mariyam dhupli

Drama Tragedy Inspirational

4  

mariyam dhupli

Drama Tragedy Inspirational

લિવ મી અલોન : ૨

લિવ મી અલોન : ૨

5 mins
386


ઢળતી સાંજે ટેક્ષીમાંથી પસાર થઇ રહેલા શહેર ઉપર બે આંખો જડબેસલાક જડાઈ ગઈ હતી. પરંતુ દ્રષ્ટિમાં પસાર થઇ રહેલા એ દ્રશ્યો પોતાની જગ્યા બનાવી રહ્યા હતા કે કેમ એ અંગે જોનારને અચૂક શંકા ઉપજે. ટેક્ષીની પાછળની સીટ પર ગોઠવાયેલું શરીર તદ્દન મૂર્તિ જેવું જડ હતું. સિગ્નલ ઉપર આવી ઉભેલી ટેક્ષીને હળવી બ્રેક લાગી. પરંતુ ગતિ - વિરામ જોડે પાછળની સીટ પર ગોઠવાયેલા શરીરને કોઈ લેવાદેવા ન હતા. કીકીઓ હજી પણ શૂન્યાવકાશમાં સ્થિર હતી. લાલ સિગ્નલ ઉપર રાહ જોવાનો કંટાળાજનક સમય આનંદપૂર્વક પસાર કરવાના હેતુસર ટેક્ષી ડ્રાઈવરે એફએમ લગાવ્યું. શાંત, મૌન ટેક્ષીમાં સંગીત ચહેકી ઉઠ્યું. આખા દેશમાં ધૂમ મચાવી રહેલ એ રોમેન્ટિક ગીત દ્વારા ડ્રાઇવરનો આખા દિવસનો થાક ઉતરી રહ્યો હોય એમ એની આંગળીઓ વિરામ લઇ રહેલા સ્ટીઅરિંગ ઉપર સંગીત ઉપજાવવા લાગી. પાછળની સીટ પરની મૂર્તિ પોતાના ધ્યાનમાંથી ભંગ થઇ. કીકીઓમાં હલનચલન થયું. ડ્રાઇવરની આંગળીઓ ઉપર રોષના હાવભાવો મંડાયા. એફએમ ઉપરથી ગુંજી રહેલું ગીત બળતામાં ઘી રેડી રહ્યું હતું. એ વાતની બાતમી આપતા દાંત અંદરોઅંદર જોરદાર ભીંસાયા. હાથની આંગળીઓ મુઠ્ઠીમાં વળી જવા અધીરી બની. 

"સ્ટોપ ધીઝ મ્યુઝિક. "

ફક્ત ત્રણ ભઠ્ઠીમાં બળતા દાવાનળ સમા ગરમગરમ શબ્દો. અન્ય કોઈ શબ્દ નહીં. અન્ય કોઈ સભ્યતાનું નામોનિશાન નહીં. 'પ્લીઝ' કે 'મહેરબાની કરીને' જેવા શબ્દોનો કોઈ સ્પર્શ નહીં. આગળની સીટ પર ગોઠવાયેલો ડ્રાઈવર નખશીખ દાઝ્યો હતો. અપેક્ષા વિનાના વર્તનથી ભારોભાર ચોંકી ઉઠ્યો હતો. એની પહોળી થયેલી કીકીઓ પાછળ બેઠેલા પેસૅન્જરને બેકમીરર થકી હેરતથી તાકી ઉઠી. પરંતુ ગ્રાહક એનો ભગવાન હતો. એનો હુકમ માથા પર ઉઠાવતા એણે તરત જ એફએમ બંધ કરી નાખ્યો. આંગળીઓ ફરીથી વિરામ કરી રહેલા સ્ટીઅરિંગ ઉપર સ્તબ્ધ થઇ ગઈ. આખા દિવસનો થાક ફરી ચહેરા ઉપર આવી એની જગ્યા પર ગોઠવાઈ ગયો. 

"સા'બ, યે ફૂલ લે લોના, સા'બ. એકદમ તાઝા હે, સા'બ.''

બારીમાંથી અંદર તરફ ડોકાયેલા હાથમાં થમાયેલા ફૂલોની તાજી ફોરમથી આખી ટેક્ષી જોતજોતામાં મનમોહક સુવાસથી મહેકી ઉઠી.

''લે લોના, સા'બ. મા બીમાર હે, સા'બ. દવાઈ લેની હે, સા'બ...સા'બ ...સા'બ ...સા'બ ... યે ક્યા કર રહે હો, સા'બ ? મેરા હાથ..આહ ...મેરા હાથ..."

