મા - ભગવાનનું સાકાર સ્વરૂપ
મા - ભગવાનનું સાકાર સ્વરૂપ
હા... આપણે સૌ માનીએ છીએ કે ભગવાન છે પરંતુ આપને ક્યારેય તેમને પોતાની નજરે જોયા છે ખરા ? અરે..ક્યાંથી જોઈ શકો એતો નિરાકાર છે આપને તો બસ ચિત્રોમાં જોઈને એના નામકરણ કરી દીધા છે અરે... એ પણ આપણા આપેલા સ્વીકારેલા તો છે.પણ કદાચ અનુભવ તો મારા જેવા કેટલાય કર્યો જ હશે. હા..પણ મે તો ભગવાનનું સાકાર સ્વરૂપ જોયું છે, અરે..ભગવાનને પણ દુર્લભ એવું પૂર્ણ સમર્પિત નિ:સ્વાર્થ પ્રેમની મૂર્તિ કોઈ પણ સંજોગ, કે ગમેતેવી પરિસ્થિતિમાં પણ જેના પ્રેમના પ્રવાહ માં કઈ આંચ સરખી ના આવે એવી આપણા કરતા પણ આપણા પર વધારે વિશ્વાસ રાખે અને અસંભવ ને પણ સંભવ કરી શકે તેવી અપાર શક્તિ નો ભંડાર અરે..જરૂર પડે બધી જ શક્તિ સામે લડીને પણ તમારું રક્ષણ કરે એવી ભગવાનની સાકાર સ્વરૂપ એટલે માં.
મારા જીવનમાં મને ભગવાનની જરૂર નથી પડી કારણકે ભગવાનને જઈને હું પ્રાર્થના કરું અને એ મારી ઈચ્છાપૂર્તિ કરે એ પહેલાં જ મારી મા મને વણમાગેલ મનની મુરાદ પૂરી કરી દે અરે ..ક્યારેક તો હજુ મારું મનોમંથન પૂરું નથી થતું ત્યાં તો એના તરફથી મને જવાબ પણ મળી આવે હવે તમે જ કહો કે આવી માં હોય પછી જીવનમાં કંઈપણ વસ્તુ મળ્યા વગર રહે ખરી? એટલે જ હું આજે સર્વ રીતે સંપન્ન છું એવું કહું તો પણ મને જરાય ખોટું નથી લાગતું કેમ કે આજે પણ મારી મા મારી સાથે છે.
હું એક સામાન્ય પરિવારની દીકરી જે જાણે એની સ્વપ્નની દુનિયા સાથે જ જન્મી હતી પરંતુ કહેવાય છે ને કે ભગવાન પહેલેથી બધું સગવડ કરીને જ મોકલે છે એમ મને પણ એના સાકાર સ્વરૂપી માં જોડે જ મોકલી પછી મારા સ્વપ્નની દુનિયા ક્યાં વધારે હોય? હું નાનપણથી સૌની લાડકી મને ભણવાનો પહેલેથી જ શોખ, અને એક સારી નોકરી કરવાનું સ્વપ્ન પરંતુ બીજાની નજરેથી જુઓ તો મારા પરિવારની સ્થિતિ સામાન્ય હોવાથી એ મારા નાહકના વિચારો. પણ, મારી મા ની નજરે જાણે મારી સ્વપ્ન ની દુનિયા જ એના કર્મ. જાણે એને મારા જન્મ પહેલાથી જ મારા સ્વપ્ન ની દુનિયા મારી ઈચ્છા અરે..મારા વિચારવાની ક્ષમતા પણ જાણે એ જાણતી જ હશે એવું મને લાગે છે એટલે જ આજે હું મારી સ્વપ્નની દુનિયા ને સાકર કરીને જીવી રહી છું હું શાંત સ્વભાવ અને પુસ્તક પ્રેમી તથા લાગણીશીલ માણસ જોકે મારું આવું હકારાત્મક વ્યક્તિત્વ પણ મારી મમ્મી ના સંસ્કાર છે, એ પહેલથી જ કહે છે કે આપનું જીવન સરળ અને સઘન વિચારોથી ભરપૂર તથા નાના સાથે પ્રેમાળ અને મોટા સાથે આદર રાખીને જ જીવવું આપનું સ્વપ્ન દુનિયા આપણા વ્યક્તિગત જીવનમાં ક્યારેક અડચણ ન બનાવી જોઈએ અને મહત્વની વાત કે સ્વપ્ન આપણે જોઈએ તો પછી મહેનત પણ આપણી જ હોવી જોઈએ. આપણા સ્વપ્ન પૂરા કરવાની આશ હંમેશા મનમાં જગમગાતી હોવી જોઈએ પરંતુ, એ આશ ક્યારેય કોઈ બીજાની ઉપર આધારિત ના હોવી જોઈએ.
