હું કોણ?
હું કોણ?


તમને ખબર છે હું કોણ છું? આ પૂછવાવાળા ને શું પોતાને ખબર છે કે તે કોણ છે? અરે...જો એને ખબર હોય તો બીજાને પૂછત ખરો? અને જો એ પોતાને ઓળખતો હોય તો પછી એને બીજાને પૂછવાની જરૂર ખરી? છતાં પણ પોતાની જાતને મોટી ઠરાવવા મૂર્ખ લોકો પોતાનું આધિપત્ય સ્થાપવા અને બીજાને નીચા સમજીને પૂછતા જ હોય છે કે," તમને ખબર છે? હું કોણ છું??"
અહી મને મારો એક બાળપણનો પ્રસંગ યાદ આવે છે,જ્યારે હું સ્કૂલ માં અભ્યાસ કરતી ત્યારે મને પણ એકવાર અવલોકન માટે આવેલા એક શિક્ષકે મને પૂછ્યું હતું કે તમે કોણ છો? ત્યારે મેં એમને કહ્યું કે હું મયુરી છું કે તરત એમને બીજો પ્રશ્ન પૂછ્યો કે એતો તારું નામ છે તું કોણ ? ત્યારે મારી પાસે જવાબ નહોતો અને કદાચ આજ સુધી મને હું કોણ એની સાચી ખબર તો નથી. પણ..હા એ પછી મે ક્યારેય કોઈને નથી કહ્યું કે હું મયુરી છું કેમ કે મને એટલું તો સમજાઈ ગયું કે એ ફક્ત આ જન્મે મળેલું મારું નામ છે મારી ઓળખાણ માત્ર થઈને.
તો હવે ફરી પ્રશ્ન થાય છે કે તો પછી આદરણીય માણસો બધાને એવું કેમ કહેતા હશે કે તમને ખબર છે હું કોણ છું? આ સાથે મારા મનમાં બીજા પણ અનેક પ્રશ્નોની હારમાળા સર્જાય છે જેમ કે, એવું કહીને નાહક ની મોટાપાં બતાવતા માણસો જ્યારે એવું કહે છે કે તમને ખબર છે હું કોણ છું ત્યારે એ પોતાના કુળના નામનો આડંબર બતાવતા હશે કે પછી તેના આ જન્મે મળેલ તેના પિતાના નામને ,કે પછી તેના કામ ને લીધે મળેલી તેની પ્રતિષ્ઠાને એને પોતાની નામ સાથે જોડે છે? કદાચ હું એવું માની લઉં કે સારું ચાલો બધી વાત એની સાચી અને કદાચ આ બધુ એનું પોતાનું. તો પછી એ પોતાના થી નાના ગણતા માણસો ને એવું કેમ કહે છે? કે તમને ખબર છે હું કોણ છું?? આ બધી ભૌતિક સમૃધ્ધિ ને પોતાની સાચી નામના ને લઈને એ આદરણીય તો બની ગયા પરંતુ શું આમાં એમને એ સમજાયું હશે કે એ પોતે કોણ છે? મને તો નથી સમજાયું. એમને સમજાયું હોય તો એ એવું પૂછે ખરા? હવે મને હસુ આવે છે કે તો પછી બીજાને ક્યાંથી ખબર હોય કે તેઓ કોણ છે? અરે...આ બધું તો અહી આવ્યા પછી મળેલ છે જેને આપણે સાથે લઈને આવ્યા છીએ કે જે આપનો સાચો સાથી છે જે " હું" જ્યાં સુધી અહીં રહેશે ત્યાં સુધી તેનો સાથ આપશે એવું શરીર પણ તમે નથી હા એ ચોક્કસ તમારું છે પણ તમે કોણ??
સારું, તો હવે મારા તર્ક પરથી મને એટલું સમજાઈ ગયું છે કે જે મારી પાસે છે એ બધું જ મારું છે પણ એ હું નથી. અને મારો સાચો સાથી એવું શરીર પણ હું નથી.જો તમને ખબર હોય કે પોતાનું અસ્તિત્વ શું છે? કે પોતે કોણ તો મને જરૂર જણાવશો??
અહી હું થોડી મારી વાંચેલી અને પોતાની જાતને જાણવા જંખેલી મારી ભૂખ ને શાંત કરવા મને એવો જવાબ મળ્યો છે કે "હું" એ મારી અંદર રહેલો જીવ- આત્મા છું જેને હું જાણું છું અને એપણ કે આપને સૌ અહી પરમપિતા પરમેશ્વર ના અંશ હોવાથી બધા જ સમાન છીએ ..તમે પણ મારી જેમ એક વાત ધ્યાને ચોક્ક્સ પણે લીધી હશે કે, આપણે જ્યારે અહીં આવ્યા ત્યારે બધાને એક સરખું મળ્યું છે જે આપનું શરીર છે તો પછી આપણે બીજાને આપણાથી ઓછા આંકીને નાના કેવીરીતે ગણી શકીએ?? અને નિખાલતાથી એટલું પણ કહી દઉં કે જે લોકો એવું કહે છે કે તમને ખબર છે? હું કોણ છું? એ ચોક્કસ પણે નથી જાણતા તેઓ કોણ છે?? એટલે જ એ બીજાને પૂછતા હશે.