Nilang Rindani

Tragedy Thriller

4  

Nilang Rindani

Tragedy Thriller

મા નો રોટલો

મા નો રોટલો

10 mins
195


કાશીપુર ગામ આમ તો ઘણું નાનું, પરંતુ વિકાસની દૃષ્ટિ એ તે અગ્રેસર હતું. સહેજે આઠ - દસ હજારની વસ્તીવાળું ગામ અને તેમાં મુખ્યત્વે બ્રાહ્મણ અને દરબારોના પરિવારો વસે. બ્રાહ્મણ લોકો કર્મકાંડ તથા પૂજા પાઠ કરી ને તેમનું ગુજરાન ચલાવતા અને દરબારો તેમની જમીનો ઉપર શાકભાજી અને બીજું બધું ધાન્ય ઉગાડી અને તેને વેચી ને તેમનું ગુજરાન ચલાવતા હતા. બંને કોમ એક બીજાને સાથ સહકાર અને સંપીને રહેતી હતી, એટલે એમ જોવા જાઓ તો રામ રાજ્ય હતું. ગામના સરપંચ ડુંગર સિંહ ભા, એક ખૂબ પરોપકારી અને દયાળુ વ્યક્તિ હતા. ગામના વિકાસ માટે તે આકાશ પાતાળ એક કરી દેતા હતા. શહેરમાં પણ તેમની સરકારી કચેરીઓમાં સારી એવી ઓળખ હતી એટલે ગામમાં કંઈ પણ સુખ સુવિધાની જરૂર પડે એટલે તે કામ ત્વરિત ગતિએ થઈ જતું. ગામની નજીકથી એક નદી પસાર થતી હતી અને તેમાં બારે માસ પાણી પણ સારું એવું રહેતું. સરપંચ ડુંગર સિંહ ભા ને એક દિવસ વિચાર આવ્યો કે જો આ નદી ઉપર ડેમ બાંધવામાં આવે તો પાણીનો સારો એવો સંગ્રહ થઈ શકે અને તેનો ઉપયોગ ખેતી, વીજળી ઉત્પાદન અને પીવાના પાણી તરીકે પણ થઈ શકે. અને ડુંગર સિંહ ભા તો પહોંચી ગયા હતા શહેરમાં આવેલી સરકારી બાંધકામ શાખા મા. ત્યાં જરૂરી રજૂઆતો કરી અને તેના ઉપર થી બાંધકામ શાખા એ નક્કી કર્યું કે એક ઈજનેર ને કાશીપુર ગામમાં સ્થાયી કરવો અને તે ઈજનેર બાંધકામ શાખા ને તેનો બે - ત્રણ મહિનામાં અહેવાલ આપે પછી ડેમ નું બાંધકામ શરૂ કરવું. બાંધકામ શાખામાં કશ્યપ ઘારેખાન કરી ને એક યુવાન સિવિલ ઈજનેર હજી ૧ વર્ષ પહેલાં જ જોડાયો હતો, તેની પસંદગી થઈ અને નક્કી થયું કે તેને કાશીપુર મોકલવો. કશ્યપ ની ઉંમર લગભગ ૨૬ વર્ષ ની હશે. યુવાન હતો એટલે તરવરાટ પણ ઘણો અને તે ઉપરાંત એક ખૂબ જ મહત્વ ના પ્રોજેક્ટ માટે તેની પસંદગી થઈ હતી એટલે તે ઘણો જ ઉત્સાહી હતો. ઈજનેરી ને લગતું જરૂરી સાહિત્ય, જરૂરી ચીજ વસ્તુઓ, કપડાં અને અમુક દવાઓ સામાનમાં લઈ ને કશ્યપ ઘારેખાન તો પહોંચી ગયો કાશીપુર.