હવે મારી વાત જણાવું તો મારી દુનિયાને પૂરી કરવાની શરૂઆત બચપણથી જ થઈ ગઈ હતી. મે બાલમંદિર ૨ વર્ષ દરમિયાન કર્યું. ત્યારબાદ મારા ગામની શાળા ૧ માં અભ્યાસ કર્યો ત્યાં ધો.૧-૭સુધી નો અભ્યાસ થતો પરંતુ એમાં મે ૪ ધોરણ સુધી અભ્યાસ કર્યો. અને પહેલથી જ અભ્યાસ રુચિ હોવાથી મને મારા ગામની જ હાઈસ્કૂલમાં ભણવાની એક તક મળી હવે જે જન્મ જ સ્વપ્ન સાથે થયો હોય એ ભલા પોતાની મળેલ તક ક્યાંથી ચૂકે! તો મે પણ મને મળેલ તકને સાકાર કરવાનો પ્રયાસ કર્યો ત્યારે મારે ધોરણ ૫ થી હાઈસ્કૂલમાં ભણવા માટે એક પરિક્ષા આપવાની હતી આ મારા માટે શાળા સિવાયની પહેલી પરિક્ષા પણ જેના સ્વપ્નની દુનિયા માં ના કર્મ સાથે જોડાયેલ હોય એના માટે એક પણ પરિક્ષા ક્યાં અગડી હોય છે? મે મસ્ત મસ્તીમાં જ પહેલા નંબર સાથે પરિક્ષા પાસ કરી. એ પરિક્ષા ગામની બધી શાળાના બાળકોને સાથે સ્પર્ધા હતી પરંતુ એમાં પહેલા નંબર મળતા જ મને હાઈસ્કૂલ માં વણમાંગેલ સ્થાન મળી ગયું શરૂઆત જ એમ થઈ કે જાણે માન સાથે આવકાર મળ્યો હવે જ્યાં આવકાર સાથે ગયા ત્યા મોભાનું સ્થાન પણ મળ્યું અને સાથે મમ્મી ના વિચારો પણ કે જ્યાં સ્વાભિમાની થઈને જ જીવવું અને ગુરુજીનો આદર , ભૂલનો સ્વીકાર, આદેશનું પાલન, અને સમય બદ્ધતા .સમય પ્રમાણે અને નિયમમાં રહેવું એ અમારા માટે એની આજ્ઞા. જો ભગવાનની આજ્ઞા મુજબ ચાલે એને ક્યાં કદી કોઈ મુશ્કેલ નડે? એમ મને ડુંગરની ટોચે થી નિકળતા ઝરણાં ને વચ્ચે આવતા અવરોધો ને દૂર કરી દરિયા રૂપી સ્વપ્ન મેળવવા પાણી ની જેમ આપોઆપ માર્ગ મળી જતો.મારા સ્વભાવ સરલતા અને અભ્યાસ માં રુચિ હોવાના કારણે હું હાઈસ્કૂલમાં માં સૌની પ્રિય બની રહેલી હવે એમાં પણ ધો.૫,૬,૭ નો અભ્યાસ પૂરો કર્યો એ પણ પ્રથમ ક્રમ સાથે હવે એતો માં ના કર્મ નું ફળ તો ભગવાન આપવા બંધાયેલો જ જાણે.પછી આગળના અભ્યાસ માટે એજ હાઈસ્કૂલ ના આગળના વિભાગ માં જવાનું હતું હવે ત્યાં પણ ફરી પરિક્ષા પાસ કરી આગળ વધવાનું હતું સાચું કહું તો એ પરિક્ષામાં તો જાણે મારા કરતાં દૈવીય ભાગ વધારે હતો રમતા રમતા એ પરિક્ષા પણ બધા બાળકોની સ્પર્ધા વચ્ચે પ્રથમ નંબરે પાસ કરી લીધી અને ફરી મમ્મીની આંખમાં નવા વિશ્વાસની ડોર છલકાઈ ઉઠી હવે ભગવાનનો વિશ્વાસ મળે ત્યાં ક્યાં કોઈ અડચણને સ્થાન હોય? ફરી થી આજે ઝરણું જાણે નદી બનનીને સાગર માં મળવા આગળ વધ્યું હોય એમ મે પણ આગળનો અભ્યાસ ચાલુ કર્યો સાથે શાળાની અલગ સ્પર્ધામાં પણ સારો દેખાવ કર્યો, રમત ગમત માં ખોખો માં ટીમ માં સ્થાન મળ્યું અને તાલુકા માટે અમે અમારી નજીક દેશોતર રમવા પણ ગયા એ પછી પણ જ્યારે મારી સ્કૂલ માં સ્પર્ધા યોજાઈ એમાં પણ મોકો મળ્યો હતો એટલું જ નહિ પણ શાળાની કલ્ચરલ પ્રવુતિ,હોય કે બીજી કોઈ સ્પર્ધા આપણું નામ તો હોય જ. પછી ભલે ને કોઈના આવકાર માટે સ્વાગત હોય કે શાળાના નેતૃત્વ તરીકે બીજી શાળા સાથે સ્પર્ધા, વકૃત્વ સ્પર્ધા, સાયન્સ ક્વીઝ, આ બધુ જાણે મારાવતી થતી મારા ભગવાનની આરાધના. જોતજોતામા મે ધો૧૦ પણ સારા પરિણામ સાથે પાસ કર્યું. અને હવે સ્વપ્નના માર્ગમાં આગળ વધવાનું હતું હવે મારે મારા જીવનને એક દિશા તરફ લઈ જવાની હતી અને મે આગળ વિજ્ઞાન પ્રવાહ માં એડમીશન મેળવ્યું.એમાં પણ મે મારું આગવું સ્થાન જાળવી જ રાખ્યું અને ધો.૧૧ માં મને ૮૧.૪૦% સાથે પાસ કર્યું અને હવે મારી એક જીવનનું છેલ્લું વર્ષ શરૂ થયું જે મારા કરતાં મારી મમ્મી માટે વધારે મહત્વનું હતું. આજે પણ આપણે જોઈએ છીએ કે જે બાળક ધો ૧૨ સાયન્સ માં હોય એના કરતાં એની મમ્મીને સૌથી વધારે ચિંતા હોય છે એમના માટે તો પોતાના બાળકનું પરિણામ જાણે એમના સમાજ માટેનું સ્થાન નક્કી કરે છે સ્ટેટ્સ બની જાય છે પરંતુ મારા કિસ્સામાં એવું ન્હોતું હા.. મારી મમ્મીની ચિંતા હતી પરંતુ એને મને ક્યારેય એવું ન્હોતું કહ્યું કે,તું વાંચવા બેસ, ટીવી ના જોઈશ, બહાર ફરવાનું, કે બહેનપણીઓ સાથે ગપ્પા મારવામાં ક્યારેય કોઈજ રોકટોક કે સલાહ સૂચન આપ્યા નથી ,અરે..એકવાર તો મે જ એને પૂછીલિધુ કે તને મારી ચિંતા નથી બધાના મમ્મી એમને ભણવા માટે કહે છે પરંતુ તું મને ક્યારેય કઈ સલાહ આપતી નથી તને મારી ચિંતા જ નથી, ત્યારે મને જે જવાબ મળ્યો હતો એ કદાચ એક માં જ કહી શકે, એને મને કહેલું કે,.
