેં અને મારા ભાઈ નીરવે લગભગ આખું શહેર ફંગોળી નાખ્યું છે, પરંતુ માનસીનો કોઈ પતો ના મળ્યો, આથી અમે વિચાર્યું કે અહીં મિસિંગ કંમ્પ્લેઇન લખાવી દઈએ."
"સારું ! તો તમે અહીં મિસિંગ કંમ્પ્લેઇન લખાવી દયો, અમને કંઈ સમાચાર મળશે તો તમને જણાવીશું." - પી.આઈ નાયક ઉતાવળમાં હોય તેવી રીતે બોલ્યાં.
ત્યારબાદ બનેવે મિસિંગ કંમ્પ્લેઇન લખાવીને પોલિસ સ્ટેશનની બહાર નીકળે છે, એવમાં પરેશના કાનમાં અમુક શબ્દો પડે છે, જે પી.આઈ નાયક દ્વારા બોલાયા હતાં.
"હાલના મા-બાપ આટલાં બધાં બેપરવાહ કેવી રીતે બની શકે, પોતાની છોકરીઓનું ધ્યાન રાખતા નથી, ક્યાં જાય છે..? કોની સાથે જાય છે..? ક્યારે જાય છે? આવી બધી બાબતોનું ધ્યાન રાખવું જોઈએ….માનસી જરૂરથી કોઈ છોકરા સાથે લફરૂ કરીને ભાગી ગઈ હશે જ્યારે પેલો છોકરો તેને છોડી મુકશે..અથવા રૂપિયા પુરા થઈ જશે ત્યારે તે આપોઆપ જ ઘરે આવી જશે એમાં આવી રીતે આખું ગામ માથે લેવાની કાંઈ જરૂર જ નથી….અહીં સરકારે અમને ગામનાં સંતાનોનું ધ્યાન રાખવા બેસાડ્યા હોય એવું લાગે છે…!"
આ શબ્દો સાંભળીને પરેશને ખુબજ ગુસ્સો આવ્યો, થોડીવાર તો એવું જ થયુ કે પી.આઈને તેની જ સર્વિસ રિવોલ્વરથી શૂટ કરી દઉં, પરંતુ એક દીકરીનો બાપ હોવાના લીધે, પોતાનો ગુસ્સો મનના કોઈ એક ખૂણામાં જ દબાવી દીધો, સાહેબ દુનિયામાં કોઈપણ વ્યક્તિ ભલે સિંહની જેમ, મુછો મરડીને આંટા મારતો હોય પરંતુ વાત જ્યારે પોતાની દીકરી પર પડેલ કોઈ આફતની, આવે તો તે ઢીલો પડી જ હોય છે, જેવી રીતે અત્યારે પરેશ ઢીલા પડી ગયો હતો.
લગભગ પોલીસ સ્ટેશનની બહાર જ નીકળ્યા હશે, એવામાં કોઈએ પરેશને બૂમ પાડીને બોલાવ્યો, પાછળ વળીને જોયું તો પેલા વૃધ્ધ કોન્સ્ટેબલ ઉભા હતાં, તેણે નજીક આવીને કહયું કે.
"સાહેબ ! હું જાણું છું અને સમજુ છું કે જ્યારે પોતાની યુવાન દીકરી, જ્યારે ઘરે આવી રીતે પાછી ના ફરે, અથવા મિસ થઈ જાય તો એક પિતા પર શું વિતતી હોય છે, કારણ કે હું પણ એક દીકરીનો બાપ છું, માટે હું તમને એક સાચી સલાહ આપું તો અહીંથી માત્ર બે કે ત્રણ કિ. મીનાં અંતરે આપણા વિસ્તારનાં ધારસભ્યનું કાર્યાલય આવેલ છે, અને કાર્યાલયની ઉપરજ તેનું ઘર છે, જો એ ભલામણ કરશે, તો તમારો કેસ ઝડપથી સોલ્વ થઈ જશે…!"
ત્યારબાદ પરેશ અને નીરવ બનેવ પેલા વૃધ્ધ કોન્સ્ટેબલનો આભાર માનીને તેણે જણાવ્યા મુજબ પેલા ધારાસભ્યને મળવા ગયાં, ત્યાં જઈને, ધારાસભ્યને મળીને તેણે બધી વિગતો જણાવી અને ધારા સભ્યએ જણાવ્યું કે હું શક્ય હશે એટલું ઝડપથી આ કેસ સોલ્વ કરાવું છું….પરંતુ તેનો આ જવાબ ડિપ્લોમેટિક હોય તેવું લાગ્યું, અને તેનાં હાઉભાવ પરથી એવું લાગી રહ્યું હતું કે તે માત્ર વોટ મેળવવો હોય તો જ મદદ કરે, પરંતુ હાલ તેને કોઈ મતની જરૂર હતી નહીં, કારણ કે તે હાલ ધારાસભ્ય તો હતો જ, આથી પરેશ અને નીરવ ધારાસભ્યની પરમિશન લઈને પોતાના ઘરે જવા માટે નીકળ્યાં.