ગામમાં પહોંચતાની સાથે જ ડુંગર સિંહ ભા પોતે અને અમુક ગામના આગેવાનો એ કશ્યપનું ભાવભીનું સ્વાગત કર્યું. ગામમાં મહાદેવના મંદિરની બાજુમાં જ એક નાનું પણ રહેવાલાયક ઘર તેને ફાળવી આપવામાં આવ્યું. કશ્યપ ના આવ્યા પહેલાં જ તે ઘરની સાફસૂફી કરાવી દીધી હતી. અમુક જરૂરી વસ્તુઓ જેવી કે નાહવાની બાલટી, ડબલું, પાણીનું માટલું, એક ખાટલો, ગાદલું, ઓશીકું, ચાદર અને ઓઢવાનું પણ મૂકાવી દીધું હતું. કશ્યપની ઓળખાણ બધા આગેવાનો સાથે કરાવી ને હજી બેઠા જ હતા ત્યાં સવજી ચ્હા વાળો એક કીટલીમાં ચ્હા લઈ ને આવી ગયો. બધા એ ચ્હા ને ન્યાય આપ્યો અને ઊભાં થયા. ડુંગર સિંહ ભા એ હાથ જોડી ને..."કશ્યપ ભાઈ, આપ અમારા ગામ ના મહેમાન છો અને અમારા ગામ ના સર્વાંગી વિકાસ માટે શહેર છોડી ને અહીં પધાર્યા છો તે બદલ આપનો અંતઃકરણ થી મારા અને ગામવાસીઓ તરફ થી આભાર. આપ થાકી ગયા હશો..તો થોડો આરામ કરો, સંધ્યા ટાણે મારો માણસ તમને તેડવા આવશે...આજ રાત નું વાળુ આપ મારા આંગણે પધારી ને કરશો તો મને અને અમારા ઠકરાણા ને ઘણો આનંદ આવશે".. કશ્યપે પણ સસ્મિત આમંત્રણ સ્વીકારી લીધું અને આભારવશ પ્રતિભાવ સાથે..."ડુંગર ભા....આપનું આમંત્રણ મારા આંખ માથા ઉપર...હું જરૂર આવીશ દરબારનું આતિથ્ય માણવા". અને સાંજે નિર્ધારિત સમયે કશ્યપ પહોંચી પણ ગયો ડુંગર સિંહ ભા ની હવેલી એ. વાળુમાં બાજરા ના રોટલા, લસણની ચટણી, ઘઉં નો લોટ અને ઘી ના લાડુ, રીંગણા બટેટાનું શાક અને માખણથી તરબતર છાશ....કશ્યપ તો આ કાઠિયાવાડી ભોજન અને દરબારનું આતિથ્ય માણી ને કૃતકૃતાર્થ થઈ ગયો. તેમનો હૃદયપૂર્વક આભાર માની ને કશ્યપ ફરી પાછો તેના રહેણાંક ઉપર આવી ગયો અને ખાટલામાં પડ્યા ભેગો જ નિંદ્રા દેવીને શરણે જતો રહ્યો.