"બેટા ચિંતા હંમેશા સ્પર્ધીઓ વચ્ચે હોય પણ જે એકલો જ આગળ વધી રહ્યો હોય એને ચિંતા નહિ ફક્ત આગળ કેવી રીતે વધવું એનો માર્ગ શોધવાનો હોય એટલે માત્ર મહેનત કરવાની હોય"... આ છે મારી માં. મને એ જાણીને જાણે એક નવી ઊર્જા મળી ગઈ અને જાણે કે મારા એ વર્ષ નું પરિણામ એને ખબર જ હતી એમ મને એ માટે એને પહેલેથી જ તૈયાર કરી હતી એમ મને એ વર્ષની મધ્યેથી જ એને કહેલું કે,.
"જો જીવનમાં ક્યારેય પણ કદાચ અણધાર્યું પરિણામ મળે તો એ હંમેશા આપણને કુદરત તરફથી મળેલી સંકેત છે કે એ આપણને આપણા ધાર્યા કરતા પણ વધારે ઊંચું સ્થાને જવાનું પ્રેરિત કરે છે"
ત્યારે મને જાણે લાગતું કે એમ જ સમજાવ્યું છે પરંતુ જ્યારે મને મારા જીવનની સૌથી દુઃખદ ઘટના કે અત્યારની દ્રષ્ટિએ જોવું તો જીવન જીવવાની નવી દિશા કે ખરેખર મને મારી જાત સાથે પરિચય કરાવનાર ઘટના બની ત્યારે એ વાક્યો જાણે મારો સહારો બની રહેલા.મને મારા ધો.૧૨ સાયન્સમાં ધાર્યું પરિણામ ન મળેલું જેથી જાણે મને મારી જીવન અંધકાર ભર્યું લાગ્યું હતું મને એવું થયું હતું કે કદાચ મારા સ્વપ્ન ફક્ત સ્વપ્ન જ બની રહી જશે. જાણે મારું જીવન હવે સમાપ્ત થઈ ગયું.કેવી રીતે મારા મિત્રોને મળીશ ? એ મારા શિક્ષકો જેમને મારા હાથમાં એમનું મહેનતનું પરિણામ રાખેલું જેને મે કયાંય ફંગોળી દીધું.મારા વડીલો અન્ય સભ્યો જે એમના બાળકોને ભણવા બેસવા હંમેશા મારું ઉદાહરણ આપતા એમનો દ્રષ્ટિકોણ હવે મને શું સમજશે? એવું લાગ્યું કે જાણે આજે મયુરીનું મૃત્યુ થઈ ગયું હોય.ત્યારે મે કેટલાય કલાક પોતાની જાતે સાથે લડત ચલાવી આખરે હું હારી ગઈ.પ્રથમ ધોરણથી લઈને આજ સુધી જે પરિણામ ને હાથમાં જોઈને જેટલી ખુશી થયેલી જેટલો ગર્વ હતો પોતાની જાતને જાણે ભગવાનને પ્રથમ રહેવાનું આશીર્વાદ આપેલું એવું માની લીધેલી બધી ધારણાઓ આજે એકસાથે આંસુ સાથે વહી રહી હતી એક પ્રશ્ન હતો મનમાં કે હવે હું શું કરીશ? મારા સ્વપ્ન ?? લોકો પહેલેથી જ કહેતા કે નાહકના વિચારો છોડી દે એમને તો હું ખરેખર નકામી લાગીશ હવે. મન સાથે ગણીમથમણ કરી પછી નક્કી કર્યું કે હવે મયુરી રહી જ નથી તો જીવીને શું કામ? સ્વપ્ન તો તૂટી ગયું હવે જીવવું શા માટે? ત્યાં.. જ રૂમ નો દરવાજો ખખડાવ્યો અને બૂમ પડી મયું બેટા મામાનો ફોન છે વાત કરીશ ? એ જ અવાજ ..એ જ લાગણી.. એ જ કોમળતા..સહેજ પણ ભિન્નતા નહિ !! મે માથું હલાવી ના પાડી મમ્મીએ મામાને કહ્યું રૂબરૂ મળવા આવો એમ કહે છે હું એની સામે એક આશ્ચર્યની નજરે જોઈ રહી !