મનમાં ઘણીબધી નિરાશા, હતાશા, અને દુઃખ સાથે તે બનેવે ઘરે પાછા ફર્યા, ઊર્મિલા અને સંગીતાને જવાબ આપવા માટે તેમની પાસે કોઈ શબ્દો જ ન હતાં, આ બાજુ પરેશના મનમાં પેલા પી.આઈ અને ધારાસભ્યે કરેલા વર્તનને લીધે ખુબજ ગુસ્સો પણ ભરેલ હતો, પરંતુ હાલ પોતે પણ લાચાર હતાં. આથી પરેશને ખ્યાલ આવી ગયો કે માનસીને મારે જાતે જ શોધવી પડશે, આ દુનિયામાં કોઈ કોઈને કારણ કે સ્વાર્થ વગર મદદ કરતું નથી.
એટલીવારમાં પરેશ અને નીરવ ઘરે પહોંચે છે, અને બધી વિગતો જણાવે છે, અને ત્યારબાદ પરેશ નીરવને પોતાના ઘરે જવા માટે જણાવે છે.. અને સાથે -સાથે જણાવે છે કે કઈ કામ હશે તો હું ચોક્કસથી જણાવીશ, ત્યારબાદ નીરવ અને સંગીતા પોતાના ઘરે જવા માટે રવાનાં થાય છે.
ઉર્મિલા રડી-રડીને અડધી થઈ ગઈ હતી, હજુપણ પરેશ કે ઊર્મિલા બંનેમાંથી કોઇએ પણ ખોરાકનો એક કોળિયો પણ ખાધો ન હતો, જાણે તે બનેવની ભૂખ મરી ગઈ હોય એવું લાગી રહ્યું હતું, ઉર્મિલા પરેશનાં ખોળામાં માથું નાખીને એકદમ દુઃખી થઈને રડવા લાગી, અને પરેશ પણ ઊર્મિલાના માથાં પર હાથ ફેરવીને સાંત્વનાં અને હિંમત આપતો રહ્યો.
એવામાં એકાએક પરેશનો ફોન રણક્યો, જેમાં ડિસ્પ્લે પર લખાયેલ હતું - વિડીયોકોલ ફ્રોમ અનનોન નંબર, આથી પરેશે તરત જ કોલ રિસીવ કર્યો, જેવો વિડીયોકોલ રિસીવ કર્યો અને ડિસ્પ્લે પરનું દ્રશ્ય જોયું તો જાણે પરેશ અને ઊર્મિલાના પગ નીચેની જમીન સરકી ગઈ હોય એવું લાગી રહ્યું હતું…..કારણ કે વિડિઓ કોલમાં સામેની બાજુએ બીજું કોઈ નહીં પરંતુ પોતાના જીવ કરતા પણ વધુ વ્હાલી દીકરી માનસી જ હતી…! માનસીને ઢોર માર મારવામાં આવેલ હોય તેવી રીતે તેના કપાળ અને હોઠના ભાગેથી થોડુંક લોહી વહી રહ્યું હતું….! આ જોઈને પરેશ અને ઊર્મિલાને ખુબ જ દુઃખ થયું અને સાથે - સાથે એ વાતનું આશ્વાસન મળ્યું કે પોતાની દીકરી જીવિત છે તેને કાંઈ થયું નથી..
"પપ્પા ! મને આ હેવાનોથી બચાવી લો..! આ લોકો ખુબ જ ખરાબ છે ! એ લોકો મને ખુબ જ ઢોર માર મારે છે અને મારી સાથે….ઘ..ણી..વા…….ર……" - માનસી આટલું માંડ બોલી ત્યાં જ કોઈ નકાબ પહેરેલા વ્યક્તિએ માનસીના હાથમાંથી મોબાઈલ છીનવી લીધો, અને કહ્યું કે…
"સાંભળ ! તું તારી દીકરીને સહી સલામત ઘરે પાછી જોવા માંગતો હો તો કાલ રાત સુધીમાં 50 લાખ રૂપિયાની વ્યવસ્થા કરી રાખજે..અને હા ! ખબરદાર જો તે આ બાબતની જાણ પોલીસને કરી છે જો તું પોલીસને જાણ કરીશ તો પછી તને ક્યારેય તારી દીકરીનો ચહેરો ફરીવાર નહીં જોઈ શકીશ..!" - આટલું બોલી પેલા નકાબવાળા વ્યક્તિએ વિડીયોકોલ કાપી નાખ્યો.
બીજે દિવસે…..