બીજા દિવસની પરોઢ..કશ્યપ જલ્દીથી સ્નાનાદીક કાર્ય પતાવી ને ડેમની સાઈટ ઉપર પહોંચી ગયો. ગામમાં એક જણા નું દ્વિચક્રી વાહન હતું, તે સરપંચે અપાવી દીધું હતું. ડેમની સાઈટ ગામથી લગભગ ૭-૮ કિમી દૂર હતી એટલે પહોંચતા બહુ સમય નહોતો લાગ્યો. પહેલા દિવસે તો ફક્ત તે સાઈટની આસપાસ ની જગ્યા નો અભ્યાસ કરવામાં જ સમય નીકળી ગયો. પહેલા દિવસનો જરૂરી અહેવાલ તૈયાર કરી લીધો અને પોતાના લેપટૉપ થી તેના ઉપરી ને તે મોકલી પણ દીધો. સાંજ ના લગભગ ૭ વાગવા આવ્યા હશે....કશ્યપ થોડો થાકેલો પણ હતો એટલે બધું આટોપી ને તે સાઈટ ઉપર થી નીકળ્યો. થોડો જ આગળ નીકળ્યો હશે અને રસ્તા ની એક બાજુ એક ઝૂંપડું જોયું. ઝાંખી ઝાંખી વીજળી નો ગોળો સળગી રહ્યો હતો. કુતૂહલવશ કશ્યપે તેનું દ્વિચક્રી વાહન ને ઝૂંપડા આગળ ઉભુ રાખ્યું અને અંદર ડોકિયું કર્યું...અંદર થી ટપ...ટપ...ટપ અવાજ આવતો હતો. જોયું તો એક સહેજે ૬૪-૭૦ વર્ષ ના ડોશીમા રોટલો બનાવતા હતા...એક રોટલો તો ચૂલા ઉપર મુકેલી માટી ની તાવડી ઉપર શેકાઈ જ રહ્યો હતો. ડોશીમા ને લાગ્યું કે કોઈ આંગતુક દરવાજે આવ્યો છે, એટલે તેમણે રોટલો ટીપવાનું છોડી ને ઉપર જોયું..કશ્યપ ને ઉભેલો જોયો..કરચલી થી જર્જરિત ચહેરા ઉપર આછું આછું સ્મિત લહેરાઈ ઉઠ્યું.."આવ દીકરા..અંદર આવ..કોણ છો તું ? ભૂલો પડ્યો છે ?" હથેળી ને આંખો ઉપર ટેકવી ને ઝીણી આંખો થી કશ્યપ ને માપવા ની કોશિશ કરી....કશ્યપ ઉંબરામાં જ ઊભો હતો.."માંજી....હું અહીં થી નીકળતો હતો....તમારા ઝૂંપડા ની બત્તી બળતી જોઈ એટલે ઊભો રહી ગયો..પાણી પીવું છે..થોડું પિવળાવશો ?" કશ્યપે પાણી પીવાની ઈચ્છા દર્શાવી..ડોશીમા ધીરે થી હાથ ને ટેકે ઊભા થયા અને...."અરે દીકરા, આવ આવ....પાણી પણ આપું અને વાળુ ના સમયે જ આવ્યો છે તો રોટલો પણ ખાઈ ને જા....ગામ ના લોકો મને શાંતા બા ના નામ થી ઓળખે છે"..આટલું કહી ને શાંતા બા એ એક પાથરણું કશ્યપ માટે પાથરી આપ્યું..ખૂણામાં મુકેલ એક કાળા રંગ ના માટલામાંથી એક પ્યાલામાં પાણી ભરી ને કશ્યપ ને આપ્યું. શીતળ જળ થી તૃપ્ત થયો કશ્યપ....હજી તો થોડો ઠરીઠામ થાય તે પહેલાં તો શાંતા બા એક માટી ની બનેલી થાળી જેવા આકાર ના વાસણમાં ગરમ ગરમ રોટલો, લસણ ની ચટણી અને માટી ના જ ગ્લાસ જેવા પવાલાંમાં છાશ લઈ ને કશ્યપ ને સમક્ષ ધરી દીધી. કશ્યપ તેમને ના ના પાડી શક્યો અને પ્રેમ થી રોટલો અને ચટણી આરોગવા લાગ્યો....