ગુલમહોર
ગુલમહોર


"હું શું કહું છું .... કે...."
"હં.. કે...પછી...."
"કે આપણે આ ગુલમહોર નું ઝાડ કઢાવી નાખીએ તો..."
"કેમ... "
"ઘર ના આંગણા માં વચ્ચોવચ્ચ છે એટલે... ઘર માં સૂર્યપ્રકાશ પણ પૂરો નથી આવતો ને આમેય કચરો પણ બહુ થાય છે .. આને કાઢાવી નાખીશું તો આંગણું પણ મોટું લાગવા માંડે...."
"મારી સામે ભલે કહ્યું... પણ બા સામે ગુલમહોર વિશે કંઈ વાત ન કરજે...."
"પણ શા માટે...? શું છે એવું આ ઝાડ માં...
"ના... કંઈ નહીં..બસ એમજ.. રહેવા દે એ વાત ..." ( આટલું કહી કિશોરભાઈ આંખો મીચી ને વિચારમગ્ન થઈ ગયા....ને તેમના પત્ની સુમન મનમાં પ્રશ્નો લઈને ત્યાંથી ઊભા થઇ કામે વળગ્યા....)
"બા..."
"હા... બેટા બોલ ને..." ( શારદાબા ને પૂજાઘરમાંથી બારે આવતા જોઈ કિશોરભાઈ તેમની બાજુમાં જઈ બેઠા...)
"બા...કાલે નાનકીની વાર્ષિકતિથિ છે તો બ્રાહ્મણ ને જમવા નું કે'તો આવ્યો છું... બીજું કાંઈ લાવવા કરવા નું હોય તો કહી દેજો..."
"ના .. બસ, મહારાજ જમી લે...એટલે બસ, ને એમને દક્ષિણા ને ફળો આપવાના છે..."
"સારું બા...."
(બીજા દિવસે બધું શાંતિથી પતી ગયું ને રાત્રે સૂતી વખતે ફરી સુમને વાત ચાલુ કરી...)
" હું એમ કહું છું કે આ ઝાડ માં એવું તે શું છે કે તમે તેને કપાવવાની ના પાડો છો... "
" મેં એક વાર તને કહ્યું ને કે ગુલમહોર ને કપાવાનો વિચાર તું છોડી દે...બસ..."
( પણ સ્ત્રી હઠ આગળ ક્યાં કોઈ નું કઈ ચાલ્યું છે... સુમને વિચાર્યું કે જો ઝાડ સૂકાઈ જશે તો કાપશે જ ને... ને એવું વિચારી તે દરરોજ રાત્રે બધા ના સૂઈ ગયા બાદ ગુલમહોરની આસપાસ ઍસિડ નાખવા લાગી..... થોડા દિવસો પછી....)
" કિશોર ... એ કિશોર...."
" હા.. બા શું થયું..."
" આ જોને ગુલમહોર ને શું થયું છે કેમ સૂકાઈ રહ્યું છે..."
" બા તમે ચિંતા નહીં કરો હું આજે જ તેમાં ખાતર નંખાવી દઉં છું..."
( ને કિશોરભાઈ એ એજ દિવસે ખાતર નંખાવી દીધું... પણ દરરોજ નખાતા એસિડ સામે વૃક્ષ વધુ ન ટકી ના શક્યું ને વધુ ને વધુ સૂકાતું ચાલ્યું... ને એને જોઈ જોઈ ને શારદાબા પણ ભીતરથી સૂકાતા ચાલ્યા... ઝાડને સૂકાતું જોઈ સુમન રાજી થતી પણ શારદાબાની દશા જોઈ એ જીવ બાળતી... તે બા ની ખૂબ સારી સંભાળ લેતી પણ બાની તબિયત દિવસે ને દિવસે લથડતી ચાલી...સુમન ને એક વાત મનમાં ખટકી રહી હતી કે કિશોરભાઈ બા ની સંભાળ લેતા પણ ગુલમહોર ને ફરી ખીલવવાના નકામાં પ્રયાસ શા માટે કરી રહ્યા હતા...? )
" બા તમે મને ના કહો તો મારા સમ .... તમે કેમ સાજા થવાનો પ્રયત્ન નથી કરતા..."
" બેટા ... તમે મારા માટે દીકરી સમાન જ છો તમારાથી શું છાનું રાખવાનું હોય પણ હમણાંથી મને એવું લાગ્યા કરે છે કે મારી દીકરી મને છોડીને જાય છે... ને એવું લાગ્યા કરે છે કે જાણે મ
ારો આતમ મારાથી દૂર થઇ રહયો છે..."
"બા .. એવું કેમ બોલો છો હું ક્યાં જાઉં છું તમને મૂકી ને...બા મારાં માઁ - બાપુ ના ગયા પછી મેં તમારા માં જ મારા માઁ બાપ બન્ને ને જોયા છે તમે જો મને મૂકી ને જાશો તો મારી છત્રછાયા હું ગુમાવી બેસીશ... તમે સાજા થઈ જાવ બા..."