પરેશે આખો દિવસ પોતાની જે કાંઇ બચત હતી તે બધી બચત અને ઘરમાં પડેલ કેશ ભેગા કર્યા તો 50 લાખ રૂપિયા થઈ ગયાં, અને તે પેલા કિડનેપરના કોલની રાહ જોવા લાગ્યો, સાંજે 7 વાગ્યાની આસપાસ પેલા કિડનેપરનો કોલ આવ્યો અને શહેરની બહાર આવેલા સ્મશાન પાસે રાતે 10 વાગ્યે 50 લાખ રૂપિયા લઈને એકલા આવવા માટે જણાવ્યું.
પરેશે પણ પેલા કિડનેપરે જણાવ્યું તે મુજબ તે સમયે અને સ્થળે રાત્રીના 10 વાગ્યે પહોંચી ગયો, થોડીવારમાં એક બ્લેક કલરની સ્કોર્પિયો કાર આવી, જેમાં એકપણ પ્રકારની નંબર પ્લેટ લગાવેલ હતી નહીં, તેમાંથી બે વ્યક્તિઓ ઉતર્યા જેણે નકાબ વડે પોતાનો ચહેરો છુપાવેલ હતો. અને ત્યારબાદ પરેશ પાસેથી 50 લાખ લઈને સ્કોર્પિયોમાં બેસી ગયાં અને તારી દીકરી તારા ઘરે 11 વાગે આવી જશે એવું જણાવ્યું…!
ત્યારબાદ પેલી સ્કોર્પિયો કાર પુર ઝડપે રસ્તા પર મારી મૂકી, મનમાં એક હાશકારો અનુભવતા - અનુભવતા પરેશ પોતાના ઘર તરફ જવા રવાના થયો, મનમાં વિચાર્યું કે 50 લાખ રૂપિયા પોતાની દિકરીથી સવિશેષ નથી પૈસા તો આજે છે અને કાલે નથી, પરંતુ મારી લાડકી દીકરી માનસીથી કાંઈ વધારે નથી.
પરેશે જ્યારે ઘરે પહોંચ્યો ત્યારે ઉર્મિલા ઘરના દરવાજાની બહાર આવેલા દાદરા પર બેસીને પરેશ અને પોતાની દીકરી માનસીની રાહ જોઈ રહી હતી, પરેશને એકલો આવતો જોઈને ઊર્મિલાનો જીવ ગભરાવા લાગ્યો, પરંતુ પરેશે તેને સાંત્વનાં આપતાં જણાવ્યું કે આપણી માનસી હમણાં જ થોડીવારમાં ઘરે આવી જશે ત્યારબાદ પરેશ અને ઉર્મિલા બનેવ માનસીની રાહ જોવા લાગ્યા પરંતુ બધું જ વ્યર્થ 12 વાગ્યાં, 1 વાગ્યો પરંતુ માનસી ઘરે આવી નહીં આથી ઊર્મિલા જાણે એકદમ ભાંગી પડી હોય તેમ ધ્રુસકે - ધ્રુસકે રડવા લાગી. હવે પરેશ પણ હિંમત હારી રહ્યો હતો, પોતે પણ હાલમાં અંદરથી તો સાવ ભાંગી જ ગયો હતો, સાવ હિંમત હારી ગયો હતો, પરંતુ એક પુરુષ કે એક પિતા ઈચ્છતા હોવા છતાંપણ ક્યારેય જાહેરમાં રડી શકતા નથી. તેણે વિચાર્યું કે જો હું અત્યારે રડીશ તો પોતાના ખભે માથું નાખીને રડતી ઊર્મિલાને કોણ હિંમત આપશે….આથી તેણે રડવાને બદલે પોતાના તેજ મગજનો ઉપયોગ કરીને કઈક વિચારવા લાગ્યો.
થોડું વિચાર્યા પછી લગભગ રાત્રીના 1: કલાકની આસપાસ પરેશ પોતાનું બાઇક લઈને નીકળે છે, અને ઊર્મિલાને પોતાના મકાનની બાજુમાં રહેતા પાડોશીમાં ઘરે મૂકી આવે છે, અને પોતાની બાઇક શહેરમાંથી બહાર નીકળતા હાઇવે તરફ દોડાવી મૂકે છે….!
***
બીજે દિવસે સવારે છાપામાં અને ટી.વી.માં બ્રેકિંગ ન્યુઝ આવેલ છે કે શહેરના પરેશ જાની નામના વ્યક્તિએ ઠંડાં કલેજે એક વ્યક્તિની નિર્દયતા અને ક્રુરતાથી મોતને ઘાટ ઉતારી દીધો, જેની આજે વહેલી સવારે પોલીસે પેટ્રોલીંગ દરમ્યાન ધારદાર કટાર સાથે ધરપકડ કરી છે…..!
એવામાં કોર્ટના ન્યાયાધીશ વિનયસિંહ જાડેજા પરેશને અધ વચ્ચે અટકાવતાં પૂછ્યું કે,"તને માનસી પછી મળી કે નહીં? માનસીને કોણે કિડનેપ કરી હતી? તેને માનસી ક્યાં છે તે કેવી રીતે ખબર પડી? તે જે વ્યક્તિનું ખૂન કર્યું એને આ કેસ સાથે શું લેવા - દેવા છે?"
