Mariyam Dhupli

Drama Romance Inspirational

4  

Mariyam Dhupli

Drama Romance Inspirational

માંગુ

માંગુ

7 mins
514


આજે યુનિવર્સીટીમાં મારો પહેલો દિવસ હતો. એટલે સવારથીજ હું ખુબજ ઉત્સાહિત હતી. નવા પુસ્તકો, નવા કપડાં, નવા સ્વપ્નો. બધુજ નવું હતું. હું દાદર ઉતરી નીચે આવી. બધાજ પરિવારના સભ્યો એકસાથે નાસ્તો કરી રહ્યા હતા. મારા આગમન પહેલા થઇ રહેલી ચર્ચા અને કાનાફૂસી મારા આગમનથી અચાનક શાંતિમાં ફેરવાઈ ગઈ. બધાની નજર એકબીજા જોડે વારાફરતી મળી રહી હતી. હોઠ ઉપર આવી રહેલ હાસ્યને છુપાવવાનો દરેકનો પ્રયાસ નિષ્ફ્ળ નીવડી રહ્યો હતો. એમના ચર્ચાનો વિષય ચોક્કસ હુંજ હતી.

"શું થયું ?" 

ડાઇનિંગ ટેબલ ઉપર મારા પુસ્તકો એકતરફ મૂકી મેં નાસ્તાની પ્લેટ નજીક સરકાવી. એ દરેકની આંખોમાં ઝળહળી રહેલા રહસ્યને પામવાના હેતુસર મેં મારી આંખો એ દરેક આંખો ઉપર ફેરવી લીધી.

"તારા માટે માંગુ આવ્યું છે." 

અમ્મીના અવાજમાં અદમ્ય ઉત્સાહ હતો. એમણે અબ્બુ તરફ દ્રષ્ટિ કરી. આજે ઘણા સમય પછી એમના ચહેરા ઉપર ખુશીની રોનક જોવાનો અવસર મળ્યો હતો. એમને જોતાજ મારુ મન અત્યંત પ્રસન્ન થઇ ઉઠ્યું. એક તરફ અબ્બાનો હસતો ચહેરો અને બીજી તરફ શિક્ષણ જગતમાં મારુ નવું પગથિયું. હવે શું જોઈએ ? 

મેં સ્પષ્ટ શબ્દોમાં અમ્મીને ફરી એ બધીજ વાત કરી જે દર વખતે હું પુનરાવર્તિત કરતી. 

"અમ્મી તમને કેટલી વાર કહ્યું છે ? મારે નિકાહ નથી કરવા. મારે ભણવું છે. કારકિર્દી બનાવવી છે. જીવનમાં કંઈક કરીને બતાવવું છે...." 

મારા શબ્દો ને આગળ વધતા અટકાવી અમ્મીએ મારો હાથ થામી લીધો. 

"તારા માટે સરફરાઝનું માંગુ આવ્યું છે." 

સરફરાઝ....... 

બસ એ નામ સાંભળતાજ હું સ્તબ્ધ થઇ ગઈ. મારી આંખો નીચે તરફ ઢળી ગઈ. ચહેરા ઉપર પરસેવાના ટીપા એસીની ઠંડી હવા વચ્ચે ક્યાંથી બાઝી ગયા ? જાણે કોઈ જૂનું ખોવાયેલું પુસ્તક વર્ષો પછી હાથ લાગ્યું અને સમયની જોડે પીળા પડી ગયેલા એના પાનાઓ મારી નજર આગળ એક પછી એક ઉઘડવા લાગ્યાં. એ પાનાઓ મને મારા પરિવાર આગળ વાંચવા ન હતા. મને એકાંત જોઈતું હતું. મેં ઝડપથી પુસ્તકો હાથમાં લઇ લીધાં. મારી નાસ્તાની પ્લેટ મને તૂટેલા હૃદયે તાકી રહી. પરિવારના સભ્યોના ચહેરા ઉપર કેવા હાવભાવો હતા એ જાણ્યા, જોયા વિનાજ હું ઘરમાંથી બહાર તરફ નીકળી ગઈ. 

"હું જાઉં છું. મને મોડું થાય છે." 

મારી પાછળ કેટલાક અવાજો પડઘાયા. પણ કોણ બોલી રહ્યું હતું ? શું બોલી રહ્યું હતું ? મને ન તો સંભળાયું. ન તો સમજાયું. ન મને સાંભળવું હતું. ન મને સમજવું હતું. મને એકાંત જોઈતું હતું. એ એકાંતની શોધમાં મેં સામે તરફથી આવી રહેલી ટેક્ષીને સઁકેત આપ્યો. ટેક્ષી શીઘ્ર મારી નજીક આવી થોભી. ટેક્ષીને યુનિવર્સીટીનું નામ કહ્યું અને હું મારા એકાંત જોડે એ ટેક્ષીમાં ઘરથી દૂર નીકળી પડી. 

