STORYMIRROR

Kalpesh Patel

Drama Classics Others

4  

Kalpesh Patel

Drama Classics Others

લખીવાર

લખીવાર

4 mins
15

લખીવાર

પીપળ ગામે રહેતા લખીબહેનનું અસલ નામ લક્ષ્મી હતું, પણ આખું ગામ તેમને લખમી કહેતું અને વખત જતા લખમી માંથી "લખી" થતાં લોકો હવે જ ટૂંકા નામે બોલાવતું. લખી નામમાં જ એક આપનાપન હતું.તેમનાં સહવાસ આવતા બધાને લખીની લાગણી, દયા, પ્રેમ અને સમર્પણનો ઝળહળતો અનુભવ મળતો.

સુંદર દેહ લલિત્યય અને સુંદર આંખો, જેની સામે જુવે તેને પોતાના કરી દે એવી લક્ષ્મી, તેના માં બાપ ના મર્યા પછી તે આખી જુવાની કુંવારી રહી. ગામના લોકો ક્યારેક મજાક કરતાં કે "લખી, તારી ઉમર વીતી જશે, તું એકલી આ દુનિયા મા શું કરીશ. તું પરણીને ઘર વસાવી ઠરી ઠામ થા. હવે પાકટ ઉંમરે કોઈનો હાથ પકડી,તું પોતાને માટે જીવ." પણ લખી સ્મિતથી જવાબ આપતી, અરે હું ક્યાં એકલી છું. "હું માત્ર પોતાને માટે કેવી રીતે જીવી શકું ?

આ પીપળ ગામ આખાના છોકરાઓ મારો પરિવાર છે. મારું અસલ ઘર તો ગામની આ સ્કૂલ છે. જે મારું જાગતું ઘર છે.

રસોડાની સુગંધ

આવી ખમીરવંતી લખી સ્કૂલના રસોડામાં વરસોથી સેવા આપતી. પગારની આશાએ કદીયે કામ નહતું કર્યું.તેનાં ચહેરા પર હંમેશાં એક અજોડ શાંતિની અનેરી ઝલક ઝળકતી.

સવારના સાત વાગ્યે ખેતરે જતા, શેઢે પાણી અને, નિંદામણ જેવું કામ સમેટી સીઘી ગામ ની સ્કૂલે આવતી.રસોડાનું બારણું ખોલી આખા પ્રાંગણમાં સાફ સફાઈ કરી, ચૂલે છોકરાઓ માટે મધ્યાન ભોજન ની તૈયારી કરતી ત્યારે આખી સ્કૂલમાં મસાલાની સુગંધ ફેલાઈ જતી. લખી વાસણો ધોઈને ચૂલા ઉપર કડાઈ ચઢાવતી, મગ, તુવેરની દાળ, રોટલી, ખીચડી, શાક… બધું પ્રેમથી રાંધતી.

પણ સ્કૂલના છોકરાઓના સાહેબો માટે અઠવાડિયા મા સૌથી વિશેષ દિવસ હતો શુક્રવાર. એ દિવસે સ્કૂલના મેનૂમાં આવતું, ગરમાગરમ પૂરી અને બટાકા વટાણાનું શાક.

બાળકો તો આ દિવસની ખાસ રાહ જોતા . જ્યારે કડાઈમાં પૂરી ફૂલતી અને તેલમાં છટકારા પડતાં, અને બટાકા વટાણાનું શાકનો ચટાકેદાર નાસ્તો પીરસાતો ત્યારે રસોડામાં ઉભાં શિક્ષકો પણ તલપ છુપાવી શકતા ન હતા.

બાળકો થાળી લઈને લાઈનમાં ઊભા રહેતા. લખીબહેન એક પૂરી મુકતાં. નબળા બાંધા ના બાળકની થાળીમાં પૂરી મોટી વણી ને પીરસતા. “લઈ લે બેટા,પેટ ભરી ને ખાજે તું હજી નાનો છે, ભણવા માટે શક્તિ જોઈએ.”

બાળકો હસતાં, ક્યારેક મજાક કરતાં: “લખીબા, તમે અમને બગાડી નાખશો.” લખીબહેન હસતાં બોલતાં: “હા હા, ખવડાવી ને, જાડિયા બનાવી બાગાડીશ , પણ ભણવામા ક્યારેય થાકશો નહીં.”

ત્રણસો સંતાન

પીપળ ગામના આસપાસના ગામ થી આવતા ત્રણસો જેટલા બાળકો હતાં. દરેક બાળકને લખીબહેન નામથી બોલાવતા, અને પોતાના દીકરા-દીકરી જેવી લાગણીથી જોતાં. કોઈને તાવ હોય તો તેમની થાળી પાસે જઈને ખીચડી મૂકી આવતાં. કોઈ ગરીબ બાળકને ચુપચાપ રસોડાની પાછળથી એક પૂરી, થોડી લપસી કે બાફેલા મસાલા ચણા ઘેર લઇ જવા આપી દેતાં.

એક વાર ગામની નાની રિતુએ કહ્યું: “મારી મા ઓરમાન છે, મને પ્રેમ નથી કરતી નથી… પણ તું મારી મા જેવી છે.” લખીબહેનનું હૃદય ભરી આવ્યું. આંખોમાંથી આંસુ છલકાઈ ગયા, પણ બાળકી ને છાતીએ ચાંપી તેની સામે સ્મિત જ આપ્યું.