ત્યારબાદ પરેશ જણાવે છે કે પેલા કિડનેપરને રૂપિયા આપીને આવ્યા બાદ હું અને ઉર્મિલા જ્યારે માનસીની ઘરે પાછી આવે તેની રાહ જોઈ રહ્યાં હતાં, એવામાં મારા મનમાં વિચાર આવ્યો, અને મારૂં મગજ ખુબ જ ઊંડાણપુર્વક વિચારવા લાગ્યું, પછી મને એકાએક યાદ આવ્યું કે જ્યારે માનસી સાથે વિડીયોકોલમાં પહેલીવાર વાત થઈ હતી, ત્યારે માનસીની પાછળ એક મિરર (અરીસો) હતો જેમાં લાલ કલરના અક્ષરે "R.E" લખેલું હતું અને માનસીના અવાજની સાથે સાથે મને કંઇક બીજો અવાજ પણ સંભળાયો હતો જે ટ્રેનની વિસલ અમે એન્જીનનો અવાજ હતો, આથી મને યાદ આવ્યું કે આપણાં શહેરથી 4 કિ. મી દૂર " રોયલ એનફીલ્ડ" નો શો રૂમ આવેલો છે, જેના પર લાલ રંગનું સાઈનિંગ બોર્ડ લગાવેલ હતું જેનાં પર " R. E" એવું લખેલ હતું, અને તેની એકદમ બાજુમાં એક રેલવે ફાટક આવેલ છે, આથી મને ખ્યાલ આવી ગયો કે આ લોકોએ માનસીને કિડનેપ કરીને ક્યાં રાખી હશે આથી હું તે જગ્યાએ ગયો, તો ત્યાં "રોયલ એનફીલ્ડ" ના શો રૂમ અને આ ફાટક વચ્ચે એક વર્ષો જૂનો સ્ટોરરૂમ આવેલ હતો, જે વેસ્ટર્ન રેલવેના અન્ડરમાં આવતો હતો. આથી મારી જે શંકા હતી તે હકીકતમાં પરિણમી, આથી હું હિંમત કરીને એ સ્ટોરરૂમ તરફ દોડ્યો, તેનો દરવાજો બહારથી બંધ હતો, લોક કરેલ હતો નહીં, આથી હું હિંમત કરીને દરવાજા આગળ વધ્યો, પરંતુ એ દરવાજાની થોડાક આગળ જતાં જ મારી બધી જ હિંમત તૂટી ગઈ, કોઈ ધારદાર હથિયારનો ઘા પડવાથી જેટલો દુખાવો થાય, તેનાથી પણ વધુ દુખાવો હું અનુભવી રહ્યો હતો કારણ કે આ પ્રહાર સીધો જ મારા હૃદય પર પડેલ હતો, જાણે એકાએક દુઃખનો ડુંગર પોતાના પર તૂટી પડ્યો હોય એવું લાગી રહ્યું હતું…!" .
કારણ કે પરેશ જેવો દરવાજાની અંદર પ્રવેશ્યો કે તરત જ તેની નજર માનસી પર પડી, જે સ્ટોરની અંદર આવેલા લોબી જેવા ભાગમાં પડેલ હતી, બસ ફર્ક માત્ર એટલો જ હતો કે આ ખિલખિલાટ કરતી માનસી એકદમ નિ:શબ્દ બની ગઈ હતી, કારણ કે તેના શરીરમાંથી જીવ ક્યારનો નીકળી ગયો હતો.
પરેશનાં પગલાં માનસી તરફ ઉપડી રહ્યાં ના હતાં, છતાં હૃદય અને મનને મનાવીને તે આગળ વધ્યો, અને માનસીને પોતાના બને હાથમાં ઉંચકીને "મા ન સી બે ટા…" એવી એક ચીસ પાડી.
એવામાં માનસીના હાથમાં એક કાગળ હતો, આથી તે કાગળ ખોલીને પરેશે વાંચ્યું તો તે સુસાઇડ નોટ હતી જે વાંચીને પહાડ જેવી હિંમત રાખવાવાળો પરેશ એક જ ક્ષણમાં ભાંગી પડ્યો.