(સુમન બોલી રહી હતી પણ શારદાબા દવા ના ઘેનમાં હતા...)
" સુમન બા ને ઊંઘવા દે તું આવ મારી સાથે..."( ને કિશોરભાઈ સુમન ને ગુલમહોર ના અડધાથી વધુ સૂકાઈ ગયેલા ઝાડ પાસે લાવ્યા...)
"સુમન બા ની આ અવદશાનું કારણ આ છે.. "
"એટલે..."
"હું સાત વર્ષનો હતો... બા ને બાપુજી એ દીકરી માટે કેટલીય માનતાઓ માનેલી ને આખરે માનતાઓ ફળી ને અમારા પરિવારમાં ત્રણ પેઢી પછી દીકરી આવી .... એટલે મારી બેન નાનકી...ઘર માં સૌની લાડકી...મને તો જાણે રમકડું મળ્યું હોય એમ હું રાજી થતો...મારી નાનકી સાથે મારા દિવસો ઉડતા ચાલ્યા .. ક્યારે મહિનાઓ ને વર્ષો વીત્યા ખબર જ ના પડી.... જ્યારે એ મને મોટાભાઈ કહીને બોલાવતીને ત્યારે મારું શેરલોહી ચઢી જતું.."
" એમના વિશે તમે પહેલા તો ક્યારેય વાત નથી કરી.."
" બાપુજી ના ગયા પછી બા ને સંભાળવા માં બહુ મુશ્કેલી પડેલી પણ નાનકી ને જોઈ ને બા એ પોતાના મન ને મજબૂત બનાવેલ.... પણ..."
" પણ...શું થયું તું..."
" એ દસ વર્ષ ની હતી જ્યારે એને પહેલી વખત ચક્કર આવ્યા'તા...અમે તરત એને દવાખાને લઈ ગયા... પણ ચોક્કસ નિદાન ના થતાં શહેર લઈ ગયા... ને ત્યાં ના ડૉક્ટરે નાનકી ને કેન્સર નું નિદાન કર્યું....ને ત્રણ વર્ષની અવધિ આપી...બા તો આ સાંભળી, પડી જ ભાંગી... પણ મારી નાનકી બહુ હિમ્મતવાળી બા ને કહે...."બા તું ચિંતા નહીં કર હું તને છોડી ને ક્યાંય નહીં જાઉં..."....
"અરરર... આટલી નાની ઉમર માં કેન્સર..."
"હમ્મ...એ ત્રણ વર્ષ માં અમે એને જીવનભર ની ખુશીઓ આપવા ઇચ્છતા હતાં... અને અમે પ્રયત્ન પણ કરતા...એક સવારે તેણે આ ગુલમહોર વાવવા કહ્યું.. જ્યારે બા એ ગુલમહોર વાવવા નું કારણ પૂછ્યું... તો કહેવા લાગી " બા મને એના ફૂલ બઉ ગમે છે... ને મને ખબર છે કે હું હવે વધુ નહીં જીવું.. પણ બા હું આ ગુલમહોરમાં સદાય તમારી સાથે રહીશ...હું ગુલમહોરમાં ફૂલોની સુવાસ થઈ ને મહેકીશ...ને ઝાડ મોટું થાય ને બા તો તું સમજજે કે હું મોટી થાઉં છું...હું આ ગુલમહોરમાં સદાય તમારી સાથે રહીશ..." ને અમે એ વખતે એને રાજી કરવા આ ગુલમહોર વાવેલો.....ને જ્યારે ગુલમહોરમાં પહેલું પુષ્પ ખીલ્યું ત્યારે એ ખૂબ હરખાયેલી ને એ હરખ એ એનું હાસ્ય આખરી હતું......"
"ઓહ....."
"એટલે જ બા ગુલમહોરની આટલી કાળજી લેતી પણ ખબર નહીં છતાંય એ કેમ સૂકાઈ ગયું...."
(ને સુમન હૈયાફાટ રુદન કરવા લાગી ને જઇ ને પસ્તાવા રૂપી અશ્રુધારાથી શારદાબા ના ચરણ ધોવા લાગી... પણ બા હવે નોહતા રહ્યા....કિશોરભાઈ ને જ્યારે બધી વાત ની જાણ થઈ ત્યારે એ પણ પસ્તાવો કરવા લાગ્યા કે જો પહેલીવારમાં જ સુમન ને બધું જણાવી દીધું હોત તો કદાચ આજે બા ......ને થોડા દિવસો પછી કિશોરભાઈ ને સુમન બંને બા વિનાના ઘર ને ગુલમહોર વિનાના આંગણા ને અશ્રુભરી નજરે જોઈ રહ્યા....!)