ડ્રાઇવરની નજર બેકમીરરમાંથી ખસી સીધી વળેલી ગરદન જોડે અવિશ્વાસમાં પાછળ તરફ ફરી. જો હાથ પાછળ ખેંચી લેવામાં એક ક્ષણનો પણ વિલંબ થયો હોત તો એ ગરીબ બાળકનો હાથ ઝાટકા જોડે ઉપર ચઢાવી દેવામાં આવેલા કાચથી નિઃસંદેહ કચડાય જ ગયો હોત. પોતાને તિરસ્કાર જોડે રહેંસી રહેલી આંખોને પાછળ તરફથી અત્યંત શાંત જીવે આંખોનો સંકેત થયો. ટેક્ષી ડ્રાઈવરે સંકેત થયેલી દિશામાં આગળ તરફ ગરદન ફેરવી. લીલા રંગમાં ફેરવાઈ ગયેલી ટ્રાફિક લાઈટ ઉપરથી નજર ફરી બેકમીરરમાં ઘૃણા જોડે પટકાઈ. 

"આ'મ ગેટિંગ લેટ. "

ફરીથી ફક્ત ત્રણ ધગધગતા શબ્દો. 

ડ્રાઈવરે નાછૂટકે ટેક્ષી આગળ વધારી દીધી. 

થોડા સમય બાદ ટેક્ષી શહેરના એક ધનાઢ્ય વિસ્તારમાં સ્થાપિત એપાર્ટમેન્ટના પાર્કિંગ વિસ્તાર નજીક આવી ઉભી રહી ગઈ. પાછળ તરફનું શરીર જાણે લાંબા સમયની સજામાંથી છુટકારો મળ્યો હોય એમ શીઘ્ર નીચે ઉતરી આવ્યું. ટેક્ષી ડ્રાઈવરે એક નફરત સભર દ્રષ્ટિ એ શરીર પર નાખી અને એ શરીરના પોતાની ટેક્ષીમાંથી બહાર નીકળી જવાથી જાણે મોક્ષની પ્રાપ્તિ થઇ હોય એમ તરત જ ટેક્ષી શહેરના રસ્તાઓ તરફ ઉતાવળ જોડે ભગાડી મૂકી.

'તાદાત્મ્ય ' એપાર્ટમેન્ટ એક બહુમાળી ઇમારત હતી. કુલ દસ માળાઓ હતા અને દરેક માળ ઉપર બે વિશાળ ફ્લેટ હતા. આમ કુલ વીસ આરામદાયક ફ્લેટ ધરાવતું એપાર્ટમેન્ટ શહેરના મધ્ય ભાગમાં ઠાઠથી ઉભું હતું. એપાર્ટમેન્ટના પાર્કિંગ વિસ્તારમાં એક તરફ વાહનો માટેનો પાર્કિંગ એરિયા હતો અને બીજી તરફ એક નાનકડા બગીચા જેવો ગાર્ડન એરિયા હતો. ઢળતી સાંજે ફ્લેટમાં રહેતા વૃદ્ધજનો ગાર્ડન એરિયામાં સ્થાપિત બાંકડાઓ ઉપર વાર્તાલાપ કરવામાં વ્યસ્ત હતા. બગીચાના કેન્દ્ર વિસ્તારમાં ક્રિકેટના સ્ટમ્પ જડાયા હતા. જુદી જુદી આયુ ધરાવતા બાળકો કેટલાક વાલીઓ જોડે ટીમ બનાવી ક્રિકેટની રમતનો આનંદ માણી રહ્યા હતા. કેટલાક યુવાનો પાર્કિંગ એરિયામાં ગોઠવાયેલી બાઈક ઉપર બેઠક જમાવી વાતો કરવામાં તલ્લીન હતા. આમ આખા પાર્કિંગ વિસ્તારનો માહોલ એકંદરે ભીડભાડ અને ચહેલપહેલથી ભરેલો હતો. 

એ શોરગૂલથી ચઢી રહેલી અપાર રીસ આંખોમાંથી પરોક્ષ છૂટી રહી હતી. ચહેલપહેલ સામેના પ્રત્યાઘાતમાં ઓફિસની બેગ ઉપરની પકડ એટલી સખત થઇ કે જો એ બેગ માનવી હોત તો એનો જીવ જ નીકળી ગયો હોત. શર્ટ પર ખોસાયેલ કાળા સનગ્લાસ ચહેરા ઉપર એટલી પકડ જોડે ચઢ્યા કે આંખોમાં ચાલી રહેલા વિચારોનો એક શબ્દ પણ કોઈ વાંચી ન શકે. શરીર વધુ ટટ્ટાર થયું. પાર્કિંગ વિસ્તારના અંદર તરફ કાર્યરત લિફ્ટ એનું સીધું લક્ષ્ય હતું. એ લક્ષ્યના માર્ગમાં ઉભા દરેક માનવી રૂપી વિઘ્નોને શક્ય એટલી ઝડપે પાર કરવા એણે પોતાના પગ સૈનિક સમા મક્કમ કર્યા. ઊંડો દમ ભર્યો અને હવામાં ઉડતા વિમાન જેમ એ જમીન પરની હવાને એક જ શ્વાસે ચિરતો ગાર્ડન એરિયામાં પ્રવેશી ગયો. બાળકોની ક્રિકેટની રમતની બાઉન્ડરી રેખા એના માટે આંખો સામેના માનવીઓ જેમ જ અદ્રશ્ય હતી. રમતની તદ્દન મધ્યમાંથી એ યાંત્રિક માનવી જેમ સમાન ઝડપ જોડે આગળ વધતો ગયો. 

