Hetalba Vaghela

Drama Romance

2.9  

Hetalba Vaghela

Drama Romance

લીલીછમ લાગણી

લીલીછમ લાગણી

5 mins
273


"અમિત, એક વાત કહું..? "

  " હા, બોલને.. ! "

  " મારા ગયા પછી તું બીજા લગ્ન કરી લેજે.. પ્લીઝ! હા, આપણા બંને બાળકોને સાચવે એવી છોકરી સાથે જ લગ્ન કરજે હો ને..!"

  " અરે... ગાંડી, તને કંઈ થવાનું જ નથી. એમ થોડો મારાથી તારો પીછો છૂટવાનો છે. તારાથી વધુ સારી છોકરી દુનિયામાં છે જ ક્યાં...!આપણા બાળકોની મા પણ..!"

   " પણ.. આ કેન્સર મને નથી લાગતું... કે હું બચી શકીશ.. "

  " તું ચિંતા ના કરીશ. તને કંઈ થવાનું જ નથી. હું તને કંઈ થવા પણ નહીં દઉં... "

  " અમિત.. તું ડૉક્ટર સાથે એકવાર વાત તો કર."

  " કઈ બાબતે...? "

  " મારી પાસે કેટલો સમય છે... હવે... ? "

  " મારા શ્વાસ જ્યાં સુધી છે.. તેટલો સમય તારી પાસે પણ છે અવની.. "

   ( અમિત અને અવનીના પ્રેમલગ્ન થયેલા. ખુશહાલ લગ્નજીવનના પ્રતિક સમા બે પ્રેમ પુષ્પો એટલે માહી અને મિહિર. બંને હજુ ત્રણ ને પાંચ વર્ષના જ થયા ત્યાં તો અવનીને ગર્ભાશયમાં કેન્સરનું નિદાન થયું. જાણે, અમિત પર તો આભ તૂટી પડયું. સમય જાણે થંભી ગયો. )

   " અવની, તું આરામ કર...બાળકોને સુવડાવીને આવું છું.. "

   " સારું.. માહીને સ્ટોરી સંભળાવજે...!"

   ( અવનીએ દવા પીધી હોવાથી ઘેન ચડતા તે સૂઈ ગઈ. અમિતે બંને બાળકોને પ્રેમપૂર્વક વાર્તા સંભળાવી અને સુવડાવી બેડરૂમમાં આવ્યો. અવનીને ઊંઘતી જોઈ રહ્યો.. એના મુખ પર સ્મિત... એ સ્મિત કેટકેટલું કહી જતું. ક્યારેક અમિત ગુસ્સામાં હોય ત્યારે અવનિ એની સામે આવું જ સરળ સ્મિત રાખીને ઉભી રહેતી. અવનીને રજાઈ ઓઢાડી તે હોલમાં આવી સોફા પર આંખો બંધ કરી અવની વિશે વિચારવા લાગ્યો.. જાણે અત્યાર સુધીનું જીવન તેની સામેથી પસાર થઈ રહ્યું હોય એમ ભૂતકાળમાં સરી પડ્યો. એને એ પહેલો દિવસ યાદ આવી ગયો. જ્યારે પહેલી વાર મળ્યા હતા. કેટલો ગુસ્સામાં ગયેલો એ દિવસે હું..... )

​   " ક્યાં છે.. તમારા મેનેજરશ્રી.. આજે એમને મળ્યા વિના હું નથી જવાનો. મારો ચેક કેટલા દિવસથી અટકેલો પડ્યો છે.હું મારો બિઝનેસ સંભાળું કે અહીં ધક્કા ખાઉં... ક્યાં છે મેનેજર.. ?"

​   " સાહેબ,શાંત થાવ. એમની બદલી થઈ ગઈ છે. નવા મેનેજરે આજથી જ કાર્યભાર સંભાળ્યો છે. આજે રહેવા દો. હું એમની સાથે વાત કરીને જલ્દીથી જલ્દી તમારું કામ કરાવી દેવા પ્રયત્ન કરીશ.. "

​   " મેનેજર નવા છે. હું કે મારી તકલીફ નહીં. હું એમને મળ્યા વિના જવાનો નથી... "

  " સાહેબ, ઊભા તો રહો.. "

   " હેલો.. "

   " જી.. કહો, હું આપની શું મદદ કરી શકું.. ?.."