શાંતા બા પણ તેની નજીક બેસી ગયા.."દીકરા, શું નામ છે તારું ? કયે શહેર થી આવ્યો છે ?"...શાંતા બા ના પ્રશ્નો ના જવાબ આપી ને કશ્યપે શાંતા બા ને પૂછ્યું...."શાંતા બા, શું તમે અહીં એકલાં જ રહો છો ? અને તે પણ ગામ થી થોડું આઘું ? કોણ છે તમારા પરિવાર મા ?"...કશ્યપ નો છેલ્લો પ્રશ્ન સાંભળી ને શાંતા બા થોડાં વ્યથિત થઈ ગયા....૭૦ વર્ષ જૂની આંખમાં થી આંસુ કરચલીઓ ની ક્યારી ઓ થી વહેવા લાગ્યા..કશ્યપ થી આ છૂપું ના રહ્યું..."શાંતા બા, શું થયું ? તમારી આંખમાં આંસુ કેમ ? મને કહેશો તો ગમશે"..કશ્યપે જાણવા ની કોશિશ કરી..શાંતા બા એ તેની મેલી ઘેલી શ્વેત કહી શકાય તેવી સાડી ના છેડા થી આંખ ને ખૂણા લૂછ્યા અને...."દીકરા, હું એકલી જ રહું છું...ઈશ્વર ને પ્રાર્થના કરું છું કે જલ્દી તેની સેવા ચાકરી કરવા મને તેડાવી લે..."કશ્યપ ખાતાં ખાતાં અટકી ગયો "શાંતા બા, કેમ એવું કહો છો ? શું કોઈ પણ નથી તમારા કુટુંબ મા ?" કશ્યપ ના આ પ્રશ્ન નો જવાબ આપવામાં થોડી ક્ષણો નો સમય લીધો શાંતા બા એ....પાણી નો ઘૂંટડો ભરી ને થોડા સ્વસ્થ થયા અને.."દીકરા, મારું કુટુંબ પણ હર્યુંભર્યું હતું....રણમલ, એટલે કે મારો દીકરો, તે સેનામાં ફરજ બજાવતો હતો. રણમલ ના પિતા તો ક્યારના મોટે ગામતરે ઉપડી ગયા હતા, તેમના ગયા પછી રણમલ જ મારું સર્વસ્વ હતો." શાંતા બા થોડા અટક્યા અને ત્યાં જ કશ્યપે વાત નો દોર સાધ્યો...."શાંતા બા, તો તમારો દીકરો ક્યાં છે અત્યારે ?" કશ્યપ ના આ પ્રશ્નનો જવાબ આપવામાં શાંતા બા ને હિંમત એકઠી કરવી પડી...."રણમલ તેના પિતા ને રસ્તે ચાલી નીકળ્યો છે" અને આટલું બોલતાં બોલતાં શાંતા બા થી ડૂસકું નખાઈ ગયું....કશ્યપ ને પણ પોતાને અપરાધભાવ થવા લાગ્યો. તેને થયું કે મેં પૂછ્યું એટલે શાંતા બા એ જવાબ આપવો પડ્યો અને તેમને દુઃખ પહોંચ્યું..હજી તો કશ્યપ આગળ કઈં વિચારે તે પહેલાં જ.."રણમલ ને સેનાંમાં થી એક મહિના ની રજા મળી હતી. બે વર્ષ પછી આવતો હતો. ગામ ની ટપાલ ખાતા ની કચેરી એ તેનો ટેલિફોન આવ્યો હતો....કે તે નીકળી રહ્યો છે અને મારી પાસે લગભગ બપોર સુધી પહોંચી જશે...