મે કહ્યુ મમ્મી તે મારું પરિણામ જોયું ખરું તો કહ્યું હા મે જોયું અને કોમ્પુટર માંથી એની પ્રિન્ટ પણ કરી લઈ આવી છું અને એટલે જ મે મામાને રૂબરૂ મળવા બોલાવ્યા છે કે જેથી આપણે શાંતિથી વિચારીને નવો પ્લાન બનાવી શકાય.મે ફરીથી નાવાઇપામી એની સામે જોયું તો મને કહ્યું કે પરિણામ આપને ધાર્યું હતું એ રીતે આપણે નક્કી કરેલું કે પછી નો અભ્યાસ ક્યાં કરવો પણ હવે આપણે થોડું વધારે વિચારવું પડશે હજુ મને બરાબર સમજણ પડે ત્યાં તો એને એક બીજી પ્રિન્ટ મારા હાથમાં મૂકી એમાં બધું પ્રાઇવેટ કૉલેજ નું લીસ્ટ હતું મે મારા પરિવારની આર્થિક સ્થિતિ પ્રમાણે માત્ર સરકારી કૉલેજમાં જ અભ્યાસ કરવાનું નક્કી કરેલું એ લીસ્ટ જોઈ મારા મનમાં એક સાથે વિચારોનું વંટોળ ફરી વળ્યું જાણે નદીનું મીઠું પાણી હવે દરિયા જેવું ખારું થઈ ગયું હતું અને એમાં પણ તોફાન ચાલી રહ્યું હતું કે મને પ્રાઇવેટ કૉલેજ માં એડમીશન તો મળી જશે પરંતુ ત્યાંની ફિસ ?ત્યાંના હોસ્ટેલની સુવિધા ?મારો અન્ય ખર્ચ સાથે ઘરની જવાબદારી અને નાના ભાઈબહેન નો અભ્યાસ? આ બધું જાણે અશક્ય જ !!ત્યાં મમ્મી એ આ બધાંજ પ્રશ્નો મારી આંખોમાં જ વાંચી લીધા હતા એને મને પ્રેમથી આંસુ લૂછયા ત્યાતો મારાથી વધારે રડી પડાયું એને મને છાતીએ ચાંપતા બંને રડી પડ્યા તો છતાં મને કહ્યું," મયું કદાચ આમાં મારો જ વાંક છે મે તને હંમેશા સફળતા મેળવતાં શીખવ્યું પણ...નિષ્ફળતાને સહજ સ્વીકારી ફરી સફળતા મેળવવાનું શીખવવું ભૂલી ગઈ !! અને થોડું સ્મિત કરતા બોલી પણ તે મને એ મોકો આજે જ આપ્યો છે..સાથે મને પાણીનો ગ્લાસ આપ્યો અને કહ્યું "સ્વપ્ન હંમેશા સ્વપ્ન જ હોય છે એ ક્યારેય તૂટતું નથી એતો આપની નીંદર પૂરું થઈ જાય છે અને આંખ ખોલીએ એટલે એ અધૂરું રહી જાય છે " એ હાસ્ય મને હજુ આંખ સામે તરવળે છે, જે બંધ રૂમમાં મયુરી મરી ગઈ હતી એ એના અસ્તિત્વ સમક્ષ આવતા જ જીવંત બની ગઈ. મમ્મીએ કહ્યું ચાલ હવે મો ધોઈ નાખો મામા આવતા હશે અને આપણે સ્વપ્ન નથી બદલવાનું આપણું ધ્યેય આજે પણ એ જ છે માત્ર યોજના બનાવી રહી ! ત્યાં જ હું મમ્મીનાં કહ્યા પ્રમાણે બહાર નીકળી મે જોયું તો મારા પ્રથમ શિક્ષક, મારા ઘરના વડીલ મારા દાદા જે મારા પિતાના મોટા ભાઈ પરંતુ હું એમને દાદા કહું છું તેઓ આજે પણ એજ રીતે રોજ ની જેમ છાપુ લઈ મને બોલાવી મારી એક ટેવ કે હું એમની સાથે અવારનવાર છાપુ વાંચવા બેસતી એમને પણ મને રોજની જેમ, મયું આજે પેપરમાં પૂર્તિ માં વાર્તા સારી છે એમ કહી બોલાવી એમને મારી સામે જોયું મને રડતી જોઈ એમની આંખો પણ જાણે ઘણું કહેવા માગતી હતી પણ મારામાં આજે હિંમત નહોતી મે મારી જાતને બાથરૂમ માં પૂરી દીધી ફરી જાણે શરીરનું બધું પાણી આજે એકસાથે આંખેથી જ નીકળવા લાગ્યુ હતું.ત્યાં જ અવાજ આવ્યો મયું બેટા ચા પીવી છે કે મારા મોટા મમ્મી, જાણે મારા પરિણામ મારા પરિવાર માટે કોઈ જ મહત્વનું નહોતું!! એતો પ્રેમ કરતા હતા એમની મયું ને.મે મારી જાતને માંડ માંડ સભળીને હું બહાર નીકળી ત્યાં એકબાજુ મમ્મીએ હાથમાં ટુવાલ આપ્યો અને બીજી બાજુ મોટા મમ્મીએ ચા આપી. મારા ઘરનું વાતાવરણ એ જ હતું જે રોજ હોય છે અમે બધાયે સાથે મળીને ચા પીધી ત્યાં જ મને ફરી યાદ આવ્યું કે આજે મે મારા ઘરમાં બધાને ઉપવાસ કરાવ્યો છે ઘરમાં બધા ભેગા મળીને જ જમતા મારા દાદા જે ક્યારેય કોઈ ઉપવાસ ન કરતા એમને પણ આજે મે ખાલી પેટ દવા લેવડાવી હતી અને એ વાતે બધા હસી પડ્યા.પણ એમનો મને હસતા જોવાનો પ્રયાસ મારો ફરી ઉઠવાનો સહારો બની ગયો હતો અને સાંજે મારા પપ્પા ઘરે આવ્યા એમને મે પરિણામ જણાવ્યું તો કહે સરસ સરસ બેટા તે એક જ વારમાં ૧૨ સાયન્સ પાસ કર્યું અને એમ પણ જે થાય છે એ સારા માટે જ થાય છે અને બીજી ખાસ વાત કે સરકારી કૉલેજ માં તો જાતે ભણવું પડે અને પ્રાઇવેટ માં શિક્ષકો મહેનત કરાવે એમને એમની કૉલેજ નું પરિણામ લાવવું હોય એટલે બધા આશ્ચર્ય થી પપ્પાની સામે જોઈ રહ્યા કે તેઓ જે બોલે છે એમના શબ્દો નથી, ત્યાં જ એમને કહ