જેમાં લખેલ હતું કે…
"પપ્પા ! આ ચિઠ્ઠી તમને જ્યારે મળશે ત્યારે કદાચ હું આ દુનિયાને કાયમ માટે વિદાય આપીને જતી રહી હોઇશ, જે દીકરીને તમે પરણાવીને વિદાય આપવા માંગતા હોવ, એ દીકરી આવી રીતે વિદાય લે એ તમને કદાચ નહીં ગમ્યું હશે…..પરંતુ મારી હાલત કે પરિસ્થિતિ એવી હતી કે હું તમને કે મમ્મીને મોઢું બતાવી શકુ એમ નથી, કારણ કે એ લોકો જ્યારે તમારી પાસેથી રૂપિયા લઈને આવ્યાં, ત્યારે તેણે મારી પર બે - ત્રણ વાર બેરહેમીથી બળાત્કાર ગુજાર્યો, અને મારા પણ બળાત્કાર ગુજારનાર બીજા કોઈ નહીં પરંતુ નિખિલ અંકલ અને અમારી સ્કૂલના પ્રિન્સિપાલ રાજનાથન સર જ હતાં, તમે અને મમ્મી તો મને સો ટકા સ્વીકારી લેશો, પણ આ સમાજ મને ક્યારેય નહીં સ્વીકારે, આ સમાજ ત્યારબાદ તમને ક્યારેય શાંતિથી જીવવા નહીં દે, અને મેણા-ટોણા માર્યા કરશે જેથી તમે દરરોજ જીવતે જીવતા મૃત્યુ પામી રહ્યાં હોવ એવું અનુભવશો, જે તમારી દીકરી માનસીને ક્યારેય નહીં ગમે માટે તમારે આવી પરિસ્થિતિનો સામનો ના કરવો પડે, માટે હું અહીંથી મારી લાઈફ ટૂંકાવી રહી છું….બાય. મને માફ ફરજો પપ્પા તમારી અને મમ્મીની વ્હાલી દિકરી માનસી અને મમ્મીને મારા જયશ્રી ક્રિષ્ના કહેજો… આ વાંચીને પરેશ નાના બાળકની જેમ રડ્યો…..!
એવામાં તેનું ધ્યાન માનસીના જમણા હાથ પર પડી, માનસીના જમણા હાથની મુઢીમાં એક ઘડિયાળ હતી, આથી પરેશે એ ઘડિયાળ માનસીના હાથમાંથી છોડાવી જોયું તો આ ઘડિયાળ ક્યાંક જોયી હોય તેવુ તેવું લાગી રહ્યું હતું….પરંતુ ક્યાં? કોની પાસે જોય એ યાદ નહોતું આવી રહ્યું, એકાએક પરેશને યાદ આવ્યું કે આ ઘડિયાળ પરેશે તેના દૂરના એક મિત્ર નિખિલનાં હાથમાં જોય હતી….નિખિલ પરેશને મળવા અવાર-નવાર ઘરે આવતો હતો….!
પરેશનો ગુસ્સો સાતમા આસમાને પહોંચી ગયો હતો, જાણે એક જ પળમાં તેનો હસતો - ખેલતો પરીવાર તબાહ થઈ ગયો હોય તેવું લાગી રહ્યું હતું, જેવી રીતે દેવોના દેવ એટલે કે ભોળાનાથે શતીનો મૃતદેહ જોઈને ગુસ્સે ભરાયને જેવી રીતે તાંડવ કર્યો હતો, તેવી જ રીતે અહીં પોતાની જ દીકરીને આવી હાલતમાં જોઈ….પરેશ જાણે તાંડવ કરવાનો હોય તેવું લાગી રહ્યું હતું.
આથી પરેશ તરત જ નિખિલનાં ઘરે ગયો, વહેલી સવારના લગભગ 4 વાગ્યાં હશે, ઉનાળાના સમય હોવાથી નિખિલ પોતાના ઘરે અગાસી પર જાણે તે દિવસે તેણે કાંઈ ગુનોહ કર્યો જ ના હોય, તેવી રીતે ઘરમાં કોઈને ભાસ ના થાય તેવી રીતે જમીને અગાસી પર સુઈ ગયો હતો, પરેશ જાણતો હતો કે ઉનાળા દરમિયાન નિખિલ અગાસીમાં જ સુએ છે,આથી એકદમ ગુસ્સામાં લાલઘૂમ હાથમાં કટાર લઈને નિખિલનાં ઘરની પાછળનાં ભાગેથી અગાસી પર ચડ્યો, અને જેવી રીતે એક સિંહ પોતાના શિકાર પર તૂટી પડે તેમ પરેશ નિખિલ પર તૂટી પડ્યો, અને કટારના એક - પછી એક ઘા મારવા લાગ્યો, આ દરમ્યાન નિખિલે પરેશની ઘણીવાર માફી પણ માંગી, અને માફી માંગતા નિખિલ બોલ્યો કે "પરેશ ! મને માફ કરી દે…! મારાથી બહુ મોટી ભૂલ થઈ ગઈ, માનસીતો અમારા માણસો દ્વારા ભૂલથી કિડનેપ થઈ ગઈ હતી, ખરેખર તો અમે સીટી જજની છોકરી રેણુકા જાડેજાને કિડનેપ કરવાં માંગતા હતાં પરંતુ પરેશે નિખિલની એકપણ વાત કાને ના ધરી, અને એક પછી એક ઘા મારવા જ લાગ્યો, જ્યાં સુધી નિખિલનાં શરીરમાં જીવ હતો, ત્યાં સુધી પરેશ કટારનાં એક પછી એક ઘા મારતો રહ્યો, જેવા નિખિલનાં શરીરમાંથી પ્રાણ નિકળીયા તેવો તરત જ પરેશ જે રસ્તેથી અગાસી પર આવ્યો હતો તે જ રસ્તે પાછો જતો રહ્યો.