સરફરાઝ......સરફરાઝ......... 

મનમાંથી એકજ પડઘા સતત પડી રહ્યા હતા. એ નામને ભુલાવી દેવા વર્ષો પ્રયાસ કર્યો હતો. ભારે જહેમત ઉઠાવી હતી. મારા મન અને મગજ બન્નેએ. આજે એની જોડે લગ્ન કરવા માટે આવેલું એક માંગુ જાણે એ બધીજ માનસિક મહેનતના ઉપર નફ્ફટ રીતે પાણી ફેરવવા આવી પહોંચ્યું હતું.

એક સમય હતો જયારે સરફરાઝ મારા હૃદયનો રાજકુમાર હતો. અને એ હતો પણ રાજકુમાર જેવો મોહક. હતો શું ? આજે પણ છે જ. એની ભૂરી આંખો, વાંકડિયા વાળ, ઊંચો કાંઠો, પહોળી છાતી, ગુલાબી હોઠ. ફિલ્મોના અભિનેતા જેવો ટોલ, ડાર્ક અને હેન્ડસમ. એના વિચારોએ એના શરીરની આકૃતિ ટેક્ષીમાં મુસાફરી કરી રહેલ મારી દ્રષ્ટિ આગળ ક્ષણભરમાં ઉભી કરી મૂકી. 

બાળપણથીજ હું એના પ્રેમમાં હતી આંધળા પ્રેમમાં. એની આગળ કશું દેખાતું નહીં અને એના સિવાય કશું સુજતુ નહીં. કેટલા બધા મારી ઉંમરના બાળકો મારી આજુબાજુ હાજર હોય. પણ મને તો એની જોડેજ રમવું ગમે. કેટલીવાર હું એને મારી જોડે રમવા રીઝવતી, મનાવતી અને અથાક પ્રયત્નોને અંતે એ ક્યારેક માની જતો. હું મારું રમકડાંનું કિચન સેટ રાજી રાજી ગોઠવતી અને એ ઓફિસેથી પરત આવવાનો અભિનય કરતો. હું એના માટે અમસ્તુજ ભોજન પીરસતી. એ જમવાનો અભિનય કરતો અને પછી ન ભાવ્યું હોય એમ ચહેરા બનાવતો. હું એના પાછળ દોડતી અને એ મજા લઇ ભાગતો. આંખે પાટા બાંધી હું દાવ આપતી ત્યારે અનેક મિત્રો વચ્ચે હું હમેશા મીંચાયેલી આંખો જોડે પણ એને જ પકડી પાડતી. એ દાવ આપે ત્યારે હું એમજ ઈચ્છું કે એ ફક્ત મનેજ પકડી પાડે. પણ એ કદી થતું નહીં. અમ્મીએ કંઈક સારી મીઠાઈ બનાવી હોય કે સમોસા. હું એનો હિસ્સો કાયમ અલગથી રાખતી. બાળપણથી ધીમે ધીમે મારો પ્રેમ યુવાનીમાં પ્રવેશ્યો. બાળપણની રમતો હવે સાચા સ્વપ્નમાં બદલાઈ ગઈ. 

અબ્બુ ઇચ્છતા હતા કે હું ભણું. મારા પગ ઉપર ઉભી રહું. મારી બહેનો ને પણ તેઓ અભ્યાસ ઉપર ધ્યાન આપવાનું કહેતા. ભણતરજ અમારું ભવિષ્ય સુધારી શકે છે એવું એ સ્પષ્ટ કહેતા અને માનતા પણ. પોતાને ભણતરની તક મળી હોત તો કદાચ અમારા ઘરની પરિસ્થિતિ જુદી હોત એવું એ વાતે વાતે કહેતા. એમની એ વાત સાચી પણ હતી. પરંતુ એ સમયે મારી આંખો આગળ સરફરાઝની દુલહન બનવાના સ્વપ્નો રમતા રહેતા. મારા હાથોના મહેંદી સજી હોય , એ મહેંદીમાં કશેક એનું નામ છુપાયું હોય અને મારી સખીઓ મહેંદીની બારીક નકશીમાંથી એ નામ શોધતી હોય,મને સરફરાઝ નું નામ લઇ ચિઢવતી હોય અને મારા ગાલ ઉપર પડતા ડિમ્પલ જોડે હું શરમાતી મન્દ મન્દ હસ્તી હોઉં.એ દ્રશ્યો મારી નજર ઉપર ચોવીસ કલાક છવાયેલા રહેતા. એ ઓફિસેથી આવે. હું એના માટે ચા બનાવું. ક્યારેક જલેબી તો ક્યારેક હલવો તૈયાર કરું. એનો હાથ પકડી સમુદ્રની રેતીમાં ડગલાં ભરું. એ મારા ખોળામાં નિરાંતે માથું ટેકવે અને હું મારા સુંવાળા હાથ એના વાંકડિયા વાળમાં ધીમે ધીમે ફેરવું. કેટલો પ્રેમ, કેટલા અરમાનો મારા હૃદયમાં મેં શણગાર્યા હતા.