્યું કે હું જે બસમાં આવ્યો એમાં બધા એવી વાતો કરતા હતા, બાકી મને ક્યાં ખબર કોલેજની મારા પપ્પા એક પ્રાઇવેટ કંપનીમાં જોબ કરતા અને વધારે ભણેલા પણ નહિ સામાન્ય દરેક પ્રશ્નનો ઉત્તર એમની તરફથી એક જ મળતો કે મને એ ખબર ના પડે તારી મમ્મીને કહે એ કરી દેશે, તારી મમ્મીને કહે એ લાવી આપશે, પપ્પા હોવા છતાં પણ પપ્પાની ફરજો પણ મમ્મી જ પૂરી કરતી એ ભલે પછી સામાજિક વ્યવહાર હોય કે અમારા અભ્યાસ નો પ્રશ્ન, પણ હા...મારા પપ્પાની એક વાત જરૂર કહીશ કે એમને અમને ક્યારેય કોઈ વસ્તુ માટે કે જાતે નક્કી કરેલા કરિયર માટે ક્યારેય ના નથી કહ્યું, એ ક્યારેક મમ્મી પર ગુસ્સો કરી દે પણ મમ્મીનું કહ્યું માને પણ ખરાં.રાતે સૂતા સૂતા પોતાની જાતને ફરીથી શરમની નજરે હું જોતી હતી કેમ કે પરિણામ તો માત્ર અભ્યાસ નું હતું જેમાં મે મારા પરિવારના સ્નેહ ને પણ તોલી નાખ્યો હતો બધાની નજર સામે હારી ગઈ હોય એમ મારવા માત્રના વિચાર કર્યા હતા. પણ હવે મે મમ્મીનાં શબ્દો યાદ કરી ફરી સફળતા તરફ જવા માટે પોતાની જાતને તૈયાર કરવા નક્કી કર્યું હતું.પણ સાથે જ મનમાં હજુ પણ શંકા તો હતી જ કેમ કે પ્રાઇવેટ મેડિકલ કોલેજ ની ફી ભરવું એ અમારા માટે લોઢાના ચણા ચાવવા જેવી વાત હતી જોતજોતંમાં કાઉન્સિલ ના દિવસો આવી ચડ્યા મારા મોટા ભાઈએ બધીજ કૉલેજ ને ઘરના અંતરથી નજીક આવે એમ નંબર આપી દીધા મારા મામા મારી સાથે આવવા તૈયાર જ હતા એમને તો મમ્મી સાથે મળીને બધી જ યોજના તૈયાર કરી લીધેલી. ત્યાં જ બીજા સગાઓ તરફથી મમ્મીને સૂચનાઓ આપવામાં આવતી કે છોકરી તો આટલું બધું ના ભણાવે તો ચાલે ..હજુ દિકરો નાનો છે એની પાછળ ખર્ચી કરેલી કામની.છોકરી તો કાલે ચાલી જશે એમ પણ છોકરીને એકલી બહાર રેહવા મોકલશો ? કોને ખબર કાલે કઈ ઊંચનીચ થયું કે અત્યારે જુવો છો ને છોકરીઓ કેવું કરી રહી છે? તો પછી સમાજને શું મો દેખડશો? અરે...આ બધું કેવા વાળા કોઈ પારકા નહોતા એજ હતા જેઓ એ મને ખોળે રમાડી હતી. છતાં પણ મમ્મીએ જાણે આ બધાની સલાહો સામે આંખ આડા કાન કરી બસ એક માત્ર મારા સ્વપ્ન જ એનું કર્મ હતું.એમ કરતાં હવે કોઉન્સિલ નો સમય આવી ગયો ત્યાં મને એક પ્રાઇવેટ કોલેજ માં એડમીશન મળ્યું પણ એની એક વર્ષની ફી અમારા એક વર્ષની આવક કરતાં વધારે હતી ઉપરથી ઘરની ખર્ચ, ભાઈ બહેનનો અભ્યાસ વગેરે હવે..મે તો ત્યાં જ નાસી પાસ કરી પણ હજુ મારી મા ની આંખોમાં જરાય તેજ ઓછું ના થયું એ ફી એના માટે માત્ર આંકડા જાણે. પણ મારી પાછી પાની કરેલી જોઈ મને એને પૂછ્યું કે, ભણવું છે ને ? મે માથું હલાવ્યું તો કહે મામા જોડે અંદર જઈને ગમતી કોલેજ માં અંદર જઈ આવ ફી જોતી નહિ આવો અવસર ફરી નહિ મળે તારી જિંદગી આજે તારા હાથમાં છે. એની વિશ્વાસ ભરેલી આંખોએ મને અંજવી દીધી અને મે અંદર જઈ ગાંધીનગર માં એડમીશન લીધું હવે..શું થશે? મનમાં હતું કે કદાચ મે મારી મમ્મીની ભાવના નો ખોટો અર્થ તો નથી કર્યો ને? પણ બહાર આવી મમ્મીએ ગળે મળી પછી અમે ઘર તરફ નીકળી ગયા. મારા મામા અડાલજની વાવ જોવા લઈ ગયા પછી અમે ઘરે પરત ફર્યા. શરૂઆતની કોલેજની ફી તો ગમે તેમ કરીને ભરી પણ એથી વધારે હોસ્ટેલ ફી મોંઘી પડી ત્યાં તો એડવાન્સ પણ આપવાના હતા હવે? તો મમ્મીએ એક વિશ્વાસ પાત્ર સગામાં મદદ માગી તો કેટલીક જગ્યાએ થોડી મદદ મળી મમ્મીની શરમ માં આવીને પણ સાથે ન સંભાયેલું પણ મમ્મીને આજે સાંભળવું પડ્યું કદાચ મારા માટે મારી મા એ એનું સ્વમાન પણ ગીરવી મૂકેલું , પણ એને હાર ન્હોતી માની.
