લવિંગ કેરી લાકડીએ
લવિંગ કેરી લાકડીએ


યશોધરાબહેન જ્યારથી પથારીવશ બની ગયેલા ત્યારથી એમની કર્ણેન્દ્રિય વધુ સતેજ બની ગઈ હતી, તેથી તો બાજુની રૂમમાં થતી વાત એ સ્પષ્ટ સાંભળી શકતા હતા. અને જેમ જેમ વાત સાંભળતાં જતા હતા તેમ તેમ તેમનો ગુસ્સો સાતમા આસમાને પહોંચી જતો હતો, દીના હસી રહી હતી - ખડખડાટ, અને તેય તેની જેઠાણીની પુત્રવધુ સાથે.
‘ભાભી, તમને રસગુલ્લા ભાવે છે ને ? મેં કલકત્તાથી મંગાવ્યા છે. અરે એક તો ખવાશે જ .... કેવું ગયું મોં......માં....’
અને દીનાની સાથે સાથે જયનાનું પણ હાસ્ય ભળી ગયું. યશોધરાબહેનનો દીના પ્રત્યેનો વ્યવહાર સાસુનો પુત્રવધુ પ્રત્યે હોય એવો જ હતો. અને એમના પતિ મોહનલાલ તો એમના મોટાભાઈને દેવની જેમ પૂજતા હતા. આ વાત યશોધરાબહેનને સોનાની થાળીમાં લોઢાની મેખ લાગતી. છતાંય પતિ આગળ કશું ચાલતું નહી. પરંતુ પતિ જયારે પોતાના મોટાભાઈની પુત્રવધુ જયનાની સાથે પણ દિકરી જેમ વ્યવહાર કરતાં તે વાત યશોધરાબહેનને હંમેશ ખૂંચતી.
વારંવાર જયનાનું એ અપમાન કરતાં પણ જયના જેનું નામ, સદાય હસતી જ રહેતી. અને જયારે દીના પણ જયના સાથે મધુર વ્યવહાર રાખતી ત્યારે યશોધરાબહેન દીનાને વાગ્બાણથી વીંધવાનું છોડતા નહી, પણ દીનાય જાણે જયનાની પ્રતિકૃતિ જ. યશોધરાબહેન ગમે તે બોલે છતાંય ચૂપ.
યશોધરાબહેન પથારીમાં સુતા સુતા સમજી ગયા કે જયનાએ આગ્રહ કરી દીનાના મોંમાં રસગુલ્લુ મુક્યું હશે. તેથી જ ક્રોધે ભરાઈને બોલ્યાં, ‘દીના, ઘરમાં કામ નથી કે બેસીને ગપ્પા મારવાનું ચાલુ કર્યું છે ? લોકોની વહુઓની જેમ આપણા ઘરમાં આવું નહી ચાલે’
જયના સમજી ગઈ હતી કે ‘લોકોની વહુઓ’ એ શબ્દ કોને ઉદ્દેશીને બોલાયો હતો.
યશોધરાબહેનને હતું જ કે આવું સાંભળતાં જ જયના ઘર છોડીને જતી રહેશે. પણ એનાથી સાવ વિપરીત પરિણામ આવ્યું. જયના યશોધરાબહેન પાસે આવીને બોલી, ‘કાકીમા, તમારી વાત સાચી છે, પણ જ્યાં વહુઓ હોય ત્યાં, આ ઘરમાં તો કોઈ વહુ નથી. અમે બંને આ ઘરની દીકરીઓ જ છીએ માટે તો હસીએ છીએ.’
‘જયના, તારા ચાંપલાવેડા મને પસંદ નથી. તું શું કામ અહિં આવે છે ?’
‘કાકીમા, તમારો મીઠો મીઠો ગુસ્સો સાંભળવા.’ અને જયના દીના સામું જોઈ મીઠું હસી લેતી. જતી વખતે પણ જયના યશોધરાબહેનને નમીને પગે લાગવાનું ચૂકતી નહી.