મને કહી રાખ્યું હતું કે તે આવે એટલે મારા હાથ ના રોટલા અને ચટણી ખાવા છે....અને હું પણ હરખધેલી થઈ ને તે આવવાનો હતો તેના અમુક સમય પહેલાં થી જ તેને ભાવતા રોટલા, ચટણી અને ઘઉં ના લોટનાં લાડુ બનાવી રાખ્યા હતા"..શાંતા બા ને થોડો શ્વાસ ચડી ગયો..પાણી નું પવાલું મોઢે માંડી ને ફરી પાછા સ્વસ્થ થયા અને ફરી પાછો વાત નો સેતુ સાધ્યો.."હું તો હરખપદુડી થઈ ને આ દરવાજે તેની કાગ ને ડોળે રાહ જોઈ રહી હતી...બપોર ની સાંજ થઈ પરંતુ રણમલ ના આવ્યો એટલે મને ચિંતા થવા લાગી....પણ ત્યાં જ ગામ ના અમુક લોકો એક મોટી સફેદ ગાડીમાં આવ્યા...મને તો કંઈ ખબર પડી નહીં....અને અને..."શાંતા બા ફરી પાછા રોકાઈ ગયા...કરચલી ની ક્યારી ઓ ફરી પાછી આંસુ થી ભીની થઈ ગઈ....માંડ માંડ સ્વસ્થતા કેળવી ને શાંતા બા ફરી પાછા...."ગાડીમાં થી સફેદ કપડાં થી લપેટાયેલું એક શરીર ઉતાર્યું..સરપંચ પણ સાથે જ હતા..મેં જોયું તો રણમલ તેમાં લપેટાયેલો હતો....તેનો ચહેરો ઘવાયેલો હતો....મને કહેવામાં આવ્યું કે તે જે બસમાં આવતો હતો તેને અકસ્માત નડ્યો અને તેમાં તેનું મૃત્યુ થયું છે...દીકરા, મેં બનાવેલા રોટલા, ચટણી અને લાડુ જેમ ના તેમ પડી રહ્યા..કેટલી હોંશે બનાવ્યા હતા અને મારો રણમલ તે ખાધા વગર જ મને છોડી ને જતો રહ્યો"....શાંતા બા ની હિંમત નો સેતુ હવે તૂટી પડ્યો અને ધુસ્કે ને ધ્રુસકે રોઈ પડ્યા..કશ્યપ પણ ગળગળો થઈ ગયો....તેની આંખોમાં થી પણ આંસુ વહેવા લાગ્યા...તે શાંતા બા ને આશ્વાસન પણ ના આપી શક્યો.. જતાં જતાં એટલું જ કહી શક્યો કશ્યપ "શાંતા બા..તમારો દીકરો જે સમજજો મને અને હું આવતો રહીશ તમારા હાથ ના રોટલા ખાવા"..શાંતા બા રાજી થઈ ગયા અને શબ્દો સરી પડ્યા તેમના બોખા મોઢાંમાં થી..."આવજે દીકરા, આજે મને એમ થયું કે મેં મારા રણમલ ને જમાડ્યો છે..તું આવતો રહેજે દીકરા, હું રાહ જોઈશ તારી". કશ્યપ ભારે પગલે અને હૈયે ત્યાંથી નીકળી ગયો....ખૂબ મોડું થઈ ગયું હતું..રાત ના લગભગ ૧૨ વાગ્યા હશે..તેના રહેણાંક ઉપર પહોંચી ને ખાટલા ઉપર આડો પડ્યો...શાંતા બા અને તેમની વાતો એ તેના મસ્તિષ્ક ઉપર કબજો જમાવી દીધો હતો....વિચારો નો વંટોળ ઉઠ્યો હતો તેના મસ્તિષ્ક મા..અને ક્યારે તેની આંખો મળી ગઈ તેની ખુદ ને જે ખબર ના પડી.