મે આવતા સોમવારથી કોલેજ જોઈન કરી લીધી. અને હોસ્ટેલની અડધી ફી ભરી, મને ત્યાં હોસ્ટેલમાં ૭ દિવસનો સમય આપેલો એને કહેલું કે જો ૭ દિવસમાં પૂરી ફી નહિ ભરું તો હોસ્ટેલ ખાલી કરવી પડશે અને એ હોસ્ટેલ મારી કોલેજના કેમ્પસમાં અને કોલેજ માટે ફરજિયાત હોવાથી ત્યાં રેહવુ એ અનિવાર્ય હતું મે મમ્મીને ફોન કર્યો મારાથી રડી જવાયું પણ એ કદાચ મારા આંખમાંથી નીકળેલા દુઃખના છેલ્લા આંસુ હતા. ત્યાં જ ૫ દિવસે મારી મમ્મી મારી પૂરી ફી સાથે મારા માટે ૨૦૦૦ રૂપિયા, નાસ્તો, નવા કપડાં લઈને આવી. મારા માટે એ દિવસ નવી સવાર લઈને આવ્યો. અચાનક મમ્મીને નજર સામે જોઇને હવે જાત પરનો કાબૂ રહ્યો નહિ આટલા વર્ષો માં પહેલી વાર ઘરથી દૂર મમ્મીની છત્ર થી દૂર ગઈ હોવાથી એને ભેટીને ખૂબ રડી પડી સામે મમ્મી પણ ફી નું કામ પતાવી હું મમ્મીને રૂમ માં લઇ ગઈ ત્યાં એને મને વાળમાં તેલ લગાવી સરસ ચોટલો ગુંથ્યો, અત્યાર સુધી મે ક્યારેય મારી જાતે વાળ બનાવ્યા ના હતા. શરૂઆત માં મારા રૂમમાં રહેતા એક દીદીએ મને વાળ બાંધી દેતા પછી મે શીખી લીધું, એમ પણ હવે મારે બધા કામ જાતે કરવાના રહ્યા ત્યાં મમ્મી ન્હોતી.પણ મમ્મી ના આશીર્વાદ અને વિશ્વાસ હંમેશા હતા અને છે ત્યાં મે હવે નક્કી કર્યું હતું કે મમ્મી એ કહ્યું છે કે મારે ફરી સફળ થવાનું છે તો હજ ચોક્કસ થઇસ અને અભ્યાસમાં મન લગાવ્યું એમ ભણવું તો મને ગમતું.તો કોલેજ માં પણ પ્રથમ પરિક્ષાથી જ મે મારા કોલેજના અધ્યાપકોના મનમાં સ્થાન બનાવી દીધું શરૂઆતમાં મનમાં હજુ ડર રહેતો કે કદાચ ફરી અસફળ થઈશ તો પણ...હવે સફળ થવાની આશ મારી માં ની હતી પહેલા પરિણામ ની લાલચ મારું હતી પણ હવે મારા માટે મારા સ્વપ્ન સિવાય મારા મમ્મીની આશ વધારે હતી. જોતજોતામાં મારી પ્રથમ વર્ષની યુનિવર્સિટી ની પરિક્ષા પણ મે ઉચ્ પરિણામ સાથે પાસ કરી હવે મને ફરીથી મયુરી પર વિશ્વાસ આવી ગયો અને એ જ મયું ફરી મારી અંદર જીવતી થઈ ગઈ. અને મારા સારા પરિણામ જોઈને મારા કલજના આચાર્ય મને ફી માટે થોડો વધારે સમય આપતા એને નિયત સમયમાં મારી મમ્મી ફી લઈને આવતી મારા હોસ્ટેલ માં પણ સારા સ્વભાવ ને લીધે મને થોડી છૂટ મળેલી અને હું ક્યારેક ત્યાં મદદ પણ કરી દેતી એટલે મને ત્યાં પણ મારા આચાર્યના કેવાથી ત્યાંના ટ્રસ્ટી સાહેબે ફી માં થોડી છૂટ આપેલી આ બધી મારા પર એક માત્ર મારી મમ્મી ના આશીર્વાદ અને એના કર્મનું ફળ જ હતું. એકવાર મારા પાપાએ પણ એમની કંપની તરફથી મળતી સેવાનો લાભ મને અપાયો અને મારા એક વર્ષની ફી એમને ભરેલી તે વર્ષે મારે માત્ર હોસ્ટેલની ફી ભરી હજુ મારે ૨ વર્ષ ભણવાનું બાકી હતું ત્યાં બીજા ખર્ચ કેમ કે હોસ્પિલમાં જવાનો , તેમજ ત્યાંના પ્રેક્ટિસ ની ફી વગેરે ...જેમ નરસિંહ મહેતાની હૂંડી સ્વીકારી શામળશા આવી પહોંચે એમ મારો ફોન કરતા જ નિયત સમયમાં મારા ભગવાન સાકાર સ્વરૂપે મારી મા ત્યાં આવી પહોંચે.ક્યારેક હું મારા મિત્રોને કહેતી કે મારા ઘરની પરિસ્થિતિ સામાન્ય છે તો કોઈ માનતું નહિ અને ઉપરથી કહે કે હું એમની મજાક કરું છું મારું સત્ય પણ એમને મારો અહંકાર લાગતો!! કેમ કે મારી બધી જ વસ્તુ મારી મમ્મી મને પહોંચાડી દેતી મારા પપ્પા માત્ર એક જ વાર મારી હોસ્ટેલ માં આવેલા પરંતુ મારી મમ્મી એટલે માત્ર હું સ્મરણ કરું ને મને મળવા આવી પહોંચે અને એ પણ મારી મનની બધી જ મુરાદ સાથે..એટલે જ મને ભગવાન કરતા પણ માં વધારે પ્યારી લાગે છે કેમ કે એતો કયરેક સમય ની રાહ જોવડાવે છે પણ મારી મમ્મી તો બસ મારો ધબકાર સાંભળે છે. જોત જોતામાં મારું છેલ્લું વર્ષ આવ્યું એ પણ મે સારા પરિણામ સાથે પાસ કર્યું. એવું લાગતું હતું કે મારા નસીબને પણ મારી માં એ પકડીને ઠપકો આપ્યો હસે ક એને એકવાર મારો હાથ છોડેલો કે એ પછી એને ક્યારેય આજ સુધી મારો હાથ છોડેલો નથી.ડિગ્રી મેળવી તરત જ મે બીજે જ દિવસથી અમદાવાદ CIMS હોસ્પિટલમાં નોકરી મેળવી લીધી કોલેજમાંથી જ નોકરી તો મળી ગયેલી કેમ ક ત્યાં કોલેજ ઇન્ટરવ્યૂ દરમિયાન મને સેલેક્ટ કરી દીધી હતી.હવે જાણે દરિયાના પાણીમાં બાષ્પ બનવાની પ્રક્રિયા પૂરી થઈ ગઈ ને વાદળ પણ બની ગયા હવે ફર એ વર્ષા રૂપે ધરતી પર પડવાના એ પણ મીઠા પાણી બનીને.