  " ત્.. ત્... મેનેજર..?

  " હું જ મેનેજર છું. અવની દેસાઈ આજે જ જોઈન કર્યું છે.. "

   " ઓહ્.. માફ કરજો.. પણ હું છેલ્લા એક અઠવાડિયાથી ધક્કા ખાઇને કંટાળી ગયો છું. એટલે જ થોડો ગુસ્સે થઈ ગયો.. બાકી. "

  " ધેટ્સ ફાઇન, આપ બેસો... હું જોઈ લઉં છું. શું કારણસર આપનું કામ અટકેલું છે. જેટલું બને એટલું ઝડપથી આપનું કામ પૂર્ણ કરાવવા પ્રયત્ન કરીશ.. "

  " ખૂબ ખૂબ આભાર, અવની... માય સેલ્ફ અમિત.. હું કન્સ્ટ્રકશનનો બિઝનેસ ચલાવું છું. મારા વાયદાઓ થકી જ મેં એક મુકામ હાંસિલ કર્યો છે. જો વાયદાઓ પૂરા ન થાય તો મારું નામ ખરાબ થઈ જાય. હું ના ઇચ્છું... એટલે જ.. ગુસ્સો આવી ગયો... "

  " ધેટ્સ ફાઇન.. હું વહેલી તકે આપનું કામ પૂર્ણ કરાવવા પ્રયત્ન કરીશ.. "

  " ઓહ્.. થેંક્યું વેરી મચ.. હું રજા લઉં... એન્ડ રીયલી નાઇસ ટુ મીટ યુ.. "

   " જી.. આભાર.. "

  ( એ મુલાકાત પછી હું તો જાણે એની સાથે બીજીવાર ક્યારે મળું એ જ રાહ જોવા લાગ્યો. એની એ નશીલી આંખો... "જી" બોલતાં ખીલતા ગુલાબસા હોઠ...એની આંગળીઓ દ્વારા વારંવાર હટાવાતી એના વાળની લટ.. કેટલી કામણગારી હતી... ગમે તેમ કર્યા છતાંય એને મનમાંથી દુર નહોતો કરી શકતો. બીજા દિવસે તો ઇશ્વર સામે હું પ્રાર્થના કરી બેઠો.. કે મારું કામ ના થાય અને હું ફરી અવનીને મળી શકું. બીજા દિવસની સાંજે તો મને કામ થઈ ગયાનો મેસેજ આવી ગયો. હવે કયા બહાને બેંકે જવું એ વિચાર જ મને આવ્યા કરતો હતો. ત્રણ દિવસ પછી તો રીતસર હું બેંકના રસ્તે નીકળી પડ્યો. ત્યાં તો ધોધમાર વરસાદ ને પવન પણ એટલો જ... ત્યાં દૂર જાણે એ અવની જ હોય એવું લાગતાં... મેં ગાડી એની સામે રોકી. એને જોતાં જ મારાથી અનાયાસે જ ગાડીનો દરવાજો ખોલાઈ ગયો. એ પહેલા તો ગભરાઈ ગઈ પછી મને ઓળખી ગઈ હશે કદાચ.. એટલે એક સ્માઈલ આપી. તેની સ્માઈલ જાણે મને ઘાયલ કરી ગઈ... )

  " આપ અંદર આવી જાઓ. વરસાદ સાથે પવન પણ ખૂબ જ છે. "

 " ના... ના... હું મેનેજ કરી લઇશ."

 " અરે.. આપ મારા પર વિશ્વાસ કરી શકો છો. હું આપને સુરક્ષિત પહોંચાડી દઈશ.. "

  " ઓહ્.. એવું નથી.. પણ તમને હેરાન કરવા મને યોગ્ય નથી લાગતું. "

  " ના પાડી ને દુઃખી કરવું એ યોગ્ય લાગે છે.. ? પ્લીઝ! બેસી જાવ. "

  " ઓકે.. મને આગળ ચાર રસ્તે મૂકી દેજો. ત્યાંથી મને વાહન મળી જશે. "

  " હું વિશ્વાસુ વ્યક્તિ છું. ઘર સુધી મૂકી જઉં તો કંઈ વાંધો.. ?"

