આમરસ
આમરસ
હા.. આમરસ, જેનો અનુભવ આપણે દરેકે કર્યો છે. ક્યારેક ખાટો તો ક્યારેક મીઠો,પણ બંને રસ વાળી કેરી કેવી સરસ સ્વાદ આપે ? અરે..એવું જ હોય છે ગમે તેટલી મીઠી કેરી લીધી હોય પણ એમાં ખટાશ નામનો ગોટલો તો નિકળેજ, જેને બહારથી ચાખી શકતો નથી એતો કેરી ખાવાથી ખબર પડે. એમ જ આપણી જિંદગી પણ આમરસ જેવી છે, માણસ ગમે તેટલો સુખી સંપન્ન, સફળ દેખાતો હોય પણ દરેકના જીવનમાં ગોટલાની સ્થિતિ એટલે થોડું દુઃખ તો હોય જ છે જેને આપણે બહારથી નથી જાણી શકતા. પરંતુ જેમ ગોટલો જ નવો આંબો બનવાનું બીજ છે એમ જીવનમાં આવેલ આવી થોડીક ખાટી ક્ષણો જ મીઠાં રસની જીવનના સાચા સુખની અનુભૂતિ કરાવે છે, જો આપણને ખાટ્ટા સ્વાદની ખબર ના હોય તો આપણે મીઠાં ફળ ને કેવી રીતે ઓળખીએ ? સાચું કહું તો જેમ ખાટો ગોટલો જ નવા આંબાનું બીજ છે એમ આપણા જીવનમાં આવતી મુશ્કેલી દુઃખની અનુભૂતિ આપણને સુખની પ્રાપ્તિ માટે લલચાવે છે આપણે સુખની શોધમાં નીકળી જઈએ છીએ," આપણું દુઃખ જ આપણા સુખની ચાવી છે".એને ત્યાં જ પરિવર્તનની સ્થિતિ સર્જાય છે બસ... આપણું જીવન પણ આમરસ જેવું ખાટું મીઠું છે.
બસ..બસ..પણ હું અહી જીવનના સુખ દુઃખની નહીં પરંતુ માત્ર ચાર વર્ષમાં જીવેલું મારું એક નવીનતમ જીવન જે મારી જેવા બધાએ અનુભવ્યું હશે, અને એજ લાઇફની ટર્નિંગ પોઇન્ટ હશે એવું હું માનું છું, કારણ કે એ સમયે જ્યાં આપણે આપણો પરિવાર છોડીને ફરી ક્યારેય ના છૂટે એવો નાનકડો નવો પરિવાર આપની પસંદગી પ્રમાણે બનાવીએ છીએ ...હા..પરિવારના સભ્યો પણ પસંદગીના..હા તમને પ્રશ્ન થતો હશે તો હું જણાવી દઉં કે,હું અહી મારી જિંદગીનો એક મહત્વનો ભાગ જે આજીવન સુધી મારી સાથે રહેશે, એવી મારી કોલેજ લાઇફ હોસ્ટેલની જિંદગીની વાત કરું છું,ભલે આપણે એક જીવન લઈને જનમ્યા છીએ પરંતુ મારી જેમ તમે પણ ગણા જીવન જીવતા હશો ! જેમ કે, બાળપણમાં સ્કૂલ લાઇફ, પછી કોલેજ હોસ્ટેલ લાઇફ, સ્વપ્નોની દુનિયાની જિંદગી અને વાસ્
તવિક જીવન.
આમરસ એ મારી હોસ્ટેલની કહાની છે,જેમાં હું ને મારી અન્ય ત્રણ ખૂબ સારા મિત્રો, મારી રૂમ પાર્ટનર, એજ મારું ગ્રૂપ, અને આજીવન સુખ દુઃખમાં ભાગીદાર બનનાર મારો નવો પરિવાર. હા.. એ પરિવાર જ કહેવાયને જ્યાં તમે સૌથી પહેલા તમારી સુખદ ક્ષણો માણી શકો અને જેની સાથે તમારા દુઃખ પણ રડી શકો, પણ મિત્રોનો પરિવારમાં દુઃખ જેવું કંઈ હોતું જ નથી. તમને પણ ખ્યાલ હશે મિત્રો એને જ કહેવાય જે દુઃખની પળોને પણ પ્રસંગની જેમ માણે.અરે...એમને કહ્યા પછી આપણે વિચારવું પડે કે, મારી તકલીફ શું હતી ? "હું જેને દુઃખ સમજી રડી રહી હતી એ મારું દુઃખ હતું ??" અરે.. જન્મદિવસ તમારો હોય પણ ક્યારે..૧૨ વાગેને સૌથી પહેલા વિશ કરવાની જીજ્ઞાસા એમની હોય,એમાં પણ હરીફાઈ ચાલતી કોની સરપ્રાઇઝ સૌથી સારી હશે ! એ પણ આતુરતા હોય. કોલેજ પરિક્ષામાં જો તમારે ઓછા માર્ક્સ આવે તો પણ મિત્રો ખુશ અને જો એમનાથી સારા માર્ક્સ આવે તો તરતજ પૂછે, તારે ક્યાંથી આવ્યા હે ? અરે..સગાઈ તમારી થવાની હોય પણ મજા મિત્રોની, એટલું જ નહીં, જો બ્રેક અપ થયું તો પણ તમારે એમને પાર્ટી આપવી પડે હો..ભાઈ, એને એજ પાર્ટીમાં તમારા દિલ દુખ્યાનો અનુભવ નજીવી બની જાય. સાથ આપે પણ પાછા પરિવારની બીક પણ બતાવે પણ જ્યારે મમ્મી પપ્પા હોસ્ટેલ આવે ત્યારે જ્યારે સગા ભાઈ બહેનની જમ સાચવતા હોય એવા બની જાય છે. ને જેવા નીકળે એટલે એમની જ મિમિક્રી આપની સામે ચાલુ અરે એ ફરીથી હોસ્ટેલ આવે ત્યાં સુધી એમના કહેલા વાક્યો આપણને યાદ કરાવે, અરે એમની હાજરીમાં એમના વખાણ માટેના વાક્યો પણ કહીને રાખે કે એમની હાજરીમાં આવું કેજે ! હોસ્ટેલમાં જ્યાં આપણો પરિવાર નથી ત્યાં મિત્રો જ આપણા સર્વસ્વ હોય છે. મને પણ મારી હોસ્ટેલ લાઇફની નવો નાનકડો પરિવાર મળ્યો જેનું નામ છે આમરસ.
મારા પરિવારની કહાની આપણે આગળ જોઈશું હું મયૂરી તમને મારા ત્રણ મિત્રો સાથે મળીશ.
ક્રમશ:....