સવારનાં 5 વાગ્યાની આસપાસ હાથમાં લોહીથી તરબતોળ થયેલ કટાર લઈને રસ્તામાં ચાલી રહ્યો હતો, જેમાંથી લોહીનાં ટીપાં હજુ પણ પડી રહ્યાં હતાં, આંખોમાં હજુપણ ગુસ્સો જ હતો, પોતે ક્યાં જઈ રહ્યો છે, તેના વિશે પરેશ કશું જાણતો પણ ન હતો, મનમાં હજુપણ કંઈક વિચારી રહ્યો હતો, એવમાં પોલીસની પેટ્રોલિંગ કરી રહેલ ગાડી સામેથી આવી અને પરેશને આ હાલતમાં જોઈ કેદ કરીને પોલીસવાનમાં બેસાડીને પોલીસ સ્ટેશને લઇ ગયાં, અને ત્યારબાદ પોલીસને પરેશે આપેલ માહિતીના આધારે માનસીનો મૃતદેહ તેના ઘરે પહોંચાડ્યો, અને હિન્દૂ ધર્મના શાસ્ત્રો પ્રમાણે માનસીના મૃતદેહની અંતિમવિધિ પણ કરવામાં આવી…….! જેમાં પરેશને પણ હાજરી આપવા માટે પોલીસકર્મીઓ દ્વારા લઈ જવામાં આવેલ હતો.
જ્યારે એક પિતા પોતાની દીકરીને બચાવવા માટે કે તેના પર આવો પાશવી કે બેરહેમીથી બળાત્કાર ગુજારનારને સજા આપવા માટે જ્યારે હથિયાર ધારણ કરે છે ત્યારે કેટલી હદ સુધી રોદ્ર સ્વરૂપ ધારણ કરી શકે છે….તે બતાવી દીધું.
કોર્ટમાં બેસેલા બધાં જ લોકોની આંખોમાં આંસુ આવી ગયાં, અને સૌ કોઈને પરેશ પર દયા આવવા લાગી, કોર્ટ ચાલુ થઈ ત્યારે લોકો જેને ખૂંખાર ગુનેગાર માની રહ્યાં હતાં તે તો દુનિયાનો એક શ્રેષ્ઠ પિતા તરીકે બધાની નજરોમાં છવાય ગયો.
" તો પણ તારે એ બાબત ધ્યાનમાં રાખવી જોઈએ કે આ સમાજમાં કાનૂન અને કાયદાઓ પણ છે, તારે કાનૂન હાથમાં નહોતું લેવાનું અને કાયદાનો ભંગ પણ નહોતો કરવાનો પરંતુ આમ કરવાથી તને સજા તો મળશે જ…." - ન્યાયાધીશ વિનયસિંહ થોડાક નરમ પડતાં બોલ્યાં.
"સાહેબ ! તમે ક્યાં કાનૂન અને કાયદાની વાત કરો છો, એ જ કાનૂન કે જેની પાસે હું અડધી રાતે મદદ માંગવા ગયો હતો અને એ ક્રિકેટમેચ જોવામાં વ્યર્થ હતું, અને કાયદાઓ કે જેનું રક્ષણ અને પાલન કરનાર અને કરાવનાર ધારાસભ્ય પોતાના વોટ ભેગા કરવામાં જ વ્યર્થ હતાં, જો સાહેબ મને યોગ્ય સમયે કાનૂન અને કાયદો મદદરૂપ થયાં હોત તો મારે કદાચ હથિયાર ઉઠાવવાની જરૂર જ ન પડી હોત, મારી પાસે કોઈની મદદની આશા ન હોવાથી જ મેં આ પગલાં ભર્યા, અને જો હું બીજા બધાની માફક ઘર પર હાથ પર હાથ ધરીને બેસી રહ્યો હોત તો મારી દીકરીનાં ગુનેગારને તેના કર્મોની સજા ક્યારેય પણ ના મળી હોત….!" - પરેશ ગર્વ સાથે બોલ્યો.
"તો પણ ! તને સજા તો થશે જ તે…"
"સાહેબ ! મેં અગાવ જ કહ્યું કે હું આ આખી બાબત મારા બચાવ માટે નથી જણાવતો, પરંતુ અહીં બેસેલા દરેક પિતાને પોતાની દીકરી સાથે પણ આવું બની શકે તે જાણી શકે, અને ક્યારેક કાયદાનું રક્ષણ કરનાર જ ભક્ષક બને છે તે જાણી શકે…..બીજું કે સાહેબ હું તમને હજુ પણ એક વાત જણાવવા માંગુ છું.."