જયનાના ગયા પછી યશોધરાબહેન ઘણીવાર સુધી ના જોઈતો બબડાટ કરતા, દીના પર ગુસ્સો ઠાલવતા. પણ દીના હંમેશ હસતી જ રહેતી. ઘણીવાર સંધિવાના કારણે પગનો દુઃખાવો ખૂબ વધી જતો. એવે વખતે દીના આખી રાત જાગીને પગને માલીશ કરતી. બીજે દિવસે પણ પ્રફુલ્લિત ચિત્તે એ કામ કરતી. એ જોઈ ઘણીવાર યશોધરાબહેનને દીના પ્રત્યે પ્રેમ ઉભરતો, પણ પ્રેમ વ્યક્ત કરતાં એમનો અહમ હંમેશ આડો આવતો હતો. એમાંય જયારે દીનાનાં પિયરીયા દીનાને પિયર આવવા માટેનું આમંત્રણ આપવા આવતા ત્યારે યશોધરાબહેન એવા બિભત્સ શબ્દોમાં આવકાર આપતાં કે તેઓ ફરી ક્યારેય દીનાને પિયર તેડાવવાની હિંમત કરતાં નહી. અને એમની આંખોમાં આંસુ આવી જતા.
પરંતુ દીના હસતા હસતા કહેતી, ‘હું મારે સાસરે સુખી છું પછી તમે શા માટે મને પિયર તેડાવવાની જક કરો છો ? મારા સાસુ બીમાર છે. હું આવું તો એમનું કોણ કરે ? અને એ તો બીમાર છે. બીમારી સહન ના થાય તો કોની પર ગુસ્સો કરે ? જેની પર વધુ પ્રેમ હોય એની પર વધુ ગુસ્સો થાય. તમારે મનમાં કંઈ લાવવું નહીં.’
પરંતુ દીનાનાં પિયરપક્ષવાળા બહું સારી રીતે સમજતા હતા કે દીનાના સાસુને દીના પ્રત્યે કેટલો વધુ પ્રેમ છે !
યશોધરાબહેને માનેલું કે પુત્રવધુ સમજું આવશે અને એમના પક્ષે રહેશે. એના બદલે દીના તો એના સસરાના પક્ષે જતી. યશોધરાબહેન પરણીને આવ્યા ત્યારથી પતિ ખેતીકામ કરતાં હતા. પુષ્કળ જમીન હતી અને યશોધરાબહેન પણ ખેતીકામમાં પતિને મન દઈને મદદ કરતાં. જયારે ફસલ તૈયાર થતી ત્યારે ફસલના બે સરખા ભાગ પડતા. એક ભાગ એનો પતિ એના જેઠને આપતો ત્યારે એ હંમેશ ઝગડો કરતાં, ‘મોટાભાઈ પાસે ઘણો પૈસો છે. રાત-દિવસ ખેતરમાં મહેનત આપણે કરીએ છીએ પછી એમનો ભાગ શેનો ? આપણી પાસે પૈસા છે. આપણે એમના ભાગની જમીન ખરીદી લઈએ. પછી મહેનત અને માલ બંને આપણા. હું પસીનાની મહેનત કોઈને જતી જોઈ શકતી નથી.’
ત્યારે મોહનલાલ પત્નીને સમજાવતા, ‘તું સમજવા પ્રયત્ન કર. આજે હું ખેતરમાં વધુ ઉત્પાદન કરી શકું છે એ મારા આધુનિક જ્ઞાનને આભારી છે. મોટાભાઈએ મને ખેતીવાડીની કૉલેજમાં ગ્રેજ્યુએટ કર્યો, મારો ખર્ચ વેઠ્યો, એ ભાઈ પ્રત્યે મારી કંઈ ફરજ નથી ?’
‘તમને ભણાવ્યા એ એમની ફરજ હતી. છતાં પણ તમને એવું લાગતું હોય કે ભાઈએ તમારી પાછળ પુષ્કળ ખર્ચ કર્યો છે તો તમે આટલાં વર્ષના ખર્ચના પૈસા આપી દો... પણ અનાજ,,,,’
‘દરેક વસ્તુની કિંમત પૈસામાં નથી થતી. આ તો મારો મોટાભાઈ પ્રત્યેનો પ્રેમ છે અને મોટાભાઈએ ક્યારેય મારી પાસે અનાજની માંગણી નથી કરી કે નથી ઉત્પાદનનો હિસાબ માંગ્યો.’
‘માંગણી ક્યાંથી કરે ? મહેનત આપણે કરીએ છીએ ને !’
અને મોટેભાગે બીજા ભાગમાંથી એ પોતાના ભાગમાં થોડુંઘણું તો વધુ લઇ જ લેતી. એવું કરવાથી એના આત્માને તૃપ્તિ પણ મળતી કે પોતે મહેનત કરે છે એનું વધુ વળતર મેળવી શકે છે. ક્યારેક આ બાબતમાં જેઠ-જેઠાણી સાથે ઝગડો પણ કરી લેતી. પણ જેઠ-જેઠાણી ચૂપ જ રહેતાં. ત્યારે યશોધરાબહેનનું હૈયું હર્ષથી નાચી ઉઠતું કે પોતે કંઇક છે અને જેઠ-જેઠાણી પોતાની સામે બોલવાની હિંમત કરતાં નથી, કારણ બધો વાંક એમનો છે.