  " અરે... પણ તમે શા માટે હેરાન થાઓ છો. હું જતી રહીશ.. "

  " જો, હું એમ કહું કે મને આ હેરાનગતિ ગમશે તો...? "

 ( એની ઝૂકેલી આંખોમાં એક શરમ મેં અનુભવેલી. એના ઘરે એના પપ્પા એકલા જ હતા. નાનપણમાં મા ને ગુમાવી ચૂકેલી છતાં કેટલી માયાળુ હતી. મને ચા-નાસ્તા વિના નીકળવા જ ના દીધો. પછી મેસેજની આપ-લે..ધીરે-ધીરે વાતો પ્રેમમાં ફેરવાઈ. થોડા સામાજિક વિરોધ વચ્ચે અમારા લગ્નના ઢોલ ઢબુક્યા‌.)

  હજુ બે મહિના પહેલા અવનીને કેન્સરનું નિદાન થયું એ પહેલાં એનો પ્રેમ, લાગણી, મમત્વ.. ઘરને મુજ પર ઓળઘોળ કરતી રહી હતી. જ્યારથી એના મનમાં મૃત્યુનો ભય પેઠો છે ત્યારથી એ પોતાની જાતને જાણે મારાથી દુર કરી રહી હોય એવું અનુભવાય છે. હું એને ક્યાંય નહીં જવા દઉં.

  " હેલ્લો, ડૉક્ટર સાહેબ... માફ કરજો. લેટ નાઈટ ફોન કરી આપને ડિસ્ટર્બ કરવા બદલ. જો અવનીનો ઈલાજ સત્વરે કરાવવું હોય તો કોઈ માર્ગ ખરો.. ? "

  " હા, જો એનું ગર્ભાશય કાઢી નાખવામાં આવે તો પણ એમાં થોડું રિસ્ક ખરું.. "

  " હાલમાં એ જે પરિસ્થિતિમાં જીવી રહી છે એના કરતાં તો મને રિસ્ક લેવું વધુ યોગ્ય લાગે છે.. "

  " હા, ડૉક્ટર તરીકે હું સો ટકા સાથ આપીશ. હું અવની ઠીક થઈ જાય તેવો જ પ્રયત્ન કરીશ.. બાકી ઈશ્વરની ઈચ્છા.. "

  " પણ એ તૈયાર નથી. મને બે દિવસ આપો.. "

  " ઠીક છે.. "

( બીજા દિવસે અમિત ટોપી પહેરી અવની સામે ઊભો રહ્યો.)

  " અમિત, કેમ ટોપી પહેરી છે?"

  " તારા માટે સરપ્રાઈઝ છે...!!"

 " શું..? "

 " આ જો.. "

 " આ.. આ.. તમે શું કર્યું અમિત.. તમારા ઘાટા કાળા વાળ... !!"

 " અવની, હું તને પ્રેમ કરું છું. તારા સ્વભાવને પ્રેમ કરું છું તારી સુંદરતાને નહીં. મને તું જોઈએ છે. તારો સાથ જોઈએ છે. પ્લીઝ! ઓપરેશન માટે માની જા.. "

  " ઠીક છે. અમિત! તમે તારીખ અને સમય નક્કી કરી લો.. હું તૈયાર છું."

   ઓપરેશનનો નક્કી કરેલા સમય પહેલા અમિત અવનીને હિંમત બંધાવી રહ્યો હતો. 

  " તું ચિંતા ના કરીશ.. બધું બરાબર થઈ જશે.. "

  " અમિત! એક વાત કહું..?"

  " બોલ ને.. "

  " દરેક જન્મમાં તમે જ મને મળજો."

  "આપણે આ જન્મમાં સાથે ઘરડા થવાનું છે. એકબીજાની લાકડી બનવાનું છે.એકબીજાના ચશ્માં શોધવાના છે. ચાલ, સમય થઇ ગયો છે."

   નિયત સમયે ઓપરેશન થયું. દુઆઓ અને ડૉક્ટરની મહેનત રંગ લાવી.. ઓપરેશન બાદ અમિત જ્યારે અવનીને મળ્યો ત્યારે એ જ મમતાળું સ્મિત એના ચહેરા પર ફરી વળ્યું...અમિત એને ભેટી પડ્યો... બંનેની આંખો રડી રહી હતી. 


Rate this content
Log in

Similar gujarati story from Drama