"હા ! જણાવ પરેશ…!"
"સાહેબ ! તેમે બ્લડ પ્રેશરની દવા લેતાં હો તો લઇ લેજો, તમારી ખુરશી મજબૂત પકડી લેજો….કારણ કે આ વાત જ એવી છે…..ખરેખર વાસ્તવમાં તો માનસીને એ લોકોએ ટાર્ગેટ બનાવી જ ના હતી, પરંતુ ખરેખર તે લોકો રેણુકા જાડેજા એટલે કે બીજું કોઈ નહીં તમારી જ પોતાની દીકરીને જ કિડનેપ કરવાના હતાં, અને તમારી પાસેથી મોટી રકમ વસૂલવા માંગતા હતાં, પરંતુ રેણુકા અમે માનસીએ એકસરખા જ યુનિફોર્મ પહેરેલા હતાં, અને એ લોકો જ્યારે કિડનેપ કરવા આવ્યાં ત્યારે રેણુકા રોડ ક્રોસ કરીને આઈસ્ક્રીમ લેવા માટે ગઈ, અને ભાડાના કિડનેપરે માનસીને રેણુકા સમજીને કિડનેપ કરી લીધી…..જો તમને વિશ્વાસ ન આવતો હોય તો અત્યારે જ તમારા ઘરે ફોન કરીને રેણુકાને પૂછો કે તે આઈસ્ક્રીમ લેવા માટે ગઈ હતી પછી શું થયું હતું…??'
આ વાત સાંભળી વિનયસિંહ જાડેજા જે ન્યાયધીશની ખુરશીની શોભાવી રહ્યો હતાં, તેના હાથ પગ ધ્રુજવા લાગ્યાં, હૃદયના ધબકારા વધી ગયાં, કપાળના ભાગે એ.સી. ચાલુ હોવા છતાં પણ વિનયસિંહના કપાળના ભાગે પરસેવાના ટીપાં બાઝી ગયાં, આથી વિનયસિંહે પોતાના ટેબલ પર રહેલ પાણીનો ગ્લાસ એક જ શ્વાસમાં પી ગયા, અને તરત જ પોતાનો ફોન કાઢીને ઘરે કોલ કરીને રેણુકાને ફોન આપવા જણાવ્યું, અને જ્યારે રેણુકાને આ બનાવ વિશે પૂછવામાં આવ્યું, ત્યારે રેણુકાએ વિગતો જણાવતા કહ્યું કે,
" પપ્પા ! હું જ્યારે આઈસ્ક્રીમ લેવા ગઈ, ત્યારે માનસી રોડની પેલી બાજુ ઉભી હતી, આ પહેલા અમારે થોડુંક વધારે મોડું થઈ ગયું હોવાથી માનસી ખૂબ જ ચિંતિત હતી, હું જ્યારે આઈસ્ક્રીમ લઈને પાછી ફરી તો, મેં જોયું કે માનસી જે જગ્યાએ ઉભી હતી, ત્યાં હતી નહીં, આથી મેં વિચાર્યું કે કદાચ વધારે મોડું થતું હોવાથી પોતાના ઘરે ચાલી ગઈ હશે…." - રેણુકાએ નિર્દોષભાવે બધું જણાવી દીધું.
કોલ ડિસ્કનેક્ટ કર્યા બાદ, ખુદ વિનયસિંહની આંખમાં આંસુ આવી ગયાં, અને પોતે પરેશને બેગુનાહ જાહેર કરવાં માંગતા હતાં, પરંતુ પોતે કાયદા અને કાનૂનથી બંધાયેલ હોવાથી એવું કરી શકતા ન હતાં.
"સાહેબ ! હજી પણ હું આ કોર્ટ સમક્ષ એક વધુ વાત રજુ કરવા માગું છું, આ કેસમાં નિખિલતો ગુનેગાર હતો જ તે, જેને મેં મારા હાથે જ સજા આપી, પરંતુ હું કેદ થઈ ગયેલ હોવાથી બીજા ગુનેહગારને સજા આપી શક્યો નથી, પણ જો તમે ધારો તો એને સજા આપી શકો છો, એ ગુનેહગાર હાલ આ જ કોર્ટમાં છે….જેનું નામ છે મિ. રાજનાથન પ્રિન્સિપાલ ઓફ સનરાઈઝ સ્કૂલ…..!"