"બાઉન્ડરી..."

બેટથી ફટકારવામાં આવેલો શોટ બાઉન્ડરી ફટકારી શકે એ પહેલા ક્રિકેટનો દડો સીધો મેદાન વચ્ચેથી પસાર થઇ રહેલા માનવીના માથા પર જઈ અફળાયો. ક્રિકેટની રમત અટકી પડી. 

"સોરી, અંકલ. "

સનગ્લાસ ચહેરા પરથી ધીમે રહી ઉતારવામાં આવ્યા. મેદાનની વચોવચ અટકી પડેલું શરીર પાછળથી પડઘાયેલા અવાજની દિશામાં ફર્યું. શોટ ફટકારેલા બાળકના ચહેરા ઉપર થોડી માફી અને થોડી આજીજીના હાવભાવો સંમિશ્રિત હતા. 

"સોરી, મિસ્ટર શાહ. "

એક ખૂણામાંથી બાળકનો પિતા મહેન્દ્ર આગળ આવ્યો અને જમીન પર પડેલા દડા તરફ આગળ વધ્યો. એ દડા સુધી પહોંચી શકે એ પહેલા મેદાનની વચ્ચે અટકી પડેલા શરીરે ચીલ ઝડપે દડો હાથમાં ઊંચકી લીધો. બાળકના પિતાની ગતિ અવરોધાય ગઈ. 

બાળક અને પિતા તરફ વારાફરતી નજર ફેરવી ફરીથી માત્ર ત્રણ ધગધગતા શબ્દો મેદાનમાં ગુંજી ઉઠ્યા. 

''યુ મસ્ટ બી ! "

બીજા હાથ વડે સનગ્લાસ ફરી આંખોનું કડક આવરણ બની ગયા. દડો હાથમાં થામી ઓફિસની બેગને ઝટકો આપી ખુન્નસભર્યા ડગલાં લિફ્ટની દિશામાં આગળ વધી ગયા. ગાર્ડન એરિયા અને પાર્કિંગ એરિયામાં હાજર દરેક બાળક, યુવાન અને વૃદ્ધ આંખો સામે નિહાળેલ વર્તનથી શોક્ગ્રસ્ત રહી ગયા.

પાછળ આવી રહેલું બાળકો અને વાલીઓનું ટોળું પોતાના શરીર નજીક પહોંચી શકે એ પહેલા લિફ્ટમાં ભરાઈ ગયેલા શરીરે ખૂબ જ ઝડપે પાંચમાં માળ માટેનું બટન દબાવી દીધું. ટોળું લિફ્ટ નજીક પહોંચ્યું જ કે લિફ્ટ બંધ થઇ અને પાંચમાં માળ તરફ ઉપરની દિશામાં ગતિ કરી ગઈ. નામની જ ક્ષણોમાં પાંચમાં માળે પહોંચેલી લિફ્ટનું બારણું ખુલ્યું. બે ફ્લેટ પૈકી એક ફ્લેટનું બારણું ખુલ્લું હતું. કચરાની બેગ લઇ એક સ્ત્રી લિફ્ટની દિશામાં આગળ વધી. 

"કેમ છો, વશિષ્ઠજી ? "

જાણે એ સ્ત્રી ત્યાં હતી જ નહીં અને કોઈ કશું બોલ્યું જ ન હોય એમ અત્યંત શાંત, મૌન જીવે બીજા એપાર્ટમેન્ટનું બારણું ખોલવામાં આવ્યું અને તરત જ અફાળીને બંધ કરી દેવામાં આવ્યું. એ અફળાટથી ડરી ગયેલી સ્ત્રી મૂંઝવણભર્યા હાવભાવો જોડે લિફ્ટમાં પ્રવેશી ગઈ. 

એપાર્ટમેન્ટમાં પ્રવેશેલા માનવી જોડે સવારથી સૂનુસટ્ટ, નિર્જન ફ્લેટ જાણે ગાઢ નિંદ્રામાંથી આળસ મરોડતું જાગી ઉઠ્યું.  ઓફિસની બેગ સોફા પર પટકાઈ. સનગ્લાસ નજીકના ટેબલ પર પટકાયા. 

રસોડામાંથી એક મોટો છરો ડ્રોવરમાંથી બહાર કાઢવામાં આવ્યો અને કસાઈની અદામાં એ છરો સાથે લઇ આવેલ દડા ઉપર નિર્દયપણે ફરતો રહ્યો. દડાના અવશેષો આખા રસોડામાં ઉડતા રહ્યા.

એ જ સમયે ફ્લેટની ડોરબેલ સતત વાગતી રહી. ફ્લેટની બહાર ઉભું ટોળું રાહ જોતું રહ્યું. પણ બારણું ન ખુલ્યું તે ન જ ખુલ્યું. 

ક્રમશ...


Rate this content
Log in

Similar gujarati story from Drama