ટેક્ષીમાં હવા જોડે ઉડી રહેલા મારા વાળ ને નિયઁત્રણમાં રાખતા મારી નજર મોબાઈલ ઉપર પડી. ભૂતકાળની યાદમાંથી ઉઘરી હું વર્તમાન પરિસ્થિતિથી સભાન થઇ. અમ્મી કોલ કરી રહ્યા હતા. ઘરે બધા મારો નિર્ણય જાણવા આતુર થયા હતા. મારા ભવાં સંકોચાયા. મારું એકાંત ભંગ કરી રહેલા ફોનને મેં સાઇલેન્ટ મોડ ઉપર મૂકી દીધો. વર્તમાનના મોઢે જાણે ચૂપ રહેવા માટે આંગળી મૂકી હું ફરી એ ભૂતકાળના પીળા પડી ચૂકેલા પાનાઓ તરફ ફરી. મારો નિર્ણય એજ પાનાઓમાં કશે છુપાયો હતો.

સરફરાઝ મારી ફોઈનો એકનો એક દીકરો હતો. મારી ફોઈના લગ્ન એક સધ્ધર પરિવારમાં થયા હતા. સરફરાઝ પોતાના અમ્મી- અબ્બાના લાડકોડ વચ્ચે ઉછરેલો દીકરો હતો. ભણવામાં એ બહુ હોંશિયાર ન હતો. હમેશા નાપાસ થતો. મિત્રો જોડે બાઈક ઉપર ફરતો રહેતો. પણ ફોઈ અને ફુઆબાજીને કશો ફેર પડતો ન હતો. ફુઆબાજીની ગાર્મેન્ટ્સની દુકાન સારી એવી ચાલતી હતી. આર્થિક પરિસ્થિતિ સરસ હતી. પણ મારા અબ્બુની કરિયાણાની દુકાન ખુબજ મન્દ હતી. ઘરમાં ઘણી આર્થિક સમસ્યાઓ રહેતી. વિસ્તારમાં નવા શરૂ થયેલા સુપર સ્ટોરને કારણે અબ્બુની દુકાન ખોટમાં ચાલી રહી હતી. ત્રણ દીકરીની જવાબદારી માથે હતી. અમ્મી પણ ઘણી ચિંતિત રહેતી. એમણે મારી આંખોમાં સરફરાઝ અંગેના ભાવો વાંચી લીધા હતા. તેથીજ કદાચ અબ્બુને ફોઈ જોડે વાત કરવા મનાવી લીધા. હું તો સાતમા આસમાને પહોંચી ગઈ હતી. અબ્બુ ફોઈ જોડે વાત કરશે ને મારા તરફથી ' કબૂલ હે, કબૂલ હે, કબૂલ હે' 

એ દિવસે હું અને અમ્મી આતુરતાથી અબ્બુની રાહ જોઈ રહ્યા હતા. અમ્મીએ તો ખીર પણ બનાવી રાખી હતી. મારી જોડે નિકાહમાં હું કેવો ઘાઘરો પહેરીશ , લગ્ન કયા હોલમાં કરીશું, મહેંદી કોણ મુકશે એ બધી ચર્ચાઓ પણ થઇ ગઈ હતી. એ ખુબ ખુશ હતા. મારા માટે, મારી ખુશી માટે, મારા સ્વપ્નનો રાજકુમાર બારાત લઇ ક્યારે આવશે ? એની આતુરતા મારા કરતા વધુ એમની આંખોમાં છલકાઈ રહી હતી.

અબ્બુ ફોઈ જોડે વાત કરીને ઘરે પરત થયા ત્યારે અમ્મી પાણીનો ગ્લાસ લઇ અબ્બુ નજીક ધસી ગયા હતા. પણ અબ્બુએ પાણીનો ગ્લાસ હાથમાં પણ ન લીધો. જે રીતે એ પોતાની આરામ કુરશી ઉપર ફસડાઈ પડ્યા એ જોતા મારુ હ્ય્યુ ફાટી પડ્યું. ફોઈનો જવાબ અબ્બુ એ શબ્દે શબ્દ અમ્મીને કહ્યો. એ કઠોર શબ્દોએ મારા સ્વપ્નના મહેલને જાણે એક જોરદાર લાત મારી વેરવિખેર કરી મુક્યો.