મને હોસ્ટેલમાં ક્યારેક વિચાર આવતો કે મમ્મી આ બધું કેવીરીતે કરી શકે છે વિશ્વાસ ને સાહસ તો હતું જ એનામાં પણ એ મારા માટે આટલી મોટી લડત પણ જીતશે એ મે ન્હોતું વિચાર્યું cims માંથી હું ઘરે આવીને એકવાર મે મમ્મીને પૂછ્યું તો કહ્યું કે હા હવે તને એ પ્રશ્નનો ઉત્તર આપવો એ મારી ફરજ છે અને તારે હવે મારું રધુરું કામ પૂરું કરવાનું છે મને કે ધ્યાનથી સાંભળ મે એકચિત્તે મમ્મીની સામે જોયું એને શરૂઆતથી કહેવું શરૂ કર્યું એને કહ્યું કે પ્રથમ વર્ષની ફી માટે મારા પપ્પાના નામથી ગામની સોસયટીમાંથી લોન મંજૂર કરાવેલી પછી આવતા વર્ષે એ લોન ભરવા અને મારી પણ ફી ભરવા આ બંને કામ એક સાથે આવ્યા તો બેંકમાં થી લોન લીધી.પણ એમ દર વખતે કઈ થાય ખરું?પણ કેવાય છે ને જો કોઈ કામ સાચી લગન થી કરો તો પૂરી સૃષ્ટિ તમારી મદદ કરે છે અને એમાં પણ આતો એક માં ના વિશ્વાસ અને સાહસની વાત હતી ત્યાં તો ભગવાન પણ નતમસ્તક હોય છે તો બસ...આમ જ મારી મા અને સાથે દેવી માં...એમ જ મમ્મી ને કોઈકે કહેલું કે સરકાર તરફથી શિક્ષણ લોન મળે છે .પણ હવે એના માટે કોઈ બે સરકારી નોકરીવાળા જમીન હોવા જોઈએ અને ઉપરથી સરકારી કામ એટલે લોન ના અડધી ખર્ચો તો એમની આજીજી માં જ નીકળી જાય. મારા મામા સગામાં કોઈ સરકારી નોકરી કરતા ન હતા અને પપ્પાના સગામાં કોઈને કદાચ મારા પર વિશ્વાસ નહોતો કે એમને મારી મમ્મી નું સાહસ નકામું લાગતું કે કોઈ જામીન બનવા મંજૂર ન હતા .વળી લોન માટે સચિવાલય માં મળવા જવાનું , ત્યાંના અધિકારી સાહેબની માગણીઓ કેમેરાની નજરથી છુપાવીને પૂરી કરવાની,ઉપરથી મમ્મી કોઈ સરકારી અધિકારી તો હતા નહિ કે પોતાનું કામ પોતાની રીતે કરવી લે, આપણે આપણા લોકો વચ્ચેથી પણ જો ઉધાર લેવું હોય તોય આંખે પાણી આવી જાય આપણા ચપ્પલ ગસાઈ જાય , ત્યાં માંડ મેલ પડે ને એ પણ સ્વમાન દાવ પર લગાડી ને અને મારી માં તો સરકાર પાસે એકલા હાથે ઉધાર લેવા નીકળેલી. પણ મારી માં નું કામ નામથી ગામમાં બધાય એની પ્રશંસા કરતા અને મારી મમ્મી મારા ગામની એક શાળામાં k.g ma સહાયક હતી.તો એને ગામના વરિષ્ઠ અને આગેવાન છતાં મદદ માટે હંમેશા તપત્પર એવા સારા લોકોને લોન માટે વાત કરી અને પૂરી માહિતી લીધેલી અને એમાં અમારા મતવિસ્તાર ના આગેવાન શ્રી એ મારી મમ્મીની સચિવાલય માં એન્ટ્રી અપાવી બધા પેપર કામ પતાવ્યા ત્યાં જ હજુ સહી થવાની હતી ને ફાઈલ પાછી બહાર નીકળી ગઈ અને મમ્મી ને જણાવ્યું કે તમારે કોઈ ૨ સરકારી કર્મચારીઓ ને સાથે લાવી એમની સહી કરવી અને બાહેધરી લેવડાવી પડશે કે લોન ભરવાની જવબદારી એમની પણ રહેશે સાથે એમની એમની માહિતી પગાર ધોરણ સાથે,,છતાં મમ્મીએ હિંમત ન હારી એને ૨ દિવસનો સમય માગ્યો રાતે આવતા મોડું થયેલું તો એ આવીને સુઈ ગઈ ઘરમાં આ વાતનો હવે કોઈ અર્થ ન હતો કેમ કે બધાના મમ્મીનું મારા માટેનું આ સાહસ નીર્થક જ લાગતું, મનમાં દેવી માં ને યાદ કરી રોજ મુજબ આજે મમ્મી એના કામે શાળામાં ચાલી