ત્રણસો બાળકો—અને દરેક બાળક તેમને એક જુદી ઓળખ આપતો. એમને સાચે જ લાગતું કે એ બધાં જ એમનાં સંતાન છે.

એકલતાની છાયા

લક્ષ્મી રાત્રે પોતાનાં નાનકડાં ઘેર પરત આવતી, ત્યારે વાતાવરણ બદલાઈ જતું. ખાલી ઘર, શાંત દીવાલો, એકલતાનો ભાર. ખેતરના એક ટુકડામાં શાકભાજી ઊગતા , પણ ખેતર પણ જાણે તેનું મૌન સાથી જેવું હતું.

જીવનમાં કોઈ સાથીદાર ન હતું, ન સંતાન, ન કુટુંબ. પણ એ એકલતાની વચ્ચે પણ લખીનું હૈયું કદી ખાલી ન રહ્યું—કારણ કે તેઓ દરરોજ ત્રણસો ચહેરાં ને હસતા કરવા મથી જીવતા હતા.

અંતિમ શુક્રવાર

આજે શુક્રવારની સવાર હતી. બાળકો ગરમા ગરમ પૂરી શાકના ભરોસે લાઈન બાંધી ઊભા હતા, થાળીઓ હાથમાં લઈને રહેલા . તેઓ દર અઠવાડિયે આવતા શુક્રવાર ની માફક પૂરી શાક માટે ઊભાં હતાં,પણ આજે કંઈક ગડબડ હતી. રસોડામાંથી પૂરી-શાકની સુગંધ નહોતી આવતી. રસોડાનું બારણું પણ અધખુલ્લું હતું.

શિક્ષકો દોડી આવ્યા. દરવાજો પૂરો ખોલતાં અંદર નીરવ શાંતિ હતી. રસોડા મધ્યમાં લખીબા બટેકા સમારતા ઢળી ગયાં હતાં.લખીનો જીવનનો દીવો કોઈ શોરબકોર વીના બુઝાઈ ગયો હતો.

બાળકો દોડી ગયા, કોઈએ તેમનો હાથ પકડીને હલાવ્યા, કોઈએ રડતાં કહ્યું: “લખીબા, ઊઠો… અમને ભૂખ લાગી છે…” પણ લખીબા તો અનંતની યાત્રા એ ચાલી નીકળ્યા હોઈ, તેઓ હવે કદી ઊઠવાના નહોતા.

પીપળ ગામની સ્કૂલની હવામાં તે શુક્રવારે કોઇ સુગંધ નહોતી,માત્ર આંસુઓનો ખારાશ હતી

મરણોત્તર સન્માન.

કેટલાંક દિવસ પછી સ્કૂલમાં એક મોટી સભા બોલાવવામાં આવી. પ્રિન્સિપાલે આંખોમાંથી આંસુ લૂછતાં કહ્યું: “લખીબહેન માત્ર રસોઇ કરનાર બાઈ નહતા, તેઓ આ સ્કૂલનું હૃદય હતા. આજે આપણે સૌએ એક નિશ્વાર્થ માતાને ગુમાવી છે.”

બાળકો, શિક્ષકો, ગામલોકો—બધાંની આંખોમાંથી અવિરત આંસુ વરસતા રહ્યા.

ત્રીજે દિવસે ખબર પડી કે લખીબા,તેમની બચત, તેમનો પાંચ વરસનો ચડેલો સ્કૂલનો પગાર,પોતાનું નાનું ઘર અને આખુ ખેતર સ્કૂલના નામે લખીને ગયા હતા.

જીવંત વારસો

લખીના લખી આપેલ, ખેતરમાંથી શાકભાજી હવે સીધું સ્કૂલમાં જતું થયું . રસોડામાં દાળ-ભાત સાથે રોજ તાજાં શાક બનતાં. શુક્રવારે પૂરી-શાક બનતી વખતે રસોડામાં જાણે લખીબાનો અદ્રશ્ય હાથ હજી પણ ફરતો હતો.

બાળકો હવે થાળીમાં પૂરી-શાક જોતા, ત્યારે એકબીજાને કહેતા: “આજે તો લખીવાર છે.”

લખીનો શ્વાસ તો હવે નથી, પણ તેની પ્રેમાળ દાન, તેમના ગરમ પૂરી શાક હજી પણ દરેક લખીવારે જીવંત થાય છે.

ગામ માટે શુક્રવારના પૂરી-શાક માત્ર મધ્યાન ભોજન ન રહેતા — એ બન્યો પ્રેમની સ્મૃતિ, નિઃસ્વાર્થ સેવાની પ્રેરણા અને એકલતા છતાં જીવેલા જીવનનો અમર વારસો.

આજે પણ જયારે પૂરી-શાકની સુગંધ પીપળ ગામની હવામાં ફરી વળે ત્યારે સૌને લાગે કે લખી એ જ રસોડામાં હજુય છોકરાઓની સેવા મા ઉભી છે.”
🌸

How is it? Pl kindly react with your comment please 🙏🏻


Rate this content
Log in

Similar gujarati story from Drama