"જુઓ ભાઈજાન. હું આપની અને ભાભીની ખુબજ ઈજ્જત કરું છું. સરફરાઝ અમારો એકનો એક દીકરો છે. એના માટે અમે ઘણા સપનાઓ જોયા છે. અમે એને પરદેશ મોકલીશું. ઘણી જગ્યાએ વાત ચાલી રહી છે. સરફરાઝને પણ ફોરેન જવું છે. આયશા તો મારી દીકરી જેવી છે. તમે એની ચિંતા ન કરો. એના માટે આપણે કોઈ સારો યુવક શોધી કાઢીશું. "

એ દિવસે હું ભાંગી ગઈ હતી. મારા હૃદયના કટકેકટકા થઇ ગયા હતા. મારા માટે અબ્બાએ સામે ચાલીને વાત કરી હતી. અમ્મી- અબ્બાનું સ્વમાન હણાયું હતું. અને એની જવાબદાર હું હતી. એ માંગુ ત્યાં પહોંચે એ ઈચ્છા મારીજ તો હતી. હું કેટલું રડી હતી ? જાતને એ પ્રશ્ન પૂછ્યો અને ટેક્ષીની બારી બહાર તકાયેલી મારી આંખોમાંથી એક આંસુની ઉષ્ણ બુંદ મારા ગાલ ઉપર ધીમે રહી સરી આવી. એ બૂંદને હાથ વડે સરકાવી જ કે ટેક્ષીને બ્રેક લાગી. 

પૈસા ચૂકવી હું ટેક્ષીમાંથી બહાર ઉતરી. મારા હાથમાંના પુસ્તકો મારી છાતીની વધુ નજીક આવી પહોંચ્યા. ટેક્ષી મને અને મારા એકાંતને લક્ષ્ય સુધી પહોંચાડી જતી રહી. મારી આંખો સામે યુનિવર્સીટીનું વિશાળ કેમ્પસ હતું. સાઇલેન્ટ મોડ ઉપરનો ફોન ફરી રણક્યો. જાણે બે વિકલ્પો મને પોતાની પસંદગી માટે આમંત્રણ આપી રહ્યા હતા. પણ પસંદગી એકનીજ શક્ય હતી. 

મેં ફોન ઉપાડ્યો અમ્મી નો અવાજ મારા કાને પડ્યો.

"આયશા, આમ કેમ જતી રહી બેટા ? ફોઈ સાંજે ફરી કોલ કરશે. એમને શું જવાબ આપું ?" 

મેં મક્કમ હૃદયે કહી દીધું, 

"એમને ના પાડી દેજો. મારે ભણવું છે. મારી કારકિર્દી બનાવવી છે. મારે નિકાહ નથી કરવા." 

"પણ તું સરફરાઝને....." 

અમ્મી વાતને આગળ વધારે એ પહેલાજ મેં ચોખવટ કરી નાખી. 

" ના , હું એને નથી ચાહતી અને એ મારી જોડે નહીં આ દેશની નાગરિકતા જોડે લગ્ન કરવા ઈચ્છે છે. જયારે ભારતમાં આપણી આર્થિક પરિસ્થિતિ ખરાબ હતી ત્યારે તો........જો મામુ અને નાનાએ આપણને અહીં કેનેડા ન બોલાવી લીધા હોત અને આપણને અહીંની નાગરિકતા ન મળી હોત તો શું આ માંગુ કદી આવ્યું હોત ?"

અમ્મી પાસે મારા પ્રશ્નનો કોઈ ઉત્તર ન હતો. સામે છેડેથી કોલ તદ્દન મૌન હતો. એ મૌનને તોડતા મેં વ્હાલ પૂર્વક કહ્યું,

" આજે મારી યુનિવર્સીટીનો પહેલો દિવસ છે.નાવ વિશ મી લક." 

"ઑલ ઘી બેસ્ટ !"

અમ્મીનો અવાજ થોડો ગળગળયો હતો. પણ એમાં મારા પ્રત્યેના માન અને ગર્વનો સ્પષ્ટ પડઘો પડી રહ્યો હતો. કોલ કપાયો. અમ્મીની દુઆઓ સાથે લઇ હું જીવનને સ્વમાન જોડે શણગારવાના નવા સ્વપ્નને સાકાર કરવા હોંશે હોંશે પરદેશની એ પ્રખ્યાત યુનિવર્સીટી તરફ ડગલાં માંડી રહી. 


Rate this content
Log in

Similar gujarati story from Drama