ગઈ. પણ, જ્યાં માં ના આશીર્વાદ માત્રથી દુઃખ પણ ડરે છે, માં ભગવાન સામે પણ લડી શકે છે ,એ જ માં ની આજે જ્યારે ભગવાન સામેથી મદદે વહોરી આવ્યો હોય એમ એને જ્યાં વાત કરી કે હું અહી અટકી છું મારે સરકારી કર્મચારીઓ ની સહાયતા જોઈએ છે ત્યાં જ મારા ઉચ્ચતર પ્રાથમિક ના શિક્ષકોએ સાથે આવવાની અને પૂરી જવાબદારી લેવા તૈયાર થઈ ગયા એ દિવસે મારા શિક્ષકો મારા માટે ગુરુ નહિ પણ ગોવિંદ બની ગયા એમને મારી મમ્મીએ એકઠા કરેલા સામાનથી જાણે મારા સ્વપ્ન સુધી પહોંચવા માટે એક પુલ બાંધી દીધો હવે ઘણી ખરી ચિંતાની નદીઓ પુલની નીચે આવી ગઈ હતી પરંતુ હજુ લોન મંજૂર થઈ નહોતી બીજે દિવસે મમ્મી એમને લઈને સચિવાલયે ઉપસ્થિત રહી બાકી રહેલ પેપર કામ પૂરુ થયું પછી ત્યાંથી એવું કહેવામાં આવ્યું કે, ૧ મહિને લોન બેંકમાં આવશે પણ આપણે જાણીએ છીએ કે આ સરકારી મહિનો હતો એટલે એની અવધીના દિવસો આપણે ના ગણી શકીએ છતાં મમ્મીએ ૨ મહિને ફરી ત્યાં ગઈ અને આ વખતે મારા સદનસીબે ચુંટણીના વાતાવરણે મારું કામ થઈ ગયું અને બીજા સોમવારે મને હપ્તા મુજબ લોન મળવી શરૂ થયેલી જેથી મમ્મી હું ફોન કરું ત્યાં મને લોન પ્રમાણેની તારીખ ત્યાં કૉલેજમાં કહેવા કહેતી અને એટલામાં મમ્મી ત્યાં આવી જતી.
આટલું જ નહિ માં ના આશીર્વાદ થી મને એક જ વર્ષમાં સરકારી નોકરી પણ મળી ગઈ,જ્યાં ૪ વર્ષ પહેલાં મારી મમ્મી મારા માટે સરકારી કર્મચારીઓની સહી માટે દોડતી એ માં ની મહેનત અને સાહસ ને પરિણામે મને આજે સરકારી કર્મચારી બનાવી દીધી.
આપણે અવારનવાર સાંભળીયે છીએ કે માં ના ચરણોમાં જન્નત છે સ્વર્ગ છે મે એકવાર મારી શાળાની વકૃત્વ સ્પર્ધામાં બલયેલા માં વિષયમાં સાંભળેલું કે " જનની અને જન્મભૂમિ તો સ્વર્ગ કરતા પણ ચડિયાતા છે" અરે પ્રેક્ટીકલ વાત કરું તો જેના લીધે તમે આ ધરતી પર છો જે તમારા અસ્તિત્વનું કારણ છે એનાથી વધારે તમારું બીજું કોણ હોઈ શકે? ભગવાન શબ્દ પણ આપણે ત્યારે સાંભળીયે કે જ્યારે માં તમને આ દુનિયામાં લાવે છે. મારે તો આ એક ભગવાન જ મારી બધી ઈચ્છાઓ પૂરી કરી દે છે. એટલે હું મારું મસ્તક મારી માં આગળ ઝુકાવી દિન ની શરૂઆત કરું છું એમ પણ માં આગળ તો ભગવાન પણ હાથ જોડી ઊભા રહે છે!!.
અરે...આપણને જે જોઈએ છે એતો આપણે કેટલા લોકો વચ્ચેથી મનગમતું પાત્ર શોધીએ તો પણ નિ:સ્વાર્થ પ્રેમ નથી કરતાં પરંતુ મા બાપ ને તો ખબર પણ નથી કે મારું સંતાન મોટા થઈ મારી સાથે શું કરશે? કેવું બનશે? કેવી નોકરી કરશે? છતાં પણ દરેક સંતાનને મમ્મી પપ્પા સર્વશ્રેષ્ઠ ગણીને પોતાના કરતા પણ વધારે વહાલ કરે છે. અરે..દુનિયામાં સાચા હિતેચ્છુ માત્ર એજ છે અને એજ છે જેઓ આપણને હંમેશા એમના કરતા પણ ઊંચે જોવા માગે છે. હું તો હવે પ્રભુને એક જ પ્રાર્થના પણ કરું છું કે મારી મા ની સર્વ ઈચ્છા પૂરી કરજે અન મારે મારા માટે ક્યારેય માગવું પડતું જ નથી.
હે....પ્રભુ...મારી આટલી અરજી સ્વીકારજો મને હર જન્મે મારી આ માં આપજો.