વર્ષો વીતતા ગયા. કમાણી વધતી ગઈ. શેરડીમાંથી ખાંડનું ઉત્પાદન કરવા કારખાના નંખાયા. એમાંય પુષ્કળ કમાણી થતી ગઈ. યશોધરાબહેને ખેતરમાં જવાનું ઓછું કરી દીધું અને વખત જતાં બિલકુલ બંધ થઇ ગયું. પરંતુ યશોધરાબહેનનો ઝગડો યથાવત રહેતો. જયારે પુત્રવધુનું આગમન થયું ત્યારે એમને કહેલું, ‘દીના, આપણી મહેનતનું અન્ન બીજાના ઘરમાં જાય એ મને પસંદ નથી. આપણે કાકાના ઘર જોડે સંબંધ રાખવાનો જ નથી.’ ત્યારે દીનાને થતું કે એ કહે કાકા ‘બીજા’ ના કહેવાય, પરંતુ એ ચૂપ રહેતી. સાથે સાથે સાસુની વાતની દીના પર અસર પણ થઇ ન હતી. દીના જયના સાથે હસીહસીને કલાકો સુધી વાતો કર્યા કરતી.
અને એક દિવસ યશોધરાબહેનની આંખ ખૂલી ત્યારે બાજુની રૂમમાં તેમના જેઠ-જેઠાણી સાથે દીનાનો વાતો કરતો અવાજ સંભળાયો. દીના કહી રહી હતી, ‘કાકા, પપ્પા બહારગામ ગયા છે. આ અનાજનો અડધો ભાગ તમારો છે અને આ હિસાબના ચોપડા છે.’ આ સાંભળતાં જ યશોધરાબહેનને થયું કે જો મારા પગ ચાલતા હોત તો ઊઠીને દીનાનો ચોટલો ખેંચીને ઘરની બહાર કાઢી મૂકત, એ ગુસ્સામાં બરાડી ઉઠત, ‘દિ....ના....’ પણ ત્યાં જ એક ગંભીર અવાજ સંભળાયો, ‘દીના બેટા, હિસાબ તો મારે તમને આપવાનો છે. અત્યાર સુધી તારા સસરા મહેનત કરીને મને અડધો ભાગ આપતાં રહ્યા. હું જાણતો હતો કે હું અડધો ભાગ નહી લઉં તો મારા નાના ભાઈનું દિલ દુઃખશે એટલે હું અડધો ભાગ લેતો રહ્યો. પણ એની કિંમત ના પૈસા હું ભાઈના નામે બેંકમાં જ મુકતો હતો. એનો હિસાબ આપવા હું આવવાનો જ હતો. પરંતુ એવમાં જ જયના એના પિયર ગઈ. હું બીમાર પડ્યો અને તે ફોન પર આગ્રહ કરી મને અહી બોલાવ્યો. હું તારા આગ્રહને વશ થઈને આવ્યો છું. બાકી તો આ ઘરમાં.....’
‘નહી કાકા, એવું નથી. મમ્મી તો ખૂબ પ્રેમાળ છે. પણ બીમારીએ એમનો સ્વભાવ ચીડિયો બનાવ્યો છે. તમારા આગમનથી એ જરૂર ખુશ થશે........’
બીજી જ મીનીટે દીના સાસુ પાસે પહોંચતા બોલી, ‘મમ્મી, તમારી ઈચ્છા વિરુદ્ધનું મેં કામ કર્યું છે. કાકા બીમાર હતા. જયના એના પિયર ગઈ છે. મેં કાકાને અહિં બોલાવ્યા છે. મારો આટલો અપરાધ માફ કરજો અને મને જે શિક્ષા કરશો એ હું સ્વીકારી લઈશ.’
‘દીના, તારા અપરાધની જરૂર શિક્ષા મળશે. તને લવિંગની લાકડીએ ફટકારીશ.’ અને બીજી જ પળે હૃદયની ઉત્કૃષ્ટ લાગણીથી યશોધરાબહેને દીનાને ભેટી પડ્યા.
ત્યાં જ દીનાના સસરા ઘરમાં પ્રવેશતા બોલી ઉઠ્યા, ‘લવિંગ કેરી લાકડીએ સાસુએ વહુને માર્યા રે લોલ.....’