પરેશ આટલું બોલ્યો, એટલીવારમાં તો લોકોની વચ્ચે બેસેલ રાજનાથન ભાગવા લાગ્યો, પરંતુ કોર્ટમાં હાજર પોલીસ અધિકારીઓ એ તેને તરત જ પકડી પાડ્યો, ત્યારબાદ રાજનાથને કોર્ટને આખી બાબત જણાવી, અને કહ્યું કે હું અને નિખિલ છેલ્લા એક વર્ષથી આવું કરી રહ્યાં હતાં, મારી કોલેજમાં જે મોટા - મોટા અધિકારીઓના છોકરાઓ ભણી રહ્યા હોય છે, તેને નિખિલની મદદથી કિડનેપ કરીને તેમના ઘરના સભ્યો પાસેથી અમે મોટી રકમની માંગણી કરતાં હતાં, અને અમને રકમ મળે, એટલે અમે કિડનેપ કરેલા સંતાનને છોડી મુકતા હતાં, પરંતુ માનસીએ પોતાનો જીવ ગુમાવવા છતાંપણ અમારા આખા પ્લાનની પોલ ખોલી નાખી, અને પરેશ પણ એટલો બુદ્ધિશાળી, ચતુર અને હોશિયાર નીકળ્યો કે એક "રોયલ એનફીલ્ડ" ના સિમ્બોલથી અને ટ્રેનના અને તેની વિસલના સાઉન્ડ માત્રથી અમારી જગ્યા એટલે કે અમારા અડ્ડા સુધી મગજ વાપરીને પહોંચી ગયો. અને આખા પ્લાનની પોલ ખોલી નાખી અને નિખિલને મોતને ઘાટ ઉતારી દીધો, આથી હું ગભરાય ગયો, એટલે આ કેસનો ફોલો-અપ લેવા માટે હું આવી રીતે ચુપકીથી કોર્ટની મુલાકાત લેતો રહયો…!" - આટલું બોલી નાથરાજન પોતાનું કપાળ પકડીને રડવા લાગ્યો.
ત્યારબાદ ન્યાયાધીશ વિનયસિંહ જાડેજાએ પોતાનો નિર્ણય કે પરેશને ફરમાવેલ સજામાં સુધારો કરતાં કહ્યું કે મિ. રાજનાથનને આવું હીન કૃત્ય કરવા બદલ આ કોર્ટ તેને આજીવન કેદની સજા ફટકારે છે, અને પરેશને 10 વર્ષની સખત કેદ ફટકારવામાં આવે છે, અને આની સાથે - સાથે પોલીસ ડિપાર્ટમેન્ટને પણ પોતાની ફરજો પુરી નિષ્ઠાથી બજાવવા માટે વોર્નિંગ આપવામાં આવે છે, અને પી.આઈ. જયેશ નાયકને પોતાની ચાલુ ફરજ દરમિયાન આવી ઘોર બેદરકારી દાખવવા બદલ સર્વિસમાંથી પાંચ વર્ષ માટે સસ્પેન્ડ કરવામાં આથી આદેશ કરવામાં આવે છે…! - પોતાની આંખમાં રહેલા આંસુઓ લૂછતાં ન્યાયાધીશ વિનયસિંહ જાડેજા બોલ્યા.
કોર્ટ શરૂ થઈ ત્યારે જે બધા દ્રઢપણે એવું માનતાં હતાં કે પરેશને એટલે કે આવા ખુંખાર ગુનેગાર ફાંસીને સજા થવી જોઈએ, તે બધા જ વ્યક્તિઓ જ્યારે પરેશને પોલીસ કર્મચારીઓ કોર્ટની બહાર લઈ જઈ રહ્યાં હતાં, તેને માન આપવા કે તેના માનમાં પોતાની ખૂરશી પરથી ઉભા થઇ ગયા, અને બધા જ લોકો પરેશને સલામી કરવા લાગ્યાં….!
મિત્રો, આપણી લાઈફમાં પણ ક્યારેક એવું બનતું હોય છે કે ક્યારેક આપણે આપણી નજીક રહેલા લોકો પર એટલો બધો આંધળો વિશ્વાસ મૂકી દેતા હોઈએ છીએ કે આપણે એવું સપનામાં પણ વિચારેલું ના હોય કે એ આપણી અથવા આપણાં સંતાન સાથે આવું અપકૃત્ય કરશે,જેવું નિખિલે અને રાજનાથને માનસી સાથે કર્યું, અને પરેશની જગ્યાએ આ દુનિયાનો કોઈપણ બાપ હોય, પોતાની દીકરી સાથે આવું કૃત્ય કરનારને સજા મળે તેવું ઇચ્છતો જ હોય છે, પરંતુ જ્યારે એને આપણાં સમાજનાં કાનૂન અને કાયદાઓ તરફથી મદદ નથી મળતી, ત્યારે એક પિતા તરીકે પરેશે જે કર્યું તે યોગ્ય ગણાય ખરું? કદાચ જો પરેશને કાયદા અને કાનૂનની પૂરતી મદદ મળી હોત તો પરેશને આવા પગલાં લેવાની જરૂર પડી હોત…..?