કશ્યપને સવારે ઊઠવામાં થોડું મોડું થઈ ગયું..માથું પણ સહેજ ભારે લાગતું હતું.... કોઈક પણ કારણોસર આજે તેને સાઈટ ઉપર જવાની ઈચ્છા નહોતી થતી. સવાર ના ૯ વાગી ચૂક્યાં હતા..થોડો સ્વસ્થ થયો જ હતો ત્યાં તો બારણાંમાં ડુંગર સિંહ ભા નું આગમન થયું...."કાં કશ્યપ ભાઈ, આજે કેમ મોડા છો ? તબિયત પાણી તો સારા છે ને ? કઈં જોઈતું કરતું હોય તો બેધડક કહી દેજો." ડુંગર સિંહ ભા એ તો પ્રશ્નો ની ઝડી વરસાવી..કશ્યપે વળતો પ્રતિભાવ આપ્યો..."ડુંગર સિંહ ભા....આપની દયા છે, તબિયત પણ સારી છે અને કઈં પણ જોઈતું હશે તો આપને જ કહીશ..આ તો ગઈકાલે રાત્રે ઘણું મોડું થઈ ગયું હતું એટલે ઉઠવામાં પણ વાર લાગી અને માથું પણ થોડું ભારે લાગતું હતું, એટલે થયું કે આજે ઘરે આરામ કરી લઉં"....ડુંગર સિંહ ભા તો તરત જ ઉભા થઈ ગયા અને "અરે કશ્યપ ભાઈ, ઉભા રહો હું સવજી ને કહું છું તમને આદુ વાળી ચ્હા બનાવી ને આપી જાય..પણ ડેમની સાઈટ ઉપર આટલું બધું કામ રહે છે કે તમને રાત્રે મોડું થઈ ગયું ? બધું બરાબર તો ચાલે છે ને ?" ડુંગર સિંહ ભા એ ચિંતાતુર વદને પૂછ્યું....અને કશ્યપે તેમની શંકાનું સમાધાન કરતાં...."અરે ના રે ના ડુંગર સિંહ ભા...હજી તો એવું કઈં જ નથી પરંતુ ગઈકાલે આવતી વખતે રસ્તામાં એક ઝૂંપડું આવ્યું અને ત્યાં રહેતા શાંતા બા ના હાથ ના રોટલા ખાતા ખાતા અને તેમની વાતો સાંભળવામાં સમય ક્યાં વિતી ગયો તે ખબર જ....." અને હજી તો વાક્ય પૂરું થાય તે પહેલાં જ ડુંગર સિંહ ભા ઉભા થઈ ને.."કશ્યપ ભાઈ, શું કહ્યું તમે ? તમે એમ કહો છો કે રસ્તામાં આવેલ ઝૂંપડામાં રહેતા શાંતા બા ના ઘરે તેમના હાથ ના રોટલા ખાધા અને તેમની સાથે વાતો કરી ?" ડુંગર સિંહ ભા ના ચહેરા ના હાવભાવ ક્ષણવારમાં બદલાઈ ગયા...થોડી ચિંતા, થોડો ગભરાટ અને થોડા આશ્ચર્ય ભાવ તેમના ચહેરા ઉપર ઉપસી આવ્યા..ફરી પાછી ખાતરી કરતા હોય તેમ તેમણે ફરી પાછું કશ્યપ ને પૂછ્યું..."કશ્યપ ભાઈ, તમે શાંતા બા ના ઝૂપડે ગયા હતા અને ત્યાં તમે જમ્યા પણ ખરા ? તમે ભાનમાં તો છો ને કશ્યપ ભાઈ ?"....કશ્યપ ને કઈં જ સમજાતું નહોતું કે આ ડુંગર સિંહ ભા શું પૂછી રહ્યા છે.."ડુંગર સિંહ ભા, હું ગઈકાલે શાંતા બા ના ઝૂંપડે જે હતો અને તેમણે તેમના હાથે બનાવેલ રોટલા અને લાડુ ખવડાવ્યા, પણ તમને વિશ્વાસ કેમ નથી આવતો ? હું સાચું જ કહું છું...એમાં ખોટું શું છે ?" કશ્યપ પણ આકુળવ્યાકુળ થઈ ગયો હતો હવે....ડુંગર સિંહ ભા એ થોડો શ્વાસ ખાધો અને પછી એ જે બોલ્યા છે તે સાંભળ્યા પછી કશ્યપ ના પગ તળેથી જમીન સરકી ગઈ હતી....ધરતી ગોળ ગોળ ફરતી લાગી.... કપાળે પરસેવો વળી ગયો....આંખો વિસ્મયથી ફાટી ચૂકી હતી....હોઠ કંઈક બોલવા માટે ફફડી રહ્યા હતા પણ શબ્દો જાણે કે બહાર આવવા જ ના માંગતા હોય...."કશ્યપ ભાઈ, તમે જે શાંતા બા ને મળ્યા, એમને તો ગુજરી ગયે ૫ વર્ષ થઈ ગયા છે....ત્યાર પછી એ ઝૂંપડું તો અવાવરૂ દશામાં જ છે....તેમનો દીકરો રણમલ સેનામાં ભરતી હતો અને અહીં આવવા માટે નીકળ્યો અને રસ્તામાં તેને અકસ્માત નડ્યો અને તેમાં તેનું મૃત્યુ થયું..મને હજુ પણ યાદ છે એ ગોઝારો દિવસ..શાંતા બા એ તેમના દીકરા માટે તેનું ભાવતું ભોજન બનાવી રાખ્યું હતું અને તેમની ઈચ્છા હતી કે તેમના હાથેથી તેમના દીકરા ને જમાડે, પરંતુ વિધિ ને કંઈક ઓર જ મંજૂર હતું....તેમની ઈચ્છા પૂરી ના થઈ શકી....કશ્યપ ભાઈ, કદાચ તેમની આ ઈચ્છા પૂરી કરવા માટે જ શાંતા બા નો આત્મા આવ્યો હશે અને તમને જમાડી ને તેમના દીકરા ને જમાડી લીધા નો સંતોષ મેળવ્યો હશે..." ડુંગર સિંહ ભા એ પોતાનું બોલવાનું પૂરું કર્યું..પણ કશ્યપ ની આંખો આ બધું સાંભળ્યા પહેલાં જ વહેવા માંડી હતી..બેસી પડ્યો કશ્યપ ખાટલામાં અને બંને હાથે પોતાનું માથું પકડી ને ચોધાર આંસુ ઈ રોઈ પડ્યો..કોઈ શબ્દો નહોતા તેની પાસે..કદાચ શબ્દો એ આંસુનું સ્વરૂપ પકડી લીધું હશે...કશ્યપ હજી પણ તે ઘરડી માં ના પ્રેમના પ્રવાહમાં તણાતો ચાલ્યો હતો.....અને તેના મનમાં તે દીકરા પ્રત્યેનો પ્રેમ અને એજ માં ના રોટલાનો ટપ..ટપ...ટપનો અવાજ ગુંજી રહ્યો હતો.


Rate this content
Log in

Similar gujarati story from Tragedy